Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફાનો નિવાસ એકંદરે આનંદમય હતો. એ દિવસો વિવિધ પ્રકારના અનુભવોમાં પસાર થઈ જતા.

છતાં પણ પર્વત પર બીજી જાતની પ્રતિકૂળતાઓ હતી જ નહિ એવું ન હતું.

અનુકૂળતા ને પ્રતિકૂળતાની દ્વંદ્વાત્મક ક્રીડાઓ સંસારમાં સર્વત્ર ચાલ્યા જ કરે છે. એક તરફ શીતળ છાયા હોય છે ને બીજી બાજુએ તીક્ષ્ણ તાપ દેખાય છે. એક બાજુએ અન્ન ને બીજી તરફ અછત. દીપકના પ્રકાશની પાસે જ અંધકારનું આવરણ હોય છે ને દિવસની પાછળ રાત તથા રાતની પાછળ દિવસ. ભરતીની પાછળ ઓટની અને ઓટની પાછળ ભરતીની તથા ગુલાબની સાથે જ કંટકની સૃષ્ટિ થાય છે એ શું સૂચવે છે ? એ જ જીવન કે પણ એવું દ્વિવિધ છે ને માનવે એમાં રહીને સહન કરતાં ને વિકાસ સાધતાં શીખવાનું છે. એણે કોઈને અભિશાપ નથી આપવાનો ને કશાની સાથે લડવા ઝઘડવાનું પણ નથી. સૌનો સદુપયોગ કરીને ને સૌમાંથી માર્ગ કાઢીને એણે ધીરજ, હિંમત, તિતિક્ષા અને વિવેકપૂર્વક આગળ વધવાનું છે.

* * *          * * *          * * *          * * *

પર્વત પર બીજી બધી રીતે આરામ હતો પરંતુ કીડા ને મંકોડાનું પ્રમાણ પુષ્કળ રહેતું. છતાં પણ મહર્ષિ એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ પહોંચાડવાની તદ્દન વિરૂદ્ધ હતા. એમની દૃષ્ટિ એ સંબંધમાં જરાક જુદી ને વિલક્ષણ હતી. એ કહેતા કે આ એકાંત અરણ્યમાં ખરું રાજ્ય તો એમનું છે. આપણે તો એમના આદરણીય પ્રિય અતિથિ છીએ. એમને પીડા પહોંચાડવાનો કે એક અથવા બીજી રીતે હેરાન કરવાનો આપણને જરા પણ અધિકાર નથી.

પર્વત પર સાપ ને વીંછી પણ વાસ કરતા. એમના સંબંધમાં એમનો અભિપ્રાય પણ એવો જ પ્રેમમય, નિર્ભય ને ઉદાર હતો. એ સાપ ને વીંછીને મારવાની ને ઈજા પહોંચાડવાની વિરૂદ્ધ હતા. એ કહેતા કે આપણે એમના પ્રદેશમાં આવીને એમની શાંતિમાં ખલેલ પહોંચાડીને એમનો નાશ કરવાના પ્રયત્નો કરીશું તો એ ક્યાં જશે ? એમને એમના વંશપરંપરાગત પુણ્યપ્રદેશમાં વસવાનો ને વિહરવાનો પૂરેપૂરો અબાધિત અધિકાર છે.

વીંછીઓએ જુદે જુદે વખતે એમને ત્રણ વાર ડંખ માર્યા. તોપણ એમને એમનું ઝેર ના ચઢ્યું. એટલે એ ડંખ એમને માટે પ્રાણઘાતક ના ઠર્યા. અરૂણાચલ પર્વત પર સાપનું સામ્રાજ્ય પણ સારા પ્રમાણમાં હોવા છતાં એમણે એમને કશી હાનિ ના પહોંચાડી. સાપ પણ એમના અસાધારણ આધ્યાત્મિક પ્રભાવથી પ્રભાવિત થયા હોય એવું લાગવા માંડ્યું.

એકવાર પર્વત પરના સ્કંદાશ્રમમાં એક સાપ આવી પહોંચ્યો. એ વખતે મહર્ષિની માતા અલઘમ્મા ત્યાં જ નિવાસ કરતાં. સાપને દેખીને એ ખૂબ જ ભયભીત બની ગયાં ને બૂમ પાડી ઊઠ્યાં. પરંતુ મહર્ષિ જરા પણ ભયભીત ના બન્યા. એ સંપૂર્ણ શાંતિપૂર્વક એની પાસે જઈને ઊભા રહ્યા એટલે એ થોડા વખત પછી ચાલવા માંડ્યો ને ત્યાંથી વિદાય થઈ ગયો.

પરંતુ વિદાય થવા છતાં ત્યાંથી કાયમને માટે એટલી સહેલાઈથી જતા રહેવાની એની ઈચ્છા ના હોવાથી થોડેક દૂર જઈને એ બે પથ્થરોની વચ્ચે રોકાઈ રહ્યો. ત્યાંથી ફણા ફેલાવીને ભયગ્રસ્તને વધારે ભયભીત બનાવવા માગતો હોય તેમ એ ભારે ગૌરવ કે રુઆબપૂર્વક ઊભો રહ્યો, ને મહર્ષિ તરફ સ્થિર દૃષ્ટિથી જોવા લાગ્યો.

