if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહાયોગી ભર્તૃહરિ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ વૈરાગ્યશતકમાં કહે છે :

 ‘ગિરિની ગુફાઓમાં રહેનારા ને પરમાત્માની પરમ જ્યોતિનું નિરંતર ધ્યાન ધરનારા મહાત્મા પુરૂષોનાં જીવન ખરેખર ધન્ય છે; જેમની આંખનાં આત્માનુભૂતિના પરિણામે આવતાં અશ્રુ એમના ખોળામાં બેઠેલાં પંખી કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ સિવાય પ્રસન્નતાપૂર્વક પીએ છે. અમારાં જીવન તો મનોરથોની મદદથી તૈયાર થયેલા કલ્પનાજન્ય રાજપ્રસાદની વાવના તટ પર આવેલા સુંદર ઉપવનમાં રમત રમવાની ઉત્સુકતા સેવતાં જ અથવા સુખ, શાંતિ, આનંદ અને જીવનની ધન્યતાની અનુભૂતિની કલ્પનાઓમાં જ નિરર્થક વીતી જાય છે.’

એ સુંદર શ્ર્લોકમાં દોરવામાં આવેલાં બે ઉત્તમ સર્વાંગસુંદર રેખાચિત્ર સુખની લાલસાથી વિષયોના મિથ્યા મૃગજલ પાછળ પડનારા સામાન્ય સાંસારિક માણસોનું છે, એ એમની મનોદશાનું દર્શન કરાવે છે. જ્યારે પહેલું રમણીય, અદ્દભુત કવિકલ્પનાયુક્ત રેખાચિત્ર કોઈક વિરલ કોટિના અપવાદરૂપ, અંતરંગ સાધનામાં ડૂબેલા, આત્માની અપરોક્ષ અનુભૂતિ કરીને કૃતાર્થ થયેલા મહાપુરૂષનું છે. એ સારગર્ભિત સરસ રેખાચિત્ર રમણ મહર્ષિને લાગુ પડે છે અથવા એમનું સ્મરણ કરાવે છે.

મહર્ષિ પણ અરૂણાચલ પર્વત પરની ગુફામાં રહીને પરમાત્માની પરાત્પર જ્યોતિનું નિરંતર ધ્યાન કરતા પોતાના જીવનની ધન્યતાનો એકધારો અનુભવ કરી રહેલા. વનનાં પશુપક્ષીઓ એમની પાસે નિઃસંકોચપણે નિર્ભય બનીને વિહાર કરતાં. દુન્યવી ઈચ્છાઓ, લાલસાઓ અને મહત્વાકાંક્ષાઓ તેમ જ મનોરથોની ઉપર એમણે પાણી ફેરવી વાળેલું. એમની અભિલાષા અથવા આકાંક્ષા એક જ, આત્મિક જગતમાં વધારે ઊંડે ઊતરવાની અને અનુભૂતિનાં મહામૂલ્યવાન મોતીને પ્રાપ્તિ કરવાની હતી. એમના દર્શનથી વેદ અને ઉપનિષદકાળના પ્રાતઃસ્મરણીય ઋષિવરોની સ્મૃતિ થઈ આવતી. સંસ્કૃતિના ઉષઃકાળમાં એમનામાંના  કેટલાય સાધનારત ઋષિવરો એકાંત અરણ્યોમાં, સુંદર શાંત સરિતાના તટપ્રદેશમાં, ને પ્રશાંત પર્વતમાળાઓમાં વાસ કરતા ને જીવન તથા જગતના, જન્મ ને મરણના રહસ્યને ઉકેલવાના પ્રયત્નો આદરતા. એમની અનુભૂતિઓના ઝબકારા જુદાં જુદાં ઉપનિષદો ને દર્શનશાસ્ત્રોમાં જોવા મળે છે.

