મહર્ષિના પરિચયમાં આવેલા, એમને ગુરૂભાવે જોનારા અને એમના મહામૂલ્યવાન માર્ગદર્શનને મેળવીને જીવનને સાધનાપરાયણ, ઉજ્જવળ અને કૃતાર્થ કરનારા એક બીજા અસાધારણ સંસ્કારસંપન્ન આત્મા યોગી રામૈયા છે.
એમને યોગી કહેવામાં આવે છે એ યોગ્ય જ છે. સાચું કહીએ તો એ યોગી જ નહિ, મહાયોગી હતા અથવા મહર્ષિના અનુગ્રહથી આત્મસાધના કરીને મહાયોગીપદે પહોંચેલા. મહર્ષિના સંસર્ગમાં આવેલાં પરમપ્રતાપી પ્રકાશપૂર્ણ નક્ષત્રોમાં એમનું સ્થાન ખૂબ જ આગળ પડતું હતું.
જેમણે મહર્ષિની મુલાકાતના વર્ણનવાળું પોલ બ્રન્ટનનું પ્રખ્યાત પુસ્તક ‘એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા’ વાંચ્યું હશે તેમને રામૈયાના વ્યક્તિત્વનો પરિચય થઈ ચૂક્યો હશે. બ્રન્ટન પોતાની ઉપર પડેલા એમના પ્રભાવનો ઉલ્લેખ કરતાં લખે છે કે એ શાંત પ્રકૃતિના પુરૂષને મહર્ષિના હોલમાં પ્રવેશતા જોઈને પ્રથમવાર જ મારા પર એ એક મહાન યોગી હોવાની છાપ પડી. મહર્ષિએ એમનો સ્મિતપૂર્વક સત્કાર કર્યો એ જ એમની વિશેતાને વ્યક્ત કરવા માટે પૂરતું હતું. એ એમની આગળ શાંતિપૂર્વક બેસી ગયા અને એમણે ધ્યાનાવસ્થામાં નેત્રોને મીંચી દીધાં ત્યારે મને ભગવાન બુદ્ધની સ્મૃતિ થઈ આવી. એ એવા નિર્વિકાર દેખાવા માંડ્યાં. એમનો આત્મા અતિશય અલૌકિક છે એવી મારી ખાતરી થઈ.
પોલ બ્રન્ટને પોતાના એ સુંદર સર્વોપયોગી પુસ્તકમાં યોગી રામૈયાની કેટલીય વિગતોને રજૂ કરી છે એથી એમનું વર્ણન ખૂબ જ હૃદયંગમ કે રોચક બન્યું છે. એ વર્ણન એમાંના યોગી રામૈયાની સાથે સંકળાયલા બે સરસ પ્રસંગોને લીધે વધારે મહત્વનું થયું છે. એ મહાયોગીના તપઃપૂત, સાધનાપરાયણ, આત્મશક્તિથી અલંકૃત જીવનમાં ડોકિયું કરવાનો સુઅવસર એથી સહજ રીતે જ પ્રાપ્ત થાય છે. એમની અલૌકિક આત્મશક્તિની પ્રતીતિ કરાવતા એ બંને પ્રસંગો એ મહાન યોગી પ્રત્યેના પ્રેમ અને આદરભાવમાં અભિવૃદ્ધિ કરે છે.
એક પ્રસંગે પોલ બ્રન્ટન ભોજનાદિથી નિવૃત થઈને બપોરે એમના ઉતારા પર પહોંચ્યા ત્યારે એમના આશ્ચર્યનો પાર ના રહ્યો. એમની કુટિરમાં એમની પથારી પાસે એક ભયંકર સાપ પડેલો.
એને જોઈને એમને ભય લાગ્યો. સાપ શાંતિપૂર્વક પડી રહેલો પરંતુ એને નિહાળીને એ એકદમ અશાંત બનીને કુટિરના પ્રવેશદ્રાર આગળ જ ઊભા રહ્યા. અંદર પ્રવેશવાની એમની હિંમત ના ચાલી.
