એમનું એ સર્વસમર્પણ સભાન ને જ્ઞાનયુક્ત હતું. એ સમર્પણ કોઈ પર્વત કે શિવલિંગને નહોતું થયું, મંદિરને પણ નહોતું કરવામાં આવ્યું, પરંતુ સંસારની સર્વોપરી સત્તાને કરવામાં આવેલું. અરૂણાચલ પર્વત, શિવલિંગ, સઘળું એના પ્રતીકરૂપ હતું. એ સૌમાં પરમાત્માની એ પરમસત્તા વ્યાપક બનેલી.
અરૂણાચલના આશ્રયે આવવાથી એમને એવું લાગ્યું કે પોતે જે પરમપિતાની પ્રેમમયી ખોજ ખાતર ઘરનો ત્યાગ કરેલો એ પરમપિતાના આશ્રયમાં આવી પહોંચાયું છે. એ આશ્રય એવો છે જે કાયમને કાજે કલ્યાણકારક ઠરશે ને પોતાનું આત્મિક અભ્યુત્થાન કરશે. જે અનંત, અનાદિ, અજરામર, સૂક્ષ્માતિસૂક્ષ્મ, પરમાત્મતત્વ વિશ્વમાં વ્યાપક છે એ જ અરૂણાચલના સ્વરૂપે મૂર્તિમંત બન્યું છે; એ જ એમની અંદર છે, અને એ જ સમસ્ત સૃષ્ટિના સર્જક, પાલક, સંહારક પરમપિતા છે એ સત્યનો સાક્ષાત્કાર એમને થવા લાગ્યો. એ સાક્ષાત્કાર બૌદ્ધિક હતો. એને અનુભવાત્મક બનાવવાને માટે એમને ઈચ્છા થઈ. એ ઈચ્છાની પૂર્તિ સમ્યક્ સુદીર્ઘ સમયની સાધના સિવાય શક્ય ન હતી. એને માટે અધિક ને અધિક અંતર્મુખ થવાની આવશ્યકતા હતી, અને અરૂણાચલનું એકાંત શાંત વાતાવરણ એવી ઉત્કટ અંતર્મુખ સાધનાને માટે અનુકૂળ લાગ્યું.
અરૂણાચલનું આકર્ષણ એના અંતરમાં ઘણું ભારે હતું. એ અનેરૂં અજબ આકર્ષણ કિશોરાવસ્થામાં જ અનુભવાયેલું. પૂર્વના પ્રખર સંસ્કારોના પરિણામે પેદા થયેલું એ આકર્ષણ ઉત્તરોત્તર વધતું ગયું ને છેવટે પરાકાષ્ઠા પર પહોંચ્યું. ભગવાન અરૂણાચલ જ પોતાના મંદ પડેલા મહિમાને પુનર્જિવિત કરવા ને પરિપુષ્ટ બનાવવા એમને ઘોર તંદ્રામાંથી જગાડીને એમના પ્રેમાળ પથપ્રદર્શક બનતાં પોતાની પૂર્વયોજનાનુસાર એમને આટલે દૂર લઈ આવ્યા. પરમપિતા અને એમના પ્રામાણિક પ્રેમી પુત્રનું એવી રીતે મિલન થયું. એ પ્રાથમિક મિલન ક્રમેક્રમે મજબૂત અને આત્મીય બનતાં કેટલું બધું શ્રેયસ્કર ઠરશે અને એમાંથી અસંખ્ય આધ્યાત્મિક પિપાસુઓને પ્રેરણા પાતો કેવો અમર ઈતિહાસ રચાશે તેની કલ્પના એમને અથવા બીજા કોઈને એ વખતે ક્યાંથી હોઈ શકે ?
