દાંભિકને દેવ સદા દોહ્યલાં.
કરે કોટિ કો' ઉપાય, કરે કોટિ છો ઉપાય,
કાળા મટે ન કદિ કોયલા ... દાંભિકને
તીર્થધામમાં ભમે ભાવથી, વસે વિજન વનમાં,
સરિતામાં સ્નાન સદાય કરે, રાખ ચોળે તનમાં ... દાંભિકને
વૈરાગી વસે ના મકાનમાં, કરે ફળનો આહાર;
કૌપીન ધારે અંગ એકલું, કરે મુનિનો આચાર ... દાંભિકને
મ્હાલે કથા તેમ કીર્તને, ઘણા આપે ઉપદેશ;
ગ્રંથોના ગૌરવને ગાય છો, ધરે મનગમતા વેશ ... દાંભિકને
કામક્રોધ નિર્મૂળ થાય ને મરે મનડુ નહીં,
આનંદ ત્યાં લગી ના આવશે, ગયા સંતો કહી ... દાંભિકને
અંદરબહાર બને એક જે, કરે પ્રભુ સાથે પ્રેમ,
જીતે છે જિંદગીનો જંગ તે કરી લે છે ને ક્ષેમ ... દાંભિકને
તેથી કહું છું દંભ ત્યાગજે કૃપા કરશે તો દેવ,
'પાગલ' બનીને સત્ય પ્રેમથી કરી એની લે સેવ ... દાંભિકને
- શ્રી યોગેશ્વરજી