if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક દિવસ મહર્ષિને એ બાબતની ખબર પડી.

પછી તો એમને એનું દુઃખ થઈ આવ્યું. એમના અંતરમાં દીનદુઃખી તથા નિર્ધનને માટે સહાનુભૂતિ હતી. એ કોઈની માલિકીની ગુફામાં તપશ્ચર્યા કરવાની ઉદાત્ત ઈચ્છાથી રહેતા હોય અને કોઈ એને નિમિત્ત બનાવીને એમના નામે પરોક્ષ રીતે કમાણી કરવા માંડે, એમના દર્શન કે સમાગમની ફી લેવામાં આવે, ને ગરીબ લોકોને તે ના ભરી શકવાથી દર્શનની અભિલાષા અધૂરી રાખીને નિરાશ હૃદયે, વિશીર્ણ વદને પાછા ફરવું પડે, એ એમનાથી કેવી રીતે સહન થાય ? એ પરિસ્થિતિ એમને અતિશય અન્યાયપૂર્ણ ને કરુણ લાગી.

એમાં એમને સમાજના સાધારણ સ્તરના લોકોનું શોષણ દેખાયું.

એ પ્રથા સામે પોતાનો મૂક વિરોધ નોંધાવવા માટે એમણે વિરૂપાક્ષી ગુફાનો ત્યાગ કરીને બહારની ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ નીચે બેસવા માંડ્યું.

એમણે વિચાર્યું કે કુદરતને ખોળે ઊગેલું ને વિસ્તરેલું આ વિશાળ વૃક્ષ તો કોઈની માલિકીનું નથી ! ત્યાં તો દર્શનાર્થીઓ કોઈપણ પ્રકારના અંતરાય વિના આવીને સહેલાઈથી મારાં દર્શન સમાગમનો લાભ લઈ શકશે !

પરંતુ ગુફાના માલિકોના વિકૃત લોભી માનસની કલ્પના એકાંત પર્વતપ્રદેશમાં રહેતા એ મહાપુરૂષને ક્યાંથી હોય ? એ માનસ પર મલિનતાનાં કેટલાં બધાં ઘોર જાળાં છવાઈ ગયાં છે એનું અનુમાન અહર્નિશ આત્માનુસંધાનમાં સંલગ્ન રહેતા એ મહાપુરૂષ ક્યાંથી કરી શકે ? ગુફાના માલિકોના પ્રતિનિધિ કાંઈ બુદ્ધિબળમાં ઊતરે એવા નહોતા. એ મહર્ષિની પાસે ગુફાની બહારના ઉઘાડા આંગણામાં પણ પહોંચી ગયા ને લોકો પાસેથી દર્શનવેરો ઉઘરાવવા માંડ્યા.

મહર્ષિનું લક્ષ એ નવી પ્રતિકૂળ પરિસ્થિતિ તરફ ગયું. એમને થયું કે મારે વિરૂપાક્ષી ગુફાના ખુલ્લા આંગણામાં વિશાળ વૃક્ષની નીચે પણ શા માટે બેસવું જોઈએ  ?

વિરૂપાક્ષી ગુફા એમના આવાસને માટે સર્વપ્રકારે અનુકૂળ હોવા છતાં એની મમતા એમને જરાપણ ન હતી. મમત્વનાં બધાં જ બંધનોને એમણે બહારથી જ નહિ, અંદરથી પણ કાપી નાખેલાં. એટલે ગરીબો પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને એમને વધારે પડતી મુસીબતમાંથી બચાવવા એમણે વધારે વિલંબ કરવાનું માંડી વાળીને વિરૂપાક્ષી ગુફાનો ત્યાગ કર્યો ને નીચેની સદગુરૂસ્વામીની ગુફામાં ને પછી એની બાજુની બીજી ગુફામાં રહેવા માંડ્યું.

વેરા ઉઘરાવનારા અધિકારીઓએ જાણ્યું કે મહર્ષિ તો બીજી નીચેની ગુફામાં જતા રહ્યા છે અને મધપૂડો દૂર થતાં મધમાખીઓ પણ દૂર જતી રહે, અથવા તીર્થનો લોપ થતાં ભાવિક ભક્તો પણ ત્યાં આવવાનું બંધ કરે, તેમ દર્શનાર્થીઓએ ઉપર આવવાનું તદ્દન બંધ કર્યું છે ત્યારે એમને પરિસ્થિતિની ગંભીરતાનો બરાબર ખ્યાલ આવી ગયો. જ્યાં સંત હોય ત્યાં એમના ભક્તો કે દર્શનાર્થી હોય એ દેખીતું છે.