મહર્ષિ પણ સ્થિર દૃષ્ટિથી એની તરફ જોવા માંડ્યા.

થોડોક વખત એવી રીતે વીતી ગયો એટલે સાપમાં જાણે કે એકાએક પરિવર્તન થયું. એની રહીસહી ભીતિ ભાગી ગઈ. એને મહર્ષિની ને બીજા આશ્રમવાસીઓની શુભ ભાવનામાં વિશ્વાસ થયો. એ ધીમે ધીમે પથ્થરની વચ્ચેથી બહાર નીકળીને મહર્ષિની પાસે આવી પહોંચ્યો. એ જ્યારે આગળ વધતો વધતો એમના પગ પાસે આવ્યો ત્યારે એમણે પોતાનો પગ હઠાવી લીધો. એ પછી સાપ એ શાંત સ્થળમાંથી બીજે ચાલ્યો ગયો.

એ પછી તો એ સાપ મહર્ષિનાં દર્શન માટે અને એમની આજુબાજુના વાતાવરણનો લાભ લેવા માટે આવતો હોય એમ અવારનવાર એ ભૂમિમાં આવ્યા કરતો. આશ્રમવાસીઓ પણ એનાથી ટેવાઈ ગયેલાં. એ મહર્ષિની તદ્દન પાસે પહોંચી જતો ને એમના શરીર પર ચઢવાનો પ્રયત્ન કરતો.

એ સાપની અને સ્કંદાશ્રમની આજુબાજુ તથા સ્કંદાશ્રમમાં રહેતા મોરોની વચ્ચે મિત્રતા હતી. સાપ ને મોર વચ્ચે મિત્રતાનો સંબંધ ભાગ્યે જ હોય છે. એમની અંદર પ્રેમના નહિ પણ વેરના સ્વભાવગત સંસ્કારો મોટે ભાગે જોવા મળે છે. એ સ્વભાવગત વિષમ સંસ્કારો ત્યાંના વિશુદ્ધ વાતાવરણના પ્રભાવથી કે બીજા કોઈ કારણથી જાણે કે મટી ગયેલા અને એમને ઠેકાણે પ્રેમ, અભય ને મિત્રતાના સુભગ સંસ્કારો સ્થાપિત થયેલા. એ ચમત્કાર કાંઈ ઓછો આશ્ચર્યકારક ન હતો. પ્રાચીન કાળના પ્રાતઃસ્મરણીય વીતરાગ તપઃપૂત ઋષિ મુનિઓના સંબંધમાં કહેવાય છે કે એમના આશ્રમમાં હિંસક જીવો પોતાની હિંસાનો પરિત્યાગ કરીને પ્રેમભાવે વિહરતા. મહર્ષિના સંબંધમાં એ વિધાન સંપૂર્ણ સાચું ઠરતું. એમનો નિર્મળ જાજ્વલ્યમાન જીવનવ્યવહાર વૈદિક અથવા ઉપનિષદકાલીન પરમાત્મદર્શી પ્રેમમૂર્તિ ઋષિવરોની સ્મૃતિ કરાવતો. એમની પરંપરાને એમણે સુચારુરૂપે સંપૂર્ણપણે સાચવેલી કે શોભાવેલી. એમનો આત્મા જીવમાત્ર પ્રત્યેના પ્રેમથી ભરપૂર, મિત્રતાયુક્ત, કરુણાર્દ્ર ને નિવૈર્ર હતો. એની અસર એમના સંપર્કમાં આવનારા ઈતર જીવો પર પ્રબળપણે અને અચૂક પડતી. સાપ ને મોરનો પ્રસંગ એના જ ઉદાહરણરૂપ છે. એ પરસ્પર પ્રેમ કરવા લાગેલાં. મોર ને સાપ સદાકાળના સ્વજનો હોય તેમ એકસાથે ક્રીડા કરતા. એમની ક્રીડા અત્યંત આકર્ષક, આનંદજનક અને ભાવમય હતી. મોર ભાવોન્મત્ત બનીને કમનીય કળા કરતાં અંતરના ઉલ્લાસની અભિવ્યક્તિ કરતાં નાચી ઊઠતા ત્યારે સાપને પણ એની અસર પહોંચતી અને એ પણ પોતાની વિશાળ ફણાને ફેલાવીને એમની સાથે નાચવા માંડતો. એ પણ એમાં તાલ પુરાવતો. વધારે સુયોગ્ય શબ્દોમાં કહીએ તો તાલ પુરાવ્યા વિના રહી શક્તો જ નહિ.

