પલનિ સ્વામી જ્યારે નાયકરના બગીચામાં રહેતા ત્યારે તે કોઈ કોઈવાર અવકાશ પ્રાપ્ત થતાં નાગલિંગ સ્વામી ગ્રંથાગારમાંથી જુદાં જુદાં પુસ્તકો લાવતા ને ભારે પરિશ્રમપૂર્વક વાંચતા રહેતા. તામિલ ભાષામાં લખાયેલા કૈવલ્ય નવનિત, યોગવસિષ્ઠ જેવા વેદાંતના ગ્રંથો વાંચવા-વિચારવામાં એમને ખૂબ જ મહેનત પડતી. એવે વખતે મહર્ષિ એ ગ્રંથોને લઈને એમનો સરળ, સહજ, સંક્ષિપ્ત અર્થ લખી દેતા. એથી પલનિ સ્વામીને ને બીજા જિજ્ઞાસુઓને ઘણી મદદ મળતી. મહર્ષિ પ્રારંભથી જ અસાધારણ બૌદ્ધિક પ્રતિભાથી સંપન્ન હોવાથી શાસ્ત્રોના કઠિન સિદ્ધાંતોને અત્યંત સરળતાથી સમજી શકતા એટલું જ નહિ, એમને સુચારુરૂપે સરળ ને સંક્ષિપ્ત સારવાહી ભાષામાં સમજાવવાની સવિશેષ શક્તિથી પણ એ સારી પેઠે સંપન્ન હતા. સાધનાના ક્ષેત્રમાં આગળ વધીને એમણે જે સ્વાનુભૂતિનાં સર્વોત્તમ શિખરોને સર કરેલાં એને લીધે શાસ્ત્રીય જ્ઞાનસિદ્ધાંતોને સમજવાનું એમને માટે સહેલું થઈ પડ્યું.
એક બીજી હકીકત પણ ઉલ્લેખનીય છે. એમની સેવામાં રહેતી વખતે તંબિરાન જે જ્ઞાનવિજ્ઞાનયુક્ત ગીતો ગાતો એ ગીતો પણ શાસ્ત્રોની અને ખાસ કરીને વેદાંતની રહસ્યવાતોની રજૂઆત કરતાં. એ ગીતોના શ્રવણથી આનંદ તો મળતો જ; પણ સાથે સાથે જ્ઞાનપ્રાપ્તિ પણ સહજ બનતી.
એકવાર ચિદંબરમના એક શાસ્ત્રી શંકરાચાર્યના સુપ્રસિદ્ધ ગ્રંથ વિવેકચૂડામણિની કૉપી લઈને આવી પહોંચ્યા અને એ કૉપી મહર્ષિ પાસે જ છોડી ગયા. મહર્ષિને એના રહસ્યનો પાર પામતાં વાર ના લાગી.
અરૂણાચલ પર્વત પર પદ્મનાભ સ્વામી નામના સત્પુરૂષ વાસ કરતા. એ મસ્તક પર મોટો જટામુકુટ રાખતા હોવાથી જટાઈ સ્વામીના ઉપનામથી પણ ઓળખાતા. એ સ્વાધ્યાયના રસિયા હોવાથી એમની પાસે કેટલાક સંસ્કૃત ગ્રંથો રાખતા. એ ગ્રંથો મંત્રશાસ્ત્રના, આયુર્વેદના, બૃહદ્ સ્તોત્રરત્નાકરના ને બીજા ધર્મ તથા તત્વજ્ઞાનના ગ્રંથો હતા. મહર્ષિ શરૂઆતમાં કોઈ કોઈવાર એમની મુલાકાત લઈને એ ગ્રંથોમાંના કેટલાકનું અવલોકન કરતા. પુરાતન ધર્મગ્રંથોના પરિચયમાં આવવાનું સૌભાગ્ય એવી રીતે એમને સહજ રીતે જ સાંપડેલું.