પોતાની આવક મહર્ષિના સ્થાનપરિવર્તનને લીધે એકાએક અટકી પડી એ જોઈને આવક લેનારાઓને રોષ થયો. એમણે મહર્ષિને એક અથવા બીજી રીતે મુસીબતમાં મૂકવાના પહેલાં તો પ્રયાસો કર્યા પરંતુ એ પ્રયાસો સફળ ના થવાથી છેવટે એમનું વલણ બદલાયું. એમણે મહર્ષિને જણાવ્યું કે એ વિરૂપાક્ષી ગુફામાં પાછા ફરે તો સારું. એમના રહેવાની વ્યવસ્થા ત્યાં સારી પેઠે થઈ શકશે અને એમને કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે.

પરંતુ દર્શનાર્થીઓ પર જે વેરો લેવામાં આવે છે તેનું શું ? અત્યારે તો એ વેરો દેખીતી રીતે જ બંધ છે; પરંતુ પોતે વિરૂપાક્ષી ગુફામાં રહેવા જાય કે પછી તરત જ ચાલુ થઈ જાય તો ? એનાથી બીજી મોટી તકલીફ કોઈયે ના હોઈ શકે. એ વેરાની પ્રથા સામેના વિરોધમાં તો પોતે એ ગુફાનો ત્યાગ કર્યો છે એટલે એનું સ્પષ્ટીકરણ સૌથી પહેલું થવું જોઈએ.

અને એ સ્પષ્ટીકરણ પણ આખરે થઈ ગયું. વિરૂપાક્ષી ગુફાના અધિકારીઓને છેલ્લા કેટલાક સમયની ઘટનાઓ પરથી મહર્ષિની મહત્તાની, મહાનતાની ને લોકપ્રિયતાની પ્રતીતિ થઈ. મહર્ષિને સમાજના આબાલવૃદ્ધ બધી જાતના લોકો સાચા દિલથી કેટલા બધા ચાહે છે એનો એમને આટલા દિવસોમાં અનુભવ થયો. લોકો એમના સંસર્ગને પોતાનું સદભાગ્ય સમજીને દૂરથી કેટલા બધા ઉત્સાહપૂર્વક એમની આગળ એકઠા થતા ! લોકોની એ ઉત્તમ ધર્મભાવનાનો ઉપયોગ કમાણી માટે કરી શકાય ખરો ? એવો ઉપયોગ શું યોગ્ય ગણાય ? એને ઉપયોગ કહેવાને બદલે દુરુપયોગ જ કહી શકાય.

એમનો આત્મા ડંખી ઊઠ્યો. એમનું દિલ બદલાયું ને દુઃખી થયું. એમણે મહર્ષિને બાંયધરી આપી કે એ વિરૂપાક્ષી ગુફામાં રહેવા માટે પાછા ફરશે તો એમનાં દર્શન માટે આવનારા ભાવિક ભક્તો પાસેથી કોઈપણ પ્રકારનો વેરો નહિ લેવાય. ભક્તો એમનાં દર્શન સમાગમનો લાભ કોઈપણ પ્રકારના સંકોચ સિવાય મુક્ત રીતે લઈ શકશે.

અધિકારીઓની બાંયધરીથી મહર્ષિને સંતોંષ થયો. એ પ્રસન્ન થયા. એમને તો એટલું જ જોઈતું હતું. સત્યનો વિજય થયો સમજીને આખરે એક ધન્ય દિવસે એ વિરૂપાક્ષી ગુફામાં પાછા ફર્યા. તે દિવસથી ગુફાના અધિકારીઓએ પોતાની આપેલી બાંયધરી બરાબર પાળી બતાવી. લોકો પણ એ નવા તાજા પરિવર્તનથી પ્રસન્ન થયા. હવે એ કોઈપણ પ્રકારના ભેદભાવ કે ભય વિના મહર્ષિ પાસે આવીને પોતાની મનોકામનાઓ પૂરી કરવા લાગ્યા. મહર્ષિના ત્યાગ અથવા સિદ્ધાંતપાલનનો એ વિજય કાંઈ નાનોસૂનો ન હતો.

