if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અરૂણાચલ પર્વત પરના નિવાસનું સ્થાન મહર્ષિના જીવનમાં ઘણું મહત્વનું છે. એની સાથે એમના સાધનાત્મક જીવનનો પાછળનો ઈતિહાસ સંકળાયેલો હોવાથી એ ખાસ ઉલ્લેખનીય છે.

અરૂણાચલ પર્વત તિરુવણ્ણામલૈ શહેરની પશ્ચિમ તરફ આવેલો છે. અરૂણાચલેશ્વરના મંગલમય મંદિરની પશ્ચિમ તરફના મિનારાની પાસે પર્વત પર ચઢવાનાં પગથિયાં બનાવેલાં છે. એ પગથિયાંનો આધાર લઈને પર્વત પર ચઢનારા પ્રવાસીના માર્ગમાં એવી કેટલીક ગુફાઓ આવે છે જેમાં રહીને શાંતિપૂર્વક, કોઈ પણ પ્રકારના કોલાહલથી મુક્ત રહીને, સાધના કરી શકાય. વચ્ચે વચ્ચે વિવિધ પ્રકારનાં વૃક્ષો ને પ્રકૃતિની ગોદમાં કોઈ પણ દુન્યવી માળીની માવજત વિના ખીલી ઊઠેલાં વિભિન્ન રૂપરંગ તથા સૌરભથી સંપન્ન ફૂલો દેખાય છે, ને કુદરતને ખોળે કલકલ નિનાદ કરતાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર સંપૂર્ણ સ્વતંત્રતા તથા નિર્ભયતાથી વહ્યે જતાં ઝરણાં જોવા મળે છે. વીતરાગ તપસ્વીઓના હૃદયની પવિત્રતાની સ્મૃતિ કરાવતાં એ ઝરણાં પોતાના સુમધુર શાંત સ્વર્ગીય સંગીતથી મુસાફરોના મનને મુગ્ધ કરે છે અને એમનો થાક મટાડે છે. માર્ગમાં શિલાખંડો ને ગીચ ઝાડીનું દર્શન થતું રહે છે. એ દેખીને પ્રવાસીનો પ્રાણ પ્રસન્ન બને છે.

પર્વત પર ચઢતાં વચ્ચે થોડીક વાર ઊભો રહીને પીઠ ફેરવીને એ બીજી બાજુ નજર નાખે છે ત્યારે કુદરતી શાંતિ ને સુંદરતાનો એ અખૂટ વૈભવ વિલોકીને એનું અંતર આનંદી ઊઠે છે. એના મુખમાંથી એ ધન્ય દર્શનના પરિણામે એકાએક ઉદગાર નીકળી પડે છે કે શું અદભુત દૃશ્ય છે ! આટલું બધું સુંદર આનંદદાયક દૃશ્ય બીજે હશે ખરું ?

સાચું કહીએ તો પર્વત––અને કોઈ પણ પર્વત પરનાં બધાં જ દ્રશ્યો એવાં વિલક્ષણ, અનેરાં અથવા આનંદદાયક હોય છે. પર્વત પરનું નાનું કે મોટું કોઈયે આરોહણ એવું અનોખું દૃશ્ય રજુ કરે છે જેનો પરિપૂર્ણ આનંદાનુભવ કેવળ દર્શનાર્થીનું અંતર જ કરી શકે છે. પર્વતીય પ્રવાસ હિમાલયનો હોય, આબુનો હોય, ગિરનાર કે પાવાગઢ ને વિંધ્યાચળ કે સહ્યાદ્રિનો હોય, તિરુપતિ બાલાજીનો, જ્વાલામુખીનો, કુલુનો કે ઊટીનો, ગમે તેનો હોય, પ્રત્યેકને પોતાનું આગવું સૌન્દર્ય હોય છે એ સત્યની પ્રતીતિ અરૂણાચલ પર્વતનો પ્રવાસ કરતાં સહેલાઈથી થઈ શકે છે.

