સુદીર્ઘકાળની સમજપૂર્વકની ઉત્સાહયુક્ત સાધનાના સુપરિણામરૂપે મહર્ષિની આત્મશક્તિ ઉત્તરોત્તર વધતી ગઈ.
પોતાની માતાના અંતકાળ પ્રસંગે છેલ્લા દસથી બાર કલાક દરમિયાન એ એમના મસ્તક તથા હૃદય પર હાથ રાખીને પ્રેમપૂર્વક બેસી રહેલા ત્યારે શું બન્યું તેનું સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ કરતાં અને એ દ્વારા સંપૂર્ણ અથવા અસાધારણ આત્મશક્તિસંપન્ન મહાત્માપુરૂષો શું કરી શકે છે એનો ખ્યાલ આપતાં એમણે કહેલું :
‘સુષુપ્ત વાસનાઓ અને ભાવિ પરિણામો પેદા કરવાની શક્યતાવાળી સૂક્ષ્મ પૂર્વસ્મૃતિઓ જાગ્રત થઈને પ્રબળપણે કામ કરવા લાગી. એમની સૂક્ષ્મ સભાનવૃત્તિના પડદા પર એક પછી એક દૃશ્યો ઉપસ્થિત થવા માંડ્યાં. બહારની ઈન્દ્રિયોનો સંબંધ તો ક્યારનો ને પૂરેપૂરો કપાઈ ગયેલો. આત્મા અનુભવોની અદભુત પરંપરામાંથી, પૂર્વજન્મની શક્યતાને ટાળતો અને પરમાત્મા સાથેની એકતાને અમલી બનાવતો, પસાર થઈ રહેલો. આખરે આત્માની આગળનાં નાજુક અવિદ્યાયુક્ત આવરણોનો અંત આવતાં એને એના અંતિમ ધ્યેય અથવા ગંતવ્યસ્થાનની પ્રાપ્તિ થઈ, જ્યાંથી ફરી અવિદ્યામાં પુનરાવર્તન નથી થતું એ મુક્તિની સર્વશ્રેષ્ઠ શાંતિમાં સ્થિતિ સહજ બની ગઈ.’
મહર્ષિની એ અસાધારણ આત્મશક્તિ રમણાશ્રમમાં રહીને આજુબાજુ બધે પ્રસરતી અસંખ્ય આધ્યાત્મિક પિપાસુઓને પોતાની તરફ ખેંચી રહી. જેમને જીવનમાં જ્યોતિની પ્રાપ્તિ કરીને નવજીવન મેળવવું’તું ને મૃતપાય દશામાંથી છૂટીને અમૃતત્વનો અક્ષય અસાધારણ અમૂલખ આનંદ અનુભવવો’તો એવા જિજ્ઞાસુઓ કે પૂર્ણતાના પ્રવાસીઓ એમની શક્તિસૌરભથી આકર્ષાઈને એમની પાસે આવવા માંડ્યા. એમનામાંથી થોડાનો ઉલ્લેખ આપણી માહિતી માટે કરી લઈશું.
* સુંદરમ્માલ *
મહર્ષિના સ્ત્રીભકિતોમાં સુંદરમ્માલનું નામ ખાસ ઉલ્લ્ખનીય અને આગળ પડતું છે. એ મદ્રાસના એક ઉચ્ચ અમલદારની ધર્મપત્નિ હતી. મહર્ષિ પર એ ગુરુભાવ તથા પુષ્કળ પ્રેમ રાખતી.
સુંદરમ્માલ મહર્ષિના સંસર્ગમાં આવેલી અસામાન્ય સંસ્કારસંપન્ન સૌભાગ્યશાળી સાધનાપ્રેમી સ્ત્રી હતી. એને પહેલાં મૂર્છાનો વ્યાધિ લાગુ પડેલો. એથી એ અત્યંત અસ્વસ્થ રહેતી. પરંતુ મહર્ષિના આશ્રમમાં અવારનવાર આવવાથી એનો એ વ્યાધિ કાયમને માટે મટી ગયો.
એને કોઈ સંતાન ન હતું. સાંસારિક જવાબદારીઓ પણ એટલી બધી ન હતી. એટલે એ આશ્રમમાં અવારનવાર આવવા લાગી. એથી એનો વૈરાગ્યભાવ ક્રમેક્રમે બળવાન બનતો ગયો. એનું મન સંસારના વિષયોમાંથી ઉપરામ થવા લાગ્યું. મહર્ષિની સંનિધિમાં એને ઉચ્ચ પ્રકારના આત્મિક સુખની અનુભૂતિ થવા લાગી. એનો આત્મા પુરાતન સાંસારિક સંસ્કારોનો પરિત્યાગ કરીને ધીરે ધીરે જાગ્રત બનતો ગયો. એ આત્મજાગૃતિ પોતાની પરાકાષ્ઠા પર પહોંચતાં એને થયું કે સર્વ પ્રકારના સાંસારિક સંબંધોને તિલાંજલિ આપીને અરૂણાચલ પર્વત પર અથવા મહર્ષિના સાંનિધ્યમાં લાંબા વખત લગી રહીને ઉત્સાહપૂર્વક એકધારી સાધના કરવી જોઈએ.