પ્રસંગ નાનો હોવા છતાં મહર્ષિના વિવિધરંગી વિશાળ વ્યક્તિત્વને સમજવા માટે ઘણો ઉપયોગી છે. મહર્ષિ એકાંતમાં રહેતા પણ લાગણીહીન કે જડ ન હતા. એમનું અંતર સંવેદનશીલ અને સહાનુભૂતિથી સંપન્ન હતું. એમને પોતાને કોઈ પીડા ના હોવા છતાં એ બીજાની પીડાનો અનુભવ કરતા ને એથી પીગળતા. દીન, હીન અને અસહાયને માટેની એ લાગણી એમના જીવનમાં છેક છેવટ સુધી જોવા મળે છે.

* * *          * * *          * * *          * * *

વિરૂપાક્ષી ગુફાના સુંદર સ્થાનમાં રમણ મહર્ષિ પાછા રહેવા ગયા એટલે એમાં જાણે કે પ્રાણ પ્રકટ્યો. મંદિરના દેવતા જાણે કે મંદિરમાં જાગ્રત થયા. એ એકાંતસ્થાન અગત્યનું તીર્થસ્થાન બની ગયું. લોકો અવારનવાર એમના દર્શન માટે આવીને શાંતિ, પ્રસન્નતા ને પ્રેરણા મેળવવા લાગ્યાં. મહર્ષિ એમના આરાધ્ય દેવ બની ગયા.

વિરૂપાક્ષી ગુફાનું સ્થાન શિયાળાની ઋતુ માટે તો અનુકૂળ હતું પરંતુ ઉનાળાના દિવસોમાં પ્રતિકૂળ લાગતું. ઉનાળામાં બાજુનું નાનું ઝરણ તદ્દન સુકાઈ જતું, ગુફામાં પવનની લહરી પણ ના પ્રવેશતી અને એથી થોડીક તકલીફ થતી. એ તકલીફને દૂર કરવાનો માર્ગ પણ આપોઆપ થઈ ગયો.

મુલૈ પાલ તીર્થમાં સદા મીઠું પાણી રહેતું. એ તીર્થની પાસેના આમ્રવૃક્ષની નજદીક એક ગુફા હતી તે આમ્રવૃક્ષને લીધે આમ્રગુફા કહેવાતી. એ ગુફા મહર્ષિ જ્યારે આરંભમાં અરૂણાચલ પર્વત પર આવ્યા ત્યારે રહેવા યોગ્ય ન હતી. પરંતુ થોડોક વખત વીત્યા પછી અધ્યાત્મપથના પ્રેમી રંગાચાર્ય નામના સદગૃહસ્થે એમના ભાઈ રામાનુજાચાર્ય સાથે ત્યાં જઈને એને આવાસયોગ્ય કરી દીધી. ગુફા પરના ભીમકાય પથ્થરને તોડાવીને એમણે ગુફાને વિશાળ વનાવી. એની આગળ એક દીવાલની રચના કરીને એમાં દરવાજો કરાવ્યો. એ દરવાજાને તાળું મારી શકાય એવા પ્રબંધ કરી દીધો. પછી એમણે મહર્ષિને એમાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું. એ આદરયુક્ત અનુરાગપૂર્ણ આમંત્રણનો સ્વીકાર કરીને મહર્ષિએ ઉનાળાના કેટલાક દિવસો દરમિયાન ત્યાં રહેવા માંડ્યું. એવી રીતે અરૂણાચલ પર્વત પરની એ ગુફા પણ એમના આવાસથી પાવન થઈ. ગુફા હતી તો ઘણી નાની, પરંતુ એમાં રહેનારા મહાપુરૂષ ઘણા મોટા હોવાથી પ્રખ્યાતિને પામી ગઈ. મહાન આત્માઓના સંસર્ગથી નાની વસ્તુઓ પણ મહિમા ધારતી ને યશસ્વી બનતી હોય છે એ સર્વવિદિત છે.

