વેંકટરામનની વિચારતંદ્રા તૂટી ગઈ. માંબલંપટ્ટુ સ્ટેશન આવી પહોંચ્યું.
ટ્રેનમાંથી નીચે ઊતરીને ત્યાંથી એમણે આગળ સફર કરવા માંડી. પોતાની પાસે અધિક આર્થિક સાધન ના હોવાથી એ પગપાળા જ ચાલવા લાગ્યા. એવી રીતે ચાલવાનું કાર્ય કઠિન હતું. એમને તાપમાં ચાલવાની ટેવ ન હતી તોપણ તાપમાં તપવાનું અને આગળ વધવાનું અનિવાર્ય થઈ પડ્યું.
વેંકટરામન ઉંમરમાં નાના હોવા છતાં સાચા અર્થમાં શૂરા હતા. એમણે હરિના માર્ગને ગ્રહણ કરેલો ને સર્વપ્રકારની કાયરતાનો પરિત્યાગ કરીને એ માર્ગે આગળ ને આગળ પ્રસ્થાન કરવા કૃતનિશ્ચય બનેલા. એ નિશ્ચયને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી એમણે બાહ્ય ત્યાગ કરવામાં કસર નહોતી રાખી. અંતરાત્માના અનંત અર્ણવની અંદર અધિક ને અધિક અવગાહન કરીને આત્માના અક્ષય મહામૂલ્યવાન મોતીને પ્રાપ્ત કરવાની એમની અભીપ્સા હતી. એ જાણતા’તા કે જે અલૌકિક વસ્તુને મેળવવાની ઈચ્છાથી અનુપ્રાણિત થઈને પોતે બહાર નીકળેલા તેને મેળવવાનું કામ સહેલું નથી, એને માટે પ્રખરમાં પ્રખર પુરુષાર્થ કરવો પડશે. એ પુરુષાર્થ કરવાની એમની સંપૂર્ણ તૈયારી હતી. પ્રેમપંથની પાવન પાવકજ્વાળાને પેખીને એ હતાશ થઈને નાસી જાય તેવી કાચી માટીના નહોતા બનેલા. એ જ્વાળાને સસ્મિત સહન કરીને, એની અંદર આસન વાળીને, એ મહાસુખનો સ્વાદ લેતાં શાંતિપૂર્વક બેસવા માગતા’તા. એ મહાન કલ્યાણકારક કાર્યનો એમના જીવનમાં હજુ તો કેવળ આરંભ જ થયેલો. એ કાર્યસિદ્ધિની દિશામાં હજુ તો એમને એકનિષ્ઠ પ્રેમ ને લગનથી ખૂબ ખૂબ આગળ વધવાનું છે એની એમને માહિતી હતી. હજુ તો એમની આત્મવિકાસની સાધનામાં પાશેરામાં પહેલી પૂણી બરાબર પ્રાથમિક કાર્ય જ થયેલું. તોપણ એમનું મનોબળ મજબૂત હતું અને એમનો નિશ્ચય પણ છેક મક્કમ હોવાથી એ સાધનાને પાર કરવાની એમને ખાતરી હતી. બાહ્ય તાપથી એ ડરી કે ગભરાઈ જાય તેમ ન હતાં.
તાપમાં ને તાપમાં આગળ ચાલતાં ચાલતાં એમણે ઉત્સાહપૂર્વક દસેક માઈલ કાપી નાખ્યા. એની અસર એમની ઉપર થયા વિના ના રહી. એ ખૂબ જ થાકી ગયા. જો કે થાક કેવળ શરીરનો હતો, મન અથવા અંતરનો ન હતો.
* * * * * * * * * * * *
પ્રસ્વેદથી લથપથ થઈને આખરે એ અરયનિનલ્લૂર નામના ગામમાં આવી પહોંચ્યા ત્યારે એમને થોડોક સંતોષાનુભવ થયો.
એ ગામનું અતુલ્યનાથેશ્વરનું સુપ્રસિદ્ધ મંદિર એની મોટી વિશેષતા છે. એ મંદિર ખૂબ જ સુંદર છે. જ્ઞાનસંબંધરે એ સુંદર તીર્થસ્થાનનાં દર્શન પછી મંદિરમાં એક બાજુએ અરૂણાચલેશની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી.
