if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિરૂપાક્ષી ગુફાના શાંત એકાંત આવાસ દરમિયાન મહર્ષિની મુલાકાતે આવનારા જિજ્ઞાસુ આત્માઓમાં શિવપ્રકાશમ્ પિલ્લે ખાસ ઉલ્લેખનીય છે. એ તત્વજ્ઞાનના સ્નાતક હતા અને ઈ.સ. ૧૯૦૦ થી ૧૯૧૦ સુધી દક્ષિણ આર્કોટ કલેક્ટોરેટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા. વિદ્યાર્થીદશા દરમિયાન પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવાની અથવા ‘હું કોણ’ પ્રશ્નનો સમ્યક્ ઉત્તર મેળવવાની એમને ઈચ્છા થઈ પરંતુ એ ઈચ્છા  ઈચ્છા જ રહી ગઈ.

ઈ.સ. ૧૯૦૨માં એમને એમના ખાતાકીય કામે તિરુવણ્ણામલૈ આવવાનું થયું ત્યારે ત્યાંના ભક્તો દ્વારા એમણે અરૂણાચલ પર્વત પર રહીને કઠોર તપ કરતા જીવનમુક્તિની અલૌકિક અવસ્થાનો અનુભવ કરનારા બ્રાહ્મણ સ્વામી અથવા મહર્ષિની પ્રશસ્તિ સાંભળી. એ સાંભળીને એમને એ મહાપુરૂષની મુલાકાતની ઉત્કટ ઈચ્છા થઈ આવી.

અરૂણાચલ પર્વતનું આરોહણ કરીને એ વિરૂપાક્ષી ગુફામાં રહેતા મહર્ષિ પાસે આવી પહોંચ્યા ત્યારે એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા વિના ના રહી શક્યા. એમનાં દર્શનથી એમને અસાધારણ આનંદ થયો ને શાંતિ મળી. એમણે ત્યાંના શાંત વાતાવરણમાં બેસીને મહર્ષિને પ્રકાશ અને પથપ્રદર્શન માટે પ્રાર્થના કરી ને કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહર્ષિ એ વખતે મૌનવ્રત રાખતા હોવાથી એમાંના કેટલાક પ્રશ્નોના ઉત્તર એમણે અભિનય કે સંકેત દ્વારા આપ્યા ને કેટલાકના ઉત્તર જમીન કે સ્લેટ પર લખીને પૂરા પાડ્યા. એ ઉત્તરોથી પિલ્લેને સંતોષ થયો  ને માર્ગદર્શન મળ્યું.

મહર્ષિના સમાગમની અસર પિલ્લે પર ઘણી થઈ. ધીરે ધીરે એમની ચિત્તવૃત્તિ ઉપરામ થતી ગઈ, એમની આસક્તિ વધતી ગઈ, ને એને પરિણામે ઈ.સ. ૧૯૧૦માં એમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું. મહર્ષિની સંગતિનો લાભ એ અવારનવાર અનુકૂળતા મળતાં લેતા જ રહ્યા. એમણે મહર્ષિને પૂછેલા કેટલાક પ્રશ્નો સાધકોને માટે ઉપયોગી ને મહર્ષિની સાધના તથા જીવનદૃષ્ટિને સમજવામાં મહત્વનો ફાળો આપનારા હોવાથી એમને એમના ઉત્તરો સાથે અહીં રજૂ કરીએ છીએ:

પ્રશ્ન  :  ચૈતન્યનો સ્વભાવ કેવો છે ?

ઉત્તર : એ સચ્ચિદાનંદ છે. ત્યાં અહમ્ નો અલ્પ જેટલો અંશ પણ નથી રહેતો. એને મૌન અથવા આત્મા નામથી પણ ઓળખવામાં આવે છે. એકમાત્ર અસ્તિત્વ ધરાવનારી વસ્તુ એ જ છે. ભેદદૃષ્ટિને લીધે જે જીવ, જગત ને ઈશ્વરને અલગ માનવામાં આવે છે તે તો અજ્ઞાનજન્ય આભાસમાત્ર છે. જીવ, જગત અને ઈશ્વર ત્રણે શિવસ્વરૂપ અથવા આત્મસ્વરૂપ છે અને સદ્ વસ્તુથી અભિન્ન છે.

