કહે છે કે હીરાની પરીક્ષા ઝવેરી જ સારી પેઠે કરી શકે છે. સાચું પણ છે. આત્મવિકાસના માર્ગમાં આગળ વધેલા અથવા આત્મદર્શી સંતપુરૂષોને ઓળખવાનું કામ કાંઈ સહેલું નથી. એમ કહો કે સામાન્ય જ નહિ પરંતુ અસામાન્ય મનુષ્યોની પણ શક્તિ બહારનું છે. એમના રહસ્યને તો ઓછા કે વત્તા પ્રમાણમાં સાચા સ્વરૂપમાં તે જ જાણી કે સમજી શકે જે પોતે એ પંથના પ્રામાણિક પ્રવાસી હોય, સંત બન્યા હોય, બની રહ્યા હોય, કે ઈશ્વરની કૃપાથી અથવા સંતના અનુગ્રહથી જેમને નિર્મળ દૈવી દૃષ્ટિની પ્રાપ્તિ થઈ હોય. શેષાદ્રિ સ્વામી સ્વયં સંત હોવાથી રમણ મહર્ષિને ઓળખી ચૂકેલા એટલું જ નહિ પણ એમના પર પ્રેમ રાખતા. એ પોતે ઘણી ઊઁચી અવસ્થાએ પહોંચેલા અને એમના અસંખ્ય અનુયાયીઓ, પ્રશંસકો ને ભક્તો હતા તો પણ મહર્ષિને માન આપતા.
મહર્ષિ અને શેષાદ્રિ બંને સાચા સંતો હતા અને અધ્યાત્મના એક જ પથના પથિકો ગણાતા. એ બંનેની સરખામણી કરવાની હોય જ નહિ; પરંતુ એટલું અવશ્ય જણાવવું જોઈએ કે એમની રસવૃત્તિ એકસરખી હોવાથી એમનો પ્રેમભાવ પારસ્પરિક હતો. એ બંને તિરુવણ્ણામલૈના મહાન સંતો ગણાતા. બંનેનું સ્થાન અરૂણાચલના પવિત્ર પુણ્યપ્રદેશમાં અનેરું હતું. બંનેને લોકો અસાધારણ આદરભાવે જોયા કરતા. કેટલાક લોકો એમને સંતમંડળના સૂર્ય ને ચંદ્રની ઉપમા આપતા તો બીજા કેટલાક કહેતા કે તિરુવણ્ણામલૈની એ બંને મહાત્માપુરૂષો બે અમૂલખ અલૌકિક આંખ છે અને એમને લીધે તિરુવણ્ણામલૈ ખરેખર પવિત્ર, પ્રકાશમય ને મહિમાપ્રદ બન્યું છે : એમણે તિરુવણ્ણામલૈને તીર્થ બનાવ્યું છે અથવા અનેરૂં સ્થાન ધર્યું છે.
શેષાદ્રિ સ્વામી કેટલા બધા લોકપ્રિય હતા અને લોકહૃદયમાં કેવું અસાધારણ સ્થાન કરી ચૂકેલા તેનો ખ્યાલ એમનું શરીર શાંત થયું ત્યારે સહેલાઈથી ને સ્પષ્ટ રીતે આવી શક્યો. એમનુ શરીર ઈ.સ. ૧૯૨૯ના જાન્યુઆરીની ચૌદમીએ છૂટેલું. એ પ્રસંગ પર એમને પોતાની આદરયુક્ત અનુરાગપૂર્ણ અંજલિ આપવા માટે એકઠા થયેલા વિશાળ અગણિત લોકસમૂહ પરથી એવું લાગતું કે આખું તિરુવણ્ણામલૈ નગર અને એની આજુબાજુના વિસ્તારો એ મહાપુરૂષના મહાસમાધિના સમાચાર સાંભળીને સંયમની સઘળી સીમાઓને છોડીને શોકસાગરમાં સ્નાન કરી રહ્યા છે. મહર્ષિ અને શેષાદ્રિ વચ્ચે કેટલીક સમાનતા અને કેટલીક અસમાનતા હોવા છતાં લોકો એમને લગભગ એક જ સરખા આદરભાવથી જોતા ને ચાહતા અને એ બંને મહાપુરૂષોના પારસ્પરિક પ્રેમભાવમાં પણ કશો જ ફેર ના પડતો.
