માતા અલઘમ્માની વિદાય પછી થોડેક વખતે રમણ મહર્ષિએ પવલ કુન્નૂ નામનું એ સુંદર સ્થળ છોડી દીધું ને અરૂણાચલ પર્વતની ઉપરના પ્રદેશ પ્રતિ પ્રયાણ કર્યું. પ્રવાલ પર્વતનો પરિત્યાગ કરીને એમણે અરૂણાચલ પર્વત પર રહેવાનું પસંદ કર્યું. એકાંત અરણ્ય, સરિતાના પ્રશાંત સુંદર તટપ્રદેશ તથા પર્વતમાળાઓનાં સ્થાન આધ્યાત્મિક સાધનાને માટે અધિક અનુકૂળ મનાય છે. એવાં સાનુકૂળ સાધના સ્થાનોમાં શાસ્ત્રકારો ને સ્વાનુભવી મહાપુરૂષોએ શાંત મંદિરોનો પણ સમાવેશ કર્યો છે. મહર્ષિને એવાં અનુકૂળ સ્થળો પ્રથમથી જ પ્રાપ્ત થયાં. એમને સરિતાના પ્રશાંત સુંદર તટપ્રદેશ પર રહેવાનું સૌભાગ્ય ના સાંપડ્યું, પરંતુ જળાશયનું સુખદ સાંનિધ્ય તો મળ્યું જ. મંદિરમાં શરૂ થયેલી એમની સાધના વન અને પર્વતના પ્રશાંત પ્રદેશોમાં પરિપુષ્ટ બનતી ગઈ અને અરૂણાચલ પર્વતના પવિત્ર પ્રદેશમાં પરાકાષ્ઠાએ પહોંચી ને સુસ્વાદુ ફળવતી બની.
મહર્ષિની અવસ્થા અસાધારણ હતી. તપશ્ચર્યાનો આશ્રય લઈને એમણે એમના મન, સ્વભાવ અને એમની ઈન્દ્રિયો પર અધિકાર મેળવેલો અને એવી અલૌકિક ભૂમિકાની પ્રાપ્તિ કરેલી જે ભૂમિકા સર્વસ્થળે ને સર્વકાળે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના એકધારી ટકી રહે. એટલે એ કોઈ પણ પ્રદેશમાં રહે તો ચાલે તેવું હતું. એમની સાધનામાં ને આત્મનિષ્ઠામાં એથી કશો જ ફેર નહોતો પડવાનો. તોપણ અરૂણાચલના પવિત્ર પર્વતપ્રદેશને માટે એમને કોણ જાણે કેમ પણ આરંભથી જ એક પ્રકારનું અદ્દભુત આકર્ષણ હતું.
એમના જીવનનો વિચાર કરતાં એવી સુસ્પષ્ટ પ્રતીતિ થયા વિના નથી રહેતી કે વરસો પહેલાં અરૂણાચલ પર્વતના પ્રશાંત પ્રદેશમાં રહીને તપશ્ચર્યા કરી ચૂકેલા કોઈક પ્રાતઃસ્મરણીય સમર્થ સંત એ પ્રદેશના ભુલાયેલા મહિમા કે ગૌરવને પુનર્જિવિત કરવા મહર્ષિ રમણનો નવો વેશ ધારણ કરીને વધારે વખત વીતે એ પહેલાં પાછા એ જ પ્રદેશમાં આવી પહોંચ્યા. તિરુવણ્ણામલૈનાં પવિત્ર તપઃપૂત સ્થાનોને પોતાના નિવાસ તથા તપથી એમણે વધારે પવિત્ર બનાવ્યાં. એ પોતે તો મહિમામય હતા જ, એ સ્થાનો પણ મહિમામય હતાં, પરંતુ એમને પોતાની સાધનાથી વિશેષ મહિમામય બનાવી દીધાં. અરૂણાચલેશ્વરના મંગલમય મંદિર ને અરૂણાચલ પર્વતે પણ અવનવું આકર્ષણ ધારણ કર્યું. એ ઐતિહાસિક પુણ્યપ્રદેશ એની સાથે સંકળાયેલી એ મહાપુરૂષની જીવનસાધનાને લીધે અધિક ઐતિહાસિક બની ગયો. મહર્ષિ જો એ પુણ્યપ્રદેશમાં ના ગયા હોત ને ત્યાં જઈને વરસો સુધી ના વસ્યા હોત તો એના તરફ લોકોનું ધ્યાન આટલા બધા મોટા પ્રમાણમાં ભાગ્યે જ આકર્ષાયું હોત, લોકો એને ભાગ્યે જ યાદ કરતા હોત, અને એની પ્રશસ્તિ પણ આટલા બધા પ્રમાણમાં ના કરતા હોત. એ પ્રદેશે મહર્ષિના જીવન ઘડતરમાં તો મોટો ભાગ ભજવ્યો જ, પરંતુ મહર્ષિએ પણ એને પ્રખ્યાત, પવિત્ર ને લોકપ્રિય બનાવવામાં ઓછો ભાગ નથી ભજવ્યો. મહર્ષિ જાણે એને પ્રખ્યાત કરવા માટે જ આવી પહોંચ્યા. અથવા કહો કે વર્તમાન સમયના અરૂણાચલેશ્વરના અવતાર થયા.
