તમારા વિના હવે અમે ક્યાં જઈએ !
બીજા કોના કહોને થઈએ !
પ્રકટેલી પ્રીત નહીં પ્રાણે અમારા ત્યારે
કાળજું કુંવારું કહેવાતું;
બદલાયો ખેલ પછી પાત્ર પલટાઈ ગયાં,
એકલું નથી રહેવાતું
દૈવી દરદ સદાયે સહિયે ... તમારા વિના
સ્વર્ગ છો તમે ને તમે મુક્તિ અમારી,
રિદ્ધિ સિદ્ધિ ને નિધિ ન્યારી,
જીવન છો, ચેતના છો, આતમ છો અંગ કેરા,
અમે તો ક્યારી તમે માળી,
છોડી તમોને કહો ક્યાં રહિયે ? ... તમારા વિના
વ્હાલની તમારી વેણુ વાગી રહી છે હૈયે,
તમારો જ સંભળાયો સાદ;
સરિતાને સાગરના સંગમને માટે
જાગ્યો એક અનાહત નાદ.
તમને દાન બધુંયે દઈએ ... તમારા વિના
- શ્રી યોગેશ્વરજી