એ વિરલ અપવાદરૂપ દૃશ્ય પરથી પ્રતીતિ થતી કે પ્રત્યેક પ્રાણીની અંદર શુભ સંસ્કારો વિરાજમાન છે : પ્રત્યેક પ્રાણીમાં રહેલું સનાતન આત્મતત્વ સત્ય, શિવ ને સુંદર છે. એ આસુરી નથી પણ દૈવી છે અને એ પણ સહેજે સમજી શકાતું કે જીવનનું મુખ્ય ધારક, પ્રેરક, પોષક ને નિયામક બળ વેર નથી પરંતુ પ્રેમ છે. કોઈ કારણે સંજોગવશાત્ એ સર્વોપરી સનાતન તત્વ કે બળ થોડાક વખતને માટે દબાઈ જાય, વિલુપ્ત થયેલું લાગે, કે અદૃશ્ય થાય, ને આસુરી વૃત્તિ તથા બળનો પ્રભાવ વધી જાય એટલે જીવનું સ્વાભાવિક સનાતન સત્ય એ જ છે એવું નથી સમજવાનું. એવા ભ્રાંત નિરાધાર નિર્ણય પર પહોંચવાથી લાભને બદલે હાનિ જ થવાનો સંભવ વધારે છે,

* * *          * * *          * * *          * * *

હિંસક પ્રાણીઓ પ્રત્યે મહર્ષિ એવો પ્રેમભાવ રાખતા તો બીજાં પંખી તથા પ્રાણીઓ પર તો એમને અસાધારણ પ્રેમભાવ હોય જ. એમાં આશ્ચર્ય જેવું છે જ શું ? એમને એ અત્યંત પ્રેમદૃષ્ટિથી જોતા. સૌમાં એક જ પરમાત્માનો પવિત્ર પ્રકાશ પેખવાની એમને ટેવ હોવાથી એના સ્વાભાવિક પરિણામરૂપે એ સૌને પ્રેમ કરતા ને સૌ પ્રત્યે પ્રેમમય વ્યવહાર રાખતા. પક્ષીઓ એમની પાસે નિર્ભીક રીતે રમતાં રહેતાં. ખિસકોલી એમની હથેળીમાં રમ્યા કરતી. તે ઉપરાંત કાગડા અને બીજા પક્ષીઓ એમની પાસે આવીને એમના હાથે મેવો ખાતાં ને પાણી પીતાં. શાસ્ત્રોએ સત્પુરૂષોને માટે કહ્યું છે કે એમનું અંતર અતિશય ઉદાર અને એમનો જીવનવ્યવહાર વિશુદ્ધ હોવાથી સમસ્ત વસુધા એમને માટે કુટુંબ જેવી થઈ જાય છે. उदार चरितानां तु वसुधैव कुटुम्बकम्। એ ઉક્તિ મહર્ષિના જ્યોતિર્મય જીવનમાં સાકાર થયેલી ને સાર્થક બનેલી. वसुधैव कुटुम्बकम्। ના એ ભાવમાં કેવળ મનુષ્યોનો જ સમાવેશ નથી કરવામાં આવ્યો : એની અંદર મનુષ્યેતર જીવો અથવા સમસ્ત સૃષ્ટિ સમાઈ જાય છે. આત્મદર્શી પુરૂષ મનુષ્યોને જ નહિ પરંતુ સૃષ્ટિના સઘળા જીવોને વિશ્વકુટુંબના સભ્યો જેવા માને છે. એ માન્યતા એમને માટે કેવળ માન્યતા નહોતી રહી, પરંતુ સજીવ સ્વાનુભૂતિ બનીને એમના સમસ્ત જીવન સાથે વણાઈ ગયેલી. એ એમના વ્યવહાર પરથી પ્રતીત થતું. ધર્મ ને તત્વજ્ઞાનના સિદ્ધાંતો ઘણા રહસ્યમય ને મોટા છે, પરંતુ એમનામાંથી જેટલા જીવનમાં ઊતરે તેટલાની જ કિંમત છે : એટલા જ આશીર્વાદરૂપ ઠરે છે. એ મહાપુરૂષનું જીવન એમના આદર્શ અખંડ અનુવાદરૂપ હતું માટે જ અતિશય મૂલ્યવાન લાગતું.

એક કાગડાની ઉપર એમની આત્મીયતાની અસર એટલી બધી અસાધારણ થયેલી કે એને રોજની એક વિચિત્ર ટેવ પડી ગયેલી. સવાર પડતાં જ એ પોતાનાં બચ્ચાંને એમની સુખદ છાયામાં એમનાં શરણમાં છોડી જતો. બચ્ચાંને જ્યારે ભૂખ લાગતી ત્યારે એ એમની રીતે બોલી ઊઠતાં. મહર્ષિ એથી લગાર પણ રોષે ભરાવાને બદલે શાંતિપૂર્વક એમને ખાવાનું આપીને એમની ક્ષુધાતૃષાની તૃપ્તિ કરતા. એવી રીતે એમની નિષ્કપટ સ્નેહવૃત્તિ ને સમત્વ બુદ્ધિમાં પક્ષીઓ પણ શ્રદ્ધા રાખતાં.