Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તું પ્રેમ કરી લે, આશ ભરી લે,
શ્રદ્ધા કેરું સુકાન કરી લે, આ જીવનમાં પ્રેમ કરી લે !

તું પ્રેમ કરી લે, પ્રવાહ બનતાં સૌને કાજ વહી લે,
ના નિરાશા થા કે ડગ ના કોદી, પ્રેમ-દેવ સેવી લે !

છોડ અહંતા, જૂઠી મમતા, રાગદ્વેષને દૂર કરી દે,
કામક્રોધ ને દુર્ગુણ સામે લડ ને અંતે વિજય વરી લે.

અભિમાન જરીપણ ફેંકી દે, લોભ લાલસા દિવ્ય કરી દે,
પરહિતમાં તત્પર બન, તારું જીવન-મંગલ ખરું કરી લે.

મદમત્સર ને ઘમંડ છોડી શુચિતાનો શણગાર સજી લે,
સરલ બની લે, શાંતિ લભી લે, જીવન તારું તીર્થ કરી દે.

પ્રેમદયાથી ભૂષિત બન, બન સત્ય પથતણો પાંથ લગીરે,
વિશુદ્ધ કર અંતરને, તેની ફોરમથી અંગાંગ ભરી દે.

રાતદિવસ કર ખેતી તારી, મધુર ફલતણી પ્રાપ્તિ કરી લે,
જીવનમરણ દ્વંદ્વથી પર થા, મંગલતાનું પાન કરી લે.

નામ-નાવથી ભવસાગરમાં સલામત બની સફર કરી લે,
સંસારમહીં સ્વર્ગથકી વધુ આનંદ કરી મુક્ત બની લે.

અવસર આવો મળ્યો તને આ, માનવનો તો પૂર્ણ બની લે,
‘પાગલ’ બની ધન્ય કર જીવન, જ્ઞાને અંતર અજવાળી લે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit