if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અરૂણાચલ પર એ સાધુનો મલ્લસ્વામી નામે સાથી રહેતો. એ મજબૂત બાંધાનો ને બહાદુર હતો. એ જાતે બ્રાહ્મણ હતો, શાસ્ત્રોનો અભ્યાસ કરી ચૂકેલો, ને કેટલીક ભાષાઓ જાણતો. એ પ્રથમ મુલાકાતે જ બીજાને વશ કરી લેતો ને સૌ કોઈ પર પ્રભાવ પાડતો. મહર્ષિનો પ્રભાવ જોઈને એ પણ જલ્યા કરતો અને એમને હેરાન કરવાની કે કષ્ટ પહોંચાડવાની યોજનાઓ ઘડતો. એ ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી હતો પરંતુ પોતાની ચતુરતા તેમ જ બુદ્ધિનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરવાને બદલે બીજાને દબાવવા, અશાંતિ આપવા ને દુઃખી કરવા માટે કરતો રહેતો. એનામાં સાધુતા કે સાત્વિકતાનો છાંટો ન હતો.

મહર્ષિની મુલાકાતની ઈચ્છાથી પ્રેરાઈને અરૂણાચલ પર આવનારા ભાવિક લોકોને એ કહેતો કે એના દર્શન માટે શા માટે જાવ છો ? એ તમને શું સદુપદેશ સંભળાવી શકે તેમ છે ? એ તો હજુ છોકરો છે ને મારો શિષ્ય છે. એને મેં શિખવાડ્યું છે એટલે જ એ કાંઈક સમજી શક્યો છે. એની બુદ્ધિ મારા અનુગ્રહથી જ ઊઘડી છે.

શહેરમાંથી કોઈવાર કોઈ સ્વાદિષ્ટ પદાર્થ ખરીદી લાવીને સૌના દેખતાં એ મહર્ષિની આગળ મૂકીને કહેતો કે તારે માટે ખૂબ જ સુંદર વસ્તુ ખરીદી લાવ્યો છું, ભાઈ ! તું એને ગ્રહણ કર એટલે મને શાંતિ થાય.

અને દર્શનાર્થીઓને એમનો પરિચય કરાવતાં કહેતો કે આ મારો માનીતો શિષ્ય છે અને હું એનો ગુરૂ છું; માટે જ મારે એના પ્રત્યે પ્રેમ રાખવો ને એનું આવી રીતે ધ્યાન રાખવું પડે છે. એ મારો શિષ્ય હોવા છતાં મારે માટે ખરેખર ગૌરવ લેવા યોગ્ય છે. મારું જીવન એને શિષ્ય તરીકે સ્વીકારીને સફળ થયું છે. મારા શિષ્યો તો અનેક છે; પરંતુ આની ઉપર મને વધારે પ્રેમ છે ને મને થાય છે કે જીવનમાં મને બીજા કોઈયે શિષ્યો ના મળ્યા હોત અને એક આનો જ ભેટો થઈ ગયો હોત તો પણ પૂરતું હતું. મારા નામને ઉજાળવા ને મારા મહિમાને જીવતો જાગતો રાખવા આ એક જ શિષ્ય પૂરતો હતો. આકાશમાં તારાઓ અનેક હોય છે પણ તે કાંઈ ચંદ્રની બરાબરી કરી શકે છે ? આ પણ ચંદ્ર છે, પરંતુ હું તો સૂર્ય છું સૂર્ય. મારા મહિમાને તો કોઈ વીરલા જ જાણી શકે છે. જેમની ઉપર મારી કૃપા હોય તે જ મને થોડા પ્રમાણમાં ઓળખી શકે છે. બીજા તો મને ક્યાંથી જાણે ? અને હું ઈચ્છું છું પણ ક્યાં કે કોઈ મને જાણે ? કોઈ મને જાણે કે ના જાણે તેની મને પડી છે જ ક્યાં ?

નફ્ફટાઈની પણ હદ હોયને ?

મલ્લસ્વામી એવું એવું બોલીને ખંધુ હસીને ઊભો રહેતો કે વિદાય લેતો.