શેષાદ્રિનો જન્મ ઈ.સ. ૧૮૭૦માં મદ્રાસના ઉત્તર આરકોટ જિલ્લામાં વંદવસિ તાલુકાના વજૂર ગામમાં થયેલો. બાળપણમાં મોટે ભાગે એમના કાકાએ એમને મોટા કરેલા. એ પોતે શાસ્ત્રોના પંડિત હોવાથી જ રામાયણ મહાભારતાદિ પુરાણોના, બીજાં ધર્મ શાસ્ત્રોના ને સંગીતના સંસ્કારો પડેલા. એમની સ્મરણશક્તિ બાલ્યાવસ્થાથી જ સારી હોવાથી, ચૌદ વરસની ઉંમરમાં એમણે કેટલાક સાહિત્યગ્રંથોનો અભ્યાસ કરેલો ને સંસ્કૃત પર કાબૂ મેળવેલો. એટલી નાની ઉંમરે એ સંસ્કૃતમાં સહેલાઈથી બોલી શકતા.
એમના પિતાની સાથે એ કાંજીવરમમાં રહેતા ત્યારે એમને ત્યાંની કામાક્ષી દેવી પર ભક્તિભાવ થયેલો. એ વખતે એ એના મંદિરમાં મૂકપંચશતી નામે પાંચસો શ્લોકોની સ્તુતિ ગાતાં પરિકમ્મા કરતા રહેતા. એ ઉપરાંત સત્તરેક વરસની ઉંમરે એમણે દેવીમંત્રની દીક્ષા લીધેલી. એ દીક્ષાપ્રસંગ પછી સરિતાની સમીપે આવેલા સ્મશાનમાં અને એમના કુળદેવતા પેરિયાંડવરના મંદિરમાં બેસીને ખૂબ જ લગનપૂર્વક રાત્રીના શાંત સમયે જપ કરવાની ટેવ પાડેલી. કહે છે કે એ મંત્રજપ અને ભક્તિભાવના પરિણામે એમને દેવીનું દર્શન થયું અને એમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. ઉપાસના એમને માટે કેવળ કલ્પના કરવાની વસ્તુ ના રહી પરંતુ સ્વાનુભવની સિદ્ધહસ્ત સામગ્રી થઈ ગઈ. એમને દુન્યવી વિષયોમાં કોઈ પ્રકારની મમતા કે રસવૃત્તિ ના રહી. એમના અંતરનું ગૃહસ્થાશ્રમનું રહ્યુંસહ્યું આકર્ષણ પણ ઓગળી હયું. એ તીર્થસ્થાનોની યાત્રાએ નીકળી પડ્યા ને ત્યાં રહીને વિવિધ પ્રકારની સાધના કરવા લાગ્યા. કેટલીકવાર તો એ આખી રાત ધ્યાનમાં બેસી રહેતા. એમના સંબંધીઓ એમના આત્મવિકાસની અસાધારણ અવસ્થાને ના સમજી શકે એ તદ્દન સ્વાભાવિક હતું. એટલે એમનો ત્યાગ કરીને કોઈક સાનુકૂળ સ્થળની શોધમાં એ વિચરણ કરવા લાગ્યા. એવી રીતે વિચરતાં વિચરતાં આખરે એ તિરુવણ્ણામલૈ આવી પહોંચ્યા. એ સ્થળ એમને ખૂબ જ ગમી જવાથી શેષ જીવન ત્યાં ગાળવાનો સંકલ્પ કરીને ત્યાં જ રહેવા લાગ્યા.
પાછળથી એમના સંબંધીઓને એમની માહિતિ મળતાં એ એમને મનાવવા ને બને તો ઘેર લઈ જવા માટે તિરુવણ્ણામલૈમાં એમની પાસે પહોંચી ગયા. એમણે દુન્યવી દૃષ્ટિથી પ્રેરાઈને એમને સમજાવવાના સઘળા પ્રયત્નો કરી જોયા પરંતુ તે વ્યર્થ ગયા. શેષાદ્રિ પૂર્ણ વૈરાગ્યવાન ને સુદૃઢ સંકલ્પશક્તિથી સંપન્ન હોવાથી એમને ખાલી હાથે કે નિરાશ વદને પાછા ફરવું પડ્યું.