રમણ મહર્ષિ એ પ્રાતઃસ્મરણીય મહાપ્રતાપી તપસ્વી પુરૂષોની પરંપરામાં જ પ્રકટ થયેલા. એ પરંપરાને એ સાચા અર્થમાં શોભાવવાના હતા.

* * *          * * *          * * *          * * *

અરૂણાચલ પર્વત પર એ સૌથી પહેલાં ક્યાં રહ્યા ? વિરૂપાક્ષી ગુફામાં. આમ તો સંજોગો જેમ જેમ બદલાતા ગયા તેમ તેમ એમણે એમને આધીન રહીને પર્વત પરનાં જુદાંજુદાં સ્થળોમાં થોડાક અથવા વધારે વખત સુધી વાસ કરીને સાધનાનો આધાર લીધો; પરંતુ એ સઘળાં સ્થાનોમાં એમનો સવિશેષ સંબંધ તો એ વિરૂપાક્ષી ગુફા સાથે જ રહ્યો અને રહે એ આવશ્યક પણ હતું; કારણ કે પર્વત પરની બીજી બધી જ ગુફાઓ કરતાં એ વધારે એકાંત અને અનુકૂળ હતી.

પલનિ સ્વામી જેવા પ્રેમી ભક્તપુરૂષ એમના સાથને કેવી રીતે છોડી શકે ? એમનો સ્વર્ગીય સાથ છોડવાનો વિચાર પણ એમને કેવી રીતે આવી શકે ? એ મહર્ષિની સાધનાના સાક્ષી બનીને જુદા જુદા અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં એમની સાથે જ રહેતા ને એમની સેવા કરતા. એથી એમને અસાધારણ આનંદ મળતો.

મહર્ષિની પ્રતિષ્ઠાની સુવાસ દિન-પ્રતિદિન એવી ચોક્કસ રીતે ફેલાવા લાગી કે લોકો પર્વત પર ચઢીને પણ એમનાં દેવદુર્લભ દર્શને આવવા અને એમને માટે જુદીજુદી જાતની ભિક્ષા લાવવા લાગ્યા.

ધીરેધીરે મહર્ષિની સેવા તથા સંગતિમાં રહેનારા જિજ્ઞાસુ ભક્તોની સંખ્યા પણ વધતી ગઈ. એમની ઉપસ્થિતિ એ મહાપુરૂષને માટે જરા પણ વિક્ષેપકારક નહોતી થતી. સાધનાના એકધારા નિયમિત અખંડ અનુષ્ઠાન દ્વારા એ એવી અસાધારણ અવસ્થાએ આસીન થયા હતા કે જે અવસ્થા લોકસમૂહની વચ્ચે વસવા છતાં અથવા એકાંતમાં રહેવા છતાં પણ એકસરખી ટકી રહે. બાહ્ય પરિસ્થિતિ એની ઉપર પોતાનો પ્રભાવ નહોતી પાડી શકતી. ગીતાના બીજા અધ્યાયની પરિભાષામાં કહીએ તો એ સ્થિતપ્રજ્ઞની દૈવી દશાએ પહોંચી ચૂક્યા હતા. એમની આત્માનુસંધાન–વૃત્તિ અને આત્મદૃષ્ટિ સઘળા સંજોગોમાં એકસરખી ટકી રહેતી.

ગુફાના વ્યવસ્થાપકોના બે પક્ષોમાંથી એક પક્ષનો કોર્ટમાં જ્યારે વિજય થયો ને વિરૂપાક્ષી ગુફાના સ્થાન પર એનો અધિકાર પ્રસ્થાપિત થયો ત્યારે એ સફળ પક્ષે કાર્તિક મહોત્સવના શુભાવસર પર એ સુંદર સ્થાનની મુલાકાત લીધી અને પ્રત્યેક પ્રવાસી પાસેથી થોડીક ફી લેવા માંડી.

