ભગવાન રમણ મહર્ષિ

બ્રાહ્મણ દંપતિનો અનુગ્રહ

કીલૂર ગામ તદ્દન નજદીક હોવાથી જોતજોતામાં આવી પહોંચ્યું.

ત્યાંનું મંદિર પણ દક્ષિણ ભારતનાં બીજા મંદિરોની પેઠે સુંદર, સ્વચ્છ, શાંત અને આકર્ષક હતું.

મંદિરમાં પૂજાની પરિસમાપ્તિ થતાં સુધી એ એક બાજુ આંખ બંધ કરીને આત્મચિંતનમાં બેસી રહ્યા. પૂજાની પરિસમાપ્તિ પછી પૂજારી પાસે પ્રસાદની માગણી કરી, પરંતુ ત્યાં પણ પૂજારીએ પ્રસાદ આપવાની ના કહી. પરંતુ વેંકટરામનની વૈરાગ્યવતી, તેજસ્વી મુખાકૃતિને નિહાળીને મંદિરના ભજનિકોમાંના એકને દયા આવી.

એણે પૂજારીને કહ્યું : ‘આ બાલયોગીને આજનો પ્રસાદનો મારો ભાગ આપી દેજો.’

પૂજારી સંમત થયા.

વેંકટરામનને મંદિરનો પ્રસાદ મળવાની મુશ્કેલી પડી. ઈશ્વર એમની આકરી કસોટી કરી રહેલા.

ભજનિકે એમને તૃષાતુર જાણીને પાણી પીવા માટે પાસે રહેતા કોઈ બ્રાહ્મણને ત્યાં મોકલ્યા.

રસ્તામાં ત્રણચાર પગદંડીઓ પરથી પસાર થવું પડ્યું.

બ્રાહ્મણના ઘરનાં માણસો પાણી લાવવા માટે ઘરમાં ગયાં, પરંતુ કોઈ પાણી લઈને આવે એ પહેલાં તો એક આશ્ચર્યકારક કરૂણ બનાવ બન્યો. ક્ષુધાર્ત તથા તૃષાતુર વેંકટરામનનું શરીર એકાએક ઢીલું પડી ગયું. એમની આંખે અંધારાં આવવા લાગ્યાં. એમને ચક્કર આવ્યાં. બાહ્ય જગતનું વિસ્મરણ થઈ ગયું.

બેહોશી પૂરી થયા પછી વેંકટરામને પોતાને મહામુસીબતે પ્રાપ્ત થયેલો મંદિરનો સ્વલ્પ પ્રસાદ આનંદપૂર્વક આરોગી લીધો ને પાણી પીઈને એ જ સ્થળમાં રાત પસાર કરી.

બીજે દિવસે જન્માષ્ટમી પડતી હતી. ઈ.સ. ૧૮૯૬ના ઑગસ્ટની ૩૧મી તારીખ.

એમનું શરીર પગપાળા કઠોર પ્રવાસને લીધે થાકી ગયેલું ને દુઃખવા લાગેલું. હજુ એમનો પ્રવાસ પરિપૂર્ણ થવાને વાર હતી. લગભગ વીસ માઈલ ચાલવાના શેષ હતા.

એમને થયું કે થોડુંક ભોજન મળે તો સારું. પરંતુ ભોજન આપે કોણ ? ગઈકાલનો મંદિરનો કટુ અનુભવ હજુ નહોતો ભુલાયો. આ અવસ્થામાં ટ્રેનની મુસાફરી ઉપયોગી લાગી. પરંતુ પૈસા વિના ટ્રેનની મુસાફરી કરી શકાય કેવી રીતે ? ખુદાબક્ષ મુસાફર જેમ તો જઈ શકાય જ નહિ ! ત્યાં તો એમને એક વિચાર આવ્યો.

એમને પોતાના કાનની સોનાની વાળીઓનું સ્મરણ થયું.

એમણે વિચાર્યું કે વાળીઓને વેચી દઈએ કે ગીરો મૂકીએ તો આર્થિક પ્રશ્નનું નિરાકરણ થઈ શકે.

એમણે વાળીઓને કાઢી નાખી. એ પછી ગામમાં જઈને એક બ્રાહ્મણને ઘેર ભોજન માગ્યું.

એ બ્રાહ્મણનું નામ ખૂબ જ સુંદર હતું : મુત્તુકૃષ્ણ ભગવાન. એણે પોતાની પત્ની પાસે ભિક્ષા માગવાની સૂચના કરી.

એક તો જન્માષ્ટમીનો પરમપવિત્ર પર્વદિવસ અને એમાંયે આવો અસાધારણ મુખકાંતિવાળો અદભુત વૈરાગી યુવાન પોતાને ત્યાં અતિથિરૂપે ભિક્ષા માગવા આવ્યો એટલે બ્રાહ્મણપત્નીની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એ પોતાના જીવનને ખરેખર સૌભાગ્યશાળી સમજવા લાગી.