એમણે એને બહાર કાઢવાના પૂરતા પ્રયત્નો કર્યા પરંતુ એ ના ફળ્યા.
એમને સમજાયું નહિ કે હવે શું કરવું. એ ખૂબ જ ગભરાઈ ગયા. પોતાની કુટિરમાં પ્રવેશ કેવી રીતે કરવો તેનો નિર્ણય એ ના કરી શક્યા.
એટલામાં તો એમણે પાછળ જોયું તો દૂરથી રામૈયા આવતા દેખાયા.
રામૈયા કુટિરના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા. એમણે અંદર જોયું. અંદર સાપને જોઈને એ સઘળી પરિસ્થિતિ સમજી ગયા.
બ્રન્ટનના ભય અને આશ્ચર્યની પરવા કર્યા વિના એ સીધા અંદર ચાલ્યા. એમને અંદર જતા અટકાવવાના પ્રયત્નો નિરર્થક ઠર્યા.
રામૈયા મૌનવ્રત પાળતા હોવાથી કશું પણ બોલ્યા સિવાય સાપ પાસે પહોંચી ગયા. એમણે સાપને શું કર્યું તે ના સમજાયું. પરંતુ એણે થોડીજ વારમાં પોતાની ફણા ઊંચી કરીને એમના તરફ જોવા માંડ્યું. અને પછી એમની આજ્ઞાનો આજ્ઞાંકિત સેવકની પેઠે અમલ કરતો હોય એમ એ ધીમેથી કોઈ પણ પ્રકારના વિરોધ કે ઉપદ્રવ વિના બહાર નીકળવા લાગ્યો.
બ્રન્ટનને માટે એ આખુંય દ્દશ્ય આશ્ચર્યકારક અને અવનવું હતું. કોઈની સાંભળેલી વાત પરથી એવી હકીકતને કદાચ એ ના માનત, પરંતુ એ પ્રસંગ તો પ્રત્યક્ષ અનુભવનો હોવાથી એને માનવા ના માનવાનો કોઈ સવાલ જ નહોતો ઊઠતો. માનવની અંદર આટલી બઘી લોહચુંબકીય આકર્ષણશક્તિ હોય છે તેની એમને કલ્પના પણ ન હતી. મહર્ષિની વિશેષ શક્તિ સંબંધી તો એમણે ઘણું ઘણું સાંભળેલું : એ બધું સાંભળીને તો એ આટલે બધે દૂર એમના દર્શને આવેલા : પરંતુ એમના જ આશ્રમમાં રહેતા આ અદભુત યોગી પુરૂષની અસાધારણ શક્તિ કે યોગ્યતાને જોઈને એ એકદમ આશ્ચર્યચક્તિ થઈ ગયા. કૃષ્ણવર્ણના કૃશકાય રામૈયાની અંદર આવો અલૌકિક ઓજસ્વી આત્મા વસતો હશે એનું અનુમાન પણ એ નહોતા કરી શક્યા.
એ પ્રતીતિજનક પ્રસંગ પછી પોલ બ્રન્ટનનો યોગી રામૈયાને માટેનો પ્રેમ અને આદરભાવ વધી ગયો.
* * * * * * * * * * * *
પોલ બ્રન્ટને યોગી રામૈયાની અસાધારણ શક્તિને દર્શાવનારા એવા જ એક બીજા પ્રસંગનો પણ ઉલ્લેખ કર્યો છે.
રમણાશ્રમના સુખદ શાંત નિવાસના દિવસો દરમિયાન એકવાર એમના પર પરદેશથી એક પત્ર આવ્યો. એ પત્રના સમાચાર વ્યવસાયવિષયક, વિપરીત કે કરૂણ હોવાથી એમના ચિત્તતંત્ર પર એમનો પ્રભાવ પડ્યા વિના ના રહ્યો. એ ઉદાસ, નિરાશ, નાહિંમત તથા દુઃખી બની ગયા. એમનું મગજ ભમવા માંડ્યું ને શું કરવું તેની એમને સમજ ના પડી. જીવનનો સઘળો રસ જતો રહ્યો ને આજુબાજુ બધે અંધકાર દેખાવા લાગ્યો.