અતુલ્યનાથેશ્વરનું આકર્ષક મંદિર એક નાની ટેકરી પર આવેલું છે. એ ટેકરીની ઉપરથી અરૂણાચલનું દર્શન સારી રીતે થઈ શકે છે. અરૂણાચલેશની પ્રતિષ્ઠા પછી, એના પુરસ્કારરૂપે, જ્ઞાનસંબંધરને એ ટેકરી પર ભગવાન અરૂણાચલેશનો સાક્ષાત્કાર થયેલો. એ બધાં ઐતિહાસિક તથ્યોની માહિતી વેંકટરામનને ન હતી. તો પણ એ સ્થળની પ્રતિક્રિયા એમના પર ઘણી સારી થઈ. એમનું અંતર એ પ્રશાંત વાતાવરણમાં એક પ્રકારની ઊંડી પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યું. એમની સુષુપ્ત આધ્યાત્મિક વૃત્તિઓની એકાએક જાગૃતિ થઈ અને એમને અધિક અંતર્મુખતા ધારણ કરવાનું મન થઈ આવ્યું. એમનો પ્રવાસનો પરિશ્રમ એકાએક દૂર થઈ ગયો. નાની સરખી ટેકરી પરથી દેખાતા આજુબાજુના ભવ્ય ને સુંદર દ્રશ્યને નિહાળીને એમનું અંતર આહ્ લાદથી ઊભરાઈ ને ઊછળવા માંડ્યું.
મંદિરના મંગલમંડપમાં બેસીને એમણે ઉત્સાહપૂર્વક અત્યંત એકાગ્રતાથી ધ્યાન કરવા માંડ્યું.
એ વખતે એ પવિત્ર સુપ્રસિદ્ધ તીર્થસ્થાનમાં એમને જ્ઞાનસંબંધરના જેવો જ અનુભવ થયો. જ્ઞાનસંબંધરના સંબંધમાં કહેવાય છે કે એ સ્થળમાં અરૂણાચલેશે એમને અલૌકિક જ્યોતિના રૂપમાં દર્શન આપેલું. વેંકટરામનને પણ એ સ્થાનમાં જ્યોતિ દર્શનનો લાભ મળ્યો. એ જ્યોતિ એકદમ અદ્ ભુત અને અપાર્થિવ હતી. મંદિરના કોઈક અજ્ઞાત પ્રદેશમાંથી પ્રકટ થઈને પોતાનાં જ્યોતિર્મય પવિત્ર કિરણોને પ્રસારતી એ ધીમે ધીમે એમને ઘેરી વળી. એમને સંભ્રમ પેદા થયો કે આ પ્રકાશ મંદિરની મૂર્તિનો છે કે શું ?
પરંતુ એ પ્રકાશ મૂર્તિનો ન હતો.
મંદિરની અંદર જઈને એમણે જોયું. પરંતું એટલામાં તો એ અલૌકિક જ્યોતિ અદૃશ્ય થઈ ગઈ. મંદિરનું ગર્ભગૃહ પ્રકાશરહિત હતું. એમાં કોઈ જ્યોતિનો ભાસ ના થયો.
એ અનુભવથી એમને અસાધારણ આનંદ થયો.
ધ્યાનાવસ્થામાં મશગૂલ બનીને એ મંદિરમાં બેઠેલા તે વખતે એમની પાસે પૂજારીઓ આવી પહોંચ્યા.
એમણે એમને ધ્યાનાવસ્થામાંથી જાગ્રત કરીને કહ્યું : ‘ઉઠો. નીકળો. મંદિરમાં હવે વધારે નહિ બેસી શકાય. દરવાજો બંધ કરવાનો સમય થઈ ગયો છે.’
વેંકટરામને ધ્યાનાવસ્થામાંથી ઊઠીને પ્રસાદની યાચના કરી.
‘તમારે માટે અહીં કોઈએ ખાવાનું નથી બનાવી રાખ્યું.’ પૂજારીએ તરત ઉત્તર આપ્યો.
‘તો પછી આજની રાત મને અહીં આરામ કરવા દો.’
