if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરૂમૂર્તમના નૂતન સ્થાનમાં એમની તપશ્ચર્યા કોઈપણ પ્રકારના બાહ્ય વિક્ષેપ વિના આગળ વધી. એવી રીતે થોડોક સમય પસાર થઈ ગયો. જેમજેમ સાધના વધતી ગઈ તેમતેમ શરીરની ઉદાસીનતા ઉત્કટ બનવા માંડી. શારીરિક વ્યાપારોમાંથી એમનું મન ઉપરામ થઈ ગયું. માથે જટા વધી ગઈ. નખ પણ વધતા રહ્યા.

ગુરૂમૂર્તમમાં બીજી કોઈ તકલીફ ન હતી પણ કીડીઓનો ત્રાસ હતો. ત્યાંની જમીનમાં કીડીઓ એટલી બધી ઊભરાઈ જતી કે વાત નહિ. કીડીઓના તીખા ચટકાની વચ્ચે સામાન્ય શ્રેણીના સાધકોને માટે એક મિનિટ પણ સ્થિતપ્રજ્ઞની પેઠે શાંતિથી બેસવાનું ને સાધનામાં મન લગાવાનું કાર્ય કઠિન હતું; પરંતુ મહર્ષિ અત્યંત અસાધારણ અવસ્થાએ આસીન થયેલા હોવાથી, કીડીઓની સેનાની વચ્ચે વચ્ચે શાંતિથી બેસી રહેતા. કીડીઓના ચટકા એમને કશી જ અસર ના કરતા. સ્વલ્પ સમયમાં જ દેહાધ્યાસથી પર થઈને એ અતીન્દ્રિય અવસ્થામાં ડૂબી જતા. એ અવસ્થામાં બાહ્ય જગતનો અનુભવ એકદમ અસંભવ બનતો. એ પરમ પ્રતાપી તપસ્વીશ્રેષ્ઠ મહાપુરૂષ ત્યાં ધ્યાનાવસ્થામાં કલાકો ને દિવસો તેમ જ સપ્તાહો સુધી બાહ્યજ્ઞાનશૂન્ય બનીને બેસી રહેતા. એ દેખીને એકવાર એક ભક્તપુરૂષે એમને બેસવા માટે બાંકડો લાવી આપ્યો. એના ચારે પાયાને પાણીમાં રાખીને મહર્ષિને એની ઉપર બેસાડવામાં આવતા તોપણ એમની પીઠ દીવાલે લાગતી, અને એને લીધે કીડીઓ કરડ્યા કરતી. છતાં પણ એ મહાન, લોકોત્તર, અસાધારણ સામર્થ્ય સંપન્ન, સંત શાંત જ રહેતા. ગુરૂમૂર્તમની દીવાલ પર એમની પીઠની છાપ અદ્યાપિપર્યંત એવી જ રહી ગઈ છે. એનું અવલોકન કરીને એમને માટે અપૂર્વ આદરભાવ પેદા થાય છે ને હૃદય બોલી ઊઠે છે કે ધન્ય મહર્ષિ, તમારી તીવ્રતમ તપશ્ચર્યાને માટે તમને ખરેખર ધન્યવાદ ઘટે છે. તમારા સંપૂર્ણ શરીરસંયમની ને મન ઈન્દ્રિયો પરના વિજયની, આત્માના આધિપત્યની, કલ્પના વિષયગ્રસ્ત સામાન્ય માનવીને નહિ આવી શકે. ક્યાંથી આવી શકે ? સંસારે મોટા મોટા નેતાઓ, દાર્શનિકો, વૈજ્ઞાનિકો, સરદારો, રાજનીતિજ્ઞો, ઈતિહાસકારો ને પંડિતો પેદા કર્યા છે પરંતુ પોતાની જ જાત પર કાબૂ કરનારા અથવા સંપૂર્ણ સંયમ સ્થાપનારા મહર્ષિ જેવા મહામાનવો વિરલ સંખ્યામાં ભાગ્યે જ પેદા કર્યા છે. એવા મહામાનવો ભારતની પવિત્ર ભૂમિમાં પેદા થતા જ રહ્યા છે એને માટે એ ભૂમિને પણ ધન્યવાદ ઘટે છે. માનવ બીજું બધું મેળવે પરંતુ પોતાની જાતનો કાબૂ ના કરે તો એ પ્રાપ્તિ અધૂરી જ રહેવાની. મહર્ષિ જેવા મહાપુરૂષનું જીવન એ મહામૂલો મહામંત્ર પૂરો પાડે છે.

