મારા સમો સુખી ના કોઈ આ સંસારમહીં;
શાંત પ્રસન્ન વળી પુલકિત ના કૃતાર્થ તેમ કહીં ... મારા સમો
જેણે પ્રેમ તમારો પીધો, ધર્યો તમોને પ્રાણ,
ભરયૌવનમાં તન-મન-અંતર કેરું દીધું દાન;
પળ પળ ગુંથી ગીતમાળને પહેરાવી તમને,
જેની રગમાં ને અણુઅણુમાં રમતાં એક તમે ... મારા સમો
બડભાગી કો મારા જેવો જેનો પીધો પ્રેમ,
દિલનું દાન દઈને બેઠાં તમેય પાગલ જેમ;
મોહાયાં અંજાયાં તેમજ બંધાયાં પ્રેમે,
પ્રેમપીંજરે પુરાયલાં છો, છુટતાં ના કેમે ...મારા સમો
લક્ષ્મીના ઢગને શું કરવા, કીર્તિના ના કોડ,
શરીરસુખની નથી વાસના, પાડ્યો પહેલાં ફોડ;
શ્રી સંપત્તિ અમૃતપદ ને યશની ઈચ્છા હોય,
તેય તમારા કૃપાકટાક્ષે પામી લેશે કોય ... મારા સમો
જગમાં જન્મી થયો તમારો ભાગ્ય એ જ મારું,
ત્રિલોકની મિલ્કતને સારૂ ચરણમહીં વારું;
દુ:ખદર્દ ના, ચિંતાયે ના, બંધન ના કોઈ,
પામી લીધાં તમને મેં તો રાતદિવસ રોઈ ...મારા સમો
હવે તમારી સુખદ સોડમાં આનંદ કરું હું,
દૃષ્ટિ એક કરી દૃષ્ટિમાં સાનંદ ફરું છું;
આલિંગનમાં એક બનીએ, કથની ગૂઢ કહી;
કોઈની ના બીક ભલેને જાયે વખત વહી ... મારા સમો
શ્વાસોશ્વાસ ભલેને ચાલે ઉત્સવ કરતાં એમ,
જીવન કૈંનાં મંગલ થાયે સંગ લસીને રે’મ;
કલ્પો લગ છૂટાં ના પડશું, રમશું સાથ રહી,
દ્વંદ્વાતીત બનીને ફરશું, કરશું દિવ્ય મહી ... મારા સમો
- શ્રી યોગેશ્વરજી

