તિરુચ્ચુલિથી રમણ મહર્ષિના દર્શનની અભિલાષાથી પ્રેરાઈને લક્ષ્મી અમ્માલ તિરુવણ્ણામલૈ આવી પહોંચી ને એચમ્માલને ત્યાં રહેવા માંડી. એને ત્યાં એક અઠવાડિયા સુધી રહ્યા છતાં પણ શેષાદ્રિના દર્શનનો લાભ ના મળ્યો. અઠવાડિયાને અંતે એણે નિરાશ થઈને એચમ્માલને જણાવ્યું કે મારું ભાગ્ય અથવા સત્કર્મોનું પીઠબળ એટલું કાચું હશે એટલે શેષાદ્રિ સ્વામીના દર્શનનો લાભ ના મળ્યો. સત્પુરૂષોનો સમાગમ સત્કર્મોના સાનુકૂળ પરિપાક વિના નથી થતો.
બીજે જ દિવસે એની ભાવના શેષાદ્રિ પાસે પહોંચી ગઈ હોય એમ, એ અરૂણાચલ પર્વત પર ચઢી રહેલી તે જ વખતે એને શેષાદ્રિનું દર્શન થયું. એમને સામેથી આવતા જોઈને એમનું અંતર આનંદથી ઊભરાવા લાગ્યું. એણે એમને પ્રેમપૂર્વક પ્રણામ કરીને મનોમન વિચાર્યું કે આ મહાત્મા પુરૂષની સેવાનું સૌભાગ્ય મને કદી પણ નથી સાંપડ્યું. એનું મને દુઃખ છે.
અંતર્યામી શેષાદ્રિએ એના મનોભાવને તરત જ જાણી લીધા પરમ પ્રેમ ને કરુણાથી પ્રેરાઈને કહ્યું :
‘ત્યાં રમણ સ્વામીના રૂપમાં સેવા કરો કે અહીં મારા રૂપમાં, વસ્તુતઃ બધું એક જ છે.’
એ સાંભળીને લક્ષ્મી અમ્માલને શાંતિ થઈ. શેષાદ્રિની અસાધારણ શક્તિ, સમદર્શિતા, નમ્રતા ને મહર્ષિ માટેની પ્રેમભાવના જોઈને એમને માટેનો એનો આદરભાવ વધી ગયો. આદરભાવ આખર સુધી અખંડ જ રહ્યો.
એચમ્માલ મહર્ષિને અને એમના ભક્તમંડળને ભોજન કરાવતી. એને શેષાદ્રિ પ્રત્યે પણ એવો જ પૂજ્યભાવ હોવાથી એ જ્યારે જ્યારે એની મુલાકાત લેતા ત્યારે એમને પણ જમાડતી. સાંજના સમયે જ્યારે જ્યારે એ મહર્ષિની પાસેથી પાછી ફરીને એમને માર્ગમાં મળતી ત્યારે એણે મહર્ષિને ભોજન કરાવ્યું કે નહિ એની એ અવશ્ય તપાસ કરતા અને એને એના ઘર સુધી પહોંચાડતા. આમ તો સામાન્ય રીતે કોઈને ઉપદેશ આપવાનું પસંદ ના કરતા તો પણ એચમ્માલને એમણે એ બાબતમાં અપવાદરૂપ માનેલી.
એકવાર એ પૂજા કરતી'તી ત્યારે એ એના ઘરમાં એકાએક આવી પહોંચ્યા ને બોલ્યા : ‘કોની પૂજાસેવા થઈ રહી છે ?’
‘તમારી ને રમણ સ્વામીની.’ એણે ઉત્તર આપ્યો.
‘ધ્યાનનો અભ્યાસ શા માટે નથી કરતી ?’ એમણે ફરી પૂછ્યું એટલે એણે જણાવ્યું :
‘તમે મને પદ્ધતિ બતાવો તો ધ્યાન કરી શકું. ’
એચમ્માલને ગુરૂ પાસેથી ધ્યાનની દીક્ષાશિક્ષા પ્રાપ્ત થયેલી. એને પરિણામે એ દેહભાન ભૂલીને કોઈ કોઈવાર એકાદ બે દિવસ સુધી ધ્યાનમાં રહી શક્તી. તો પણ એવા સિદ્ધ મહાપુરૂષનું વિશેષ માર્ગદર્શન મેળવવાની ઈચ્છાને એ રોકી ના શકી.