ઈ.સ. ૧૮૯૦ થી માંડીને ઓગણચાલીસ વરસ જેટલા સુદીર્ઘ સમય સુધી એમણે તિરુવણ્ણામલૈમાં જ વાસ કર્યો. એને છોડીને એ બીજે ક્યાંય ના ગયા. બીજે ક્યાંય જવાની એમને ઈચ્છા જ ના થઈ. તિરુવણ્ણામલૈના દસેક વરસના નિવાસ, મંત્રજપ તેમજ તપ પછી એમને સાધનાની સિદ્ધિ સાંપડી, એમની આરાધના પરિપક્વતા પર પહોંચી, અને બીજાના વિચારોને જાણી લેવાની, દૂરની ધટનાઓથી માહિતગાર થવાની અને વચનસિદ્ધિની વિશેષ શક્તિથી એ સુશોભિત બન્યા. સંક્ષેપમાં કહીએ તો એ સાધક મટીને સિદ્ધ બન્યા, આરુરુક્ષ મટીને યોગારૂઢ થયા. એમનું જીવન સફળ બન્યું ને કૃતાર્થતાની પરાકાષ્ઠા પર પહોંચી ગયું.
* * * * * * * * * * * *
મહર્ષિ અને શેષાદ્રિ બંને પારસ્પરિક પ્રેમથી સંપન્ન હતા. એમનો પ્રેમ તદ્દન નિઃસ્વાર્થ અને સમજપૂર્વકનો અથવા સાચો હોવાથી શરૂઆતથી તે છેવટ સુધી એક સરખો ટકી રહ્યો. બંને બ્રાહ્મણ કુળમાં જન્મેલા ને બાળ બ્રહ્મચારી હતા, બંનેએ વૈરાગ્ય તેમ જ જ્ઞાન ને સાધના પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને સત્તર કે અઢાર વરસની નાની ઉંમરે ઘરનો ત્યાગ કરેલો ને તિરુવણ્ણામલૈને સાધનાસ્થળ તરીકે પસંદ કરેલું. એમણે એમના પિતાનું સુખ નાની ઉંમરે જ ખોયેલું. બંને અતિશય મેઘાવી અને ઉચ્ચ પ્રકારની સ્મરણશક્તિથી સંપન્ન હતાં એમનાં જન્મસ્થાનો તિરુવણ્ણામલૈથી દૂર હોવા છતાં એના મુખ્ય દેવતા અરૂણાચલેશ્વરનું આકર્ષણ એમના અંતરમાં સરખું હતું. અરૂણાચલેશ્વર પ્રત્યે એમને એકસરખો અસાધારણ અનુરાગ હતો. બંને ગૃહત્યાગ પહેલાં રૂઢિચુસ્ત રીતે રહેતા હોવા છતાં ગૃહત્યાગ પછી જાતિવિષયક હઠાગ્રહોને તિલાંજલિ આપીને ઉદારતાપૂર્વક વર્તન કરતા. અરૂણાચલને બંને એકસરખા ભક્તિભાવ, નિશ્ચયબળ ને વિશ્વાસથી વળગી રહ્યા.
શેષાદ્રિ મહર્ષિની પહેલાં આવેલા. એ પ્રખર પંડિત અને અભ્યાસી હતા. એમનો સંસ્કૃત ભાષા, કવિતા અને વેદાદિ ધર્મગ્રંથો પરનો કાબૂ પ્રશંસનીય હતો. એ જ્યોતિષ તથા સંગીતમાં નિષ્ણાત હોવાની સાથેસાથે સરસ રીતે ગાઈ શકતા પણ ખરા. એમનો કંઠ કર્ણમધુર લાગતો. એ દૃષ્ટિએ એ મહર્ષિથી જરા જુદા પડી જતા. શેષાદ્રિને કેટલીકવાર લોકો પાગલ કે ભ્રાંત જેવા માનતા. ખરેખર એ એવા ના હોવા છતાં લોકોના વધારે પડતા સંપર્કને ટાળવાના આશયથી એવો અભિનવ કરતા. એમાં એમને એક પ્રકારનો અનેરો આનંદ આવતો. મહર્ષિને પણ એકાંતવાસ વધારે પસંદ પડતો. એટલા માટે તો એમણે લોકસમૂહથી દૂર જુદાંજુદાં સ્થળોમાં રહીને સાધના કરેલી. પરંતુ એમનો માર્ગ અનોખો હતો. લોકોના વધારે પડતા અનાવશ્યક સંપર્કને ટાળવા માટે પાગલ કે ભ્રાંત હોવાનો અભિનય કરવાને બદલે એમણે કેવળ મૌનનો જ આધાર લીધેલો અને એ આધાર એમને માટે અત્યંત અસરકારક થઈ પડેલો. તિરુવણ્ણામલૈમાં કે તિરુવણ્ણામલૈની બહાર કોઈ એમને ભ્રાંત કે પાગલ નહોતું માનતું.