મહર્ષિની મુલાકાત કદી પણ વ્યર્થ ના જતી. એમના સહવાસમાં માનવના સુષુપ્ત આધ્યાત્મિક સંસ્કારો જાગી ઊઠતા ને જાગેલા વધારે પરિપક્વ બનતા. સુંદરમ્માલના સંબંધમાં પણ એવું જ બન્યું. મહર્ષિની પ્રત્યેક મુલાકાત એને માટે અવનવી પ્રેરણા તેમ જ શક્તિની સંક્રાંતિ કરનારી સાધના બનતી ગઈ. એનો અંતરાત્મા વધારે ને વધારે વિશુદ્ધ બનતો ગયો. એના અંતરમાં સર્વસંગપરિત્યાગ કરવાની ભાવનાએ જોર પકડ્યું. મહર્ષિનો સંસર્ગ સફળ થયો. એ સંસર્ગના સુપરિણામરૂપે એની અવસ્થા ભક્તિમતી મહાસાધ્વી મીરાંબાઈ જેવી થવા લાગી. હૃદયના વૈરાગ્ય, ત્યાગ તથા ભગવદ્ ભક્તિના ભાવો બળવત્તર બનતાં ઈ.સ. ૧૯૨૮માં એકવાર એણે રમણાશ્રમમાં આવીને ત્યાંના વીતરાગ વિશુદ્ધ વાયુમંડળમાં વાસ કરતાં ઉચિત માર્ગદર્શન મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને એ પરમપ્રતાપી મહાપુરૂષને પ્રશ્ન પૂછ્યો :
‘મારે સંન્યાસિની થવું હોય તો તમારો શો અભિપ્રાય છે ? હું સંન્યાસ લઉં તો તેમાં કોઈ હરક્ત છે ખરી ?’
મહર્ષિએ એમની લાક્ષણિક રીતે સંક્ષિપ્ત છતાં પણ સુસ્પષ્ટ, શાંતિપૂર્વક ઉત્તર આપ્યો :
‘કોઈયે હરકત નથી દેખાતી.’
મહર્ષિને એ સદગુરૂ માનતી હોવાથી એમનાં વચનો એને માટે વેદવાક્ય જેવાં થઈ પડ્યાં. એણે માન્યું કે મહર્ષિએ મને અનુમતિ આપી દીધી.
એણે કાષાય વસ્ત્રો ધારણ કર્યા, જટા ધારણ કરી ને સંસારનો ત્યાગ કરી દીધો.
પોતાના સંન્યાસજીવનને સાર્થક કે સફળ કરવા માટે એણે મન મૂકીને પૂરેપૂરા પ્રયત્ન કરવા માંડ્યા.
અરૂણાચલનું પરમ પવિત્ર પરમાણુઓવાળું સ્થાન એને ઈશ્વરકૃપાથી સહજ રીતે પ્રાપ્ત થયેલું. મહર્ષિ એ સ્થાનના પ્રત્યક્ષ દેવતા રૂપે બિરાજમાન હોવાથી એની શોભા તથા મહત્તા વધી ગયેલી અને એનો મહિમા વૈકુંઠ કરતાં પણ વધારે થયેલો. સુંદરમ્માલે એ સુંદર સ્થાનમાં મહર્ષિની સંનિધિનો આનંદ અનુભવતાં સાધના કરવા માંડી.
દિવસના સમસ્ત સમય દરમિયાન એ આશ્રમમાં રહેતી અને રાતે સદગુરૂ સ્વામીની ગુફામાં વિશ્રામ તથા સાધના કરતી. સંન્યાસ લીધા પછી આરંભમાં એક રાત એણે વિરૂપાક્ષી ગુફામાં વાસ કર્યો.
