if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બીજુ ઉદાહરણ રાઘવાચારિયરનું છે. એ ઈ.સ. ૧૯૧૦ થી તિરુવણ્ણામલૈમાં ઓવરસીયર હતા.

એ અનુકૂળતા મળતાં  અરૂણાચલ પર જતા ને મહર્ષિનું દર્શન કરીને પ્રેરણા મેળવતા.

એમને માટે એક નવી જ સમસ્યા ઊભી થઈ.

એમની ઈચ્છા મહર્ષિ સાથે એકાંતમા એકલા જ વાતચીત કરવાની હતી, પરંતુ વિરૂપાક્ષી ગુફામાં મહર્ષિની આજુબાજુ દર્શનાર્થીઓ તથા જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં એકઠા થતા હોવાથી એમને મનપસંદ એકાંત ના મળતું. એથી એમને અસંતોષ રહેતો.

એક દિવસ એમણે વિચાર્યું કે હું આટલા બધા પ્રેમ તથા વિશ્વાસથી પ્રેરાઈને મહર્ષિ પાસે જઉં છું તો પણ મારે દરેક વખતે નિરાશ થવું પડે છે. મહર્ષિ જો ખરેખર કૃપાળુ ને શક્તિશાળી હોય તો તેમણે મારી ઈચ્છા પૂરી કરીને મને શાંતિ આપવી જ જોઈએ.

એમણે પોતાના મનમાં ત્રણ પ્રશ્નો નક્કી કર્યા, ને પ્રાર્થનાના રૂપમાં નમ્રભાવે એમની આગળ એમની રજૂઆત કરવાનો નિરધાર કર્યો.

૧) કોઈની હાજરી ના હોય એવે વખતે એકદમ એકાંતમાં મને તમારી સાથે વ્યક્તિગત વાતચીત કરવાનો અવસર મળી શકશે?

૨) હું જેનો સદસ્ય છું તે થિયોસોફીકલ સોસાયટી વિશેનો તમારો અંગત અભિપ્રાય જણાવી શક્શો ?

૩) જો મને અધિકારી સમજતા હો તો તમારું સાચું સ્વરૂપ બતાવી શક્શો ?

એ પ્રશ્નો સાથે રાઘવાચારિયર અરૂણાચલ પર પહોંચ્યા. મહર્ષિ રોજની જેમ વિરૂપાક્ષી ગુફામાં શાંતિના સાકાર સ્વરૂપ બનીને બેઠેલા. એમનું દર્શન એમને માટે આનંદકારક થઈ પડ્યું ને વિચારપ્રેરક પણ. વિચારપ્રેરક એટલા માટે કે મહર્ષિ એમની ઈચ્છાનુસાર એકલા ન હતા. એમની આગળ પચીસથી ત્રીસ જેટલા દર્શનાર્થીઓનું ટોળું બેઠેલું. એ જોઈને એમને સહેજ નિરાશા થાય એ સ્વાભાવિક હતું.

પરંતુ એ મહર્ષિ પાસે જઈને બેઠા કે તરત જ દર્શનાર્થીઓ વારાફરતી ઊઠવા માંડ્યા ને થોડીક વારમાં તો મહર્ષિ એકલા પડ્યા.

રાઘવાચારિયરના પ્રથમ પ્રશ્નનો ઉત્તર એવી રીતે વગર પૂછ્યે આપોઆપ મળી ગયો એ જોઈને એમને ખૂબ જ આશ્ચર્ય થયું. એમનું અંતર આનંદથી ઊભરાઈ રહ્યું.

બીજા પ્રશ્નનો ઉત્તર પણ એવી જ અદભુત રીતે પ્રાપ્ત થયો. રાઘવાચારિયર પાસે એ વખતે એક પુસ્તક હતું. એને લક્ષ્ય કરીને મહર્ષિએ એમની મેળે જ પૂછ્યું કે ‘તમારા હાથમાં જે પુસ્તક છે તે ગીતાનું છે ?’

રાઘવાચારિયરે હા કહી એટલે એમણે તરત જ પુનઃ પૂછ્યું કે ‘તમે થિયોસોફીકલ સોસાયટીના સદસ્ય છો ખરા ?’

એ પ્રશ્નના ઉત્તરની રાહ જોયા વગર જ એમણે એ સોસાયટી વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે એ સારું કાર્ય કરી રહી છે.’

રાઘવાચારિયરે એમના અભિપ્રાયથી આનંદ પામીને પોતે થિયોસોફીકલ સોસાયટીના સદસ્ય હોવાની હકીકતનો સ્વીકાર કર્યો.

એમને ખાતરી થઈ કે એ મહાપુરૂષમાં મનની વાતને જાણી લેવાની શક્તિ છે.

હવે એમનો ત્રીજો ને છેલ્લો પ્રશ્ન શેષ રહ્યો. એના ઉત્તર માટે એમણે અડધા કલાક જેટલા વખત લગી પ્રતીક્ષા કરીને કહ્યું :

 ‘કુરૂક્ષેત્રના યુદ્ધમેદાનમાં જેવી રીતે અર્જુને ભગવાન કૃષ્ણને વિશ્વરૂપદર્શન માટે પ્રાર્થના કરેલી ને ભગવાને એને અનુગ્રહનો અધિકારી જાણીને એ રૂપ બતાવેલું તેવી રીતે હું પણ તમારા મૂળભૂત સત્ય સ્વરૂપનાં દર્શનની કામનાથી પ્રેરાઈને પ્રાર્થી રહ્યો છું. મારા મનમાં દર્શનની ઉત્કટ ઈચ્છા છે. મને જો થોડોક પણ અધિકારી માનતા હો તો તમારો અનુગ્રહ વરસાવીને એનું દર્શન કરાવો.’