મહર્ષિ એની દુષ્ટતાને જાણતા હોવા છતાં લાચાર હતા. એ મૂક તથા શાંત બનીને બેસી રહેતા.

એમના મનમાં પ્રતિશોધના ભાવો ઊઠતા જ નહિ.

એમની શાંતિ અથવા અહિંસક વૃત્તિનો અર્થ મલ્લસ્વામીએ જુદો કર્યો. એની હિંમત દિવસે દિવસે વધતી ગઈ અને એના અતિરેકરૂપે એક દિવસ એણે એમને કહ્યું :

 ‘તું મારો માનીતો શિષ્ય હોવાનો પ્રચાર કરીને લોકો પાસેથી થોડાક પૈસા કમાઈ લઉં તેમાં તને શી હરકત છે ? મારે લીધે તારો મહિમા પણ આપોઆપ વધતો જશે ને પરિણામે તને પણ જુદી જુદી ભેટો મળશે.’

મહર્ષિ શું બોલે ? એ ધૂર્ત સાધુની સાથે વાદવિવાદ કરવાની જરા પણ આવશ્યક્તા ન હતી અને એની સાથે ખુલ્લી રીતે વિરોધ કરવામાં કે બગાડવામાં પણ શ્રેય નહોતું દેખાતું. એ દિવસો દરમિયાન એમને મૌનવ્રત હોવાથી એ શાંત જ રહ્યા.

થોડા દિવસો પછી એમનું મૌનવ્રત પૂરું થયું અને એમનો મહિમા સર્વત્ર પ્રસરવા લાગ્યો એટલે એમના ભક્તો, શિષ્યો, પ્રશંસકો અને દર્શનાર્થીઓની સંખ્યા ખૂબ ખૂબ વધવા માંડી એમનામાંના અનેકને મલ્લસ્વામીની પદ્ધતિથી ક્રોધ થયો. એ એને મહર્ષિ જેવા મહાપુરૂષને અપમાનિત કરવા માટે તિરસ્કારની નજરે જોવા લાગ્યા.

મલ્લસ્વામી પોતાના પ્રભાવને મહર્ષિ પૂરતો મર્યાદિત રાખવાને બદલે દર્શનાર્થીઓ સુધી ફેલાવા માગતો અને એટલા માટે જ દર્શનાર્થીઓને જુદાં જુદાં પ્રલોભનો બતાવતો. કોઈને કહેતો કે ‘ શું નોકરી તૂટી છે ? કશી હરકત નહિ. એથી ડરવાની, ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને મારી કૃપાદૃષ્ટિ છે પછી શો ભય છે ? ફક્ત મારે શરણે આવો ને મને સર્વસમર્પણ કરો એટલી જ વાર છે. નોકરી તરત મળી જશે. હું અપાવી દઈશ.’ તો વળી બીજાને જણાવતો કે ‘ભવિષ્યને જાણવાની ઈચ્છા છે ? ભવિષ્યની ચિંતા શા માટે કરો છો ? મારું વહેલામાં વહેલી તકે શિષ્યત્વ સ્વીકારી લો ને મારી સેવા કરો તો મારી કૃપાથી તમને પણ મારી જેમ જ દૈવી દૃષ્ટિની પ્રાપ્તિ થઈ જશે ને તમે જે ધારશો તે બધું જ જાણી શકશો. થોડાક સમયમાં જ તમારા જીવનમાં કોઈ ને કોઈ શુભ ઘટના બનવાની છે. તમે મારા વચનમાં વિશ્વાસ રાખો. મારા કહેવા પ્રમાણે ના થાય તો મારું નામ મલ્લસ્વામી નહિ. મારે મારો વેશ બદલી નાખવો. લોકોને મારી સઘળી શક્તિની હજુ ખબર જ ક્યાં છે ? ખબર હોત તો મારી પાછળ કીડિયારાની પેઠે ઊભરાતા હોત. મારી વાત કદી પણ જૂઠી નથી પડતી.’