સિદ્ધિની પ્રાપ્તિ કરવાની ઉત્કટ આકાંક્ષાથી એણે એના શેષ જીવનને કઠોર તપશ્ચર્યામાં જોડી દીધું. એ જાણતી કે જીવન ટૂંકું ને ઝડપથી વહી જનારું છે. એવા જીવનમાં જેણે વહેલી તકે કાંઈક મહત્વનું લક્ષ્યાંક સિદ્ધ કરવું હોય તેણે પ્રમાદનો પરિત્યાગ કરીને સતત સાધનામાં લાગી જવું જોઈએ. એનું જીવન એ જ્ઞાનના અનુવાદરૂપ બની ગયું. એણે તદ્દન સાદું જીવન જીવવા માંડ્યું. બે કેળાં અને એક પ્યાલા દૂધ પર રહીને એ પોતાનો જીવનનિર્વાહ કરવા લાગી. એથી એનું શરીર કૃશ થઈ ગયું પરતુ એનો આત્મા વધારે ને વધારે તેજસ્વી, શાંત ને શક્તિશાળી થયો.
વખત વીતવા સાથે એને શાંતિ ને સિદ્ધિ મળવા માંડી ને જીવનની ધન્યતાની ઓછીવત્તી અનુભૂતિ થવા લાગી. તપશ્ચર્યાના એ મહત્વના દિવસો દરમિયાન મહર્ષિનું માર્ગદર્શન એને માટે ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું. એમના ઉપકારને એ કદાપિ નહોતી ભૂલી શકે તેમ. એમના અસાધારણ અહેતુક અનુગ્રહથી જ એ અવિદ્યાનિદ્રામાંથી જાગીને આટલો ઉચ્ચતમ આત્મવિકાસ કરી શકેલી.
પાછળથી એ સંન્યાસિનીએ તીર્થોની યાત્રા પણ કરી.
તીર્થયાત્રા પૂરી કરીને એણે મસ્તક પરની જટાને દૂર કરીને શાંતિ તથા નિજાનંદપૂર્વક તપ કરતાં ને જીવનમુક્તિનો આનંદ લેતાં એક જ સ્થળે રહેવા માંડ્યું. એનું જીવન મહર્ષિના અનુગ્રહના ઉજ્જવળ ઈતિહાસ જેવું બની ગયું.
* શુદ્ધાનંદ ભારતી *
મહર્ષિના સંસર્ગમાં આવેલા પ્રશંસકો ને ભક્તોમાં શુદ્ધાનંદ ભારતીનું સ્થાન ખૂબ આગળ પડતું છે. તામિલ ભાષાભાષી પ્રજાને મહર્ષિનો પ્રથમ પરિચય એમણે જ લખેલા મહર્ષિના જીવનચરિત્ર દ્વારા પૂરો પાડ્યો છે. એ રીતે એમણે તામિલ ભાષાની, એ ભાષાભાષી પ્રજાની ને મહર્ષિની નોંધપાત્ર સેવા કરી છે. એમણે એક અગ્રગણ્ય રાષ્ટ્રપ્રેમી તરીકે વરસો સુધી કાર્ય કરીને સાહિત્ય, પત્રકારત્વ, ગુરૂકુલ શિક્ષાપરંપરા, સામાજિક પુનનિર્માણ અને રાજકારણનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ફાળો આપ્યો. ધર્મને માટે પણ એમને વિશેષ રસ હતો.
એમને શક્તિની ઉપાસનામાં આનંદ આવતો. એ ઉપરાંત પ્રાણાયામાદિનું અનુષ્ઠાન પણ એ કરતા રહેતા. એને લીધે એમને નાદ, કળા તથા લયનો અનુભવ પ્રાપ્ત થયો. પોતાની આત્મવિકાસની આંતરિક ભૂખને સંતોષવા માટે એમણે લાંબી યાત્રાઓ કરી અને જુદા જુદા કેટલાય ધર્મગ્રંથોનું અધ્યયન કર્યું. પોતાના પ્રવાસ દરમિયાન એ મૈસૂરમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ શ્રવણ બેલગોડામાં રહીને જૈન ધર્મનું અધ્યયન કરી રહેલા ત્યારે એમના અંતરમાં મહર્ષિને મળવાની ભાવનાએ જોર પકડ્યું. એમણે એમના સંબંધી ઘણું ઘણું સાંભળ્યું હોવાથી એમનું અંતર એમના પ્રત્યે આરંભથી જ આકર્ષાયેલું.
તિરુવણ્ણામલૈ જઈને એમણે મહર્ષિના દર્શનનો લાભ લીધો. એ એમને પહેલાં ભસ્મના સમૂહરૂપે, પછી જ્યોતિસ્તંભ રૂપે ને પછી શિવલિંગ રૂપે દેખાયા ત્યારે એમના આશ્ચર્યનો પાર ના રહ્યો. એ ગણપતિ શાસ્ત્રીને પગે લાગ્યા ત્યારે મહર્ષિ બોલ્યા : ‘ભારતી ? ભારત શક્તિના રચયિતા ?’ એના પરથી સાબિત થયું કે એમણે એમના સાહિત્યનું પ્રેમથી અધ્યયન કરેલું.