એકવાર એ પદ્મનાભ સ્વામીની પાસે બેઠેલા ત્યારે કોઈક જિજ્ઞાસુએ એમને કોઈ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન જરા અટપટો હતો તો પણ એના ઉત્તરમાં એમણે ત્યાં પડેલા બૃહદ્સ્તોત્રરત્નાકર ગ્રંથને ઉઘાડીને એક શ્લોકાર્થ તરફ અંગુલિનિર્દેશ કર્યો. આશ્ચર્યની વાત તો એ હતી કે એ શ્લોકાર્થ પેલા પ્રશ્નના સચોટ ને સંપૂર્ણ પ્રત્યુત્તરરૂપ હતો. એથી પ્રશ્નકર્તાના મનનું સમાધાન થયું. પદ્મનાભ સ્વામી પણ એ યુવાન બ્રાહ્મણસ્વામીની શક્તિ જોઈને––એ વખતે એમનું નામ બ્રાહ્મણસ્વામી હતું––સંતોષ તથા વિસ્મય પામ્યા.
મહર્ષિ જ્યારે વિરૂપાક્ષી ગુફામાં વાસ કરતા ત્યારે એમના સેવકો અથવા ભક્તોમાં એક શ્રી ગંભીરમ્ શેષય્યર નામના સદ્દગૃહસ્થ હતા. એ મહર્ષિના સંપર્કમાં આવ્યા ત્યારથી એમની ઉપર ખૂબ જ પ્રેમ, શ્રદ્ધા ને પૂજ્યભાવ રાખતા. ઈ.સ. ૧૯૦૦ની આસપાસ એ તિરુવણ્ણામલૈમાં મ્યુનિસિપલ ઓવર્સિયર હતા. એ મહર્ષિની પાસે શાંતિપ્રાપ્તિ તેમ જ પથપ્રદર્શન માટે અવારનવાર આવતા રહેતા. એ એક શ્રદ્ધાળુ આદર્શ રામભક્ત હતા. એમને ભગવાન રામ પર પ્રેમ હતો અને એથી પ્રેરાઈને એ રામના રસમય સુમધુર નામનું રટણ દિવસના મોટા ભાગના સમય દરમિયાન કરતા રહેતા. એ યોગમાર્ગમાં રુચિ ધરાવતા હોવાથી એ રુચિને પોષવા માટે એમણે સ્વામી વિવેકાનંદના રાજયોગ ને જ્ઞાનયોગ પરના વ્યાખ્યાન ગ્રંથોનો રસપૂર્વક અભ્યાસ કરેલો. એ ગ્રંથો અને બીજા કેટલાક ધર્મગ્રંથોને સમજવામાં ક્યાંક ક્યાંક મુશ્કેલીનો અનુભવ થવાથી એ ગ્રંથોને લઈને એ મહર્ષિ પાસે આવી પહોંચ્યા ને પોતાની શંકાઓ તેમજ મુશ્કેલીઓ રજૂ કરી.
મહર્ષિ એ ગ્રંથોને બારીકાઈથી જોઈ ગયા, એમના સારને કાગળના ટુકડાઓ પર લખી બતાવ્યો, ને બીજા જે પૂછ્યા તે પૂરક પ્રશ્નોના ઉત્તરો પણ વારાફરતી સંતોષકારક રીતે રજુ કર્યા. એવી રીતે એ એમની અવારનવાર મુલાકાત લેતા ને પ્રશ્નો પૂછતા. મહર્ષિના પ્રશ્નોના ઉત્તરો તથા કેટલાક સ્પષ્ટીકરણાત્મક વિચારો એ કાગળની ચબરકીઓ પર ટપકાવતા રહેતા. એ સઘળાનો સંગ્રહ એ શ્રદ્ધાભક્તિયુક્ત સદગૃહસ્થ પાસે સારા પ્રમાણમાં થઈ ગયો. ઈ.સ. ૧૯૦૦, ૧૯૦૧ ને ૧૯૦૨નાં વર્ષો દરમિયાનના એ સદુપદેશને એમણે એક નોટબુકમાં ઉતારી લીધો. એ પછી થોડા જ વખતમાં એમનું મૃત્યુ થયું.
