તું માનવ, ઈશ્વર છે !
ફગાવ આશા, બંધ બધાયે તોડીફોડી દે,
દુઃખદર્દને દફનાવી દે, કાલનિયંતા હે ! ... તું માનવ
મહિમા તારો સમજી લે જ્યાં હારે શ્રુતિસ્મૃતિયે,
પુરાણ પુરષોત્તમ તું, પડદો દુર હટાવી દે ... તું માનવ
પૂર્ણાનંદ પરાત્પર સ્વામી, પૂર્ણસત્ય સુખ હે !
વાસનાતણો દાસ મટી જા, પ્રેમતણો પથ લે ... તું માનવ
નિત્યમુક્ત ને નિત્યનિરંજન, નિત્યશુદ્ધ શુચિ હે !
ઉઠ હટાવી દે તમ, સ્થિત થા સમ્રાટપદે રે ! ... તું માનવ
દાનવમાંથી માનવ થા, થા અંતે ઈશ્વર ને,
સ્વાર્થ મોહ ને ક્ષુદ્ર વાસના કરતી જંતુ તને ... તું માનવ
ઉન્નત શિર કર, ગૌરવ મુખ ધર, ભેટી લે સૌને,
મંગલ મહિમામાં સ્થિત થા તો, અસાધ્ય શું તુજને ? ... તું માનવ
- શ્રી યોગેશ્વરજી