બીજાની આગળ એ બીજા પ્રકારની વાતો કરતો. કેટલાક અજ્ઞ લોકો એ વાતોને સાંભળીને એના પ્રભાવમાં આવી જતા. એમને પોતાના સકંજામાં સપડાવીને એ એમની પાસેથી ધનની નાની કે મોટી રકમ પડાવી લેતો ને તાગડધિન્ના કરતો.

એકવાર અવધૂત હોવાનો દેખાવ કરીને એણે વિરૂપાક્ષી ગુફાની બહારના ઓટલાને પોતાના મૂત્રથી બગાડ્યો. એ જોઈને સવારે શિષ્યોને સમજતાં વાર ના લાગી કે એ રાતના શાંતએકાંત સમય દરમિયાન કરાયેલો મલ્લસ્વામીનો જ ઉપદ્રવ છે. શિષ્યો ક્રોધે ભરાયા. એમણે જોયું તો મલ્લસ્વામી એ પરાક્રમ કરીને વહેલી સવારે ઊઠીને ક્યાંક વિદાય થઈ ગયો છે !

બહુમૂલ્ય વસ્ત્રોને બહાર ફેંકી દઈને એમણે ગુફાના દ્વારને બંધ કરી દીધું.

મલ્લસ્વામીએ પાછા ફરીને એ બધું જોયું તો એ પણ ક્રોધે ભરાયો ને બોલ્યો : ‘ આ બધી બદમાશી પલનિ સ્વામીની છે, મને તેની ખબર છે. એના વિના બીજા કોઈની આવી હિંમત ચાલે જ નહિ ને ! એને ખબર ના પાડું તો મારું નામ મલ્લસ્વામી નહિ.’

થોડાક વખતમાં તો પલનિ સ્વામી ત્યાં આવી પહોંચ્યા. બંને વચ્ચે બોલાચાલી થઈ. મલ્લસ્વામી વધારે શક્તિશાળી હોવાથી એણે પલનિ સ્વામીને માર માર્યો ને મહર્ષિને જણાવ્યું કે આ પાખંડી તથા દુષ્ટને તારી સેવામાં શા માટે રાખ્યો છે ? એને વહેલી તકે દૂર કરી દે. એ એના મનમાં શું સમજે છે ?

 ‘મહર્ષિ એ વખતે પણ ચૂપ રહ્યા એટલે ક્રોધે ભરાયલો મલ્લસ્વામી એમની ઉપર થૂંક્યો. એ છતાં પણ એ કશું ના બોલ્યા. પરંતુ વિરૂપાક્ષી ગુફાની નીચેના સ્થાનમાં રહેતા મુત્તય્ય સ્વામીને એ વાતની ખબર પડતાં એ કાળરૂપ ધારણ કરી, હાથમાં દંડો લઈને, એના પર પ્રહાર કરવા માટે આવી પહોંચ્યા. એ જોઈને એ ગભરાઈ ગયો. એ વખતે જો લોકોએ વચ્ચે પડીને એમને પકડી ના રાખ્યા હોત તો એ મલ્લસ્વામીને મૃત્યુના મુખમાં મોકલી આપત અથવા ભયંકર રીતે ઘાયલ કરત. પરંતુ મલ્લસ્વામીનું ભાગ્ય બળવાન હશે એટલે એને અણીને વખતે લોકોની મદદ મળવાથી કશી આંચ ના આવી.

એ ઘટના પછીથી મલ્લસ્વામીએ અરૂણાચલનો થોડા દિવસ માટે ત્યાગ કરવાનો વિચાર કર્યો. મહર્ષિને પૂરેપૂરા પજવીને પર્વત પરથી નસાડી ના શક્યા બદલ એને ખેદ તો થયો જ, છતાં પણ એ એમ સહેલાઈથી હિંમત હારે તેમ ન હતો. એણે ભવિષ્યમાં અનુકૂળ અવસરે પાછા આવીને પોતાની પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો.

એ વાતે ત્રણેક વરસ વીતી ગયાં.

એ પાછો અરૂણાચલ પર આવ્યો ને એક દિવસ સવારે મહર્ષિ પાસે આમ્રગુફામાં પહોંચીને કહેવા માંડ્યો : ‘ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય છે તે તને બતાવું. મારી સાથે ચાલ.’

