MP3 Audio
*
ભાગ્ય મળ્યું મને ભારે,
સંસારમાં ભાગ્ય મળ્યું મને ભારે.
દેહ છે મળ્યો આ દુનિયામાં ત્યારથી
પ્રીતડી થઇ તારે મારે;
સ્નેહની સિતારી મારી સ્હેજે છૂટી રહી,
તુંહિ ગીત ઉઠ્યું પ્રાણતારે ... સંસારમાં
રગરગમાં રાગ એક તારો રમી રહ્યો,
પ્રેમ તારો આંખને ક્યારે,
તારા જ ધ્યાનમાં ડૂબી ગયો હું
હરસ્થળ ને હરકાળે ... સંસારમાં
અંતરના ઉપવનમાં આનંદ આપતી,
ખીલી વસંતઋતુ જ્યારે,
ચરણોમાં અર્પ્યો મેં પુજનના ભાવથી
વૈભવ બધો એનો ત્યારે ... સંસારમાં
દુઃખ તેમ મૃત્યુ ને કોટિક ક્લેશ ભલે
દુનિયાના લોકને ડારે;
હું તો નચિંત બન્યો, રથની લગામ તે
ધારી છે હાથમાં પ્યારે ... સંસારમાં
અંગારે જલતા આ અંતરની આરજે
વ્હાલે ભરાઇને વ્હારે;
પ્રેમ ને કૃપાની પ્રસાદી ભલે
'પાગલ' આ પ્રાણને કાળે ... સંસારમાં
- શ્રી યોગેશ્વરજી