એણે વેંકટરામનનો ખૂબ જ સ્નેહથી સત્કાર કર્યો. વેંકટરામન એ સત્કારથી સંતોષ પામ્યા. હજુ ગઈ કાલનો કટુ અનુભવ તાજો જ હતો. એ અનુભવ સાથે આ મધુમય અનુભવને સરખાવતાં લાગ્યું કે દુનિયામાં જેમ દાનવો વસે છે તેમ માનવો અને કેટલાક દૈવી દિલના દેવતાઓ પણ વસે છે ખરા. એવા દેવતાઓની સંખ્યા ભલે પ્રમાણમાં અલ્પ અથવા સ્વલ્પ હોય; પરંતુ એ એક હકીકત છે એનો ઈન્કાર નથી કરી શકાય તેમ. સંસારમાં વિવિધ પ્રકારના વિસંવાદો, અશાંતિ ને પરિતાપોની વચ્ચે જે થોડો ઘણો સંવાદ, શાંતિ, છાયા તથા શીતળતા લાગે છે તે એમને જ આભારી છે. એમને લીધે જ આ જગત જીવવા જેવું અને થોડુંઘણું અમૃતમય લાગે છે. નહિ તો....નહિ તો શું થાત તેની કલ્પના કરવાનું કામ કઠિન નથી. આ સૃષ્ટિ આસુરી સંપત્તિ ને આસુરી કર્મોની ક્રીડાસ્થલી બની જાત. એની અંદરથી સ્વર્ગની રહીસહી નિશાનીઓ પણ અદૃશ્ય થાત અને એ નરકાગાર થાત. એની સત્વશીલતાને ટકાવી રાખવામાં એવા અસાધારણ આત્માઓનો સહયોગ કાંઈ ઓછો નથી.

એમને એ બ્રાહ્મણપત્ની પ્રત્યે પરમ આદરભાવ થયો.

એમણે એને મનોમન પ્રણામ કર્યા.

સ્ત્રીએ વિચાર્યું કે વેંકટરામનને ભૂખ ને થાક બંનેની અસર છે અને ભોજનને તૈયાર થતાં લાંબો વખત લાગશે એટલે એમને સહજોપલબ્ધ નાસ્તો કરાવીને એ રસોઈના આવશ્યક કાર્યમાં લાગી ગઈ.

વેંકટરામનના મનમાં વાળીઓને ગીરો મૂકવાની વાત રમી રહેલી. એ વાત એમણે બ્રાહ્મણ દેવતા મુત્તુકૃષ્ણ આગળ રજુ કરી.

મુત્તુકૃષ્ણને કશી શંકા ના પેદા થઈ.

વાળીઓનું સોનું સાચું હતું. એની ઉપર જડેલાં જવાહર પણ સારાં હતાં. એટલે મુત્તુકૃષ્ણને એ લેવામાં આનાકાની કરવાનું કોઈ કારણ ન હતું.

ભોજન તૈયાર થઈ ગયું એટલે બંનેએ સુખપૂર્વક જમી લીધું.

વેંકટરામનને લાંબા સમય પછી પહેલી જ વાર ભોજન કરવાનો સંતોષ મળ્યો.

વેંકટરામને પોતાના ધ્યેયની દિશામાં આગળ પ્રયાણ કર્યું ત્યારે એ સ્ત્રી ભાવવિભોર ને ગળગળી બની ગઈ. એણે એમને માર્ગમાં કામ લાગે તે માટે થોડોક નાસ્તો બાંધી આપ્યો.

વેંકટરામન એ પ્રેમાળ પતિપત્નીની વિદાય લઈને સ્ટેશન પર પહોંચ્યા ને રાતે ત્યાં જ સૂઈ રહ્યા.

બીજે દિવસે સવારે ટ્રેનમાં એ આગળ વધ્યા. એમના અંતરમાં અરૂણાચલના સ્વાભાવિક સ્નેહની સુરાવલિ છૂટવા લાગી. એ સુમધુર સુરાવલિનું આકર્ષણ અજબ હતું. એ આકર્ષણ એમના અંતરને જ નહિ, અણુએ અણુને ખેંચી રહ્યું. એમાંથી છૂટવાનું કે એથી અલિપ્ત રહેવાનું કામ કઠિન હતું. અને એથી અલિપ્ત રહેવાનું આવશ્યક પણ ન હતું. કેટલાંક આકર્ષણો અનેરાં, ઈચ્છવા યોગ્ય, અભિનંદનીય, આશીર્વાદરૂપ અને આત્મમોન્નતિમાં ઉપકારક હોય છે. એ આકર્ષણ પણ એવું જ હતુ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.