આશા કેવી અમૂલખ અનિર્વચનીય વસ્તુ છે !
એનો પ્રભાવ લગભગ સર્વત્ર જોવા મળે છે.
એ સર્વત્ર અથવા સર્વવ્યાપક છે એમ કહીએ તો ચાલે.
વિદ્વાનો કહે છે કે એના વિનાનું જીવન નીરસ અથવા અશક્ય છે. એવા જીવનની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
ઉપનિષદના પેલા સુવિખ્યાત શબ્દોને (कः ह्येवाण्यात् कः प्राण्यात्) એ શબ્દોને જરાક જુદી રીતે રજૂ કરીને કહેવું હોય તો નિઃસંકોચ રીતે કહી શકાય કે આ અવનીમાં આશા ના હોત તો કોણ શરીરધારી શ્વાસ લેવાનું પસંદ કરત ને કોણ સુખશાંતિ અથવા આનંદનો અનુભવ કરત ? એ અમૃતમય અક્ષય આશાને જ્યારે પ્રેમ તથા મમતાનું પીઠબળ પ્રાપ્ત થાય છે ત્યારે એ વધારે મધુર અને બળવાન બને છે.
મહર્ષિના પૂર્વાશ્રમના કાકા નેલ્લિયપ્પય્યર એમને અરૂણાચલથી પાછા લાવવામાં નિષ્ફળ નીવડ્યા અને એમણે મહર્ષિની માતા અલઘમ્માને એ નિષ્ફળતાના સમાચાર સારી રીતે કહી બતાવ્યા તો પણ અલઘમ્માનું માતૃહૃદય ના માન્યું. એ એટલું જલદી નિરાશ ના બન્યું. એમાં આશાનો અવનવો અંકુર ઊગી નીકળ્યો.
એમને થયું કે ઈશ્વરની આટલી કૃપા તો છે જ કે વેંકટરામનની ભાળ આખરે મળી શકી. નેલ્લિયપ્પય્યર એને પાછા લાવવામાં સફળ ના થયા એથી શું ? એ વકીલ હોવા છતાં એને સફળતાપૂર્વક નહિ સમજાવી શક્યા હોય. એ મારા જેવી ને જેટલી મમતાથી સંપન્ન ક્યાંથી હોય ? મને જોઈને ને મારી પ્રાર્થના સાંભળીને વેંકટરામન અરૂણાચલ પર્વતની પેઠે અચળ નહિ રહી શકે. મારા પ્રેમથી એ જરૂર પલળશે ને મારી સાથે ઘેર આવવા તૈયાર થશે.
અલઘમ્માજીના અંતરમાં આનંદ ફરી વળ્યો. એમને પોતાનું સ્વપ્ન સાકાર થવાનો સમય અત્યંત સમીપ લાગ્યો.
નાતાલની રજાઓમાં નાગસ્વામીને સાથે લઈને એમણે તિરુવણ્ણામલૈ પહોંચવા પ્રસ્થાન કર્યુ ત્યારે એમનું અંતર આનંદથી ઊભરાઈ રહ્યું.
તિરૂવણ્ણામલૈ પહોંચ્યા પછી એમણે જાણ્યું કે વેંકટરામન પવલ કુન્નૂ નામની ટેકરી પર વાસ કરે છે, એટલે એ બંને ટેકરી પર ચઢવા માંડ્યાં.
એ ટેકરી પર આવી પહોંચ્યા ત્યારે મહર્ષિ એક શિલા પર સૂતેલા.
અલઘમ્માએ એમને તરત જ ઓળખી કાઢ્યા.
માતા પોતાના પુત્રને કેટલાય લાંબા વખતે મળે ને ગમે તેવા રૂપ, રંગ કે વેશમાં મળે તોપણ ઓળખ્યા વિના રહી શકે છે ખરી ? અને પુત્ર પણ માતાને ઓળખ્યા વિના રહી શકે છે ? વેંકટરામનનું બાહ્ય સ્વરૂપ એકદમ બદલાઈ ગયેલું. એ ઘરમાં હતા ત્યારે જુદા હતા અને અત્યારે જુદા જ દેખાતા. એમની એવી દશા દેખીને એમને ખૂબ જ દુઃખ થયું. એમનું અંતર આક્રંદ કરવા લાગ્યું.
એમણે મહર્ષિને અરૂણાચલના એ એકાંત પ્રદેશનો ત્યાગ કરીને પોતાની સાથે ઘેર આવવા માટે બને તેટલું બધું જ કહી જોયું પરંતુ એ કથનનું ધાર્યું પરિણામ ના આવ્યું. મહર્ષિ સઘળું શાંતિપૂર્વક સાંભળી રહ્યા.
માતાના શબ્દો સાંભળીને એમનું રૂંવાડું પણ ના હાલ્યું. અરૂણાચલ પર્વતના પ્રશાંત પ્રદેશમાં રહીને એ એના જેવા જ અચળ બની ગયા હોય એવી છાપ અલઘમ્મા તથા નાગસ્વામી પર પડ્યા વિના ના રહી.
