મહર્ષિનું હૃદય એટલું બધું ઉદાર, વિશાળ અથવા મહાન હતું કે એમાં નગણ્ય લાગતા નાના જીવોને માટે પણ સ્થાન હતું. કોઈ એમને માટે નગણ્ય, નાનું કે તુચ્છ ન હતું. એમની દૃષ્ટિમાં એક અથવા બીજી રીતે પ્રત્યેકનું મહત્વ હતું. એ પ્રત્યેક પ્રાણીની લાગણીનો ખ્યાલ કરતા, ને જાણ્યે અજાણ્યે કોઈક ભૂલ થઈ હોય તો તેને તરત પકડી પાડીને તે બદલ દંડ ભોગવતા.
એ બાબત એક પ્રસંગ ખાસ યાદ કરવા જેવો છે.
એકવાર એ અરૂણાચલના પર્વતીય પ્રદેશમાંથી પસાર થઈ રહેલા ત્યારે એમના ડાબા સાથળે એક મધપૂડો અથડાયો. એને લીધે છંછેડાયેલી રોષે ભરાયલી મધમાખીઓ એમની આજુબાજુ ઊડવા લાગી.
એ પોતાની ભૂલ સમજી ગયા. એ ભૂલ જો કે જાણી જોઈને નહોતી કરવામાં આવી તો પણ એ ના થઈ હોત તો સારું થાત એવું એમને લાગ્યા વિના ના રહ્યું.
પરંતુ મધમાખીઓ મદોન્મત્ત અને ક્રોધે ભરાયલી હતી. એમને વિચારવાનો વખત જ ક્યાં હતો ? એમની નજરમાં સંત-અસંત સૌ સરખા હતા. એ મહર્ષિને ઓળખીને અથવા એમના મહિમાનું મૂલ્યાંકન કરીને સહેજ પણ સન્માને તેમ ન હતું.
એ મહર્ષિ પર પોતાની સમસ્ત સેના અને શક્તિ સાથે તૂટી પડી. પોતાની સુખાકારી ને શાંતિનો નાશ કરવામાં નિમિત્ત બનનારા કે પોતાને સતાવનારા સત્પુરૂષની ઉપર દયા કરવાનું એ નહોતી સમજી. એમના સ્વભાવમાં જ નહોતું.
મહર્ષિના એ જ સાથળ પર એમણે જોરથી ડંખ મારવાનું શરૂ કર્યું.
એ જોઈને એ મહાપુરૂષ લેશ પણ ગભરાયા, ડર્યા કે હઠ્યા વગર ત્યાં જ ઊભા રહ્યા ને ડંખનું દર્દ સહન કરતાં શાંતિપૂર્વક બોલ્યા : ‘બરાબર છે. બરાબર છે. આ જ પગે તમારા નિવાસસ્થાનને હરકત પહોંચાડીને તમારી સુખશાંતિમાં ભંગ પાડ્યો છે. એ અપરાધનો બદલો એને ભલે મળતો.’
મધમાખીઓ વેરભાવને પૂરો કરીને ડંખ મારવાનું બંઘ કરીને પાછી વળી ત્યારે જ એ આગળ વધ્યા. એમણે એ પીડાને ઉચિત માનીને મૌન રાખ્યું
એ અવારનવાર કહેતા કે ‘આપણે રહીએ છીએ એ અરણ્ય એમનું છે. જો બરાબર સંભાળીએ અને એમની સાથે સારી રીતે વર્તીએ તો એમનાથી ડરવાનું કારણ જ ક્યાં છે ? એ આપણને નુકસાન નહિ કરે.’
