તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
શાંતિ મુક્તિ પૂર્ણતાની રાગિણી જાગે નહીં.
ચિત્રના વરસાદથી ઉકળાટ કૈં ભાગે નહીં,
મૃગજલતણા વારિથી પણ શાંતિ કૈં લાગે નહીં;
તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
ધન્યતાને વર્ષતી વીણા કદી વાગે નહીં.
પુષ્પ કાગળનું કર્યું પણ વાસ તે આપે નહીં,
કલ્પના સરિતાતણીયે પ્યાસ કૈં કાપે નહીં;
તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
શાંતિ મુક્તિ પૂર્ણતાની રાગિણી જાગે નહીં.
જ્યાં સુધી નયનો તમારી સુધામાં રાચે નહીં,
પ્રાણ 'પાગલ' તમારા ચરણોમહીં નાચે નહીં;
તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
ધન્યતાને વર્ષતી વીણા કદી વાગે નહીં.
- શ્રી યોગેશ્વરજી