નાગસ્વામીએ પણ માતાના વિચારોનું સમર્થન કરીને પોતાના ભાઈને ઘેર પાછા ફરવા માટે વિજ્ઞપ્તિ કરી જોઈ પરંતુ એ વિજ્ઞપ્તિ મહર્ષિના મક્કમ મનોબળને ના ચળાવી શકી. એમનો વૈરાગ્ય અવિચળ રહ્યો.
મહર્ષિએ પોતાની માતાને અને પોતાના ભાઈને ઓળખવા છતાં એમના પ્રત્યે કોઈ જાતની લાગણી ના બતાવી. પૂર્વના એ પારિવારિક સંબંધોનો જાણે કે અંત આવ્યો હોય, એમની સાથે એમને કાંઈ જ લાગતું વળગતું ના હોય, અને એની જગ્યાએ નવો જ આત્મિક, સર્વવ્યાપી તટસ્થ, સ્નેહરહિત સંબંધ શરૂ થયો હોય, એવી એમની અવસ્થા હતી. એ અવસ્થાનો પડઘો એમના વ્યવહારમાં પડતો.
અલઘમ્માના ઉત્કટ લાગણીથી ભરેલા હૃદયને એવો વ્યવહાર જરા પણ ના ગમે એ સ્વાભાવિક હતું. એમની દૃષ્ટિ મહર્ષિની દૃષ્ટિ કરતાં તદ્દન જુદી હતી ને જુદી હોય એ સહેજે સમજી શકાય તેમ હતું. એમણે મહર્ષિને ખૂબ ખૂબ સમજાવી જોયા, માતૃઋણની સ્મૃતિ કરાવીને બોધ આપ્યો. એમને ઠપકો આપ્યો, સખત શબ્દો સંભળાવ્યા, ને એમાંનું કશું જ ના ફળ્યું ત્યારે છેવટના અમોઘ ઉપાય તરીકે રડી નાખ્યું ખરું. એ રુદનથી પ્રશાંત પર્વતમાળા હાલી ઊઠી. એમાં એના પડઘા પડ્યા. પરંતુ મહર્ષિ એવા જ મૂક રહ્યા. એમને એની કશી જ અસર ના થઈ.
* * * * * * * * * * * *
આત્મવિકાસના મંગલમય માર્ગે સફળતાપૂર્વક આગળ વધવાની અભિલાષાવાળા સાધકોના જીવનમાં જુદી જુદી જાતનાં પ્રલોભનો આવતાં હોય છે. પરિવારના માણસોની વધારે પડતી મમતા અને એમનો વિરોધ પણ એક પ્રબળ પ્રલોભન જ હોય છે. કાચાપોચા નિર્બળ મનના સાધકો એના શિકાર બનીને એમાં અટવાઈ જાય છે ને પોતાના મૂળ માર્ગને મૂકી દે છે. મહર્ષિ લાગણીરહિત જડ પથ્થર ન હતા. એ પ્રાણીઓના પ્રેમ અને સંવેદનને સમજતા. પરંતુ અત્યારે એમને આ રીતે જ રહેવાની આવશ્યકતા હતી. એમનો જીવનવ્યવહાર તત્કાલીન સાધનાત્મક આવશ્યકતાને અનુરૂપ હોવાથી જરા પણ દોષપાત્ર ન હતો.
મહર્ષિ જેવા મહાપુરૂષ પોતાની માતાનો તિરસ્કાર તો કરી જ ના શકે, પરંતુ એ માતાની માગણી ને લાગણીને સાથ આપવાનું એમને માટે મુશ્કેલ હોવાથી શાંતિથી બેસી રહ્યા, ને સર્વ કાંઈ સાંભળી રહ્યા. માતાની અંદર પરમાત્માના પરમપાવન પ્રકાશનું દર્શન કરવાનો આદેશ શાસ્ત્રોએ આપ્યો છે, અને એવું દર્શન કરવાની શક્તિની પ્રાપ્તિ થતાં માતા બાધક નથી બનતી પરંતુ મહર્ષિની અવસ્થા એ વખતે એકદમ અનેરી હતી. એ કોઈનોય સંગ નહોતા ચાહતા ને ઘેર જવા પણ નહોતા માગતા. હવે તો અખિલ વિશ્વ અને પરમાત્માનું શાશ્વત સ્વરૂપ જ એમનું ઘર હતું. એટલે એ અવારનવાર કરાતી અરજને સાંભળવા છતાં અબોલ અને અચળ જ રહ્યા.
અલઘમ્મા અને નાગસ્વામી દિનપ્રતિદિન મહર્ષિની મુલાકાત લેતાં રહ્યાં. એ મીઠાઈ લાવતાં ને વિનવણી કરતાં પરંતુ એની અસર એ મજબૂત મનોબળવાળા મહાપુરૂષ પર જરા પણ ના થતી. એક દિવસ તો મહર્ષિને એમની ઉદાસીનતા માટે ઠપકો આપતાં અલઘમ્મા જોરથી રડી પડ્યાં. એમના છાતીફાટ રુદનને વધારે વખત સુધી જોઈ ના શકવાથી મહર્ષિ ત્યાંથી ઊઠીને ચાલવા માંડ્યા.