એ વખતે મહર્ષિ ઓટલા પર બેઠેલા.

એ પ્રાર્થના સાંભળીને કશું બોલવાને બદલે શાંત રહ્યા.

એમની બાજુની દીવાલ પર દક્ષિણામૂર્તિનું ચિત્ર દોરેલું.

રાઘવાચારિયરે આશ્ચર્ય સાથે જોયું તો દક્ષિણામૂર્તિનું એ પ્રેરક સુંદર ચિત્ર ને રમણ મહર્ષિનું શરીર બંને દેખાતાં બંધ પડ્યાં કે આપોઆપ અદૃશ્ય થયાં. એમની આંખ આગળ દીવાલ, ઓટલો ને મહર્ષિની આકૃતિ વિનાની ખાલી જગ્યા જ શેષ રહી. એમની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો એ પણ એવા અસાધારણ દર્શનથી સ્તબ્ધ થયા વિના રહેત નહિ.

એમણે આંખ ચોળી તો પણ એ દર્શનમાં કશો ફેર ના પડ્યો. દોષ એમની આંખનો ન હતો પણ સામે કોઈ આકૃતિ જ નહોતી એટલે એ શું ને કેવી રીતે જોઈ શકે ?

થોડીક વાર પછી એક શ્વેત વાદળ દેખાયું. એ વાદળ ક્રમે ક્રમે ને મંદ ગતિએ વધતું વધતું મહર્ષિ તથા દક્ષિણામૂર્તિના આકારનું બની ગયું. પહેલાં માત્ર શ્વેત પ્રકાશરેખા જ હતી. એ જેમ જેમ પ્રકટ થતી ગઈ તેમ તેમ એમાં આંખ, કાન, નાક જેવાં જુદાં જુદાં અંગોપાંગો પણ પ્રકટવા લાગ્યાં. એમની આસપાસ વીજળી જેવી પરમ તેજસ્વી પ્રકાશરેખાઓ પ્રસરી રહી. એ પ્રકાશરેખાઓ વિશાળ ને બળવાન બનતી ગઈ. એમને લીધે મહર્ષિ ને દક્ષિણામૂર્તિ બંનેની આકૃતિઓના તેજને જોવાનું ને સહન કરવાનું કઠિન થયું.

રાઘવાચારિયરને માટે એ અનુભવ એકદમ નવો  હતો. એમને એની કલ્પના પણ ન હતી. એમને સમજ પણ ના પડી કે આ બધું શું થઈ રહ્યું છે.

એમણે આંખ બંધ કરી દીધી. કેટલીક ક્ષણો એ જ અવસ્થામાં પસાર કરી.

પરંતુ એવી રીતે ક્યાં લગી બેસી શકાય ? થોડા વખત પછી આંખ ખોલીને જોયું તો એમના આશ્ચર્યનો અંત ના રહ્યો. મહર્ષિ ને દક્ષિણામૂર્તિ બંનેની આકૃતિ પહેલાંની પેઠે સૌમ્યરૂપે દેખાવા લાગી.

મહર્ષિનાં ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને એ પર્વત પરથી નીચે ઊતરી પડ્યા.

એક મહિના પછી એ ઉપર ગયા તો એ મહાપુરૂષ સ્કંદાશ્રમની આગળ ઊભેલા દેખાયા.

રાઘવાચારિયરે એમને પોતાને થયેલા એ અસાધારણ અનુભવની વાત કરી ને એનું સ્પષ્ટીકરણ માગ્યું તો થોડીક ક્ષણો સુધી શાંત રહીને એ બોલ્યા : ‘તમને મારું સ્વરૂપદર્શન કરવાની ઈચ્છા હતી. તમે મારું તિરોધાન જોયું. એનો અર્થ એ થયો કે હું રૂપરહિત છું. તમને થયેલો અનુભવ સાચો છે––અલબત્ત, એ આકૃતિરહિત અનુભવ. બીજા આકૃતિવિષયક સાકાર અનુભવ ભગવદ્ ગીતાના અભ્યાસના પરિણામે રચાયલી ભાવનાઓને અનુલક્ષીને થયા હશે. ગણપતિ શાસ્ત્રીને પણ એવો જ અનુભવ થયેલો. તમે તેમની સાથે વિચારોની આપલે કરી શકો છો. મુખ્ય વાત તો એ છે કે આવા અનુભવને ગૌણ ગણીને, તેમાંથી જરૂરી પ્રેરણા લઈને આગળ વધો ને હું ની શોધ દ્વારા તમારા વાસ્તવિક સ્વરૂપને ઓળખી લો.’

મહર્ષિની એ સૂચના રાઘવાચારિયરને માટે ખૂબ જ ઉપયોગી થઈ પડી. એના અમલ દ્વારા એ જીવનને ઉજ્જવળ કરવા તૈયાર થયા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.