એની ઈચ્છાને સંતોષવા માટે શેષાદ્રિ એના નાનકડા આરાધના ખંડમાં શાંતિપૂર્વક પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી ગયા. થોડા જ સમયમાં એ બાહ્યભાવ ભૂલીને સમાધિમાં ડૂબી ગયા. સમાધિની એ અલૌકિક દશામાં ચારપાંચ કલાક રહ્યા પછી જાગ્રત થઈને બોલ્યા : ‘હવે સમજ પડી, એચમ્માલ ?’
એમણે એને કેટલુંક ધ્યાન તથા સમાધિવિષયક પથપ્રદર્શન પણ પૂરું પાડ્યું એથી એને મૂલ્યવાન મદદ મળી.
* * * * * * * * * * * *
ઈ.સ. ૧૯૦૮માં મહર્ષિ જ્યારે આમ્રગુહામાં વાસ કરતા ત્યારે એમની પાસે શેષાદ્રિ આવી પહોંચ્યા.
મહર્ષિની સામે બેસીને એ એમનું એકીટસે અવલોકન કરવા લાગ્યા.
એ એમના મનોવ્યાપારને જાણવા માગતા’તા.
સામાન્ય રીતે બીજાના મનના સંકલ્પ વિકલ્પ, વિચાર કે ભાવને જાણી લેવામાં એમને કશો પરિશ્રમ ના પડતો. એ કામ એમને માટે શ્વાસ લેવા જેટલું સહેલું હતું અને પળવારમાં જ પૂરું થતું. પરંતુ મહર્ષિના સંબંધમાં વાત જુદી જ નીકળી. એમણે એમની તરફ લાંબા વખત લગી જોયા કરીને કહ્યું :
‘આ વ્યક્તિ શું વિચારી રહી છે તે સ્પષ્ટ નથી કહી શકાતું.’
મહર્ષિ કોણ જાણે કેમ પણ સંપૂર્ણ શાંત રહ્યા.
શેષાદ્રિ પોતાના અંગત અભિપ્રાયની અભીવ્યક્તિ કરતાં બોલ્યા :
‘જો કોઈ ભગવાન અરૂણાચલની આરાધના કરે તે તેને અવશ્ય મુક્તિ મળે છે.’
હવે મહર્ષિને બોલવાનું મન થયું. એમણે પૂછ્યું : ‘આરાધના કરનાર વ્યક્તિ––આરાધક અને આરાધ્ય કોણ છે ?’
શેષાદ્રિ એ સાંભળીને ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા :
‘એ જ બરાબર સ્પષ્ટ રીતે નથી સમજાતું ને !’
એ પછીના એકાદ કલાક દરમિયાન મહર્ષિએ જીવ, જગત ને ઈશ્વર વિષયક અદ્વૈત અનુભૂતિજન્ય વિચારો વ્યક્ત કર્યા. શેષાદ્રિ એ વિચારોની સંપૂર્ણ શાંતિપૂર્વક સાંભળી રહ્યા અને આખરે ઊભા થઈને બોલ્યા :
‘હું તો કશું જ નથી કહી શક્તો. મને તો આ બધું અંધકારમય લાગે છે. હા, ગમે તેમ પણ હું ભક્તિ કરું છું ખરો. મને એ ગમે છે.’
એવું બોલીને એમણે અરૂણાચલ પર્વત તરફ પૂજ્યભાવથી નીરખવા માડ્યું, અને એને પંદરેક વાર પ્રણામ કર્યા. એ પછી નીચે પ્રયાણ કર્યું.
એ વખતના ઉદગારો એમની અંતરંગ અવસ્થાનો નિર્દેશ કરનારા હતા. એ ઉદગારો સૂચવે છે કે એ વખતે એમની શ્રદ્ધા સાકાર ઈશ્વરમાં પણ પરોવાયેલી હતી.
* * * * * * * * * * * *
એક દિવસ એ એક અય્યરના ઘરની પાસે અગ્રહારમાં કોઈ ભેંસને જોઈ રહેલા. એ વખતે નારાયણસ્વામી નામના પુરૂષે એમની પાસે પહોંચીને પૂછ્યું :
‘સ્વામીજી, શું જુઓ છો ?’
