વારિની વિશાળતા ના મુજને વરે,
પૂજાની માળા ભલેને કોઇ ના ધરે,
સાગરસમાન મારો પાર ના પમાય,
જે જે મળે તેને ભલે નેહથી નમાય.
સાગર થવાની મને કામના નથી,
અંતરની વાત આજે દીધી મેં કથી;
પાણીનો પ્રવાહ બની વહું ભલે રોજ,
સ્ત્રોત થઇ કરું સદા સ્વરૂપની ખોજ.
મુક્ત રીતે વહેવાનો અનેરો છે રંગ,
સાધનાનો કરવાનો ઉત્સાહથી જંગ;
તેમાં છે સંતોષ મને, તેમાં છે આનંદ,
સરળ બની વહું તજીને પાખંડ.
કોકની આંખોને ઠારું, વટેમાર્ગુ કોક,
આવે તેનો ફેરો કદી કરું નહિ ફોક;
કોક રસિયાનો બનું વિમુક્ત વિહાર,
નિરાશ કોઇનો થઉં આશાનો મિનાર.
અખંડ ઉત્સાહ તેમ કર્મતણું ગાન,
ગાઇને વહું, ભલેને મળે નહીં માન;
પ્યાસીની મટાડું પ્યાસ એટલો સંતોષ,
શાંતિ આપે તેમ ભરે મારામહીં જોશ.
- શ્રી યોગેશ્વરજી