એ દિવસે એમને યોગી રામૈયાનું સ્મરણ થયું.
યોગી રામૈયા એમની પાસે એકાએક આવી પહોચ્યા અને એમને લઈને અરૂણાચલ પર્વત પર ચાલ્યા.
લાંબા વખત લગી ચાલ્યા પછી એ પર્વત પરના એક અત્યંત આકર્ષક, આનંદદાયક, સુંદર, શાંત સ્થાનમાં આવી પહોંચ્યા.
રામૈયાએ ત્યાં બ્રન્ટનને પોતાની સામે બેસવાનું કહ્યું.
બ્રન્ટને એમની સૂચનાનું પાલન કર્યું.
ધીમે ધીમે રામૈયા આંખ બંધ કરીને ઊંડા ધ્યાનમાં લીન બની ગયા.
બ્રન્ટનનું મન ધ્યાનમાં લગાડવા યોગ્ય ન હતું. એની ઉપર પેલા પત્રનો પ્રતિકૂળ પ્રભાવ પડ્યો હોવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પોના પરપોટાઓ પેદા થતા ને ફૂટ્યા કરતા. અરૂણાચલની ઊંડી સનાતન શાંતિ એને કશી અસર નહોતી કરી શકતી.
પરંતુ ક્રમેક્રમે એની ઉપર યોગી રામૈયાના આત્મબળની અસર થવા માંડી.
એ અસરને પરિણામે બ્રન્ટનને આંખ મીંચવાનું મન થયું.
એ આંખ મીંચીને એ મહાયોગીની સામે ધ્યાનમાં બેઠા એટલે કોઈક ચમત્કૃતિનો અનુભવ થતો હોય એમ એમનું મન આપોઆપ શાંત થવા લાગ્યું, એમનો શોક-સંતાપ શમવા માંડ્યો; મનમાં પેદા થતા વિપરીત, વિરોધી, વિઘાતક, વિચારો ધીમે ધીમે શાંત થતા ગયા અને એમનું સ્થાન વધારે સારા શાંત, ઉત્સાહવર્ધક, આશાજનક વિચારોએ લેવા માંડ્યું. એ વિચારોનાં તરંગો યોગી રામૈયા પ્રેરિત હોય એવી અનુભૂતિ થઈ. એમના જ પરિપૂર્ણ પરમ પવિત્ર પ્રકાશભંડારમાંથી એ અવનવાં પ્રકાશસ્ફુલ્લિંગો પેદા થઈને પ્રસ્થાન કરતાં હોય એવું લાગ્યા વિના ના રહ્યું. એમના આંતરમનનું એ મહાન યોગીના શક્તિસંચારક પ્રાણપ્રદાયક સાંનિધ્યમાં જાણે કે પરિવર્તન થતું ગયું.
થોડા વખતમાં તો એમની કાયાપલટ થઈ ગઈ, ચિંતા ટળી ગઈ, ભીતિ મટી ગઈ, આશંકાનો અંત આવ્યો અને અશાંતિનું શમન થયું.
એ આંખ ખોલીને રામૈયા તરફ જોઈ રહ્યા.
એમની અસાધારણ શક્તિથી એમના અંતરના ઊંડાણમાં ઊતરીને એમણે સઘળી સમસ્યાઓનો સુખદ ઉકેલ કરી આપ્યો, એમને શાંતિ બક્ષી, અને અણીને વખતે અત્યંત આવશ્યક્તા હતી ત્યારે એમને નવજીવનનું––અવનવી આશા અને પ્રેરણાનું પ્રદાન કર્યું.
એટલામાં તો રામૈયાએ આંખ ખોલી.
રામૈયાએ બ્રન્ટનને નિહાળીને બધી પરિસ્થિતિ માપી લીધી. એમના આંતર પરિવર્તનને જાણીને એમને સંતોષ થયો. બ્રન્ટને એમને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.