* * * * * * * * * * * *
જે મહાપુરૂષના મનમાં મનુષ્યેતર પ્રાણીઓ પ્રત્યે આટલો બધો સહાનુભૂતિભરેલો ભાવ અને આદર હતો એમના અંતરમાં માનવને માટે તો કેટલો બધો પ્રેમ હશે ? એમની સાથેનો એમનો વ્યવહાર કેટલો બધો વિશુદ્ધ, આદર્શ અને ઉપકારક હશે ? એમને કોઈ જાતની હાનિ પહોંચાડવાની કે એમનું અમંગલ કરવાની કલ્પના પણ એ ના કરી શકે ને ના કરી શકતા. છતાં પણ એમનો અકારણ વિરોધ કરનારા અને એમની પ્રત્યે દ્વેષભાવ રાખીને એમને હાનિ પહોંચાડવાની પ્રવૃત્તિ કરનારા મનુષ્યો પણ હતા. આશ્ચર્ય તો એ હતું કે એવા મનુષ્યો સાધુઓ હતા. પેલી મધમાખીઓએ તો અજ્ઞાત રીતે પણ એમને નુકસાન પહોંચવાથી એમને પોતાના શત્રુ સમજી રોષે ભરાઈને ઉપરાઉપરી પ્રાણઘાતક ડંખ મારેલા. પરંતુ એ સાધુઓએ તો કોઈ પણ પ્રકારના નાના મોટા અપરાધ વિના જ એમને પજવવાની પાશવી પ્રવૃત્તિ કરેલી. એ ઈતિહાસ પણ જાણવા જેવો છે.
મહર્ષિ જ્યારે અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં રહેતા ત્યારે એવી રીતે એ એકલા જ રહેતા એવું નથી સમજવાનું. પર્વત પરની જુદીજુદી ગુફાઓમાં બીજા કેટલાક સાધુસંતો પણ નિવાસ કરતા. વિરૂપાક્ષી ગુફામાં આવીને એ એમને અવારનવાર મળતા પણ ખરા. એમનામાંના કેટલાક એકાંતપ્રેમી અને તપસ્વી હતા તો કેટલાક કેવળ વેશધારી. કેટલાક સત્વગુણી હતા તો કેટલાક ઘોર તમોગુણી. સત્વગુણી એકાંતપ્રેમી તપસ્વીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી હતી ને તમોગુણી વેશધારીઓની સંખ્યા ઘણી વધારે. સાચા સત્વગુણી સાધુઓ સારી પેઠે સમજતા કે મન તથા ઈન્દ્રિયોને સંયમમાં રાખીને મહર્ષિની જેમ આટલી નાની ઉંમરમાં જીવનને સાધનાપરાયણ કરવાનું ને નિર્મળ તથા વીતરાગ બનાવવાનું કામ કાંઈ સહેલું નથી. પૂર્વના પ્રખર અસાધારણ સંસ્કારો વિના એ કામ ના થઈ શકે. એમને મહર્ષિની તપશ્ચર્યાનો ખ્યાલ હતો. એમની આત્મનિષ્ઠાથી અને એના પરિણામરૂપે પ્રાદુભાવ પામેલી ઊંડી શાંતિથી એ સારી પેઠે માહિતગાર હતા. એમના અનુપમ ત્યાગ અને એમની તિતિક્ષાથી એ પરિચિત હતા. એમના સાધનામય જીવનના સાક્ષી બનવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયેલું. એને લીધે એ એમને માટે અસાધારણ આદરભાવ રાખતા, એમના પ્રત્યે પ્રેમ પ્રકટ કરતા અને પ્રસંગોપાત્ત એમની પ્રશંસા કરતા. એ એમની મહાનતાને સંપૂર્ણપણે સમજી તેમજ સ્વીકારી ચૂકેલા.
