if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ સુંદર દિવસ પહેલી સપ્ટેમ્બર ૧૮૯૬નો હતો. વહેલી સવારે ટ્રેન મારફત આગળ પ્રવાસ કરવાનો પ્રારંભ કરતાંવેંત જ વેંકટરામનની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમનું અંતર ઉત્સાહયુક્ત થઈને ઉછળવા લાગ્યું. સ્વગૃહે જતી કોડીલી કામણગારી કન્યાની જેમ અંતર આનંદથી આપ્લાવિત બનીને નાચવા મંડ્યું. જેના દર્શનની લાંબા વખતથી લગની લાગી છે, જેના શાંત શીતળ સુખમય સહવાસમાં શ્વાસ લેવાની ઉત્કંઠા કાળજાને સુદીર્ઘ કાળથી કોરી ખાય છે, ને જેના સ્વર્ગીય સંસર્ગમાં સાધના કરવાની અભિલાષાનો આવિર્ભાવ અંતરમાં કોણ જાણે કેટલાય વખતથી થઈ ચૂક્યો છે : જેની સંજીવનપ્રદાયક, તારક, ઉદ્ધારક, શીળી છાયામાં અતીતકાળથી માંડીને આજ સુધી આધ્યાત્મિક પિપાસાપ્રાપ્ત સાધક અને સિદ્ધ અસંખ્ય મહાપુરૂષોએ નિવાસ કર્યો છે : જે આજે પણ સફળ મનોરથ તપસ્વી મહાત્માઓની ક્રીડાભૂમિ મનાય  છે : જેનુ ગૌરવ અથવા માહાત્મ્ય વિંધ્યાચળ, સહ્યાદ્રિ, અરવલ્લી, આબુ, ગિરનાર અને હિમાલયની પવિત્ર પર્વતપંક્તિ કરતાં લેશપણ ઓછું નથી : જે સંસારનું પુરાતન સ્થાન મનાય છે : નિરાશને આશા; જ્યોતિહીનને જ્યોતિ, ને સંતપ્તને સુધાસ્વાદ આપે છે : માનવને પ્રશાંતિ અર્પવાની, પ્રકાશ પૂરો પાડવાની ને પથપ્રદર્શન કરવાની પ્રર્યાપ્ત શક્તિસંપત્તિ ધરાવે છે : આજે પણ જે અનેકનો તારક, પાલક ને ઉદ્ધારક છે, સદ્ ગુરૂ બનીને સૌને મુક્તિનો માર્ગ બતાવે છે ને પૂર્ણતાની પ્રેરણા પહોંચાડે છે : એ અરૂણાચલનું દર્શન હવે થશે ખરું. પરંતુ એ દર્શન ક્યારે થશે ? જે પળો પસાર થાય છે તે ઘણી મૂલ્યવાન પસાર થાય છે ને હવે તો એના અવલોકનને માટે અંતર અધીરું બન્યુ છે. એના દર્શન માટે ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, ને બીજું બધું જ છોડી દીધું. એના પ્રેમભાવથી પ્રેરાઈને આટલે દૂર આવી પહોંચ્યો છું, અને સંભવ છે કે હવે ગણતરીની ઘડીઓમાં જ એનું દર્શન થશે. એ વખતે મને કેટલો બધો અપાર આનંદ થશે ! મારો સમસ્ત શ્રમ સફળ થશે. રોમેરોમમા ધન્યતાની  વીણા વાગી ઊઠશે.

એવા એવા વિચારો કરતા એ આગળ વધવા માંડ્યા. ગાડી ક્રમે ક્રમે પોતાનું અંતર કાપ્યે જતી’તી. વહેલી પરોઢનો બ્રાહ્ય મુહૂર્તનો ઝાંખો ધૂંધળો અંધકાર અદૃશ્ય થયો ને અધિકાધિક પ્રકાશ થવા લાગ્યો. એ પ્રકાશમાં થોડા જ વખતમાં દૂર અરૂણાચલ પર્વતની આછીપાતળી પંક્તિ દેખાઈ, એમનું અંતર હર્ષાન્વિત બનીને નાચી ઊઠ્યું.