* * * * * * * * * * * *
યોગી રામૈયા મહર્ષિ પ્રત્યેના પ્રેમ ને પૂજ્યભાવથી સંપન્ન હતા. એ મહર્ષિને ગુરૂ માનતા. સાધના દ્વારા ક્રમેક્રમે આત્મવિકાસની ઉચ્ચોચ્ચ અવસ્થા પર પહોંચીને છવટે એમણે શાંતિ મેળવેલી. મહર્ષિના પ્રશંસકો, ભક્તો તથા શિષ્યોના ઈતિહાસનું આલેખન એમના ઉલ્લેખ વિના અધૂરું રહી જાય અને એમના ઉલ્લેખથી અલંકૃત બની રહે તેમ છે.
રામૈયા નેલ્લૂર જિલ્લામાં બુચ્ચિરેડ્ડી પાલેમ તાલુકામાં આવેલા અન્નારેડ્ડી પાલેમના જમીનદાર હતા. એ પહેલેથી જ ધનવાન હતા. અઢારમા વરસથી જ પૂર્વના કોઈ પુણ્યસંસ્કારોના પરિપાકરૂપે એમના મનમાં વૈરાગ્યના ભાવો પેદા થવાથી કોઈક ગુરૂની પાસે પહોંચીને એમણે રામના તારક મંત્રની માગણી કરી. ગુરૂએ એમને દીક્ષા આપી. એમની પાસેથી તારક મંત્ર લઈને એમના આદેશાનુસાર એ રોજના પાંચ હજાર મંત્રજપ કરવા માંડ્યા.
સાધનાને માટે એમના અંતરમાં એટલી બધી લગન હતી કે વાત નહિ. એથી પ્રેરાઈને એટલી નાની ઉમરમાં પણ એમણે ગમે તેવું કે તેટલું કામ હોય તો પણ સમય કાઢીને સાધના કરવા માંડી. એ સાધનાની પાછળ એમના દીક્ષાગુરૂનું સ્વાનુભવપૂર્ણ સુંદર પથપ્રદર્શન હોવાથી એમનું કામ પ્રમાણમાં સરળ બન્યું.
સાધનાનું સમ્યક્ શ્રદ્ધાપૂર્વકનું અનુષ્ઠાન કરતાં એમની વૈરાગ્યવૃત્તિ બળવાન બનતાં એ ઘર છોડીને કાશી જવા માટે ચાલી નીકળ્યા.
માર્ગમાં એ એમના દીક્ષાગુરૂનાં દર્શન માટે ગયા. ગુરૂએ એમના વિચારો તથા ભાવોને જાણ્યા પછી કહ્યું કે તમારે તો માતા છે. માતાની સેવા કરવાનો તમારો ધર્મ છે. એ માતાની અનુજ્ઞા મળી ગઈ ?
રામૈયાને માટે એ વિચાર નવો હતો. છતાં પણ એની ઉપેક્ષા કરી શકાય તેમ ન હતું. એમણે એ દયાનિધાન ગુરૂના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તરત જ જણાવ્યું કે માતાની અનુજ્ઞા તો નથી મળી, અને સાચું કહું તો માતાને મેં કશું જણાવ્યું જ નથી : એ મારા સાહસકર્મથી એકદમ અનભિજ્ઞ છે.
ગુરૂએ એમને ઘેર પાછા ફરવાનો ને ત્યાં રહીને જ સાધના કરવાનો આદેશ આપ્યો. વચ્ચેવચ્ચે પોતે દર્શન આપતા રહેશે એવી ખાતરી પણ આપી. એ આશ્વાસન સાથે રામૈયા પાછા ફર્યા. એમને માટે પાછા ફરવા સિવાય બીજો વિકલ્પ જ ન હતો.