રામ, કૃષ્ણ, શંકર, બુદ્ધ મહાવીર અને એવા અન્ય મહાપ્રતાપી મહાપુરૂષોનાં નિવાસસ્થાનો તરીકે કેટલાંક સ્થાનો વધારે પવિત્ર ને તીર્થમય મનાયાં છે. એવી રીતે તિરુવણ્ણામલૈનાં જુદાં જુદાં સ્થાનો મહર્ષિની પવિત્ર પદરજથી અને સર્વોત્કૃષ્ટ સાધનાથી મહિમામય બન્યાં ને તીર્થરૂપ થયાં. પોતાના સુખદ સ્વર્ગીય સંસર્ગથી એમણે આખા અરૂણાચલ મંડળને મંગલ તથા તીર્થસ્વરૂપ બનાવી દીધું. तीर्थी कुर्वन्ति साधवः સંતો જ તીર્થને સાચા અર્થમાં તીર્થ બનાવે છે એ ઉક્તિ એમના સંબંધમાં સંપૂર્ણપણે સાચી ઠરી. અત્યારથી જ એમની સુયોગ્યતા વિશે વાતો સાંભળીને એમનાં દર્શન તથા સમાગમ માટે જે અસંખ્ય આત્માઓ એમની પાસે આવવા માંડ્યા તેના પરથી એની પ્રતિતી થઈ.
ફૂલ પોતાની ફોરમને લઈને પૂરેપૂરૂં ખીલે છે અને એને આજુબાજુના વાતાવરણમાં બધે જ ફેલાવે છે એટલે ભ્રમરોને કાંઈ બોલાવવા નથી પડતા. એ કુદરતી આકર્ષણ, પ્રેમ અથવા આસક્તિનો અનુભવ કરતાં આપોઆપ આવી પહોંચે છે. સરિતા સલિલવતી બને છે એટલે એના સુસ્વાદુ સલિલની આકાંક્ષાથી તૃષાતુર આત્માઓ એની આગળ આપોઆપ એકઠા થાય છે. વૃક્ષ પોતાની સુદૃઢ શાખાઓ ને શીતળ છાયા ફેલાવે છે એટલે એમના આશ્રયના અભિલાષીઓ કોઈ પણ પ્રકારના વિશેષ આમંત્રણ વિના જ એમની પાસે આવી પહોંચે છે. એ સઘળું નૈસર્ગિક નિયમાનુસાર, સહજ ને સ્વાભાવિક રીતે જ બન્યા કરે છે. મહર્ષિના સંબંધમાં પણ એવું જ બન્યું. એમનો પરમપાવન આત્મપ્રકાશ જેમ જેમ વધારે ને વધારે પ્રમાણમાં પ્રકાશવા માંડ્યો તેમ તેમ એમની સાધનાત્મક સુવાસ વિશેષ ને વિશેષ પ્રમાણમાં ફેલાવા લાગી ને એના ઈચ્છુક આત્માઓ પણ એમની પાસે આવવા માંડ્યા.
* * * * * * * * * * * *
અરૂણાચલની અલૌકિક ભૂમિમાં એમણે લાંબા વખત લગી––એમ કહો કે સમસ્ત સાધનાત્મક જીવનપર્યંત વાસ કર્યો. એને લીધે એને જે મહિમાની પ્રાપ્તિ થઈ તેની કલ્પના કોણ કરી શકે ? એ ભૂમિ હિમાલયની ઋષિમુનિસેવિત, પુરાણપ્રસિદ્ધ ભૂમિ જેવી દૈવી ને ગૌરવવંતી બની ગઈ ને જાજ્વલ્યમાન થઈ. એને એ મહાપ્રતાપી મહાપુરૂષની ઉપસ્થિતિને લીધે મહામૂલ્યવાન ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત થયું. હિમાલયની અલૌકિક ભૂમિએ એકેકથી ચઢિયાતા મહાપુરૂષોને પ્રકટ કરીને સમસ્ત સંસારના આધ્યાત્મિક રસવૃત્તિવાળા આત્માઓનું ધ્યાન પોતાની પ્રત્યે વરસો સુધી, અનંતકાળથી કેન્દ્રિત કરેલું. હવે એ ધ્યાન ઉત્તરને બદલે દક્ષિણમાં કેન્દ્રિત થયું–એને કેન્દ્રિત થવાનો અમૂલખ અવસર નજદીક આવી પહોંચ્યો તે રમણ મહર્ષિને લીધે જ. એ અદ્દભુત કેન્દ્રિકરણ વરસો સુધી ચાલુ રહ્યું એ પણ એમને જ લીધે. ભારતના ઘટતા જતા આધ્યાત્મિક ગૌરવને એમણે ફરી જગાવવાનું ને વધારવાનું હતું. એને માટેની આવશ્યક સાધના એમના વર્તમાન જીવનમાં ચાલી રહેલી. એની એ પૂર્વભૂમિકા હતી.
ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમના ભેદો તો માનવે પાડેલા છે. સંસ્કૃતિને એવા બાહ્ય ભેદોમાં વિભાજિત નથી કરી શકાતી. આધ્યાત્મિકતાનો અર્ક સર્વત્ર અખંડ જ રહેતો હોય છે. એને દેશવિશેષનાં બંધન પણ નથી હોતાં. છતાં પણ દેશવિશેષની દૃષ્ટિથી વિચારીએ તો કહી શકાય કે ભારતની સંસ્કૃતિનો આધ્યાત્મિક આત્મા વરસોથી વિસ્મૃતિપદે પહોંચેલા દક્ષિણના પ્રદેશમાંથી આવિર્ભાવ પામવાની ઈચ્છા રાખતો’તો. એ ઈચ્છાની પૂર્તિરૂપે જ મહર્ષિ જેવા મહાપુરૂષનું શુભાગમન થયેલું.
* * * * * * * * * * * *
આત્મિક પ્રકાશની પ્રાપ્તિ કરવાની આકાંક્ષાવાળા સાધકે ઉત્સાહયુક્ત અંતરથી દીર્ઘકાળ પર્યંત એકધારી સાધના કરવી પડે છે. એવી એકધારી સમજપૂર્વકની સાધના સિવાય સિદ્ધિની પ્રાપ્તિ નથી થઈ શકતી. એવી દીર્ઘકાલીન નિષ્ઠાપૂર્વકની સાધના માટે મનને ચંચલતામાંથી મુક્ત કરવું પડે છે. ચંચલ મનના સાધકો એક ઠેકાણે લાંબા વખત લગી રહીને પોતાના મનને સાધનામાં નથી પરોવી શકતા. એમને સંસારના વિવિધ વિષયો આકર્ષ્યા કરે છે. એમને નવું નવું નિહાળવાની, સાંભળવાની ને જુદે જુદે ઠેકાણે ફરવાની ઈચ્છા થતી હોય છે. કેટલાક સાધકો બીજાને ઉપયોગી થવાની, પ્રતિષ્ઠિત બનવાની, ને ગુરૂ થવાની કે સંપત્તિ વધારવાની વાસના રાખે છે. એવી નાનીમોટી ઈચ્છાઓ ને વાસનાઓ એમને એક ઠેકાણે લાંબા વખત લગી રહીને સાધનામગ્ન નથી થવા દેતી. કેટલીક વાર થોડા કે વધારે પ્રકાશની પ્રાપ્તિ થતાં જ સાધક ખોટી કૃતાર્થતાનો અનુભવ કરવા લાગે છે ને સાધના પૂરી કરે છે. એને લીધે એનો સાચો ને સંપૂંર્ણ વિકાસ અટકી જાય છે.
સાધનાનાં એ બધાં નાનાંમોટા ભયસ્થાનોથી મહર્ષિ પ્રથમથી જ મુક્ત હતા. એમને બહારનું બીજું કશું જોવાની, સાંભળવાની ઈચ્છા નહોતી સતાવતી. ગુરૂ થવાની, પદપ્રતિષ્ઠા તથા સંપત્તિ મેળવવાની ને બીજાને ઉપયોગી થવાની આકાંક્ષાનો પણ એમનામાં અભાવ હતો. એ કેવળ પોતાની અંદરના આત્મજગતને વધારે ને વધારે પ્રમાણમાં જોવા માગતા, આત્માના અમૃતસભર સનાતન સંગીતને જ વિશેષ સાંભળવાની ઈચ્છા રાખતા, આત્માની અજરામર સનાતન સંપત્તિ મેળવવાની ને એના વિશે અધિકાધિક જાણવાની જ એમની અભિલાષા હતી. એના સિવાયના બીજા બાહ્ય વિષયોમાંથી ને શરીરમાંથી પણ મન પાછું વળી ગયેલું. એમનું સાધનાક્ષેત્ર એવી રીતે શરૂઆતથી જ તૈયાર હતું. તિરુવણ્ણામલૈ આવ્યા પછી ત્યાંના એકાંત અનુકૂળ પ્રદેશમાં એની અંદર જરૂરી ખેડાણ થયું ને સુંદર બી પડ્યું. વખતના વિતવા સાથે એમાંથી અલૌકિક અંકુરો ફૂટી નીકળ્યા. એમની આત્મનિષ્ઠા વધી, શાંતિ એમની સદાની સહચરી બની, એમને આત્મિક પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ, ને વિકાસની નવી નવી ક્ષિતિજો એમને માટે ખૂલવા લાગી. એનું દર્શન એમના જીવનમાં સ્પષ્ટપણે થવા માંડ્યું.