પરંતુ પર્વત પર બીજા સ્વાર્થી, સંકુચિત, રાગદ્વેષયુક્ત, અજ્ઞાની સાધુઓ પણ વાસ કરતા. એ એમનો વિરાધ કરતા, એમની નિંદા કરતા અને એમની ઉપર દ્વેષભાવ રાખીને એમને બધી જ રીતે હાનિ પહોંચાડવા તૈયાર રહેતા. એનું કારણ શોધવા બહુ દૂર જવું પડે તેમ ન હતું. એમને એકાંતવાસ, સાધના તથા તપઃપૂત જીવન સાથે કશો સંબંધ ના હોવાથી એમનું વિશેષ ધ્યાન પરમાત્મા તરફ નહિ પણ લોકો તરફ રહેતું. એ લોકોને આકર્ષવાના, ભોળવવાના, શિષ્યો અથવા અનુયાયીઓ બનાવવાના ને ધન એકઠું કરવાના ને બીજા ભોગપદાર્થો મેળવવાના જુદાજુદા કેટલાય કીમિયાઓ કરતા રહેતા. એ માટે ભાગે વ્યસનપરાયણ પ્રમાદી તમોગુણી જીવન જીવતા ને વખતને વ્યર્થ જ વિતાવતા. લોકો એમના બાહ્ય વેશથી અને એમના અસાધારણ અયોગ્ય પ્રચારથી ભોળવાઈને એમની પાસે જતા, એમને ભેટ ચઢાવતા અને એમને માન આપતા. એ વખતે તો એ ત્યાં એકલા જ હોવાથી એમનું એકચક્રી શાસન ચલાવતા રહેતા, પરંતુ પાછળથી ત્યાં એમના પડોશી તરીકે મહર્ષિ જેવા પરમપ્રતાપી પુરૂષ જઈ પહોંચ્યા એટલે મોટા ભાગના લોકોનું ધ્યાન એમના તરફથી હઠીને મહર્ષિ પર કેન્દ્રિત થવા લાગ્યું. મહર્ષિના સાચા ને સંપૂર્ણ ત્યાગ, વૈરાગ્ય અને તપનો પ્રભાવ લોકો પર પડ્યા વિના રહ્યો નહિ. એ એમના દર્શન સમાગમનો લાભ લેવા અને એમની સેવા કરવા જવા માંડ્યા એટલે એ વેશધારી અધકચરા સાધુઓને એમની ઈર્ષા થઈ. એ એમની ઉપર રોષે ભરાયા. એમની ઘરાકી સ્વાભાવિક રીતે જ ઘટી ગઈ એટલે એમને થયું કે આ બધાનું કારણ આ બ્રાહ્મણ સ્વામી જ છે. એ અરૂણાચલ પર આવ્યા જ ના હોત અને પહેલાંની પેઠે નીચે તળેટીમાં રહીને જ તપ કરતા હોત તો હરકત ન હતી : આપણી પ્રતિષ્ઠા એવી જ અકબંધ રહેત તથા દિવસે દિવસે વધતી જાત.
એવા સાધુઓમાંના કેટલાકે વિચાર્યું કે આપણા માર્ગમાં બ્રાહ્મણ સ્વામી મોટામા મોટા અંતરાયરૂપ હોવાથી એમને પજવી કે હેરાન કરીને પર્વત પરથી નીચે ઉતારી પાડવા જોઈએ. એ પર્વત પર રહેતા હશે ત્યાં સુધી આપણને સુખશાંતિ તથા મહત્વ નહિ મળી શકે.
મહર્ષિ પહેલાં મૌન રાખતા ત્યારે તો એમની અસાધારણતાને ઓળખવાનું કામ અઘરું હતું. ત્યારે એ સાધુઓને ખાસ ચિંતા નહોતી થતી, પરંતુ ઈ.સ. ૧૯૦૭માં એમણે મૌનવ્રતનો ત્યાગ કરીને ભક્તોની શંકાઓનું સમાધાન કરવા માંડ્યુ ત્યારથી એમની મહત્તાનો વધારે ને વધારે ખ્યાલ આવવા લાગ્યો. દર્શનાર્થીઓ પણ એમની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં આવવા માંડ્યા. સમજુ લોકોની સાથે સાથે પ્રજાના બીજા અણસમજુ શ્રદ્ધાભક્તિપરાયણ વર્ગે પણ એમનો દર્શનલાભ લેવાનું શરૂ કર્યું. એને લીધે વિરૂપાક્ષી ગુફાની આજુબાજુ જાણે કે માનવ મેળો ભરાવા લાગ્યો.