‘આને જોઈ રહ્યો છું.’ શેષાદ્રિ બોલ્યા.
‘ભેંસને જોઈ રહ્યા છો ?’
શેષાદ્રિએ એમની તરફ ફરીને પૂછ્યું :
‘તમે જ કહી બતાવો કે આ શું છે ?’
‘ભેંસ છે.’
‘આ ભેંસ છે ? ભેંસ છે ?’ શેષાદ્રિએ રહસ્યોદગાર કાઢ્યા : ‘ભેંસ જેવા જ છો ને ! એને બ્રહ્મ કહો, ભેંસ નહિ.’
અને એ ત્યાંથી ચાલી નીકળ્યા.
એ શબ્દો એમના અનુભવાત્મક આત્મજ્ઞાન અને એમની વિશાળ ઉદાર અનેરી આત્મદૃષ્ટિ વિશે ઘણું ઘણું કહી જાય છે.
* * * * * * * * * * * *
એમની નમ્રતા, સરળતા અને મહર્ષિને માટેના એમની અદભુત આદરભાવનો એક બીજો પ્રસંગ જોઈએ.
ચિદંબરમ્ નામે એક મહર્ષિભક્ત શાસ્ત્રી મહર્ષિ પાસે અવારનવાર આવતા અને એમની સેવા કરતા. એ ગાંજાનો ઉપયોગ કરતા. મહર્ષિએ એમને ના પાડેલી તે છતાં પણ એ અધ્યાત્મમાર્ગમાં ને ખાસ કરીને ધ્યાનમાં મદદ મેળવવાના આશયથી એને વાપરતા. એકવાર એમણે અશુદ્ધ ગાંજાનો પ્રયોગ કર્યો. એથી એમનું ચિત્ત શાંત થવાને બદલે ચગડોળે ચઢ્યું અને અમંગલ વિચારોનો અનુભવ કરવા માંડ્યું. એથી ગભરાઈ તથા દુઃખી થઈને એ શેષાદ્રિ સ્વામી પાસે પહોંચીને પગે પડ્યા.
શેષાદ્રિ તરત જ સઘળી હકીકત સમજી ગયા ને બોલ્યા : ‘મેં ના પાડ્યા છતાં ગાંજાનું સેવન શા માટે કર્યું ?’
શાસ્ત્રીને થયું કે મહર્ષિએ જ એમને ગાંજો વાપરવાની ના પાડેલી, એટલે મહર્ષિ સાથે શેષાદ્રિ પોતાની એકવાક્યતા બતાવી રહ્યા છે.
મહર્ષિને માટેના અસામાન્ય પ્રેમભાવથી પ્રેરાઈને એમણે એ શાસ્ત્રીને એવી રીતે પ્રકારાન્તરે એમની સૂચનાનું સ્મરણ કરાવ્યું.
એમની શ્રદ્ધાપૂર્વક સેવા કરનારને બનતી બધી જ રીતે મદદરૂપ થવા માટે એ તૈયાર રહેતા. એમનો એવો સ્વભાવ હતો.
તિરુવાલુરના સુબ્રહ્મણ્ય મોદલી એમની માતા તથા પત્ની સાથે મહર્ષિ અને એમના ભક્તોની સેવામાં ઈ.સ. ૧૯૦૮ થી જ રસ લેતા. એ સમય સમય પર શેષાદ્રિની સેવા પણ કરતા રહેતા. એમને વધારે સંપત્તિ એકઠી કરવાની લાલસા રહેતી અને એમનો મોટા ભાગનો સમય એને માટેની પ્રવૃત્તિઓમાં તથા કૉર્ટનાં કામોમાં વપરાતો રહેતો. એમને જાગ્રત કરવા ને આત્મોન્નતિને માર્ગે વાળવાની વૃત્તિથી પ્રેરાઈને એકવાર એ આમ્રગુહામાં હતા ત્યારે શેષાદ્રિ ત્યાં જઈને બોલ્યા :
‘જુઓ, મારા નાના ભાઈને મહિને દસ હજારનો પગાર મળે છે ને મને એક હજારનો. તમે સો રૂપિયાના પગાર માટે પ્રયત્ન કેમ નથી કરતાં ?’