પર્વત પર ચઢતી વખતે પાછળ નજર નાખીએ તો ભગવાન અરૂણાચલેશ્વરનું મંદિર તદ્દન સામે જ જોવા મળે છે. એ વિશાળ અસાધારણ મંદિરની ઝાંખી કરવાથી અંતરમાં અવનવા પવિત્ર ભાવો આવિર્ભાવ પામે છે. તિરુવણ્ણામલૈ શહેરની મધ્યમાં વસેલું એ મધુમય મંદિર એના હૃદય જેવું દેખાય છે. આજુબાજુના સમસ્ત શહેરના વાયુમંડળમાં એ પવિત્ર આધ્યાત્મિક પરમાણુઓનો સંચાર કરે છે. એ વિશાળ અને અસાધારણ હોવા છતાં પણ કેટલું બધું શાંત છે ! કોઈક પૂર્ણ સ્થિતપ્રજ્ઞ મહામાનવની જેમ પોતાના મહિમામાં મગ્ન બનીને આત્મક્રીડ બનીને એ વરસોથી આવું જ અચલ બનીને ઊભું રહ્યું છે, ને મૂક હોવા છતાં કેટલાયની પ્રેરણા બન્યું છે. સહજ સમાધિમાં લીન બનીને એ કોણ જાણે કેટલાય યુગોથી અરૂણાચલ પર્વતની પવિત્ર પંક્તિને નિર્નિમેષ નેત્રે નિહાળ્યા કરે છે, ને અરૂણાચલ પર્વત પણ એને અવલોકવામાં મશગૂલ છે ! નરનારાયણ ઋષિની જુગલજોડી જેવા પરમપ્રતાપી ને પરમપાવન એ બંને એકમેકના અનુરાગનો આસ્વાદ લેતા પોતપોતાની અંદર મગ્ન છે. બંનેનું દર્શન કેટલું બધું આનંદપ્રદાયક અને કલ્યાણકારક છે !

સાધકો તથા સામાન્ય જીવનપથના પ્રવાસીઓને એ શાંત, સ્વસ્થ, સ્થિર, સત્યનિષ્ઠ ને સ્થિતપ્રજ્ઞ થવાનું શીખવે છે. જીવનનાં વિષમ વાવાઝોડાંની સામે અચળ રહેવાનો પાઠ પૂરો પાડે છે. ચારેકોરની ચતુરંગીલી સૃષ્ટિની વચ્ચે રહીને પણ પોતાની જન્મજાત દિવ્યતા ને સ્વભાવગત સત્વશુદ્ધિને અકબંધ રાખવાની ને આજુબાજુ બધે જ સદ્ ભાવની ને સત્કર્મની ફોરમ ફેલાવવાની દીક્ષા આપે છે. એ દીક્ષા કેટલી બધી ઉપયોગી અથવા આશીર્વાદરૂપ છે !

અરૂણાચલના મંગલ મંદિરની પૂર્વ તરફ જોઈએ તો વિશાળ શહેર દેખાય છે. એની પૂર્વે ઈન્દ્રતીર્થ અથવા અય્યંગૂલ નામે ઓળખાતું સુંદર તળાવ છે. એની આજુબાજુ વિશાળ, લીલાંછમ, પોતાનો સમગ્ર વૈભવભંડાર લઈને અરૂણાચલ પર્વતની સેવામાં ઊભેલાં સુંદર ખેતરો ને જુદી જુદી જાતના બગીચાઓ દેખાય છે. દૂરની ક્ષિતિજમાં અનુરાગશીલ આકાશ અને પૃથ્વીનું ચિરમિલન થતું લાગે છે. એ જોવાને માટે જાણે કે વાદળાં ટોળે વળ્યાં છે. એ આખુંય દૃશ્ય કેટલું બધું અલૌકિક છે એ તો જે જુએ તે જ માણી ને જાણી શકે.

