પરમધન મુજને પ્રાપ્ત થયું.
શાંતિ મળી ઊંડી અંતરની,
દૈન્ય સમસ્ત ટળ્યું;
અમૃતત્વનો આસ્વાદ મળ્યો,
ભાગ્ય બધુંય ફર્યું ... પરમધન
આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી ને,
ઉર અજવાળું થયું;
પ્રેમપિયૂષ તમારું પામ્યો,
ચરણે ચિત્ત ઠર્યું ... પરમધન
જનમજનમની મટી દીનતા,
જીવનદાન મળ્યું;
પ્રસન્નતામાં મળી ગયું મન,
મૃત્યુ ક્યાંય મર્યું ... પરમધન
જ્યોત સનાતન જાગી ઉરમાં,
ધ્રુવપદ આજ જડ્યું;
'પાગલ' દર્શન દુર્લભ મળિયું,
અંગેઅંગ અડ્યું ... પરમધન
- શ્રી યોગેશ્વરજી