* * *          * * *          * * *          * * *

ગુરૂમૂર્તમના શાંત સ્થળમાં રહીને મહર્ષિએ એક આદર્શ તપસ્વીને છાજે એવી જે કઠોર તપશ્ચર્યા કરી એથી જનતાની શ્રદ્ધાભક્તિ એમને માટે ખૂબખૂબ વધી ગઈ. એમની આકૃતિ અતિશય આકર્ષક અને આનંદદાયક તેમજ આદરભાવની અભિવૃદ્ધિ કરનારી થઈ પડી. એમની ખ્યાતિને આજુબાજુ પ્રદેશોમાં પ્રસરતાં વાર ના લાગી. જનતાને માહિતી મળવા માંડી કે ગુરૂમૂર્તમમાં એક નાની ઉંમરના મહાન મહાત્મા તપ કરે છે. એમના અસાધારણ સામર્થ્યની વાતો પણ લોકમુખ દ્વારા પ્રકટ થઈને ચારે તરફ ફેલાવા લાગી. બસ પછી તો કહેવું જ શું ? જે સહજ અથવા સ્વાભાવિક હતું તે થવા માંડ્યું. દર્શનાર્થી આશીર્વાદઘેલી જનતા એમની આગળ મોટી સંખ્યામાં એકઠી થવા લાગી. લોકો શ્રદ્ધાપૂર્વક માનવા માંડ્યા કે એ વરદાન અથવા આશીર્વાદ આપી શકે છે ને વચનસિદ્ધ છે. લોકોને મોટેભાગે ધનની પ્રાપ્તિની, સંતતિની તથા રોગનિવારણની ને પદપ્રતિષ્ઠાની ઈચ્છા હોય છે. એથી પ્રેરાયલા આશાતુર લોકો એમની પાસે પહોંચીને ભાતભાતની પ્રાર્થના કરવા માંડ્યા. એમના શ્રીચરણે લોકો જાતજાતની ભેટ સામગ્રીઓ ચઢાવવા લાગ્યા.

એ પલટાયલી પરિસ્થિતિ એમને પસંદ તો ના પડી પરંતુ એની વચ્ચે શાંત બનીને બેસી રહ્યા સિવાય છૂટકો ન હતો, એટલે એની વચ્ચે એ સાધના કરતા શાંત જ રહ્યા. તોપણ લોકોની ભીડ એ શાંત એકાંત વાતાવરણમાં વિક્ષેપરૂપ હતી.

તંબિરાનની પોતાની મહર્ષિ પ્રત્યેની શ્રદ્ધાભક્તિનો પાર ન હતો. એમને ગુરૂમૂર્તમમાં લાવ્યા પછી એમની જીવનસાધનાને નજદીકથી નિહાળવાનું સદ્ ભાગ્ય સાંપડવાથી એ શ્રદ્ધાભક્તિ બળવત્તર બની. તંબિરાન એમને અરૂણાચલેશ્વરના અલૌકિક અવતાર જેવા અથવા પરમાત્માના પરમપવિત્ર પ્રતિનિધિ જેવા સમજતો. પોતાની ભાવનાના અતિરેકમાં એણે એકવાર સાનુકૂળ અવસર જોઈને એમનો ક્ષીરાભિષેક કરવાની ભાવના કરી. મહર્ષિ એવી ભાવનાની વિરુદ્ધ હોવાથી એના અમલની અનુજ્ઞા આપી શકે તેમ ન હતા. તંબિરાન એવું માનતો કે મહર્ષિના ક્ષીરાભિષેકથી લોકોની શ્રદ્ધાભક્તિ વધી જશે, એટલે એને માટે કૃતસંકલ્પ બનીને એ એક દિવસ આવ્યો તો ખરો; પરંતુ મહર્ષિ સમયસૂચકતા વાપરીને પોતાના સ્થાનમાંથી ઊઠી ગયા એટલે એનો સંકલ્પ સંકલ્પ જ રહ્યો.

બીજે દિવસે એ ધૂપદીપ લઈને એમની પાસે પુનઃ પહોંચ્યો. લોકો પોતાની સ્તુતિ કરતા તો મહર્ષિ શાંતિપૂર્વક સહન કરતા, પરંતુ પૂજા કે ક્ષીરાભિષેકનો આગ્રહ એમને દુરાગ્રહ લાગ્યો. પોતાની પૂજાની નાની મોટી પદ્ધતિ એમને જરા પણ પસંદ ના પડી. વળતે દિવસે એ એમને માટે ભિક્ષા લઈને આવી પહોંચ્યો ત્યારે એમણે તામિલ ભાષામાં દીવાલ પર લખીને જણાવ્યું કે આ શરીરને અન્નની જ આવશ્યકતા છે, પૂજાસેવાની કે અભિષેકની નહિ. એ શબ્દો દ્વારા સંપૂર્ણપણે સ્પષ્ટીકરણ કર્યું કે કોઈપણ પ્રકારના બાહ્યાડંબર, દંભ કે દેખાવની પોતે વિરુદ્ધ છે.

એ પછી તંબિરાને પોતાનો સંકલ્પ પડતો મૂક્યો. મહર્ષિની નિઃસ્પૃહતાની છાપ એના મન પર ઘણી ભારે પડી.