અરૂણાચલ પર્વત સૌને માટે પ્રેરણાપ્રદાયક અને આનંદકારક છે. દિવસના વ્યવસાય પછી એના શાંત એકાંત વાતાવરણનો લાભ લેવા કેટલાય એની ઉપર આરોહણ કરે છે. કોઈક પ્રકૃતિપ્રેમી સ્ત્રીપુરૂષો એના અપાર પ્રકૃતિવૈભવનો પરિચય કરવા એના હૃદય પર સ્વૈરવિહાર કરે છે, કોઈક ચિત્રકાર ત્યાંનાં કળાત્મક દર્શન કરાવતાં સાનુકૂળ સ્થળોમાં બેસીને ચિત્રો તૈયાર કરે છે, ફોટોગ્રાફરો ફોટા લે છે, તો કોઈક શાંત સંગીતકાર પર્વત પરની એકાંત કુંજનિકુંજોમાં બેસીને અંતરઆત્માને ઓતપ્રોત કરી, ભાવસમાધિમાં ડૂબીને, સુધામય સ્વરલહરી છોડે છે. સ્વાધ્યાયપ્રેમી, ચિંતનશીલ સ્વભાવના તથા જપ ને ધ્યાન જેવી આરાધનાનો આધાર લેનાર અથવા લેવા માગનાર સૌ કોઈને માટે અરૂણાચલ અનુકૂળ છે. એણે વરસો કે યુગોથી જુદા જુદા અસંખ્ય શરણાગતોને શાંતિ આપી છે, અને અંધકારમાં અટવાયલાં અનેકને દિવ્ય પ્રકાશનું દાન કર્યું છે. વરસો ને યુગોથી એણે માતા, પિતા ને ગુરૂ અથવા પથપ્રદર્શકનું કામ કર્યું છે. એણે એકલા માનવોને જ આશ્રય આપ્યો છે એવું થોડું છે ? પશુ, પક્ષી, વનસ્પતિ ને જીવજંતુનો પણ એ આધાર બન્યો છે.

* * *          * * *          * * *          * * *

અરૂણાચલ પર્વત પર ચઢતી વખતે માર્ગમાં આરંભમાં જ એક નાનકડી ગુફા આવે છે. એ સદગુરૂસ્વામીની ગુફા કહેવાય છે. એમાં એકવાર એક કેરલદેશીય સંત રહેલા. એમની સ્મૃતિમાં એનું નામ સદગુરૂસ્વામીની ગુફા પડી ગયેલું. એ રહેવા માટે ખાસ અનુકૂળ ના હોવા છતાં, મહર્ષિ જ્યારે પર્વત પર ચઢ્યા ત્યારે ત્યાં કેટલાક લોકો વાસ કરતા.

એ ગુફાની ઉપરના મંદિરને ‘ગુહ નમઃ શિવાલય’ કહેવામાં આવે છે. એ પણ છે તો એક નાની સરખી ગુફા જ, પણ મંદિરના નામે ઓળખાય છે.

ત્યાંથી અરૂણાચલ પર્વતના આકર્ષક પ્રદેશમાં આગળ વધતાં વિરૂપાક્ષી ગુફાનું દર્શન થાય છે. એ ગુફા ખૂબ જ લોકપ્રિય ને પ્રસિદ્ધ છે. અરૂણાચલ પર્વત પર આવેલાં સઘળાં સ્થળોમાં એ સૌથી અધિક આકર્ષક, સુંદર અને સાનુકૂળ મનાય છે. એની સાથે પુરાતન આધ્યાત્મિક સાધનાત્મક ઈતિહાસ સંકળાયેલો છે કે વિરૂપાક્ષી દેવ નામના કોઈક સમર્થ સંતપુરૂષે એ એકાંત આધ્યાત્મિક પરમાણુઓથી ભરેલી સુંદર ગુફામાં વરસો પહેલાં લાંબા વખત લગી વાસ કરેલો. એ સમર્થ સંતપુરૂષની સાધનાનો પ્રભાવ ત્યાં આજે પણ જણાઈ આવે છે. જનસમુદાયથી દૂર આવેલાં આવાં એકાંત પર્વતીય સ્થળોમાં વરસો સુધી વસીને સાધનાપરાયણ જીવન જીવવાનું કામ કાંઈ સહેલું નથી.