ઘેર પાછા ફરીને એમણે અત્યંત ઉત્સાહપૂર્વક જપ તથા પ્રાણાયામની તીવ્ર સાધના કરવા માંડી. એ સાધનાનો પ્રવાસ કષ્ટસાધ્ય હતો અને એમાં એકલે હાથે જ આગળ વધવાનું હતું તો પણ એ આગળ વધવા તેમજ પ્રવાસને પરિપૂર્ણ કરવા કૃતનિશ્ચય હતા. એમનામાં એ માટેની જરૂરી હિંમત, ધીરજ, લગન, પુરૂષાર્થપરતા ને શ્રદ્ધા હતી. એ પ્રાણાયામ તેમજ જપ સાથે ધ્યાનનો અભ્યાસ પણ કરવા લાગ્યા. શરૂઆતમાં નાકના ટેરવા પર દૃષ્ટિને કેન્દ્રિત કરીને શાંતિ, સ્થિરતા અને આનંદનો અનુભવ કરતાં કલાકો લગી બેસી રહેતા. એમને માટે બ્રહ્મચર્યપાલન સ્વાભાવિક બની ગયેલું : એમનો આહાર પણ ખૂબ જ સાત્વિક અને સૂક્ષ્મ હતો : અને સાધકોને માટેના બીજા આવશ્યક નિયમોના પાલનમાં એ સદા જાગ્રત રહેતા હોવાથી થોડાક સમયમાં તો એમને સમાધિની આશીર્વાદરૂપ ઉત્તમોત્તમ અવસ્થાની પ્રાપ્તિ થઈ. એ અલૌકિક અનુભવથી એમનું જીવન ધન્ય બન્યું. એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો.
એમને એક દિવસ ધન્ય ઘડી ધન્ય પળે મહર્ષિની માહિતી મળી. એમને અતિશય આનંદ થયો. એ તિરુવણ્ણામલૈ જવા તૈયાર થયા.
એમને ખાતરી થઈ કે મહર્ષિ એક મહાન અનુભવી સંત પુરૂષ છે. અને અનુભૂતિની ઉચ્ચોચ્ચ ભૂમિકાએથી બોલી રહ્યા છે. પોતાના અતીન્દ્રિય અનુભવ સાથે સરખાવતાં એમના શબ્દો એમને સંપૂર્ણ સાચા લાગ્યા. એ દિવસથી એ મહર્ષિને પોતાના પરમ માર્ગદર્શક અથવા ગુરૂ માનવા માંડ્યા. મહર્ષિની લોકોત્તરતા એમનાથી છૂપી ના રહી.
રામૈયા મહર્ષિ પાસેથી એક અપરોક્ષાનુભૂતિ સંપન્ન મહાપુરૂષના મિલનના ઊંડા સંતોષ સાથે પાછા ફર્યા. એ મિલન એમના જ્યોતિર્મય જીવનમાં ચિરકાળને માટે જડાઈ ગયું. પછી તો વરસનો અમુક ભાગ એ ઘેર ગાળતા અને બીજો ભાગ મહર્ષિના સુંદર એકાંત આશ્રમમાં એમના શાંત સાંનિધ્યમાં પસાર કરતા. મહર્ષિને માટેનો એમનો પ્રેમ તથા પૂજ્યભાવ ઉત્તરોત્તર વધતો જ ગયો અને અતૂટ બન્યો. એ પોતાનો મોટા ભાગનો વખત સાધનામાં જ વિતાવતા. મહર્ષિ એમની ઉપર એમની વિશેષ યોગ્યતાને લીધે ખાસ પ્રેમ રાખતા. એ પ્રેમને લીધે જ એમણે એમની તામિલ કવિતાઓ ‘ઉપદેશસાર’ તથા ‘ઉલ્લતુનાર્પતુ’ નો તેલુગુ ભાષામાં અનુવાદ કરેલો. રામૈયાની શ્રદ્ધાભક્તિ અજબ હતી. મહર્ષિની સંનિધિ અને સેવામાં એમને આનંદ આવતો. પાલિતીર્થને સુવ્યવસ્થિત કરવામાં ને આશ્રમને તૈયાર કરવામાં એમણે અસાધારણ ઉત્સાહ અને રસ દર્શાવ્યો ને ધનની શક્ય તેટલી બધી જ મદદ કરી.