મહર્ષિએ એમને નાસ્તા માટેનું આમંત્રણ આપ્યું તો એનો સ્વીકાર કરતાં એમણે કહ્યું કે હું તો આધ્યાત્મિક ખોરાક માટે જ આવ્યો છું.
એ પ્રથમ મેળાપ વખતે જ મહર્ષિને રસપૂર્વક નિર્નિમેષ નેત્રે નિહાળતાં એમણે એક કલાકમાં એમની પ્રશસ્તિની કેટલીય કાવ્યપંક્તિઓ તૈયાર કરી દીધી. એમના અંતરના ઉત્કટ પરમ પવિત્ર પ્રેમ વિના એ કદી પણ શક્ય ના બન્યું હોત.
ઈ.સ. ૧૯૨૯માં છ માસ જેટલા સમય સુધી એમના સ્વર્ગીય સાંનિધ્યમાં રહીને એ શક્તિની વિશેષ ઉપાસના માટે અરવિંદ આશ્રમમાં ગયા. ત્યાં રહીને એમણે ભક્તિભાવથી ભરપૂર ગદ્યકાવ્ય રમણવિજયમ્ ની રચના કરી. મહર્ષિને ચરણે અર્પણ કરાયલી એ અક્ષરાંજલિ આજે પણ અનેકને પ્રેરણા ધરે છે અને અમર છે.
* શ્રી બી.વી. નરસિંહ સ્વામી *
શ્રી રમણ મહર્ષિના અંગ્રેજી ભાષાના જીવનચરિત્ર લેખક નરસિંહ સ્વામી એમની એ સાહિત્યકૃતિથી સુપ્રસિદ્ધ છે. એમની સેવા અમૂલખ છે. એ એક જ કૃતિ એમને અમર કરવા માટે પૂરતી છે. એને વાંચીને ભારતની બહારથી પણ કેટલાય અધ્યાત્મપ્રમી આત્માઓ મહર્ષિ પ્રત્યે આકર્ષાયા, આદરભાવ રાખતા થયા, અને એમના દર્શન, સત્સંગ અને માર્ગદર્શન માટે આવી પહોંચ્યા. મહર્ષિની જીવનસૌરભને સૂદૂરવર્તી ફેલાવવામાં એનો ફાળો ઘણો મોટો છે. એ આખીયે કૃતિ પુષ્કળ પ્રેમ ને પૂજ્યભાવપૂર્વક લખાયેલી હોવા છતાં અતિશયોક્તિથી રહિત છે એ એની વિશેષતા છે.
નરસિંહ સ્વામી અથવા નરસિંહય્યર સોલમના નિવાસી હતા. એ વકીલાતમાં રસ લેતા ને રાજકારણમાં પણ આગળ પડતો ભાગ ભજવતા. એમના બે પુત્રો એક જ દિવસે પાણીમાં ડૂબીને મરી ગયા ત્યારથી એમનું મન સંસાર પરથી ઉપરામ થઈ ગયું. એમને આત્મવિકાસની લગની લાગી. પરિણામે ઈ.સ. ૧૯૨૮ થી માંડીને ત્રણ વરસ સુધી એમણે મહર્ષિના આશ્રમમાં જ વાસ કર્યો. એ દરમિયાન એમણે અંગ્રજીમાં મહર્ષિનું સુંદર જીવન ‘સેલ્ફ રીઆલાઈઝેશન : લાઈફ એન્ડ ટીચીંગ્સ ઓફ શ્રી રમણ મહર્ષિ’ લખ્યું. એ પુસ્તકની સરળતા, સરસતા તથા સચોટતાની પ્રશંસા પરદેશથી આવેલા મહર્ષિશિષ્ય એ. ડબલ્યુ. ચાડવિક અથવા સાધુ અરૂણાચલે પણ મુક્ત કંઠે કરીને કહ્યું છે કે એટલા બધાં સરસ સત્યનિષ્ઠ પુસ્તકની કદર જેટલા જોઈએ તેટલા વધારે પ્રમાણમાં નથી થઈ. પરંતુ અસંખ્ય આત્મવિકાસપ્રેમી આત્માઓએ એમાંથી પ્રેરણા, પ્રકાશ તેમજ પથદર્શન પામીને જીવનની સાર્થકતાની સામગ્રી મેળવી છે : એવી રીતે કરાયેલી એની કદર કાંઈ ઓછી નથી.