વિરૂપાક્ષી દેવ એ જમાનાના એક નિષ્ઠાવાન સાધક તથા સર્વશ્રેષ્ઠ સંત હતા એમાં સંશય નથી. વિવિધ સ્થળોમાં વિચરણ કરતા એક ધન્ય દિવસે પવિત્ર પળે એ અહીં આવી પહોંચ્યા. આજુબાજુનું હૃદયંગમ લોકોત્તર પ્રાકૃતિક સૌન્દર્ય દૃશ્ય દેખીને એમનું અંતર શાંતિ અનુભવવા લાગ્યું. અને એ સ્થાનને પોતાની સાધનાભૂમિ તરીકે પસંદ કરીને એમણે ત્યાં આસન લગાવ્યું.

અરૂણાચલની એકાકી ભૂમિ એમને લીધે અલંકૃત બની, એ મહાપુરૂષનાં દર્શન ને સંસર્ગથી ધન્ય થઈ. એમની ઉત્કટ આરાધના ને કઠોર સુદીર્ઘ સાધનાની એ પવિત્ર પર્વતમાળા સાક્ષી રહી. એમની સાથે પોતાના નામને જોડીને એણે વિશેષ ગૌરવ ધારણ કર્યુ. એ વધારે મહિમાવાળી થઈ.

અરૂણાચલ પર્વતનો એ પવિત્ર પ્રદેશ ખૂબ જ પસંદ પડવાથી વિરૂપાક્ષી દેવ જીવનના છેલ્લા શ્વાસ સુધી ત્યાં જ રહ્યા. એ એકાંત ગુફામાં એમણે યોગધારણાનુસાર મનને બાહ્ય વિષયોમાંથી વિમુક્ત કરીને, પરબ્રહ્મ પરમાત્મામાં જોડીને, છેવટની સમાધિ લીધી. એ મહાન સાધનાકર્મની સ્મૃતિ રૂપે વિરૂપાક્ષી ગુફામાં આજે પણ એમની સમાધિ છે. ગુણજ્ઞ ગુફાએ કૃતજ્ઞભાવે એ સમર્થ સંતપુરૂષની સુમધુર સ્મૃતિને એ રીતે સાચવી રાખી છે. એને જો સામાન્ય માનવના જેવી વાચા હોત તો એ લોકોત્તર યોગીપુરૂષના તેમ જ  એના નિર્માણકાળથી માંડીને આજ સુધી એનો આશ્રય લઈને સાધના કરનારા બીજા કેટલાય સાધકો ને સિદ્ધોના કાળના પ્રવાહમાં મળી ગયેલા સાધનામય જીવનવૃત્તાંતની વિવિધ વાતો વહેતી કરત. એણે અત્યાર સુધી કેવળ દ્રષ્ટાભાવે જ કામ કર્યું છે ને વિભિન્ન પ્રકારનાં વ્યક્તિત્વની અસરોનો અનુભવ કરીને એમનાં સંવેદનોને પોતાના શાંત હૃદયમાં જ સમાવી રાખ્યાં છે.

જનતાએ એ લોકોત્તર, અસાધારણ સામર્થ્યવાન, સંતપુરૂષના પરમ પ્રતાપી વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને ત્યાં કોઈ મંદિર ના રચ્યું, મૂર્તિ ના કરી, કોઈ નાની મોટી સંસ્થા કે ગાદી પણ ચાલુ ના કરી, પરંતુ એમની સાધના સાધનાત્મક સૌરભની ચિરસ્મૃતિરૂપે એ ગુફાને એમના નામથી જ ઓળખવા માંડી –વિરૂપાક્ષી ગુફા. સ્નેહ તથા શ્રદ્ધાનું એથી અધિક ઉત્તમ, આદર્શ, સુંદર સ્મારક બીજું કયું હોઈ શકે ? એથી અધિક અનુરાગયુક્ત અંજલિ બીજી કઈ ને કેવી રીતે આપી શકાય ?

