જુનો જાય અંધાર દીવો દીલડામાં થાય જો.
સુનો થાય સંસાર, દીવો દીલડામાં થાય જો.
પરબ્રહ્મનો પ્રકાશ બ્રહ્માંડે ભાસતો,
ત્રિભુવનને તેજથી પલાળતો પ્રકાશતો,
જોડાય તેનાથી તાર
દીવો દીલડામાં થાય જો ... જૂનો જાયે અંધાર
અંધારી આંખલડી અમૃતથી ઓપતી,
આનંદે અંજાય સ્નેહથકી શોભતી;
વામે સઘળાં વિકાર,
દીવો દીલડામાં થાય જો ... જૂનો જાયે અંધાર
ભેદભાવ ભાગે અભેદભાવ જાગે,
વીણા ને ધન્યતાની અનુરાગે વાગે;
જીવન થાયે રસાળ,
દીવો દીલડામાં થાય જો ... જૂનો જાયે અંધાર
સંયમના સાધનમાં પ્રેમતણી વાટ હો,
જ્ઞાનતણા ઘૃતથી જવલક્ષ અહો રાત હો,
સાંપડી જાયે તો સાર,
દીવો દીલડામાં થાય જો ... જૂનો જાયે અંધાર
'પાગલ' પ્રેમ ધરી દીવો પેટાવજો,
અંતારા અંતરને આજે ચેતાવજો,
રાત્રી રહે ના લગાર,
દીવો દીલડામાં થાય જો ... જૂનો જાયે અંધાર
- શ્રી યોગેશ્વરજી