પ્રકાશ વધવા લાગ્યો તેમ તેમ અરૂણાચલની પરિપૂર્ણ પર્વતમાળા દેખાવા લાગી. પછી એની તળેટીનો લીલોછમ વિસ્તૃત પ્રદેશ દેખાયો. દૂર વિશાળકાય મંગલમય મહિમાવાન મંદિરના ગગનચુંબી સુંદર મિનારા પણ જોઈ શકાયા.  એ વખતે એમની અવસ્થા અત્યંત અસાધારણ બની ગઈ. લાંબા વખતથી ધનભંડારની શોધમાં નીકળેલા વેપારીને આખરે ધનભંડારની પ્રાપ્તિ થાય, ભૂખ્યાને ભોજન મળે, તૃષાર્તને પાણી ને તાપતપ્તને છાયા––અરે એ મળે નહિ પરંતુ મળવાની આશા ઉત્પન્ન થાય કે સુનિશ્ચિત ઘડી આવી પહોંચે ને જેવો આનંદ થાય એથીયે અધિક આનંદાનુભવ એમને થવા માંડ્યો. એમની આંખમાં આનંદાશ્રુ આવી ગયાં. એમને થયું કે મારો પરિશ્રમ ફળ્યો ખરો. ચિરકાળની પ્રતીક્ષા પૂરી થઈ.

વચ્ચેની પળો–વિપળો જોતજોતામાં વીતી જશે ને હું ભગવાન અરૂણાચલની આગળ ઊભો રહીશ : અંતરમાં ને આંખમાં અનુરાગની મધુમય માળા લઈને, મારા સમસ્ત જીવનધનને એમનાં સુંદર સુમનસુવાસિત શ્રીચરણોમાં ધરી દઈને, એમની પરિપૂર્ણ કૃપાની કામના કરીને.

અરૂણાચલ સાથેના અજ્ઞાત પુરાતન સંબંધને લીધે જ એમના અંતરમાં એવા અસાધારણ ભાવો પ્રકટ થયેલા. એ સંબંધ સાચેસાચ કેવો હતો તેની ખબર એમને ન હતી, પરંતુ એની પ્રગાઢતા સંબંધી સહેજ પણ શંકા ન હતી. એ પુરાતન સંબંધ ગમે તેવો હોય તોપણ પ્રેમપૂર્વકનો હતો ને પોતાને ખૂબ ખૂબ પ્રિય લાગતો હતો એ નિર્વિવાદ હતું.    

તિરુવન્નામલઈ આવી પહોંચ્યું.

ટ્રેન સ્ટેશન પર જઈને અરૂણાચલનું દૂરથી દર્શન કરી લેવા માગતી હોય તેમ ઊભી રહી.

મુસાફરો ઊતરવા માંડ્યા.

વેંકટરામન પણ ઉલ્લાસયુક્ત ચાલે મંદિર તરફ ચાલી નીકળ્યા.

અરૂણાચલના મંગલમય મંદિરમાં પ્રવેશ કરવાનો સુ–અવસર આખરે પોતાને પ્રાપ્ત થયો એ જોઈને એમનું હૃદય ભરાઈ આવ્યું. એમના લોચનો છલકાઈ ઊઠ્યાં. પોતાને આટલે દૂર સરળતાપૂર્વક સહીસલામત રીતે લઈ આવવા બદલ એમણે સંસારનું સંચાલન કરનારી, એના સૂત્રધાર સરખી એ પરમ શાશ્વત સત્તાનો અથવા પરમપિતા પરમાત્માનો અંતઃકરણપૂર્વક ઊંડો આભાર માન્યો.

એ અસાધારણ આભાર દર્શનમાં એમનું રોમેરોમ જોડાયું. એમનું ભાવસભર હૃદય અતિશય ગદ ગદ્ બની ગયું.

ભાવમાં ને ભાવમાં એ મંદિર પાસે આવી પહોંચ્યા.

એ વખતે મંદિર શાંત હતું. સવારનો સમય હોવાથી આજુબાજુ મંદમંદ શીતળ પવન વાતો’તો. એ પણ જાણે ભગવાન અરૂણાચલેશની સેવાપૂજામાં ઉપસ્થિત થવા માટે ઉત્સુક દેખાતો’તો.

મંદિરમાં એ વખતે સમારકામ ચાલતું હોવાથી મંદિરનાં દ્વાર સવારના આઠ વાગ્યા સુધી ઊઘડતાં ન હતાં. છતાં પણ એ દિવસે બધાં જ દ્વાર વહેલાં ઊઘડી ગયેલાં. અરૂણાચલેશ ભગવાને ઓળખીને પોતાના પરમ પ્રામાણિક પુરાતન પ્રેમી ભક્તના મંદિર પ્રવેશને માટે એવી રીતે સરળતા કરી આપી.

વેંકટરામને ધીમે પગલે મંદિરમાં પ્રવેશ કર્યો.

ભગવાન અરૂણાચલેશના સુંદર સ્વરૂપને નિહાળીને એમનું હૃદય ભરાઈ આવ્યું. એમને અતિશય આનંદ થયો.