શરૂઆતમાં અથવા પહેલાંના વખતમાં તો ઘણા જ ઓછા, આંગળીને વેઢે ગણાય એટલા લોકો એ એકાંત સ્થાનવિશેષની મુલાકાત લેતા; પરંતુ હવે ? હવે તો પરિસ્થિતિ તદ્દન પલટાઈ ગયેલી. મહર્ષિના આગમન અને આવાસને લીધે એનું વાતાવરણ વધારે વિશદ બનેલું. મહર્ષિએ પોતાની ઉપસ્થિતિથી એને જીવંત તીર્થ કરી દીધેલું. એ પોતે એ તીર્થના પ્રત્યક્ષ દેવતા હતા. એમનાં દર્શન તથા સમાગમની ઈચ્છાથી પ્રેરાઈને લોકો ઘણી મોટી સંખ્યામાં ટોળે વળતા. કાર્તિક સિવાયના બીજા બધા મહિનાઓમાં પણ પરિસ્થિતિ એવી જ રહેતી. ઉત્સાહઘેલા ભાવિક લોકો નિરંતર અરૂણાચલ પર્વત પર ચઢતા જ રહેતા. એમનું લક્ષ્ય એક જ રહેતું––વિરૂપાક્ષી ગુફા અને એમાં રહેતા મહાપુરૂષ મહર્ષિ રમણ.

અલબત્ત, વિરૂપાક્ષી ગુફાની આસપાસના સૌંદર્યસભર દ્રશ્યનો, ત્યાંના વિશાળ સુંદર વૃક્ષોનો ને જળપ્રવાહનો આસ્વાદ લેવા ને ઉજાણી કરવા માટે એ સુંદર સ્થળમાં એકઠા થનારા રસિયા જનોનો પણ તોટો ન હતો. વનમાં સ્વૈરવિહાર  કરવામાં ને જીવનમાં આનંદ––જો એને આનંદ કહી શકાય તો––લૂંટવામાં રસ ધરાવનારાં તત્વો પણ કોઈ કોઈ વાર એ પવિત્ર પર્વતીય પ્રદેશની સહેલગાહે સાનુકૂળતા સાંપડતાં નીકળી પડતાં. તોપણ એવાં તત્વોની સંખ્યા એકદમ ઓછી રહેતી, અત્યંત અલ્પ, ને મોટા ભાગના મુસાફરો તો મહર્ષિનાં દર્શનનો લાભ લેવા માટે જ આવી પહોંચતા. મહર્ષિએ એમના મનને મુગ્ધ કરેલું. એમની પાસે, એમના સ્વર્ગીય સહવાસમાં, એમને શાંતિ મળતી અને અવનવી પ્રેરણાની પ્રાપ્તિ થતી.

ઉત્સવ વખતે તો અરૂણાચલ પર્વત પર જાણે કે માનવમેળો ભરાતો. એ વખતે માનવ દીઠ માત્ર ત્રણ જ પૈસાનો વેરો લેવાતો તોપણ કેટલાક ગરીબ અવસ્થાના પ્રવાસીઓ એટલી નાનકડી રકમ પણ ના ભરી શકતા. પરિણામે એમને મહર્ષિનાં દર્શનની ઈચ્છાને તિલાંજલિ આપીને જ પાછું ફરવું પડતું. પૈસાની તદ્દન નાનકડી રકમ પણ એમના માર્ગમાં અવરોધક બનતી. ઘેરથી એ કેવીકેવી આશાઓ સાથે આવતા, કેટલા બધા ઉત્સાહથી પર્વત પર ચઢતા, અને આખરે કેટલી બધી ઊંડી નિરાશા સાથે પાછા ફરતાં !

વિરૂપાક્ષી ગુફાના વ્યવસ્થાપકોને એની કશી અસર ના થતી. એ તો પૈસા એકઠા કરવામાં જ આનંદ માનતા અને એને એમનો અધિકાર સમજતા, પરંતુ મહર્ષિથી એ હકીકત કેવી રીતે છૂપી રહી શકે ?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.