પંચમહાભૂતાત્મક પાર્થિવ શરીરમાં રહેલી શરીરને જીવન અથવા પ્રાણપ્રદાન કરનારી પરમચેતનાના અનુભૂતિના પ્રસંગ પરમાત્માની પરમકૃપાથી એમના જીવનમાં બાળપણમાં જ બની ચૂકેલો. એને લીધે શરીરથી પૃથક્ ચેતનાનું જ્ઞાન-અનુભવગમ્ય જ્ઞાન એમને પ્રથમથી જ થઈ ચૂકેલું. એ પરમચેતનાના સતત સાક્ષાત્કાર અથવા અનવરત અખંડ અનુભવને માટે સવિશેષ સાધના અથવા તપશ્ચર્યાની આવશ્યકતા હોવાની વાતને એ સહેલાઈથી સમજી શક્યા. શરીરથી પર પરમચેતનામાં એમના મનની પ્રતિષ્ઠા પૂરેપૂરી નહોતી થઈ શકી એનું એમને ભાન હતું.
એ જમાનામાં દક્ષિણ ભારતમાં સંન્યાસની પ્રથા પ્રવર્તમાન હોવાથી વેંકટરામનનું મન એ તરફ સ્વાભાવિક રીતે જ ખેંચાવા લાગ્યું. એમને સમાજમાં પ્રચલિત સંન્યાસની પ્રથા પોતાની પ્રકૃતિને માટે અનુરૂપ ના લાગી. સંન્યાસને નામે બાહ્ય દેખાવ ને બાહ્ય સાધનોનો આશ્રય લેવાનું એમને ઉચિત ના લાગ્યું. એની વિધિપૂર્વકની દીક્ષા એમને આકર્ષી ના શકી. સંન્યાસાશ્રમનો વિધિપૂર્વક અંગીકાર કરવાથી કેટલીય કઠિનતાઓ દૂર થઈ જાય છે ને વ્યાવહારિક તથા સાધનાવિષયક અનુકૂળતાઓ સહજ બને છે એનો ખ્યાલ હોવાથી એમણે પોતાનું થોડુંક બાહ્ય પરિવર્તન આવશ્યક અને ઉપયોગી માન્યું.
એમના જીવનના દીક્ષાગુરૂનો પ્રશ્ન પણ મહત્વનો હતો. એમણે કોઈકને તો પોતાના દીક્ષાગુરૂ બનાવવા જ જોઈએ. પરંતુ એમના દીક્ષાગુરૂ બને કોણ ? એવી શક્તિ કોનામાં હતી ? અને હોય તો પણ એવા શક્તિસંપન્ન કોઈ બાહ્ય લૌકિક ગુરૂની આવશ્યકતા ખરેખર હતી ખરી ? ચંદ્ર ને સૂર્યનો પ્રકાશ જેને પ્રાપ્ત થયો હોય તેને આગિયાની આવશ્યકતા રહે છે ખરી ? હીરામાણેક ને ઝવેરથી સંપન્ન હોય તેને કથીરની પ્રીતિ શેષ રહે છે ખરી ? વેંકટરામન પૂર્વના પવિત્રતમ પ્રખર સંસ્કારોથી સંપન્ન હતા. અરૂણાચલના આશ્રયે આવતા જ એમની સમસ્ત ચિત્તતંત્રી વાગી ઊઠેલી. અરૂણાચલ એમના પરમ પથપ્રદર્શક થયેલા. એમની અંદર એમને એમના ને સમસ્ત સંસારના ગુરૂનું દર્શન થયું. એમને થયું કે એ પૂર્વે થયેલા પરમપુરુષોના પણ પરમપ્રેરક પ્રકાશદાતા ગુરૂ છે : અનંતકાળથી અનુપ્રાણિત કરનારા મહાગુરૂ છે. એ ગુરૂના ગુરૂ અરૂણાચલની પાસે પહોંચ્યા પછી બીજા કોઈ લૌકિક ગુરૂની આવશ્યકતા રહે છે ખરી ? એમણે મુખને ખોલીને કોઈ સદુપદેશ કે મંત્ર નથી આપ્યો, પોતાનો પાર્થિવ સ્પર્શ પણ નથી કર્યો, પરંતુ પોતાની દૈવી શક્તિથી પોતાને શાસ્ત્રવચનોનો અસાધારણ સાર સમજાવ્યો છે ને જીવનકલ્યાણનો મંત્ર પૂરો પાડ્યો છે. પોતાના અદ્ ભુત સ્પર્શથી એમણે અંતરના સઘળા સુષુપ્ત સંસ્કારોને જાગ્રત કર્યા છે. પોતાનું ગુરૂપદ શોભાવવાની શક્તિ એમના વિના બીજા કોઈમાં ક્યાંથી હોઈ શકે ?