મહર્ષિનો હાથ પકડીને એ એમને ગુફાની બહાર લઈ આવ્યો.

એ વખતે ત્યાં આવેલા વાસુદેવ શાસ્ત્રી તથા અન્ય ભક્તોને જોઈને એણે કહ્યું :

 ‘અહીં તમારા જેવા સાધારણ માણસોનું કામ નથી. અમારા જેવા મહાપુરૂષોની સાધનાના રહસ્યને સમજવાનું કામ તમારે માટે મુશ્કેલ છે. બ્રાહ્મણ સ્વામી પર આજે એના સદગુરૂ તરીકેનો મારો વિશેષ અનુગ્રહ કરવા માગું છું.’ અને મહર્ષિને ઉદ્દેશીને એણે જણાવ્યું : ‘તારા પર તને મારો સંનિષ્ઠ શિષ્ય સમજીને અસાધારણ અનુગ્રહ કરવાની ઈચ્છાથી જ આજે આવી પહોંચ્યો છું. હવે તારું ભાગ્ય સોળે કળાએ ખીલ્યું એમ સમજી લેજે. મારાં નેત્રો તરફ જ જોયા કરજે. બીજું કશું જ ના જોતો. ધીરે ધીરે શ્વાસને અંદર લે. જોરથી ના લેતો. ધીરેથી. તને હજુ બરાબર અનુભવ નથી. જો આમ. હું તારી પાસે છું એટલે કશી ચિંતા નથી.’

લગભગ અડધા કલાક લગી એણે એવી રીતે એમને હેરાન કર્યા.

આખરે મહર્ષિ એનાથી જેમતેમ કરીને છૂટા પડીને ભક્તો સાથે વિરૂપાક્ષી ગુફામાં પહોંચી ગયા.

એકવાર એણે મહર્ષિને જણાવ્યું : ‘મારા સરખા સમર્થ સત્પુરૂષોને આ સ્થળમાં રહેવાનું નથી શોભતું. મારા જેવા મહાન તપસ્વીને માટે આ પર્વતપ્રદેશ યોગ્ય નથી. તારા શિષ્યો મારું અવારનવાર અપમાન કરે છે તો પણ એથી મારા સદગુરૂ તરીકેના સદધર્મમાંથી ડગ્યા વિના મેં તને અનેક રીતે મદદ કરી છે ને જુદીજુદી ઉચ્ચ સિદ્ધિઓ આપી છે. એ સિદ્ધિઓના પ્રભાવથી જ તને અત્યાર સુધી અસાધારણ માન મળતું રહ્યું. તું બધી રીતે સમૃદ્ધ ને સુખી થયો, પરંતુ હવે એ સિદ્ધિઓને પાછી લઈ લઉં છું. તારો બધો મહિમા એથી મટી જશે, તારો પ્રભાવ શમી જશે ને તારું પતન થશે. તારો કોઈ સત્કાર જ નહિ કરે. હું તને શાપ આપું છું.’

એટલું કહીને એ નીચે ઊતર્યો ને શહેરના એક મીઠાઈવાળાની પાસે પહોંચીને પોતાના શાપની વાત સંભળાવીને આત્મપ્રશંસા કરવા માંડ્યો.

મીઠાઈવાળો મહર્ષિનો ભક્ત હોવાથી એ સાંભળીને ઉશ્કેરાઈ ગયો. એણે એની સારી પેઠે ખબર લીધી.

એ ઘટના પછી એકવાર મહર્ષિ પાસે આવીને એણે કહ્યું કે મને શરીરનો અધ્યાસ નથી રહ્યો. પોતાના શબ્દોની પ્રતીતિ કરાવવા એ નગ્ન બનીને ઊભો રહ્યો. એણે મહર્ષિના એક શિષ્યનું અપમાન પણ કર્યું, પરંતુ એને જોઈતી પ્રતિષ્ઠા ના મળવાથી આખરે એ ચાલી નીકળ્યો. એ પછી એની માહિતી ના મળી શકી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.