અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફાના નિવાસનો સઘળો સમય આત્મિક સાધનામાં પ્રશાંતિપૂર્વક પસાર થઈ જતો. મહર્ષિની સાથે રહેનારા પ્રેમી, પ્રશંસકો અને અનુયાયીઓ પણ પોતાની સમજ તથા શક્તિ પ્રમાણે સાધનામાં લીન રહેતા. મહર્ષિએ ઘરનો ત્યાગ કરીને જ્યારથી અરૂણાચલેશ્વરના મંદિરમાં આશ્રય લીધો ત્યારથી તે અત્યાર સુધીના એમના જીવનવ્યવહારનું સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરવાથી એક વસ્તુ તદ્દન સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે એમનું સમગ્ર ધ્યાન એમની અંદરની દુનિયા પ્રત્યે અને એ દુનિયાના રહસ્યોદઘાટનમાં ઓછાવત્તા પ્રમાણમાં મદદરૂપ થનારી અંતરંગ આત્મસાધના તરફ જ કેન્દ્રિત થયેલું. એ વસ્તુ ખાસ ઉલ્લેખનીય છે. સાધકની જીવનસિદ્ધિમાં એ મોટો ને મહત્વનો ભાગ ભજવે છે. સાધક જ્યારે સારી પેઠે સમજી જાય છે કે પોતે જેની શોધ પ્રારંભવાનો પ્રયત્ન કરે છે એ અમૂલખ આત્મવસ્તુ, એ શાશ્વત શાંતિ અને અનંત આનંદ એની અંદર જ છે ને અંતર્મુખ દૃષ્ટિ કરીને અધિકાધિક ઊંડા ઊતરવાથી જ મળી શકશે ત્યારે એનું કામ સહેલું થાય છે, એની ભ્રાંતિ મટીને ચંચળતા શમી જાય છે. એ પછી પુસ્તકોના બાહ્ય પરોક્ષ જ્ઞાનભંડારની ઈચ્છા નથી રાખતો પરંતુ પોતાની અંદરના અનુભૂતિજન્ય અપરોક્ષ જ્ઞાનની જ આકાંક્ષા સેવે છે. એ દૃષ્ટિએ જોતાં મહર્ષિનું જીવન બીજા સામાન્ય સાધકોને માટે પ્રેરણાત્મક ને દીવાદાંડીરૂપ છે એમાં સંદેહ નહિ.
બાહ્ય જ્ઞાનની અભિલાષા એમને જરા પણ ન હતી. છતાં પણ એવા જ્ઞાનના અથવા શાસ્ત્રજ્ઞાનના પરિચયમાં એમને આપોઆપ આવવું પડ્યું.
અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં એમની સાથે કેટલાક જિજ્ઞાસુ ભક્તો રહેતા ને બીજા કેટલાક અવારનવાર એમનાં દર્શન તેમજ સમાગમની અભિલાષાથી આવતા રહેતા. એમનામાંના કેટલાક શ્રેયાર્થીઓ જુદી જુદી શંકા તથા જિજ્ઞાસા રજુ કરતા. એમના સંતોષકારક ઉત્તરો આપીને મહર્ષિ એમનું સમાધાન કરતાં. એ ઉત્તરો પરંપરાગત પરિપાટીથી જરાક જુદા ને વિલક્ષણ હોવા છતાં સાધકોને શાંતિ આપતા કારણ કે એમની પાછળ એમના સ્વાનુભવનું પીઠબળ રહેતું. પોતાના જીવનમાં વરસો સુધી સતત ને પ્રખર પરિશ્રમ કરીને એમણે સ્વાનુભવનાં મહામૂલ્યવાન મોતી મેળવેલાં ને પોતાની અંદર વિરાજેલી પરમાત્માની પરમ ચેતનાનો સાક્ષાત્કાર કરેલો. એટલે એમના અંતરમાં રહેલી અવિદ્યાગ્રંથિઓ તૂટી ગયેલી, એમના સઘળા સંશયો છેદાઈ ગયેલા અને એમની અશાંતિનો સંપૂર્ણપણે અંત આવેલો. એમનું જ્ઞાન અનુભવાત્મક બનેલું. એ જ્ઞાનના પાવન પ્રકાશથી બીજાના જીવન પ્રકાશિત થાય એમાં કશું આશ્ચર્ય ન હતું.
એમનું પોતાનું સાધનાત્મક કર્તવ્ય તો પૂરું થયું, પરંતુ એમનો જીવનપ્રવાહ ચાલુ હતો એટલું જ નહિ પણ અન્યને માટેની અનુકંપાથી ભરપૂર હતો એટલે બીજાની શંકા તથા સમસ્યાઓને સહાનુભૂતિપૂર્વક સાંભળીને એમણે એમના ઉત્તરો આપવા માંડ્યા. એ ઉત્તરો કેટલીકવાર મૌનરૂપે, મૌનના માધ્યમ દ્વારા મળતા તો કેટલીકવાર વાણીમાં વ્યક્ત થતા, પરંતુ બંને પ્રકારની અવસ્થામાં અત્યંત અસરકારક થઈ પડતા. જીવનમાં સાધનાવિષયક માહિતી મેળવવા માગનારા ને શાંતિ કે સિદ્ધિની આકાંક્ષાવાળા સાધકોને એમનું માર્ગદર્શન ખૂબખૂબ મદદરૂપ નીવડતું. એમને એમનાં દર્શન ને સમાગમમાંથી અનંત પ્રેરણા મળતી.