શેષાદ્રિ આત્મસાધનાના ક્ષેત્રમાં આરંભથી જ આગળ વધ્યા હોવાથી દૈવી દૃષ્ટિથી સંપન્ન હતા. એ દૃષ્ટિથી એ અન્યના અંતઃસ્તલમાં પ્રવેશીને એના રહસ્યને પારખી શકતા. એમની એ સવિશેષ શક્તિને લીધે મહર્ષિની સુયોગ્યતાને એમણે પ્રથમ નજરે પ્રથમ મેળાપે જ સમજી લીધી. એમની પ્રકૃતિજન્ય પવિત્રતા, અંતર્મુખતા, વૈરાગ્યવૃત્તિ, સમાધિ માટેની પ્રીતિ અને આત્મનિષ્ઠા એમનાથી અજાણ ના રહી. એ બધી ઉચ્ચ પ્રકારની યોગ્યતા એમને માટે પ્રેમ પ્રકટાવવા માટે પૂરતી હતી. એમના અંતરમાં પણ પ્રથમ દર્શને જ પ્રેમ પ્રકટ્યો. અને પછી તો એમનો એ પારસ્પારિક પ્રેમ ઉત્તરોઉત્તર વધતો જ ગયો. શેષાદ્રિ મહર્ષિને એમની સાધનાદશા દરમિયાન કોઈ જાતનો વિક્ષેપ ના પડે તે માટે જાગ્રત રહીને તોફાની છોકરાઓના ને બીજા ઉપદ્રવોથી એમની રક્ષા કરતા રહ્યા તે એ પ્રામાણિક પ્રબળ પ્રેમભાવથી પ્રેરાઈને જ. મહર્ષિ પવલકુન્નુમાં રહેતા ત્યારે એમની પાસે એ અવારનવાર એમની ઈચ્છા થતાં પહોંચી જતા ને સાથે બેસીને ભિક્ષા કરતા.
મહર્ષિ પ્રત્યેના પરમપવિત્ર પ્રખર પ્રેમથી પ્રેરાઈને એ અનેકને એમની પાસે જઈને એમનું માર્ગદર્શન મેળવવાની સલાહ આપતા. એકવાર એમના દર્શને આવેલા વેંકટરામય્યર નામના સદગૃહસ્થના મનમાં મહર્ષિના દર્શનની આકાંક્ષા જાગી ઊઠી. એમને એમની વિશેષ શક્તિની મદદથી એની ખબર પડી કે તરત જ એ બોલી ઊઠ્યા : ‘જાવ. મહર્ષિનું દર્શન કરો. એથી તમારું ચિત્ત પવિત્ર બનશે.’
મહર્ષિના એક શિષ્ય શ્રી સોમસંદરમ્ સ્વામીએ એકવાર કોઈ કારણથી આશ્રમનો ત્યાગ કર્યો. એ પછી ક્યાં જવું, ક્યાં રહેવું, ને કોને ગુરૂ તરીકે સ્વીકારીને માર્ગદર્શન મેળવવું તેનો નિર્ણય એમનાથી ના થઈ શકવાથી એમણે એ વિશે શેષાદ્રિ સ્વામીની સલાહ લેવાનો સંકલ્પ કર્યો. એમને ખબર હતી કે શેષાદ્રિ સ્વામી રાતે કંબત્તિલૈયનારના મંદિરમાં આવ્યા કરે છે. એથી એ મંદિરમાં એમની પ્રતિક્ષા કરતા બેસી રહ્યા. થોડાક વખત પછી શેષાદ્રિ મંદિરમાં આવ્યા. હજુ તો સોમસુંદરમે કશું કહ્યું ન હતું તે પહેલાં જ એમના મનની મૂંઝવણને જાણી લઈને એ બોલી ઊઠ્યા : ‘ તમે મહર્ષિની પાસે જાવ તે જ બરાબર છે.’