પ્રશ્ન  :  એ શિવસ્વરૂપ અથવા સત્યનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ?

ઉત્તર : બાહ્ય પદાર્થો અથવા દૃશ્યનો નાશ થાય તો દ્રષ્ટાના વાસ્તવિક મૂળભૂત સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકે છે.

પ્રશ્ન  :  અસંખ્ય જન્મોથી મનમાં પડેલી વૃત્તિ ને વાસનાઓને નિર્મૂળ કરવાનું શક્ય છે ખરું ?

ઉત્તર : એવી શંકાઓને પેદા જ ના થવા દો. દૃઢ નિરધારપૂર્વક આત્મામાં ઊંડે ને ઊંડે ડૂબકી મારો. આત્મવિચાર દ્વારા આત્માભિમુખ બનેલું મન આખરે શાંત થાય છે અને આત્મામાં મળી જાય છે. જ્યારે કોઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે એના નિવારણ માટે કોશિશ કરવાને બદલે જેને શંકા થાય છે તેને જાણવાને પ્રયાસ કરો.

પ્રશ્ન  :  આત્મવિચારનો આધાર ક્યાં લગી લેવો જોઈએ ?

ઉત્તર : જ્યાં સુધી વાસનાઓ મનની અંદર રહીને વિચારો અથવા સંકલ્પ વિકલ્પોની સૃષ્ટિ કરતી હોય ત્યાં સુધી, જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી.

* * *          * * *          * * *          * * *

ઈ.સ. ૧૯૧૩માં મહર્ષિનો સદુપદેશ પામેલા છતાં એની અસરથી પૂરા નહિ રંગાયેલા પિલ્લે વિધુર થયા ત્યારે એમનો જીવનપ્રવાહ બાહ્યરૂપે ને દેખીતી રીતે જ બદલાયો. એમની આગળ સૌથી પહેલો અને અટપટો પ્રશ્ન એ પેદા થયો કે પોતે વિધુર રહીને બાકીનું બધું જીવન પૂરું કરવું કે પુનર્લગ્ન કરવું ? લગ્ન કરવામાં મુશ્કેલીઓ તો હતી જ. લગ્નને માટે સુયોગ્ય પાત્રની પસંદગી કરવાનો પ્રશ્ન કાંઈ ઓછો અટપટો ન હતો. એ ઉપરાંત એમની જ્ઞાતિમાં લગ્ન પાછળ ખાસ્સો ખર્ચ કરવો પડતો અને એમના સંજોગો જોતાં એવો મોટો ખર્ચ એમને પોસાશે કે કેમ એ પણ સવાલ તો હતો જ. એવો જરૂરી લગ્નખર્ચ ઊભો કરવાનું કામ કઠિન હતું. એ બધી ચિંતાઓ એમને ઘેરી વળી. એમના અંતરમાં આત્મજ્ઞાનનો પ્રકાશ હજુ સુચારુરૂપે નહોતો પથરાયો; નહિ તો એવી ચિંતાઓ એમને ના સતાવત. એ સમસ્યાએ એમના મનને મૂંઝવણમાં મૂકી દીધું.

ઈશ્વરકૃપાથી એમને એક ઉપાય સૂઝ્યો. એમના ગામમાં વિઘ્નેશ્વર ભગવાન ગણેશનું મંદિર હતું. એમની અંદર એમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. એમને થયું કે મારું મન જે નિશ્ચિત માર્ગદર્શન નથી આપી શકતું તે માર્ગદર્શન ભગવાન વિઘ્નેશ્વર પાસેથી મેળવું. પરંતુ એ માર્ગદર્શન મેળવવું કેવી રીતે ? એને માટે એમણે એક નાનીસરખી છતાં મહત્વની યોજના બનાવી. એ યોજના એમને ખૂબ જ પસંદ પડી. એને અનુસરીને એમણે એક કાગળ પર એમના મનને મૂંઝવતા પ્રશ્નો લખ્યા :

૧. સંસારની ચિંતાઓ ને જવાબદારીઓમાંથી કાયમને માટે મુક્તિ મેળવવા મારે શું કરવું જોઈએ ?