એ પ્રસંગથી લોકો સમજી શક્યા કે મહર્ષિ તામિલ જાણે છે ને શિક્ષિત છે. એ નાના સરખા છતાં મહત્વના પ્રસંગ પરથી બીજાએ ધડો લેવાનો છે. આપણે ત્યાં સાધુસંતોનો ને સાધકોનો એક એવો વર્ગ પણ છે જે સિદ્ધિઓનાં પ્રદર્શનમાં ને પોતાની સેવાપૂજા કરાવવામાં માને છે. પોતાની આરતી ઉતરાવવામાં પણ આનંદ માને છે ને ગૌરવ ગણે છે. એમનામાં મિથ્યાભિમાન પેદા થતાં વાર નથી લાગતી. કેટલાક તો અહંકારને પોષવા માટે જ બહારની સેવાપૂજા, પ્રશસ્તિ અને આરતીનો આધાર લેતા લેવડાવતા હોય છે. એમને માટે ને બીજા ઊછરતા સામાન્ય સાધકોને માટે પણ મહર્ષિના જીવનનો આ પ્રસંગ પ્રેરણાત્મક થઈ પડે છે. સાધુસંતો, સાધકો ને મહાત્માઓએ નમ્ર ને નિરભિમાની થઈને પોતાની પૂજાના મોહમાંથી મુક્તિ મેળવવાની ને પૂજાની પદ્ધતિને જરા પણ ના ઉત્તેજવાની ને એનો બનતી બધી જ રીતે વિરોધ કરવાની આવશ્યકતા છે. એની છાપ લોકો પર ઘણી સારી પડશે અને એમને પોતાને પણ એનાથી લાભ થશે.

* * *          * * *          * * *          * * *

જનતાની ભીડને વિચાર કરીને મહર્ષિના નિવાસસ્થાનની આજુબાજુ વાંસની વાડ જેવું બનાવવામાં આવ્યું. એવાં કાર્યોમાં તંબિરાન કુશળ હતો. વાડને લીધે દર્શનાર્થીઓની ભીડ ઓછી થઈ એ સાચું, પણ એમનો ઉત્સાહ જરાપણ ઓછો ના થયો. મહર્ષિને ભિક્ષા કરાવવાથી પુષ્કળ પુણ્યપ્રાપ્તિ થશે એવી શ્રદ્ધાને લીધે લોકો એમને ભિક્ષા પહોંચાડવાની હરીફાઈ કરવા લાગ્યા. એમના અંતરના એમને માટેના, પરમપવિત્ર પ્રબળ પ્રેમનું, એમાં પ્રતિબિંબ પડ્યું.

એમની સેવાનો સર્વપ્રથમ સ્વર્ણ અવસર સ્વાભાવિક રીતે જ તંબિરાનને સાંપડ્યો. પહેલા મહિના દરમિયાન એણે જ એમને ભિક્ષા પહોંચાડી. પરંતુ એ પછી મહર્ષિએ અવનવો માર્ગ અપનાવીને ભિક્ષાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરી દીધું. ભિક્ષામાં જે પદાર્થો લાવવામાં આવતા એમને એ ભેગા કરી દેતા. એ પદાર્થોમાં દૂધ વિશેષ રહેતું હોવાથી ભેગા કરવાથી સ્વાભાવિક રીતે જ એ પદાર્થો પ્રવાહી જેવા બની જતા. મહર્ષિ એવી રીતે એકઠા કરેલા પદાર્થોનો એકાદ પ્યાલો પી જતા. એવી રીતે એમનું ભોજન દિવસમાં એક વાર થયા કરતું.

તપશ્ચર્યાના એવા એકધારા કઠોર નિયમોની અસર એમના શરીર પર થાય એ સમજી શકાય તેમ હતું. શરીરની શક્તિ દિનપ્રતિદિન ઘટવા લાગી. એમનામાં સારી પેઠે ચાલવાની શક્તિ પણ ના રહી. ઊભા થવાનો પ્રયત્ન કરતાં આંખે અંધારાં આવવા માંડ્યાં. શરીર એકદમ કૃશ બની ગયું ને હાડકાં દેખાવા લાગ્યાં. એકવાર તો બારણા પાસે પહોંચતા પહેલાં જ બેશુદ્ધ બની ગયા. એમની સાથેના સેવકે આધાર આપીને એમને પડી જતાં બચાવી લીધા.

એવી દુર્બળ દશામાં પણ એમનો ધ્યાનાદિ અંતરંગ સાધનાનો ક્રમ અવિચ્છિન્ન રીતે ચાલુ જ રહ્યો. ધ્યાનની સાધનામાં તલ્લીન રહેવાને લીધે એમને દિવસ રાતનું કે દેશકાળનું ભાન ના રહેતું. નિરુદ્ધ દશાને પ્રાપ્ત કરનારું એમનું ચિત્ત બાહ્ય જગતથી ઉપરામ બનીને આત્માના અલૌકિક પ્રદેશમાં ડૂબી જતું. એમની આત્મિક શક્તિ અસાધારણ હોવાથી શરીરની અવસ્થા એમને માટે નડતરરૂપ ના બનતી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.