પ્રબળ બનેલો પ્રેમ, તૂટે હવે કહોને કેમ ?
રગરગ વ્યાપ્યો પ્રેમ, તૂટે હવે કહોને કેમ ?
દર્દ મળે કે દુઃખ પડે છો, આવે સંકટ તેમ;
હસતાં હસતાં કંટકપંથે વધવું વીરની જેમ.
નિરાશ ન થવું કેમ ...
માન મળે અપમાન થાય ને નિંદા કરતા કોક;
ફૂલમાળથી શણગારે તે ત્યાગી દેતા લોક.
સેવું તો પણ કેમ ! ....
હાડ સુકાયે, લોહી ખૂટે, શરીર ટાઢું હેમ;
ચિંતા તેમજ વધે વેદના, વાગે શૂળી જેમ
તો પણ દિલનો પ્રેમ ....
આંસુ થકી ના અકળાયે ને, હિંમત ના હારે;
ગરલ થકી ના ગભરાયે તે તરે તેમ તારે,
કરતો સાચું ક્ષેમ ....
દિવસરાત વધતો ચાલે એ, જરા-વ્યાધિથી દૂર;
નસનસમાં પ્રકટ્યો છે જાણે, આવ્યું રસનું પૂર.
‘પાગલ’ કરતો રે’મ ....
- શ્રી યોગેશ્વરજી