એમના ચારૂ ચંદનચર્ચિત ચરણમાં પ્રણિપાત કરીને એમણે પ્રાર્થના કરી : ‘પ્રભુ ! હું તમારા શરણે આવ્યો છું. તમે જ મારા સંરક્ષક, પ્રેરક, પિતા ને પ્રકાશદાતા છો. તમારા પ્રત્યે મારા પ્રાણમાં કોણ જાણે કેમ પણ પુષ્કળ પ્રેમ પ્રવાહિત થઈ ચૂક્યો છે. એ પ્રબળ પવિત્ર પ્રેમ કોઈયે કાળે ને કારણે મંદ પડે કે મટે તેવો નથી. તમારા સર્વભાવે સ્વીકારેલા શરણથી મને શાંતિ મળી છે. મારું ચિત્ત ચિંતારહિત ને પ્રફુલ્લ થયું છે. હવે આગળના માર્ગદર્શનને માટે તમારી તરફ મીટ માંડીને ઊભો રહ્યો છું. તમે અનુકંપાપૂર્વક એ મંગલ માર્ગદર્શન પૂરૂં પાડશો એવી આશા છે. કૃપા કરીને પ્રકાશ પહોંચાડો. તમારા મધુમય મંદિરમાં અંધકારનો અંત આણનારા પ્રદીપો પ્રકટી ઊઠ્યા છે તેમ મારા હૃદય મંદિરમાં, સમસ્ત જીવનમાં, તમારા પ્રેમના, અલૌકિક અનુગ્રહના પ્રદીપો પ્રકટાવો જેથી જીવન ઊર્ધ્વગામી, ઉજ્જવળ ને જ્યોતિર્મય થાય. કૃપા કરીને તમારો પવિત્ર, પતિતપાવન પ્રકાશ પાથરો !

પ્રાર્થનાના એ ભાવો અને ઉદ્ ગારો મુખમાંથી નહોતા નીકળતા, હૃદયપ્રદેશમાંથી પેદા થતા’તા. એમની અંદર એમનો સમસ્ત આત્મા ઓતપ્રોત બનીને પ્રવાહિત થતો’તો. એમના રોમેરોમમાં એનો રણકાર થઈ રહેલો. એ પ્રાર્થના શોખ, વ્યસન કે રૂઢિ નહોતી, જીવનની તત્કાલીન આવશ્યકતા હતી. એ કોઈ પોપટપારાયણ ન હતું : અંતરની અભિવ્યક્તિની સ્વભાવસહજ પ્રક્રિયા હતી. એવી પ્રાર્થના પરમાત્મા––જો તે હોય તો––ના સાંભળે એવું બને જ કેમ ? ભગવાન અરૂણાચલે એ સ્નેહપૂર્વક સાંભળી. સાંભળી જ નહિ, સ્વીકારી. એથી આગળ વધીને વેંકટરામન પર પોતાની પરમકૃપાના ક્ષીરસાગરમાંથી થોડાંક બિંદુ વરસાવ્યા. એ બિંદુ અલૌકિક હોવાથી સ્વલ્પ હોવા છતાં પણ સુખકારક અને શાંતિપ્રદાયક થઈ પડ્યાં. એમનો એ અનુગ્રહ આશીર્વાદરૂપ થઈ ગયો.

એ અલૌકિક અનુગ્રહના પરિણામરૂપે વેંકટરામનને શાંતિ મળી. એ અનુગ્રહ એમને માટે કેટલો બધો અમૂલખ થઈ પડ્યો એનો ઊડતો ઉલ્લેખ કરતાં એમણે રમણ મહર્ષિ તરીકે પ્રખ્યાતિ પામ્યા પછી કહેલું :

 ‘અરૂણાચલ ભગવાનની પાસે પહોંચ્યો તેના એક દોઢ મહિના પહેલાંથી મારા સમસ્ત શરીરમાં એક પ્રકારનો વિચિત્ર દાહ પેદા થયેલો. એ દાહનું કારણ નહોતું સમજાતું અને એનું ઓસડ પણ હાથમાં નહોતું આવતું. મને થયા કરતું કે આ દાહ મારા સમસ્ત જીવનપર્યંત રહેશે કે શું ? એનો કોઈ ઉપાય જ નહિ હોય ?

અરૂણાચલના મંગલ મંદિરમાં પ્રવેશ્યો ત્યારે પણ એ દાહ ચાલુ હતો ને મને બેચેન બનાવતો’તો. પરંતુ અરૂણાચલ ભગવાનનાં દર્શનનો દેવદુર્લભ લાભ મળતાં જ દાહ કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના આપોઆપ દૂર થયો. મારા મન અને અંતરની પેઠે શરીરમાં પણ શાંતિ છવાઈ ગઈ. મારા અંતરમાં આનંદ આનંદ થઈ રહ્યો.’