મહર્ષિનાં દર્શને આવનારી ભોળી પ્રજા પાસેથી પહેલાં ગુફાના વહીવટદારો દ્વારા ફી લેવાતી, પરંતુ મહર્ષિએ એ પ્રથાનો વિરોધ કરીને સ્થાનપરિવર્તન કર્યું ને વહીવટદારો એમને ફરી પાછા આગ્રહ કરીને ગુફામાં રહેવા માટે લઈ આવ્યા અને દર્શનાર્થીઓ પાસેથી ફી લેવાનું પડતું મૂક્યું ત્યારથી પણ મહર્ષિ એક સાચા નિઃસ્વાર્થ સંતપુરૂષ તરીકે વધારે પ્રખ્યાતિ પામેલા. ગુફાના વહીવટદારો એમને ભારે ભક્તિભાવપૂર્વક જોતા થયેલા. એ જોઈને પણ કેટલાક વેશધારી સાધુઓ મહર્ષિ પર રોષે ભરાયલા.
મહર્ષિ ગુરૂમૂર્તમમાં રહેતા ત્યારે અરૂણાચલ પર રહેનારા કેટલાક સાધુસંતો એમની ઉપર શ્રદ્ધાભક્તિ રાખતા. એ શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈ એકવાર એમણે એમની સેવાપૂજા કરવાની તૈયારી બતાવેલી અને એ માટે પલનિ સ્વામીને એમની સાથે એકવાર અરૂણાચલ પર આવવાનું અતિશય આગ્રહપૂર્વકનું આમંત્રણ પણ આપેલું. એ વખતે એમની અવસ્થા જુદી હતી. હવે સંજોગો બદલાતાં પોતાના ઉપલક હીન સ્વાર્થનો વિચાર કરીને એ એમનો વિરોધ કરવા લાગ્યા અને એમની વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવા માંડ્યા.
પરંતુ મહર્ષિ સાચા સંત હોવાથી એમની ઉપર એની કશી અસર ના થઈ. એમણે એમના મન પર પૂરેપૂરો વિજય મેળવેલો હોવાથી એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ અચળ અથવા શાંત રહ્યા. એ સૌનું શુભ ચાહતા ને સૌનું મંગલ થાય તથા સૌને સદ્દબુદ્ધિ સાંપડે એવી ભાવના રાખતા. પોતાને પજવવાની જુદી જુદી તરકીબો કરનારા એ સાધુઓને માટે પણ એમના દિલમાં લેશ પણ દ્વેષભાવ ન થયો. ઊલટું એમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ થઈ, કારણ કે એ એમની અજ્ઞતાથી પરિચિત હતા.
એ સાધુઓમાંના એક સાધુએ એમને ભય પમાડીને પર્વત પરથી નસાડી મૂકવાનો નિશ્ચય કર્યો. એ સાધુ સશક્ત, બ્રહ્મચારી, અલ્પાહારી ને થોડીક સાધના કરનારો હતો. મહર્ષિ સૌથી પહેલાં પર્વત પર પહોંચ્યા ત્યારે એણે એમને સહાયતા કરેલી, પણ હવે એની વૃત્તિ વિપરીત બની ગઈ.
એ સાધુની પદ્ધતિ ખૂબ જ હલકી, આસુરી અથવા વિઘાતક હતી. એ જેને પર્વત પરથી ભગાડવા માગતો તેની ઉપર પર્વત પરના નાના મોટા પથ્થરો ગબડાવતો. એથી ભયભીત થયેલા સાધુઓ સ્થાન છોડીને નીચે ઊતરી પડતા. એણે મહર્ષિ પર પણ એ જ પ્રયોગ અજમાવવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પને અનુસરીને એમની ગુફા પર એક મોટો ભીમકાય પથ્થર ગબડાવ્યો પણ ખરો. એ પથ્થર એ મહાપુરૂષની તદ્દન પાસેથી જ એમને સહેજ પણ ઈજા પહોંચાડ્યા વિના જ પસાર થઈ ગયો.
મહર્ષિ જરા પણ ભયભીત ના બન્યા.
સાધુ પોતાની પ્રવૃત્તિનો પરિત્યાગ કરે તેમ ન હતો. એ તો મહર્ષિને મારવા કે પર્વત પરથી ભગાડવા માટે કૃતનિશ્ચય હતો. એકવાર તો મહર્ષિએ એને પર્વત પરથી પથ્થર ગબડાવતાં પકડ્યો પણ ખરો. તો પણ એને શરમ ના આવી.