સોમસુંદરમ્ ને એમની સલાહ સુરુચિકર ના લાગી એ એમની મુખાકૃતિ પરથી જણાઈ આવ્યું. એ જોઈને શેષાદ્રિ જોરથી બોલી ઊઠ્યા : ‘ જાવ, રમણ મહર્ષિ પાસે જાવ. અહીં ના બેસી રહો. જાવ.’
સોમસુંદરમ્ એમની આજ્ઞાને ના અવગણી શક્યા. એ ત્યાંથી મધ્યરાત્રીનો સમય હોવા છતાં સીધા રમણ મહર્ષિના આશ્રમ તરફ ચાલી નીકળ્યા.
એ જોઈને શેષાદ્રિને શાંતિ થઈ. એ ગુરૂ પ્રત્યેની પવિત્ર એકનિષ્ઠ ભક્તિમાં માનતા હોવાથી ગુરૂને ધારણ કર્યા પછી વળગી રહેવાની ને ખોટી ચંચલતાને વશ થઈને વારંવાર ના બદલવાની સલાહ આપતા. મહર્ષિના સઘળા ભક્તો તથા શિષ્યોને જોઈને એ ખૂબ જ ખુશ થતા અને એમને મહર્ષિની વધારે ને સેવામાં પ્રેરિત કરતા. એવી ઉદારતા, વિશાળતા ને નિષ્કપટતા કોઈ વિરલ સંતપુરૂષમાં જ જોવા મળી શકે.
મહર્ષિને માટે એ મહાપુરૂષના અંતરમાં કેટલો બધો અસાધારણ આદરભાવ હતો તે એક બીજા પ્રસંગ પરથી પણ સ્પષ્ટ થાય છે. એકવાર એમના દર્શનની ઈચ્છાથી એમની પાસે શ્રી ટી.વી. સુબ્રહ્મણ્યય્યર આવ્યા. એ મહર્ષિ પર ગુરૂભાવ રાખતા. શેષાદ્રિએ એમની સાથેના વાર્તાલાપ દરમિયાન એકાએક પૂછ્યું :
‘તમને ખબર છે કે અહીં બધાં મળીને ત્રણ લિંગ છે ?’
અય્યરને માટે એ પ્રશ્ન નવો અને અટપટો હતો. એની પાછળના રહસ્યને એ સહેલાઈથી ના સમજી શક્યા તો પણ બોલ્યા : ’
ત્રણ લિંગની તો મને માહિતી જ નથી. હું તો અરૂણાચલ પર્વતરૂપી લિંગને જાણું છું. બીજા કોઈ લિંગની મને ખબર નથી.’
‘નહિ. નહિ. તમને ત્રણે જ્યોતિર્લિંગની ખબર છે.’
‘ના. મને ખરેખર ખબર નથી. કૃપા કરીને તમે જ કહી બતાવો કે બીજાં બે જ્યોતિર્લિંગ ક્યાં છે !’
શેષાદ્રિએ એ સાંભળીને શાંતિપૂર્વક સ્મિત સાથે કહ્યું :
‘એક જ્યોતિર્લિંગ તો રમણ સ્વામીનું છે.’
અય્યરે આનંદની અભિવ્યક્તિ કરતાં જણાવ્યું:
‘હા. સ્વામીજી ! હવે મને બીજા જ્યોતિર્લિંગની ખબર પડી શકી. પરંતુ ત્રીજું લિંગ કયું કહેવાય છે તે ના સમજાયું.’
શેષાદ્રિ સ્વામીએ અય્યરની અજ્ઞતાને જોઈને અલિપ્તભાવે જણાવ્યું :
‘ત્રીજા જ્યોતિર્લિંગનો પરિચય મારે મારી પોતાની જ મેળે આપવો પડશે ? એ જ્યોતિર્લિંગ શેષાદ્રિનું છે.’
‘એનો અર્થ એવો થયો કે એ જ્યોતિર્લિંગ રૂપમાં તમે પોતે જ છો, ખરું ?’
‘બરાબર છે.’
અય્યરની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