ભગવાન અરૂણાચલે એવી રીતે પોતાના શરણાગત શ્રદ્ધાભક્તિસમન્વિત ભક્તને પોતાની અદ્દભુત ભક્તવત્સલતાનો અનુભવ કરાવ્યો. એમને માટે એ કાર્ય લેશપણ અશક્ય ન હતું. સંસારના ત્રિવિધ તાપથી તપેલા જીવોને જે પોતાની કરૂણાયુક્ત કૃપાદૃષ્ટિથી, સ્વર્ગસુખથી અધિક સુખકારક સંનિધિથી, ને પોતાના પવિત્ર પતિતપાવન પારસસ્પર્શથી, ત્રિવિધ તાપથી ક્ષણવારમાં મુક્ત કરી શકે છે એમને માટે શરીરના સાધારણ તાપથી મુક્તિ આપવાનું મુશ્કેલ નથી. વેંકટરામનને પોતાની અસામાન્ય શક્તિનો એવો અવિસ્મરણીય ચમત્કાર બતાવીને ભગવાન અરૂણાચલે એમને જાણે કે સૂચવ્યું કે મારા શરણમાં આવવાથી શરીરનો દાહ દૂર થયો છે તેવી રીતે મન અને અંતરનો દાહ પણ દૂર થશે. એમાં શાંતિ છવાશે ને પ્રકાશ પથરાશે.

અરૂણાચલ ભગવાને એવી રીતે પોતાના પરંપરાગત સ્નેહ સંબંધનું સ્મરણ કરાવ્યું, એમનું મૂક છતાં સુંદર સારગર્ભિત સ્વાગત કર્યું, ને સમજાવ્યું કે જીવનની ઉન્નતિ તથા શાંતિ માટે બીજા કોઈનો આશ્રય લેવાની આવશ્યકતા નથી. મારો પોતાનો આશ્રય પૂરતો છે. આપણો સંબંધ પુરાતન છે. એ સંબંધ પાછો શરૂ થયો છે. એ સંબંધ વધતો જતાં કે સુદૃઢ બનતાં ઉત્તરોત્તર લાભ થશે ને શ્રેય સાધશે.

વેંકટરામનને એ વાત બરાબર સમજાઈ ગઈ. અરૂણાચલને માટે એમના અંતરમાં અનેરા અનુરાગનો આવિર્ભાવ થયો. અરૂણાચલ એમને માટે કોઈ પાર્થિવ પર્વતમાળા ન હતી, કોઈ જડ સુંદર લિંગ પણ ન હતું : એમની દૃષ્ટિએ અરૂણાચલ સંસારનું સારસર્વસ્વ હતા, બ્રહ્માંડની એકમાત્ર શક્તિ, જ્યોતિ કે ચેતના હતા, પૃથ્વીના પરમપિતા કે પરબ્રહ્મ હતા, દેવોના દેવ, ગુરૂના ગુરૂ, પરમાત્મા હતા. ઉપનિષદની ઉક્તિ પ્રમાણે સમસ્ત વિશ્વમાં વ્યાપક, ભૂતમાત્રમાં  નિગૂઢ, સર્વભૂતાન્તરાત્મા, સૌના સાક્ષીરૂપ પુરૂષોત્તમ હતા.

વેંકટરામનની રહી સહી ભ્રમણા ભાગી ગઈ. એમની શંકાઓ શમી ગઈ. એમને ઊંડી શાંતિનો અનુભવ થયો. પ્રકાશ મળ્યો. પોતાનો જીવનપથ જડી ગયો. એ જ્યોતિર્મય જીવનપથ પર પ્રેમપૂર્વક પ્રગતિ કરાવનારા ગુરૂ મળ્યા. ગુરૂના ગુરૂ, પ્રકાશદાતા પરમાત્મા પોતાનો ખોવાયેલો ખજાનો ફરી પાછો પ્રાપ્ત થયો હોય એવો એમને સંતોષ થયો અને આનંદ મળ્યો.

એમની સમસ્ત જીવનવીણા અરૂણાચલ ભગવાનના પ્રથમ દર્શનના એ પ્રભાવને પ્રતિધ્વનિત કરતાં પ્રેમથી વાગી ઊઠી. એમાંથી સુમધુર, સુવ્યવસ્થિત, સંવાદી સુરાવલિ છૂટવા લાગી.

એ પરમપ્રભાવના પરિણામે એમણે અરૂણાચલને એમનું સર્વ સમર્પણ કરી દીધું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.