વિરૂપાક્ષી ગુફાની મુલાકાત લઈએ છીએ ત્યારે એ મહાપુરૂષની સ્મૃતિ આજે પણ તાજી થાય છે. અતીતકાળના આવરણને ભેદીને બહાર આવતી એમની મધુમય મુખાકૃતિ મનને મોહિત કરે છે ને મુગ્ધભાવે ભરી દે છે. તપશ્ચર્યાના પ્રકાશપુંજથી પ્રકાશતી એમની અમીમયી આકૃતિ અંતરમાં એમને માટેના અપાર આદરભાવની સૃષ્ટિ કરે છે. એમના અગ્નિશિખા સરખાં ચળકતાં તેજસ્વી નેહાળ નેત્રો કાળજાને કામણ કરે છે. યુગોનાં પ્રશાંત પડળોને ભેદીને પ્રકટ થયેલી એ મનહર મૂર્તિને મન વારંવાર વંદન કરે છે ને પ્રેમપૂર્ણ પ્રશસ્તિ ધરે છે. એવું લાગે છે કે વિરૂપાક્ષી દેવ આ સુંદર શાંત સ્થળ છોડીને બીજે ક્યાંય નથી ગયા : એ અહીં જ છે, આ જ ગુફામાં એના અણુઅણુમાં ભળી ગયા છે  અને આપણને નીરખીને અનુપ્રાણિત કરી રહ્યા છે. અલબત્ત, પહેલાં સ્થૂલ રૂપે પાર્થિવ રૂપરંગ ને વેશમાં હતા તો હવે સૂક્ષ્મ રૂપે અપાર્થિવ રૂપરંગ ને વેશમાં છે. એટલે એમને જોવા, જાણવા કે અનુભવવા માટે આંતરદૃષ્ટિની જરૂર પડશે. એ આંતરદૃષ્ટિની પ્રાપ્તિ એમના અનુગ્રહના પરિણામે જ થઈ શકશે. વિરૂપાક્ષી દેવ એ દૈવી દૃષ્ટિનું દાન કરવા માટે તત્પર બનીને જાણે કે અદ્રષ્ટ રીતે ગુફામાંથી ગુંજન કરી રહ્યા છે : दिव्यं ददामी ते चक्षुः पश्य मे योगमैश्वरम् ।

વિરૂપાક્ષી ગુફા બહારથી જોતાં ઓમકારની આકૃતિને મળતી આવે છે. સાધના માટે એનું વાતાવરણ બધી રીતે અનુકૂળ છે. બહારની પવનલહરીઓ એની અંદર પ્રવેશીને એની દીવાલો સાથે અથડાય છે ત્યારે એમાંથી પ્રણવધ્વનિને મળતો એક પ્રકારનો અનહદ નાદ પેદા થાય છે. એ નાદ ચિત્તને આનંદ આપે છે. એનું શ્રવણ કરવાથી મન સહેલાઈથી એકાગ્ર ને શાંત થાય છે ને પોતાની અંદર–આત્માના અસીમ પ્રદેશમાં ડૂબી જાય છે. જે અનહદ નાદને જગાવવાની ઈચ્છાથી પ્રેરાઈને યોગીઓ જુદી જુદી જાતની સાધના કરે છે તે નાદનો લાભ સાધકને અહીં આપોઆપ મળી જતાં એનો સાધનામાર્ગ સરળ બને છે.
                   * * *               * * *          * * *          * * *

વિરૂપાક્ષી ગુફાની ઉત્તરમાં ‘મુલૈ પાલ તીર્થ’ નામે સ્થળ છે. એને સ્તન્ય તીર્થના નામથી પણ ઓળખવામાં આવે છે. એની બાજુમાં એક આમ્રવૃક્ષ છે. એની નીચે જે ગુફા છે તે એના નામ પરથી આમ્રગુહા કહેવાય છે.