૨. હું જેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખું છું એ જ કન્યા સાથે મારું લગ્ન થશે ખરું ?

૩. જો મારું લગ્ન એની સાથે ના થવાનું હોય તો તેનું કારણ શું ?

૪. જો મારું લગ્ન એની સાથે થવાનું જ હોય તો એને માટે જરૂરી ખર્ચની વ્યવસ્થા કેવી રીતે થઈ શક્શે ?

કાગળ પર એ પ્રશ્નોને લખીને પિલ્લે ભગવાન વિઘ્નેશ્વરના મંદિરમાં પહોંચ્યા ત્યારે રાત્રીની નીરવ શાંતિ બધે પ્રસરી ચૂકેલી. વિઘ્નેશ્વર પ્રત્યેની અખંડ શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને એમણે એ કાગળ એમની મધુમય મંગલ મૂર્તિ આગળ મૂક્યો ને ભાવવિભોર હૃદયે, ગદ્દગદ્ સ્વરે પ્રાર્થના કરી કે પ્રભુ, મેં તમારું અનન્ય ભાવે સાચા હૃદયે શરણ લીધું છે. તમે મારાં માતાપિતા, ગુરૂ, સ્વજન સર્વકાંઈ છો. મારી મૂંઝવણને મટાડીને મને શાંતિ આપવાની તમારામાં શક્તિ છે. તમે મને કૃપા કરીને યોગ્ય માર્ગદર્શન આપો. મને જે પણ માર્ગદર્શન આપવાનું હોય તે કાગળમાં લખેલા મારા પ્રશ્નોની નીચે એ પ્રશ્નોના અલગ પ્રત્યુત્તરના રૂપમાં પૂરું પાડો. મારી એ ઈચ્છા આજે રાતે જ પૂરી થવી જોઈએ. જો એ ઈચ્છા કોઈ કારણે પૂરી નહિ થાય તો હું અરૂણાચલ પર્વત પર રહેતા બ્રાહ્મણ સ્વામી પાસે જઈશ ને એમનું માર્ગદર્શન મેળવીશ. પરંતુ મેં તમારું સર્વભાવે શરણ લીધું હોવાથી તમે મારા પર કૃપા કરશો એવી આશા છે.

એમણે આખી રાત અત્યંત આતુરતાપૂર્વક પૂરેપૂરી પ્રતીક્ષામાં પસાર કરી પરંતુ એમને કોઈ પ્રકારનો અનુભવ ના થયો. સવારે એમણે ધડકતા હૃદયે કાગળ જોયો તો એ પણ ઉત્તરરહિત દેખાયો. એમના લખેલા પ્રશ્નો એવા ને એવા જ જોઈને એમની પીડાનો પાર ના રહ્યો. એમની ચિંતા વધી ગઈ. પરંતુ એ પરિસ્થિતિમાં બીજું થઈ શકે પણ શું ? બીજો વિકલ્પ એમણે એમના મનમાં પહેલેથી જ વિચારી રાખેલો. એને અનુલક્ષીને એમણે નક્કી કર્યું કે ભગવાન વિઘ્નેશ્વરની ઈચ્છા મારે માર્ગદર્શન માટે બ્રાહ્મણ સ્વામી પાસે પહોંચવું એવી જ છે : એટલા માટે જ એમણે પ્રશ્નોમા ઉત્તરો નથી લખ્યા. માનવનો સ્વભાવ જ મોટે ભાગે એવો છે કે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ સમાધાન શોધી લે છે. એક રીતે જોતાં એ સારું પણ છે. કારણ કે એને લીધે જ જીવન જીવવા જેવું લાગે છે ને માણસ પાર વિનાની પીડા ને પ્રતિકૂળતાની વચ્ચેથી પણ આગળ વધે છે.

વિઘ્નેશ્વર ભગવાનની સૂચના સમજીને એ અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં રહેતા મહાતપસ્વી સંતશ્રેષ્ઠ બ્રાહ્મણ સ્વામી અથવા મહર્ષિ પાસે આવી પહોંચ્યા.