* * * * * * * * * * * *
બીજે દિવસે આવીને માતાએ ફરી પાછી એની એ જ દલીલો કરી.
મહર્ષિએ દલીલોનો કશો ઉત્તર આપવાને બદલે મૌન રાખ્યું ત્યારે એમણે ત્યાં દર્શન માટે એકઠા થયેલા લોકોને પોતાનો મહર્ષિ સાથેનો સંબંધ કહી બતાવ્યો, મહર્ષિના ગૃહત્યાગની કઠોર ને કરૂણ કથા કહી, અને મહર્ષિને સમજાવવાના સત્કર્મમાં એમની સહાયતા માગી.
અલઘમ્માની આંખો ભરાઈ આવી.
એમની આંખનાં અસ્ખલિત વહી જતાં આંસુ દર્શનાર્થીઓના પ્રાણને પલાળવા માટે પૂરતાં હતાં.
એમના શબ્દો પણ એવા જ સંવેદનશીલ હતા. એમની પાછળ ઊંડો ને સાચો સ્નેહ ટપકતો.
ત્યાં એકઠા થયેલા લોકોમાંના એક શ્રી પંચય્યપ્પ પિલ્લૈપર હતા. એમનાથી એ સઘળું સહન ના થયું એટલે એ તરત જ બોલી ઊઠ્યાં :
’સ્વામીજી તમારી માતા પ્રાર્થના કરે છે, વીનવે છે, ને રડે છે તથા વિલાપ કરે છે છતાં તમે કશું બોલતા નથી ને મૂક બનીને બેસી રહ્યા છો તે સારું છે ? તમે હા કે નાનો ઉત્તર તો આપો. તમારું મૌનવ્રત ભલે આવું જ અકબંધ રહ્યું. આ કાગળ ને પેન્સિલ છે. એનો ઉપયોગ કરીને તમારે તમારા તરફથી જે કહેવું હોય તે કહી શકો છો. ’
મહર્ષિને પિલ્લૈના શબ્દોમાં કશું વાંધાજનક ના લાગ્યું.
એમણે ઘડીનાય––વિપળનાય વિલંબ વિના પેન્સિલની મદદથી પાસે પડેલા કાગળ પર લખી નાખ્યું :
‘કર્તા પ્રત્યેક જીવને એના પૂર્વકર્માનુસાર અથવા એના પ્રારબ્ધ પ્રમાણે ચલાવે છે. જે નથી થવાનું તે હજારો પ્રયત્નો કરવા છતાં પણ નહિ થાય. જે થવાનું છે તેને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવશે તો પણ તે થશે જ, એ નક્કી છે. એટલા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય શાંત જ રહેવાનો છે.’
અલઘમ્માને માટે એ શબ્દોમાં સમાયેલી ફિલસુફી તદ્દન નવી હતી. એ ધારત તો એનો લાભ લઈને પોતાના સંતપ્ત અંતરને આશ્વાસન આપીને શાંત કરી શકત. એ શબ્દોમાંથી નવજીવનનું ભાથું પણ ભરી શકત. મહર્ષિ કપિલે માતા દેવહૂતિને અર્પેલા ઉપદેશની પેઠે એ સંક્ષિપ્ત સારવાહી સદુપદેશ એમના જડ જટિલ જીવનને નવી પ્રેરણા પાત અને જીવનનું ઉત્તમ બળ થાત, એમને દુઃખમુક્ત કરવામાં, ચિંતારહિત બનાવવામાં, અને એમની કાયાપલટ કરવામાં એ અવસર ઉપયોગી થાત. એમના સમસ્ત જીવનનો એક ચિરસ્મરણીય સુવર્ણ અવસર બની જાત. પરંતુ એમની ભૂમિકા હજુ એટલી ઊંચી ન હતી. એવી આશીર્વાદજનક ઉચ્ચ ભૂમિકાને માટે એમને લાંબા વખત લગી પ્રતીક્ષા કરવાની હતી. એમના અંતરનાં અવિદ્યાજન્ય મમતાયુક્ત આવરણો હજુ દૂર નહોતાં થયાં. એટલે એ મહર્ષિના સંગનો તથા સંદેશનો લાભ ના ઉઠાવી શક્યાં. એટલું જ નહિ, એથી આગળ વધીને મહર્ષિના શબ્દો એમને પાગલના શબ્દો લાગ્યા.
એમને થયું કે હવે વધારે રહેવાથી કોઈ હેતુ નહિ સરી શકે. એ નાગસ્વામીની સાથે મહર્ષિને મળીને નિરાશ હૈયે, વિષાદપૂર્ણ વદને, પર્વત પરથી પાછા ફર્યાં તો પણ મહર્ષિમાં કશો ફેરફાર ના થયો.
મહર્ષિનો અણિશુદ્ધ વૈરાગ્ય અને આત્મભાવ આખરે વિજયી નીવડ્યો.
એ એક મહાન અગ્નિ પરીક્ષામાંથી સંપૂર્ણપણે સફળ થયા.