               * * *          * * *          * * *          * * *

આગળ પર આપણે જણાવ્યું છે તેમ મહર્ષિ જ્યાં પણ જતા ત્યાં પલનિ સ્વામી એમની સાથે છાયાની પેઠે ફરતા રહેતા કે વાસ કરતાં. વિરૂપાક્ષી ગુફામાં પણ એ એમની સાથે જ હતા. એમની સેવા કરવામાં એમને અનેરો આનંદ આવતો. એમનું જીવન એ મહાપુરૂષની સેવા માટે જ હતું અથવા સમર્પિત થયેલું એમ કહીએ તો ચાલે.

પલનિ સ્વામીની પેઠે મહર્ષિની લોકોત્તર યોગ્યતાથી પ્રભાવિત થઈને બીજા કેટલાક ભક્તો ને પ્રશંસકો પણ એમની સાથે વિરૂપાક્ષી ગફામાં અને અન્યત્ર રહેવા લાગ્યા. મહર્ષિની પાસે દર્શનાર્થી જિજ્ઞાસુઓ ને ભક્તો મોટી સંખ્યામાં આવતા ને ફળ, દૂધ ને ભિક્ષા લાવતા; પરંતુ તે પદાર્થો સૌને માટે પૂરતા ન હતા. મહર્ષિ જે મળે તે સાથે મળીને વહેંચીને ખાવાનો આગ્રહ રાખતા. એકલપેટાપણાની વૃત્તિ એમને પહેલેથી જ પસંદ નહોતી પડતી. એટલે પર્વત પર રહેનારા બધાને માટે જરૂરી ભોજનનો પ્રબંધ કરવો પડતો. એ હેતુની સિદ્ધિ સારુ પલનિ સ્વામી અને મહર્ષિના બીજા થોડાક ભક્તો તિરુવણ્ણામલૈ શહેરમાં ભિક્ષા માગવા માટે નીકળી પડતા. એ બધા પરમાત્માની પ્રાર્થના કરતા ને વચ્ચે વચ્ચે શંખ વગાડતા પસાર થતા. જે કાંઈ ભિક્ષા મળતી તે બધા પર્વત પર લાવતા ને ઈશ્વરનો પ્રસાદ માનીને પરસ્પર વહેંચીને પ્રેમપૂર્વક આરોગતા.

ભિક્ષા માગવા નીકળતી વખતે ગાવા લાયક કોઈક સરસ ગીત લખી આપવાની એક ભક્તે એક દિવસ મહર્ષિને પ્રાર્થના કરી. એ પ્રાર્થના લક્ષમાં લઈને એમણે તત્વજ્ઞાન તથા ભક્તિભાવના સુભગ સમન્વયવાળું એક ભાવવાહી સરસ કાવ્ય રચી આપ્યું. ભક્તો ભિક્ષા માગતી વખતે એ કાવ્ય ગાતા. એને સાંભળીને લોકો અદભુત ભક્તિભાવથી ભરાઈને મંત્રમુગ્ધ બની જતા ને અત્યંત પ્રેમપૂર્વક ભિક્ષા આપતા. એ કાવ્ય મહર્ષિની ઉત્તમ, નૈસર્ગિક, કવિત્વશક્તિના સુંદર નમૂનારૂપ હતું.

* * *          * * *          * * *          * * *

અરૂણાચલ પર્વત પરની જુદી જુદી ગુફાઓમાં ને ખાસ કરીને વિરૂપાક્ષી ગુફામાં મહર્ષિ પોતાનો સઘળો સમય પર્વતની નીચે રહેતા ત્યારે જેવી રીતે પસાર કરતા તેવી જ રીતે અખંડ આત્માનુસંધાન, આત્મચિંતન ને ધ્યાનમાં પસાર કરતા. સમાધિની સર્વોત્કૃષ્ટ અવસ્થા એમને અત્યંત પ્રિય હતી અને એમને માટે સહજ બની ગયેલી. આત્મસાક્ષાત્કારની અનુભૂતિને લીધે એ જીવનમુક્તિના આનંદનો અનુભવ કરતા રહેતા. એમનું જીવન જાણે કે ધન્ય બનેલું. સંસારમાં એ જાણે સૌથી વધારે ને સાચા અર્થમાં સૌભાગ્યશાળી હતા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.