મહર્ષિ એમના પૂર્વપરિચિત હોવા છતાં એમણે એમને પોતાની ભૂતકાળની ઘટનાઓથી વાકેફ ના કર્યા, એમની આગળ પોતાને સતાવતી સમસ્યાઓ ને ચિંતાઓ પણ રજૂ ના કરી, અને એમની સમક્ષ હૃદય ખોલીને માર્ગદર્શન પણ માગ્યું નહિ. એમણે બનતી ધીરજ, સહનશક્તિ, શાંતિ ને શ્રદ્ધાપૂર્વક એ પરમપ્રતાપી સંતપુરૂષના સંસર્ગમાં રહેવાનું ચાલું રાખ્યું. એ સંસર્ગ દરમિયાન મહર્ષિની જીવનચર્યાને અત્યંત નજદીકથી નજરે નિહાળવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું. વિરૂપાક્ષી ગુફામાં દર્શનાર્થી ને જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં અતિશય આદર તેમ જ પ્રેમપૂર્વક એકઠા થતા. એમની સાથે મહર્ષિ જીવનના એકમાત્ર મૂળભૂત ધ્યેય આત્મસાક્ષાત્કાર અને એની પ્રાપ્તિનાં સાધનો વિશે વાતો કરતા. એ સિવાયની બીજી દુન્યવી વાતો સાંભળવાનો અવસર જ ત્યાં નહોતો ઉપસ્થિત થતો.

વખતના વીતવાની સાથે પિલ્લેનાં દિલનાં દ્વાર ઊઘડી ગયાં. એમના પ્રાણમાં એ એકાંત સત્સંગને પરિણામે પ્રકાશ પ્રકટ્યો, એ પરમ પાવન પ્રકાશકિરણે અજ્ઞાનાંધકારની નિવૃત્તિ કરી. એમને એમના પ્રશ્નો અને એમને ચિરકાળથી સતાવતી સમસ્યાઓના સંતોષકારક ઉત્તરો મળી ગયા. એ ઉત્તરોએ એમને શાંતિ આપી. એમને થયું કે મહર્ષિનું જીવન જ મારે માટે મહાન પદાર્થપાઠ રૂપ છે. પોતાના પવિત્ર પરમાત્મપરાયણ જીવન દ્વારા એ મને મહામૂલ્યવાન જીવનોપયોગી સંદેશ જ આપી રહ્યા છે. એ સંદેશને મારી અયોગ્યતાને લીધે મેં આજ સુધી નહોતો સાંભળ્યો પરંતુ હવે એમના જ અનુગ્રહથી એ સારી રીતે ને સંપૂર્ણપણે સંભળાઈ રહ્યો છે. મહર્ષિ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે અથવા તો વધારે સારા શબ્દોમાં કહી શકાય કે બ્રહ્મચર્યપાલન એમને સારુ સહજ થઈ ગયું છે. એમને શરીરસુખની વાસના કે કામના નથી સતાવતી. એ સમસ્યામાંથી એ સર્વથા ને સદાને માટે મુક્ત છે. એમને સનાતન શાંતિની પ્રાપ્તિ થઈ છે. એવી શાંતિ શરીરસુખની ને બીજી વાસનામાંથી મુક્તિ મેળવ્યા વિના કદાપિ ના મળી શકે. જીવનની સાચી શાંતિ ને સફળતા માટે મારે એ વાસનાની નાગચૂડમાંથી છૂટવું જ જોઈએ.

બીજો સવાલ ઘન સાથે સંબંધિત હતો. એ બાબત એમને સમજાયું કે મહર્ષિને એની જરાપણ ચિંતા નથી તો પણ એમનું જીવન કોઈપણ પ્રકારની તકલીફ વગર અત્યંત સરળતાથી સરસ રીતે ચાલ્યા કરે છે. જે શક્તિનાં ચરણોમાં એમણે પોતાનું સર્વસમર્પણ કર્યું છે એ શક્તિ એમના જીવનને સફળતાપૂર્વક સારી રીતે સંભાળી રહી છે. એ શક્તિની છત્રછાયામાં એ સદાય સલામત છે. હું પણ જો એનું શરણ લઉં તો મારી બધી જ ચિંતા ટળી જાય, મારો વિષાદ શમી જાય ને સમસ્યાઓ મટી જાય. એ સર્વોપરી શક્તિમાં શ્રદ્ધાભક્તિ કેળવવાની આવશ્યક્તા છે.