એમના મૃત્યુ બાદ કાગળોનું પેલું બંડલ એમના મોટા ભાઈ કૃષ્ણય્યરના હાથમાં આવ્યું.
એમની સદભાવનાથી એનો લોકહિતાર્થે સદુપયોગ થઈ શક્યો. એનું ઈ.સ. ૧૯૩૧માં વિચારસંગ્રહ નામથી પ્રકાશન થયું. એનો અંગ્રેજી અનુવાદ ‘સેલ્ફ ઈન્કવાયરી’ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
પોતાની પાસે પહોંચનારા જિજ્ઞાસુઓની સાથે કાર્ય કરવાની એમની પદ્ધતિ અત્યંત વિલક્ષણ અથવા વિશિષ્ટ હતી. એ આગંતુકની વાતને સહાનુભૂતિપૂર્વક સાંભળતા, બનતું ઉત્તેજન આપતા, ને પછી અનુકૂળ અવસર આવતાં એને એની ભૂલભરેલી મર્યાદિત વિચારધારામાંથી બહાર કાઢી વધારે સારી વિચારપદ્ધતિનો પરિચય કરાવતા.
એ વિલક્ષણ પદ્ધતિ શેષય્યરના પ્રસંગ પરથી સારી પેઠે સમજી શકાય છે. શેષય્યરને અષ્ટાંગયોગ પ્રત્યે સવિશેષ પ્રેમ હતો અને પ્રાણાયામની પ્રક્રિયા વધારે ગમતી. એ પ્રક્રિયામાં એ ખાસ રસ લેતા. મહર્ષિએ પોતે પ્રાણાયામનો પદ્ધતિસરનો અભ્યાસ નહોતો કર્યો. એમને એવા અભ્યાસની આવશ્યકતા નહોતી લાગી. પરંતુ શેષય્યરને પ્રાણાયામ વિશે જ જાણવાની ઈચ્છા હોવાથી, એ ઈચ્છાને સારી પેઠે સંતોષવા માટે, એમણે સ્વામી વિવેકાનંદનાં પ્રાણાયામ વિષયક લખાણોનો અભ્યાસ કર્યો ને એના પરથી ટૂંકી નોંધ તૈયાર કરી. એ નોંધો શેષય્યરને કામ લાગી.
મહર્ષિ કદી પણ ખોટી ચર્ચાવિચારણા કે વ્યર્થ વાદવિવાદમાં ના ઊતરતા. એમને બુદ્ધિજન્ય દલીલો કે કસરતોમાં લેશ પણ રસ નહોતો લાગતો. એ કહેતા કે એથી માણસ મૂળભૂત ધ્યેયને ભૂલીને બાહ્ય વિષયોમાં કે બહિરંગ વૃતિ ને પ્રવૃત્તિમાં જ રસ લેતો ને અટવાતો થઈ જાય છે. એથી જીવનધ્યેયની સિદ્ધિ નથી થઈ શકતી. એ સાધના અને સાધનાત્મક અનુભૂતિ પર હંમેશાં ભાર મૂક્તા ને એને માટે પ્રેરણા પૂરી પાડતા. જિજ્ઞાસુ જે મતમાં માનતો હોય તે મતનું અધ્યયન કરી એના સત્વને રજૂ કરીને એને સંતોષવાનો ને શંકારહિત કરવાનો પ્રયત્ન કરતા. એ કોઈ સંપ્રદાયવિશેષમાં માનવાને બદલે પરમસત્યમાં શ્રદ્ધા રાખતા ને એના સાક્ષાત્કારની પ્રેરણા પાતા. સ્વાનુભવ એમને મન જીવનવિકાસનું મુખ્ય પ્રેરકબળ હતું અને એના આધાર પર એ અદ્વૈતમાં નિષ્ઠા કેળવતા થયેલા. પોતાના સ્વાનુભવના અમૂલખ આધાર પર એ સમજતા થયેલા કે દ્વેતમાંથી પ્રારંભાયેલો સાધનાનો પુણ્યપ્રવાસ છેવટે અદ્વૈતમાં જ પર્યવસાન પામે છે. અનેકતામાંથી આરંભાયેલો આત્માનુભૂતિનો અભ્યાસ આખરે એકતામાં મળી જાય છે. એમની દ્વારા તામિલમાં લખાયેલી અને અનુવાદિત થયેલી મોટાભાગની રચનાઓમાં પણ અદ્વૈતની એ જ અંતિમ વિચારધારાનો સમાવેશ થયેલો જોવા મળે છે.