મોદલી સમજી ગયા કે પગારની વાત કરીને શેષાદ્રિ આત્મવિકાસની જ વાત કરી રહ્યા છે, અને એ નાના ભાઈ તરીકે બીજા કોઈનો નહિ પણ મહર્ષિનો જ ઉલ્લેખ કરવા માગે છે. એમણે કહ્યું કે હું તો દુન્યવી પ્રવૃત્તિઓમાં પડેલો હોવાથી મને આત્મવિકાસની સાધના માટેનો સમય જ ક્યાં મળે છે ?
શેષાદ્રિએ જણાવ્યું કે આત્મવિકાસનું કામ ઘણું સહેલું છે અને એના વિના પ્રત્યેક પળે તમે બ્રહ્મહત્યા કરી રહ્યા છો.
મોદલીને એનુ રહસ્ય ના સમજાયાથી એ ભયભીત બનીને મહર્ષિ પાસે પહોંચ્યા. એમની અંદર વિશેષ શ્રદ્ધાભક્તિ હોવાથી એમને એ આખોય પ્રસંગ કહી સંભળાવ્યો એટલે એ બોલ્યા :
‘શેષાદ્રિ સ્વામીના શબ્દો બરાબર છે. બ્રહ્મને ના જાણીને તમે બ્રહ્મની હત્યા કરી રહ્યા છો એવું જ કહી શકાય.’
મોદલીના મનનું સમાધાન થઈ ગયું.
શેષાદ્રિને મન મહર્ષિની મહત્તા કેટલી બધી મોટી હતી અથવા એ મહર્ષિને આત્મવિકાસના ક્ષેત્રમાં કેટલા બધા આગળ વધેલા ને પોતાના કરતાં પણ શ્રેષ્ઠ સમજતા હતા તેની પ્રતીતિ આ નાના સરખા છતાં મહત્વના પ્રસંગમાં પ્રતિધ્વનિત થયેલા એમના જ ઉદ્દગારો પરથી થઈ રહે છે. એક અસાધારણ અવસ્થા પર પહોંચેલા સંત લવલેશ અહંભાવના વિના એવી રીતે મન, વચન તથા કર્મથી બીજા આદર્શ શ્રેષ્ઠ સંતનું બહુમાન કરે એ કાંઈ જેવી તેવી વસ્તુ તો નથી જ. એ એમની પોતાની ગુણવત્તા, ઉદારતા, ગુણગ્રાહકતા ને મહાનતા બતાવે છે. બીજા સામાન્ય અથવા અસામાન્ય સંતોને માટે એ વસ્તુ વિચારણીય અને અનુકરણીય છે. આપણે ત્યાં સંતો, મહંતો, સાધકો ને વિદ્વાનોમાં રાગદ્વેષ, ભેદભાવ, નાના મોટાના ખ્યાલ અને સંકુચિત ભાવોની અભિવૃદ્ધિ થતી જાય છે ત્યારે આ હકીકતનું મહત્વ ધાર્યા કરતાં ઘણું વધારે થઈ પડે છે. સંતો, મહંતો, સાધકો ને પરસ્પર ઘુરકિયાં કરતા વિદ્વાનોએ એમાંથી ઘણું ઘણું શીખવાનું છે.
મહર્ષિ પોતે પણ શેષાદ્રિ સ્વામીને પ્રેમ અને આદરભાવથી જ જોતા. શેષાદ્રિની શક્તિ તેમ જ સુયોગ્યતાની એમને ખબર હતી.
શેષાદ્રિના શરીરત્યાગ વખતે એમના પ્રત્યેના પ્રખર ભક્તિભાવથી પ્રેરાઈને હજારો ભક્તો, પ્રશંસકો ને દર્શકો ભેગા થયેલા. એમની ઉત્તરક્રિયા વખતે મહર્ષિ પણ એમની ચિતા પાસે ઊભા રહેલા. એમની એ વખતની ઉપસ્થિતિ એ મહાપ્રતાપી મહાપુરૂષની અંતસમયની શોભામાં અભિવૃદ્ધિ કરનારી થઈ પડી એ તો ખરું જ, પરંતુ એમણે એમની લોકોત્તરતાને એવી રીતે અંતઃકરણપૂર્વકની અંજલિ ધરી.
ભડભડતી જ્વાળા પણ એ જોઈને જાણે બોલી ઊઠી : ધન્ય મહર્ષિ ! ધન્ય શેષાદ્રિ ! સંત શેષાદ્રિ !