એમણે જોયું કે મહર્ષિ સનાતન સુખશાંતિના અખંડ અનુભવમાં પોતાના જીવનને પસાર કરી રહ્યા છે. એ કદી દુઃખી, શોકિત કે ઉદ્વિગ્ન નથી થતા. એમની પ્રસન્નતા એકધારી અથવા અકબંધ છે. એમને કશી વાસના, લાલસા કે તૃષ્ણા નથી. એ પરમ ધન્યતાની એકધારી અનુભૂતિ કરી રહ્યા છે. જે મેળવવાનું હતું તે એમણે મેળવી લીધું લાગે છે. એમણે ‘હું કોણ’ વિચારધારાનો આધાર લઈને આત્મસાક્ષાત્કાર કરી લીધો છે. એમને સ્વરૂપની અનુભૂતિ થઈ ચૂકી છે. એવી રીતે જો આત્મસાક્ષાત્કારનો લાભ મળે તો જીવન સુખશાંતિથી સંપન્ન થાય, અખંડ આનંદથી અલંકૃત બને, ને કૃતાર્થ થઈ જાય. આત્મસાક્ષાત્કારની એ આશીર્વાદરૂપ સર્વોત્તમ સાધનાને માટે સતત પુરૂષાર્થ કરવો જોઈએ. એવી ઉત્સાહયુક્ત સતત સાધનાથી જ સિદ્ધિ સાંપડી શકે ને જીવન સર્વ પ્રકારની ચિંતા, વ્યથા તથા અશાંતિથી ને ઉપાધિથી મુક્ત બને.

પિલ્લેને એમના પ્રશ્નોના ઉત્તરો મળી ગયા. એમના મનનું સંપૂર્ણપણે સમાધાન થયું. લગ્નની ને લક્ષ્મીની લાલસા એમને નિરર્થક લાગી. એનો એમણે વિવેક અથવા આત્મજ્ઞાનનો આધાર લઈને ત્યાગ કર્યો. એવી લાલસા લઈને પોતે વિઘ્નેશ્વર ભગવાનના મંદિરમાં રહ્યા ને મહર્ષિ જેવા મહાપુરૂષ પાસે આવ્યા એથી એમને એમના અજ્ઞાન માટે લાગી આવ્યું. પરંતુ હરકત નહિ, એ નિમિત્તે એ મહર્ષિનો સુખદ સંસર્ગ સાધી શક્યા, એમને દિવસો સુધી નજદીકથી નિહાળી શક્યા ને પ્રેરણા પામ્યા. એમના સત્સંગલાભ વિના જીવનવિકાસના શ્રેયસ્કર સંદેશની પ્રાપ્તિ એમને ના થઈ હોત. ભગવાન વિઘ્નેશ્વરે એમને મહર્ષિ જેવા લોકોત્તર મહાપુરૂષ પાસે મોકલ્યા તે બધી રીતે જોતાં સારું જ થયું.

* * *          * * *          * * *          * * *

પિલ્લેનો અરૂણાચલ પર્વતનો ફેરો સફળ થયો. એમણે ઘેર પાછા ફરવાનો સંકલ્પ કર્યો. એ દરમિયાન ઈ.સ. ૧૯૧૩ના મે ની ચોથી તારીખે એમને અસાધારણ અનુભવ મળ્યો.