‘આરામ કરવાની અનુજ્ઞા પણ અમારાથી નહિ આપી શકાય. મંદિરમાં કોઈ બહારનાને રહેવાની રજા નથી આપવામાં આવતી.’
‘હું બહારનો નથી, તમારામાંનો જ એક છું.’
‘એ તત્વજ્ઞાન અમારે નથી સાંભળવું. અમે એથી વધારે જ્ઞાન ધરાવીએ છીએ. હવે મંદિરમાંથી વહેલી તકે બહાર નીકળો. ચર્ચામાં વિશેષ વખત નથી ખોવો.’
નગુણા માનવ આગળ ગુણવાનનું મહત્વ કેટલું ? પૂજારીઓની આગળ વેંકટરામનના રૂપમાં એક અમૂલખ સાધકહીરો આવેલો પરંતુ એમની પાસે ઝવેરીની દૃષ્ટિ ને શક્તિ ના હોવાથી એ એમને ઓળખી ના શક્યા એ તો ખરું જ; પણ વધારામાં એમની અવહેલના કરી બેઠા.
વેંકટરામન પર એ અવહેલનાની કશી અસર ના થઈ; કારણ કે એ વિવેકી હતા અને એમનું મન સનાતન સત્યના સાક્ષાત્કારમાં લાગેલું. સત્યનો સાક્ષાત્કાર કરવા માગનારે ને સત્યમય જીવન જીવવાનો સંકલ્પ કરનારે સારી પેઠે સમજી લેવું જોઈએ કે સંસારમાં એના પંથ પર સર્વત્ર પરિમલભર્યાં પુષ્પો પથરાશે કે એનું સન્માનપૂર્વકનું સ્વાગત કરાશે એવું નથી. એના માર્ગને સમજનારા અથવા એના સિદ્ધાંતોને સહાનુભૂતિપૂર્વક મૂલવનારા માનવો બહુ ઓછા મળશે. આંગળીને વેઢે ગણી શકાય એટલા માણસો જ એની કદર કરશે. ને મોટા ભાગના માણસો તો એની તરફ અવજ્ઞાની નેહરહિત નજરે જ નિહાળ્યા કરશે. એ માર્ગમાં સુમનની સૌરભસુવાસિત સેજો નથી પરંતુ પાવકની પીડા ભરેલી પ્રજ્વલિત પથારીઓ છે. છાયા નથી, તાપ છે; આરામ નથી, ઉજાગરાઓ છે; માન નહિ પરંતુ અપમાન, શરૂઆતમાં શાશ્વત શાંતિ નહિ પરંતુ અશાંતિ, ને વિરોધ, વિસંવાદ, વિહ્વળતા ને વેદના છે. શરૂઆતથી જ સુખ શાંતિ, સફળતા અને સમૃદ્ધિની અભિલાષા સેવનારે આ પથ પર પ્રયાણ કરવાનાં સ્વપ્નાં ના સેવવાં.
પૂજારીઓ વેંકટરામનની સુયોગ્યતાને ના સમજી શકવાથી એમની સાથે સારો મનુષ્યોચિત વ્યવહાર ના કરી શક્યા. તોપણ વેંકટરામન શાંત જ રહ્યા.
મંદિરમાં દર્શનાર્થે આવેલા કોઈ પ્રવાસીએ એમની પાસે પહોંચીને કહ્યું: ‘તમારી પરિસ્થિતિને હું સહાનુભૂતિપૂર્વક સમજી શકું છું. પૂજારીઓ ખૂબ જ અક્કડ છે. એમણે તમને મંદિરમાં રહેવાની મંજૂરી આપી હોત તો ઘણું સારું હતું, મને એમનું વર્તન સારું ના લાગ્યુ. પણ બીજુ શું થાય ? હવે તો એક જ રસ્તો બાકી રહે છે. અહીંથી લગભગ પોણો માઈલ દૂર કીલૂર નામે ગામડું છે. તમે ત્યાં ચાલો તો ત્યાંના મંદિરમાં કદાચ તમને પ્રસાદ મળી જાય.’
વેંકટરામનને એ પ્રસ્તાવ પસંદ પડ્યો.
એ એ માયાળુ માણસ સાથે ચાલી નીકળ્યા.