એમને મન પાંડિત્યની એટલી મહત્તા નહોતી જેટલી અનુભૂતિની. રમણ ગીતામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે વિશેષ જિજ્ઞાસાવાળા પુરૂષને કેવળ શાસ્ત્રચર્ચા કરવાથી સંસિદ્ધિ નથી મળતી. એને માટે તો ઉપાસના કે સાધનાનો આધાર લેવો પડે છે.
મહર્ષિ કેટલાક સંતોની જેમ માનસશાસ્ત્રના પ્રાધ્યાપક બનવા નહોતા માગતા. એમની ઈચ્છા સ્વાનુભવના સાકાર સ્વરૂપ થવાની હતી. એટલે ગ્રંથોના અધ્યયનને એમણે વધારે પડતું મહત્વ નહોતું આપ્યું. છતાં પણ નરસી મહેતા, તુકારામ, મીરાં ને રામકૃષ્ણ પરમહંસદેવની પેઠે એમનાં સહજ ઉદગારોમાંથી શાસ્ત્રોનો સાર ટપકી રહેતો.
* * * * * * * * * * * *
એ દિવસોમાં વિવેકચૂડામણિનો તામિલ ભાષામાં પદ્યાનુવાદ થયેલો પરંતુ સૌ કોઈને સહેલાઈથી પ્રાપ્ત ના થતો. મહર્ષિની પાસે આવતા ગંભીરમ્ શેષય્યરે એમને એ ગ્રંથનો તામિલમાં ગદ્યાનુવાદ કરવાનો આગ્રહ કર્યો. એને પરિણામે પ્રારંભનો કેટલોક ભાગ તૈયાર થયો. એ દરમિયાન તામિલ ભાષામાં થયેલો પદ્યાનુવાદ પણ મળી ગયો. મૂળ સંસ્કૃતમાં લખાયલો વિવેકચૂડામણિ ગ્રંથ તો હતો જ. એટલે મહર્ષિને લાગ્યું કે બીજા કોઈ ગદ્યાનુવાદની આવશ્યકતા નથી રહેતી. એમણે પોતાનું કામ એટલેથી જ બંધ રાખ્યું.
એ વાતને કેટલાંક વરસો વીતી ગયાં પછી વિરૂપાક્ષી ગુફાને સાફ કરતી વખતે એક ખૂણામાંથી વિવેકચૂડામણિ ગ્રંથની મહર્ષિએ તૈયાર કરેલી પેલા ગદ્યાનુવાદની હસ્તપ્રત પ્રાપ્ત થઈ. એ જોઈને સૌને આનંદ થયો. ખાસ કરીને એ મહર્ષિએ તૈયાર કરેલી માટે.
શેષય્યરના ભાણેજના અતિશય આગ્રહથી મહર્ષિને એનો શેષ ભાગ પણ પૂરો કરવો પડ્યો. તામિલ ગદ્યસાહિત્યમાં એવી રીતે વિવેકચૂડામણિ જેવા મહત્વના લોકોપયોગી ગ્રંથરત્નનો ઉમેરો થયો.