પરંતુ કેટલાક એવા જિજ્ઞાસુઓ પણ એમની પાસે આવી પહોંચતા જે પરંપરાગત ધર્મગ્રંથોના આધાર પર શંકાસમાધાન કરાવવાનો આગ્રહ રાખતા. એ ગ્રંથોનો અભ્યાસ કરીને આવતા કે ગ્રંથોને સાથે લાવતા. મહર્ષિ એમને પણ સંતોષ આપતા. કોઈવાર એમની આવશ્યક્તાનુસાર એ એમને ધર્મગ્રંથોના સિદ્ધાંતો અથવા વચનોનો આધાર લઈને સંતોષતા તો કોઈવાર પોતાની સાધનાત્મક સ્વાનુભૂતિના ઉચ્ચ અધિક અસરકારક આધાર પર. એ વેદ અને બીજાં ઉત્તમ શાસ્ત્રોના અર્ક, અનુવાદ અથવા સાકાર સ્વરૂપ જેવા હતા.
એ મહાપુરૂષ પાસે આવનારામાંના કેટલાક એવા પણ આવતા જેમને પોતાની શાસ્ત્રવિષયક વિદ્વતાના પ્રદર્શનમાં જ રસ લાગતો. એમની અંદર કશુંક જીવનોપયોગી ગ્રહણ કરવાની કે શીખવા સમજવાની ઈચ્છા ના રહેતી. એ વધારે ભાગે મહર્ષિના જ્ઞાનની ચકાસણી કરવા જ આવી પહોંચતા.
આગંતુકોમાંના કેટલાક એવા પણ હતા જે મહર્ષિ એમની તપશ્ચર્યા કે સાધનામાં કેટલા આગળ વધ્યા છે તે જોવા આવતા. એ પોતે ઉત્તમ કોટિના સાધક ના હોવાથી મહર્ષિની કે કોઈ બીજાની સાધનાસિદ્ધિ વિશે સમજવાની, પરીક્ષા કરવાની કે અભિપ્રાય આપવાની શક્તિ નહોતા ધરાવતા. એમની લાયકાત અત્યંત મર્યાદિત હોવા છતાં એ એને ઘણી વિશેષ માની બેઠેલા.
મહર્ષિ એ બધા ભિન્નભિન્ન રુચિ ને પ્રકૃતિવાળા પુરૂષો સાથે એમની યોગ્યતા પ્રમાણે આવશ્યક્તાનુસાર કામ લેતા.
ધર્મગ્રંથોનું અધ્યન કરવા છતાં પણ જેમને પરમાત્માના પરમપવિત્ર પ્રકાશની પ્રાપ્તિ નહોતી થઈ, જેમને મહર્ષિને માટે પરમ પ્રેમ તથા પૂજ્યભાવ હતો, ને જે પોતાની રીતે આત્મવિકાસની સાધના કરતા તો પણ પૂર્ણતાની પરમોત્તમ આશીર્વાદરૂપ અવસ્થાએ પ્રતિષ્ઠિત નહોતા થઈ શકતા, તેવા ઉદાત્ત મનના સાચા સાધકો પણ પ્રકાશ ને પથપ્રદર્શનની પ્રામાણિક આકાંક્ષાથી એમની પાસે આવવા લાગ્યા. આ દેશમાં એવી પ્રથા છે કે જ્યારે કોઈ સાધકો ને જિજ્ઞાસુઓને ખબર પડે છે કે અમુક ઠેકાણે કોઈક સ્વાનુભવસંપન્ન સાક્ષાત્કારી મહાત્મા વાસ કરે છે ત્યારે મધમાખીઓ જેમ મધપૂડાની પાસે પહોંચી જાય છે તેમ એવા પ્રાતઃસ્મરણીય પવિત્ર મહાત્માપુરૂષનાં દર્શન તેમ જ સંસર્ગને માટે એ ઉત્સુક બને છે. એની પાસે પહોંચીને એ માર્ગદર્શન મેળવે છે. એવો જીવનવિકાસમાં શ્રદ્ધા રાખનારો વર્ગ પ્રમાણમાં અલ્પ છે એ સાચું; પરંતુ છે એમાં સંદેહ નહિ. મહર્ષિ આત્માનુભૂતિની ઉત્તમોત્તમ અવસ્થાએ આસીન થયા છે એ જાણીને એવા વિરલ વર્ગના કેટલાક વિરલ, અતિવિરલ આત્માઓ પણ એમના દર્શન માટે આવવા માંડ્યા.
આત્માનો અનુભવાત્મક પૂર્ણ પ્રકાશ જ્યાં સુધી નથી પ્રાપ્ત થતો ત્યાં સુધી માણસ ગમે તેટલું તપ કરે, કે ગમે તેટલા શાસ્ત્રાધ્યયનનો આધાર લે તો પણ એ બધું અધૂરું જ રહી જાય છે ને માણસને સનાતન શાંતિનું પ્રદાન નથી કરતું. તપવ્રત ને શાસ્ત્રાધ્યયનના સુપરિણામને નિરંતર યાદ રાખીને તેને પ્રાપ્ત કરવાની લગની લગાડવાની આવશ્યકતા છે. તો જ તે સાચા અર્થમાં ફળીને જીવનને ધન્ય કરી શકે. તપવ્રત ને શાસ્ત્રાધ્યયન પોતપોતાના પૂરતું જ મર્યાદિત કે કેન્દ્રિત હોય તે બરાબર નથી. મહર્ષિ એ વાતને સારી પેઠે ને શરૂઆતથી જ સમજતા. એ સમજીને બેસી જ ના રહ્યા પરંતુ એમના જીવનનું શ્રેય પણ સાધી શક્યા.