વેંકટરામને અરૂણાચલમાં ગુરૂભાવ પ્રસ્થાપિત કરીને વિદ્વત્ સંન્યાસ લેવાનો વિચાર કર્યો. એ પ્રકારના સંન્યાસમાં કોઈ વિશેષ વિધિપાલન નથી કરવાનું હોતું. એમણે વસ્ત્રો ઉતારી નાખ્યાં, વધેલા પૈસાનો પરિત્યાગ કર્યો, ને કપડાંને ફાડીને કૌપીન ધારણ કરી લીધું. સમાજ સાથેનો બાહ્ય સંબંધ એવી રીતે પૂરો થયો.
હવે માત્ર એમના બ્રાહ્મણત્વનો પરિચય કરાવનારું યજ્ઞોપવીત બાકી રહ્યું. એમને થયું કે આને પણ શા માટે રાખવું જોઈએ ? પોતાને ઓળખાવનારા એવા અલગ ચિન્હની કોઈ આવશ્યકતા નથી. એવું સમજીને એમણે યજ્ઞોપવીતનો પણ ત્યાગ કર્યો.
એમના મસ્તક પર લાંબા, કાળા ભમ્મર જેવા કેશ હતા. એ કેશને પણ એમણે કઢાવી નાખ્યા. સાધનાપરાયણ જીવન જીવવા માટે એમની લેશપણ આવશ્યકતા ન હતી. અરૂણાચલના આકર્ષક મંદિર પાસે એક દિવસ એ ફરી રહેલા ત્યારે એમને કોઈ હજામે પૂછ્યું કે, દાઢી કરાવશો ? એમણે એને હા કહી. એ તરૂણ ત્યાગીની સંમતિ મેળવીને હજામે પોતાનું કામ પૂરું કર્યું.
વેંકટરામને કૌપીન ધારણ કરીને બ્રહ્મચર્ય વ્રતનો નિર્ણય કર્યો ને મૌનવ્રત લીધું ત્યારે એમના જીવનનો એક તબક્કો પૂરો થયો ને બીજા સોનેરી તપસ્યામય તબક્કાનો પ્રારંભ થયો. તપશ્ચર્યાની તીવ્ર લગની તથા એકાંતનો અનુરાગ હોવાથી મૌનવ્રત એમને ધારણ કરવું ના પડ્યું, પરંતુ એમને માટે સ્વાભાવિક થઈ પડ્યું. જેને લાંબા વખત સુધી ઉત્તમ પ્રકારની સાધનાનો આશ્રય લેવાની અભિલાષા હોય તેને માટે એકાંતસેવન અને મૌનવ્રત રસાયનરૂપ બને છે. એ દ્વારા એ પોતાના સમસ્ત સમયને સાધનામાં લગાડી શકે છે ને મોટા ભાગના બહારના વિક્ષેપોમાંથી મુક્તિ મેળવે છે. અંતરંગ સાધનાની સિદ્ધિમાં એમનો સહયોગ ઘણો મહત્વનો છે. એ દ્વારા મનની શાંતિ પણ સહેલાઈથી મળે છે. વેંકટરામનને એની માહિતી હોવાથી એ સાધનોને એમણે આનંદપૂર્વક અપનાવી લીધાં. ઈશ્વરે પોતાના પરમ અનુગ્રહને પરિણામે એમના જીવનમાં આ પ્રકારની અનુકૂળતા કરી આપી એથી એમનું અંતર એક પ્રકારના અનેરા આહલાદથી ઊભરાઈ રહ્યું. હવે એ અનુકૂળતાનો પોતે લાભ જ ઉઠાવવાનો બાકી હતો. જે સમય મળ્યો છે તે સોનેરી છે અને એ સમયનો સદુપયોગ કરવામાં આવે તો જીવન ઉજ્જવળ ને ધન્ય બની શકે એમાં સંદેહ નથી.