મુલૈ પાલ તીર્થમાં હમેશાં મીઠું ને નિર્મળ પાણી મળી રહે છે. લોકોમાં એવી દંતકથા ચાલી આવે છે કે એ તીર્થ માતા અંબિકાના પરમ પ્રસાદરૂપ છે.

ગુહ નમઃ શિવાલયની પાસે આવેલા પાદતીર્થ વિશે કહેવાય છે કે એ ભગવાન શંકરના અંગૂઠાના બળથી પેદા થયું છે.

આમ્રગુફા ને વિરૂપાક્ષી ગુફાઓની ઉપર જઈએ તો સ્કંદાશ્રમનું દર્શન થાય છે. એ સ્થાન ખૂબ જ સુંદર ને શાંત છે. એની બાજુમાં થઈને પાણીનું એક નાનકડું ઝરણું વહી જાય છે. ત્યાં નાળિયેરી ને આમ્રવૃક્ષોનો નાનકડો બાગ પણ જોવા મળે છે.

સ્કંદાશ્રમમાં એક ભોજન બનાવવા માટે ને એક રહેવા માટે એમ બે ઓરડા છે અને બાજુમાં બે ઓટલા છે.

એ સુંદર આશ્રમ તિરુવણ્ણામલૈ શહેરથી જોઈ શકાય છે. એની સ્થાપનામાં મહર્ષિનો ફાળો ઘણો મોટો છે. કહે છે કે ત્યાં પ્રકટેલા ઝરણને જોઈ એમના શિષ્યોને એ સ્થળ ખૂબ જ પસંદ પડ્યું અને ત્યાં એમણે એમના સંયુક્ત પુરુષાર્થથી આશ્રમનું નિર્માણ કર્યું. પરંતુ એ વાતનો ઉલ્લેખ આગળ પર આવશ્ક્તાનુસાર કરીશું. આપણે જેની સાથે સવિશેષ સંબંધ છે એ અરૂણાચલ પર્વતનું આવી રીતે વિહંગાવલોકન કરીને એની ઉપરનાં ખાસ ખાસ સ્થળોની પૂર્વમાહિતી મેળવી લીધી. આપણે માટે એ માહિતી પર્યાપ્ત છે  એટલું જ નહિ, આવશ્યક પણ છે; કારણ કે અરૂણાચલ પર્વત પર પહોંચીને મહર્ષિ એ સ્થળોમાં રહ્યા હોવાથી એમનો હવે પછીનો જીવન ઈતિહાસ એમની સાથે અતૂટ રીતે ને સૂક્ષ્મપણે સંકળાયો છે.

અરૂણાચલ પર્વત પર ચઢતી વખતે મહર્ષિને શી ખબર કે એ આરોહણ કેવળ પાર્થિવ પર્વતનું જ આરોહણ નથી પણ જીવનનું ઊર્ધ્વગામી ઉત્તમોત્તમ આધ્યાત્મિક આરોહણ છે ! એ આરોહણ એમની આંગળી પકડીને પરમ પ્રેમથી અહીં સુધી લાવનાર અને એમને આત્મવિકાસના ક્ષેત્રે ઉત્તરોત્તર સફળતાપૂર્વક આગળ વધારનાર સર્વાન્તર્યામી, સર્વસાક્ષી, સર્વસમર્થ, પરમપિતા ભગવાન અરૂણાચલ જ કરાવી રહ્યા છે અને એ પણ એટલા માટે કે એમની આત્મસાધનાની રહીસહી ક્ષતિની પૂર્તિ થાય, એ પરમસિદ્ધિથી સંપન્ન થાય, અને એમનું જીવન અરૂણાચલ પર્વત જેવું પ્રશાંત, ધીરગંભીર અને મહિમામય બનીને ભારત તેમ જ સમસ્ત જગતને માટે જ્યોતિર્મય બની જાય કે અમૂલખ થાપણરૂપ થાય !

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.