મહર્ષિની પાસે કેટલાય દર્શનાર્થી બેઠા હતા. એ સૌની સાથે રોજની જેમ પિલ્લે પણ બેઠેલા. એ મહર્ષિ તરફ સ્થિર દૃષ્ટિથી જોતા હતા ત્યારે એમણે એકાએક એક અદભુત ચમત્કાર જોયો. મહર્ષિની માનવીય મુખાકૃતિ કોણ જાણે કેમ પણ અદૃશ્ય થઈ ગઈ. એને બદલે એમની આજુબાજુ પ્રકાશનું પવિત્ર વર્તુળ છવાઈ ગયું. એ પ્રકાશવર્તુળમાંથી એમના અનંત આશ્ચર્ય વચ્ચે એક સુવર્ણસદૃશ કાંતિવાળું બાળક પ્રકટ થયું ને વધારે વખત વીતે એ પહેલાં તો એમાં પાછું સમાઈ ગયું. પિલ્લેને એ અસાધારણ અનુભૂતિના રહસ્યની કશી સમજ ના પડી તો પણ એ ઊંડા આશ્ચર્ય ને આનંદમાં ગરકાવ બની ગયા. એમણે આંખ ચોળી જોઈને પોતે જાગે છે કે ઊંઘે છે તેની ખાતરી કરી જોઈ પરંતુ એમના આશ્ચર્યનો અંત ના આવ્યો. એ નિદ્રામાં નહિ પણ જાગૃતિમાં જ હતા.

એ જાતનો અસાધારણ શિશુના આવિર્ભાવ ને તિરોધાનનો વિચિત્ર અનુભવ એમને એકવાર નહિ પણ બે થી ત્રણવાર થયો ત્યારે સંસારની અંદર ને બહાર રહીને શાશ્વતકાળથી ક્રીડા કરનારી પરમાત્માની પરમશક્તિએ જ પોતાની ડગમગતી સાધારણ શ્રદ્ધાભક્તિને સ્થિર કરવા તેમ જ પરિપુષ્ટ બનાવવા આ અલૌકિક આકસ્મિક અનુભવ આપ્યો છે એવી એમને ખાતરી થઈ. અને એ શક્તિના અદભુત અનુગ્રહનો વિચાર કરીને એમનું હૈયું હાલી ઊઠ્યું. એ અતિશય લાગણીવશ ને ભાવવિભોર બની ગયા. એમની આંખમાંથી અશ્રુબિંદુ ટપકવા માંડ્યા, એમનો કંઠ રૂંધાઈ ગયો અને વાણી થંભી ગઈ. પોતાના અનુભવની અભિવ્યક્તિ કેવી રીતે કરવી તેની સમજ એમને ના પડી.

એમની આજુબાજુ બેઠેલા લોકોને એમની અવસ્થા જોઈને આશ્ચર્ય થયું. એમનામાંના કોઈને એમના જેવો અનુભવ નહોતો થયો એટલે એમને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું. એમણે પાછળથી સૌને એમનો અનુભવ કહી બતાવ્યો ત્યારે કેટલાક એને ના સમજી શકવાથી એમની મશ્કરી કરવા લાગ્યા. પરંતુ એથી શું ? એમનો અનુભવ સંપૂર્ણ વાસ્તવિક હોવાથી એને યાદ કરીને એ આનંદાનુભવ કરવા માંડ્યા.

એ અદભુત અનુભૂતિના પરિણામે પિલ્લેનું પરિવર્તન થયું. એમની દૃષ્ટિ ને વૃત્તિ બદલાઈ ગઈ. એમનું સાંસારિક જીવનનું રહ્યુંસહ્યું આકર્ષણ ઓગળી ગયું. એમની મોહિની મટી ગઈ. એમની સમસ્યાઓ શાંત થઈ. એમણે ફરીવાર લગ્ન ના કરવાનો ને સમસ્ત જીવનને સ્વાધ્યાય તથા તપમાં લગાડી દેવાનો સંકલ્પ કર્યો. એવું જીવન જ એમને ધન્ય કે કૃતાર્થ લાગ્યું. મહર્ષિને માટેનો એમનો પ્રેમ ને પૂજ્યભાવ પણ અનેકગણો વધી ગયો. એમને પ્રતીતિ થઈ કે મહર્ષિની શક્તિ અસીમ છે. એમને સાચા સદગુરૂ સાંપડ્યા છે એ જોઈને એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

એમણે એ મહાપુરૂષની ભાવવિભોર હૃદયે, કૃતજ્ઞતાપૂર્વક વિદાય લીધી ત્યારે એ કૃતજ્ઞતા એમની આંખમાંથી ટપકી પડી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.