દરેક વખતે તમે તમારું લઈ અલૌકિક રૂપ,
પ્રકટ થાવ છો આ પૃથ્વી પર સુંદર પૂર્ણ અનૂપ;
નિયમ નથી કૈં એવો કોઈ; સ્વતંત્ર પૂર્ણ તમે,
જે ધારો તે રૂપે પ્રકટો, જાણ્યું એમ અમે.
સાધારણ રૂપમહીં વારંવાર તમે ગાઓ,
સામાન્ય બનીને આ જગમાં આવો ને જાઓ.
અલૌકિક ધરી રૂપ સદાયે અવતાર તમે લો,
નિયમ નથી કૈં એવો કોઈ, જગને જીવન દો.
રૂપ તમારું બડભાગી ને વિરલા કોઈ હોય,
તે જાણે ને માણે પામી કૃપા તમારી કોય;
‘પાગલ’ બનતા જાણી લીધાં, કર્યો તમોને પ્રેમ,
ભાગ્ય ખરેખર મારું માનું, વરદાન ગણું તેમ.
- શ્રી યોગેશ્વરજી