MP3 Audio
*
નામનો વેપાર, એક એવો નામનો વેપાર,
કરિયે અમે નામનો વેપારજી
તોડી દીધાં મોહતાળાં જનમીને સંસારજી
વિષયનો રસ મુકી દીધો માનીને અંગાર.... કરિયે અમે
કાળા-ધોળા મોટા-નાના મુક્યા છે વેપારજી
એક પ્રભુની પ્રીત બાંધી, તોડ્યા સૌ વે' વાર.... કરિયે અમે
સ્વર્ગ સમાયું, વૈકુંઠ વ્યાપ્યું નામને વેપારજી
મુક્ત્તિ અમને છે મળી પેલા નામની રસધાર.... કરિયે અમે
શાંતિ સુખની છોળ ઊડે, વરસે અમૃતધારજી
રોમરોમ બને રસે જ્યાં નામમાં એકતાર.... કરિયે અમે
ઝેરજ્વાલા તાપની ભયશોક છેક અસારજી
નામથી ઉધ્ધાર થાયે, ખાય મૃત્યુ માર.... કરિયે અમે
નામ આધારે નચિંત બેઠા મુકી અમે જંજાળજી
'પાગલ' બનતા પ્રભુ અમારે કરિયા અમને પાર.... કરિયે અમે
- શ્રી યોગેશ્વરજી