if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતવર્ષની સનાતન સંજીવનદાયક પ્રાણસંચારક સંસ્કૃતિ મહર્ષિના મંગલ મહામહિમામય માધ્યમ દ્વારા પોતાનો પ્રચાર પરદેશમાં પણ કરવા માગતી’તી. મહર્ષિની પ્રસિદ્ધિ પહેલાં અને પછી પણ વેદાંતકેસરી વીર સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, રામતીર્થ, દયાનંદ, યોગાનંદ, તિલક, ટાગોર, મહાયોગી અરવિંદ અને મહાત્મા ગાંધીજી દ્વારા એણે પોતાના પ્રકાશને પ્રસરાવવાનો પ્રખર પ્રયાસ કરવા માંડેલો. એને લીધે દુનિયાના બીજા દેશોનું ધ્યાન પણ એના પ્રત્યે આકર્ષાયલું કે કેન્દ્રિત બનેલું. એ અને એવા બીજા સંસ્કૃતિના સૂત્રધાર અથવા આધ્યાત્મિકતાના અગ્રદૂત જેવા પરમપ્રતાપી પુરૂષોની પરંપરામાં પ્રકાશપુંજની પેઠે પ્રક્ટીને મહર્ષિએ પણ પોતાનો પ્રકાશ પાથરવાનો હતો. એને માટે એ નિર્મિત થયેલા. એમના અવતરણ પાછળ એ પણ એક મહામૂલ્યવાન હેતુ હતો. એ હેતુની પૂર્તિનો સમય હવે આવી પહોંચ્યો.

* * *          * * *          * * *          * * *

મહર્ષિના પરદેશમાંથી આવેલા અને આશ્રમમાં કાયમને માટે રહી ગયેલા શિષ્ય સાધુ અરૂણાચલ એમના મહર્ષિના સંસ્મરણોના પુસ્તકમાં એક ઠેકાણે લખે છે :

‘મારે જેમને લંડનમાં મળવાનું થયેલું અને જે થોડા જ મહિનામાં ભારતના પ્રવાસે પાછા આવવાના હતા તે બ્રન્ટનની માહિતી મેળવીને મહર્ષિને આનંદ થયો. એમના સમાચાર સાંભળવામાં એમણે ઘણો રસ બતાવ્યો. એમના પુસ્તક ‘એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા’ ના પ્રકાશન પછી એ પ્રથમ વાર જ આશ્રમમાં આવવાના હતા. બ્રન્ટનને પોતાનો સંદેશ પશ્ચિમમાં ફેલાવવાની અથવા વધારે નહિ તો ત્યાંની પ્રજાને ભગવાનના અસ્તિત્વની માહિતી આપવાની પ્રેરણા નિઃશંક રીતે ભગવાન પાસેથી જ પ્રાપ્ત થયેલી. પાછળથી જોકે કેટલીક ગેરસમજ કે ભ્રાંતિના શિકાર બનીને એમણે કેટલુંય ખરાબ કહેવાય તેવું લખવા માંડ્યું, તો પણ એમના એ પુસ્તકને વાંચીને જ મોટી સંખ્યાના શ્રેયાર્થીઓ ભગવાન પાસે આવી શક્યા. પોતાના સદગુરૂને શોધી કાઢવાની જે સૂચના એમાં આપવામાં આવેલી એને માટે એ એમના આભારી હતા.’

 ‘એ પુસ્તકનાં ભગવાનની સાથે સીધી રીતે સંબંધિત પ્રકરણો ભગવાનની પોતાની પ્રેરણાથી જ લખાયાં છે એવું મને હમેશાં લાગ્યા કર્યું છે બ્રન્ટનને આશ્રમને માટે ફરિયાદો હતી, અને એમનાં પાછળથી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોમાં એમના ગુરૂ વિશે એમણે કેટલાક ક્ષુલ્લક અભિપ્રાયો રજૂ કર્યા છે તે છતાં, બ્રન્ટનને ભગવાન માટે હંમેશાં પ્રેમ અને અસાધારણ આદરભાવ હતો એમાં કોઈ પ્રકારની લવલેશ શંકા નથી લાગતી.’

 ‘ભગવાનની કદર પશ્ચિમમાં ઘણી વધારે થયેલી. એમની પાસે પશ્ચિમને માટે ખાસ સંદેશ હતો. એમની તર્કબદ્ધ, શુદ્ધ, બુદ્ધિસંગત દલીલો અને લાગણીના આવેગ વિનાની સ્થિર સમતોલ વિચારસરણીની અસર ઘણી ભારે થઈ. એ કોઈ પણ સિદ્ધાંતની રજૂઆત કે પુષ્ટિ કરવાને બદલે સત્યના શોધકને પોતાનું ધ્યાન હમેશાં પોતાની ઉપર કેન્દ્રિત કરવાનું કહેતા ને જણાવતા કે આત્મવિકાસના માર્ગમાં જે કાંઈ કરવાનું છે તે સાધકે પોતે કરવાનું છે. ગુરૂ તો કેવલ સંકેત અથવા પથપ્રદર્શન કરી શકે છે અને કોઈ કોઈને આત્મસાક્ષાત્કારનું પ્રદાન નથી કરી શકતું.’

મહર્ષિની થયેલી પરદેશની એ કદરમાં બ્રન્ટનનો ફાળો પણ ઓછો અગત્યનો ન હતો. એમનો અને એમના એ અમૂલખ ફાળાનો ઉલ્લેખ કરવો જરા પણ અસ્થાને નથી.

પોલ બ્રન્ટન એક સફળ ઈંગ્લીશ પત્રકાર હતા. એમને પૂર્વના કોઈ પ્રબળ સુપરિણામ રૂપે પહેલેથી બ્રહ્મવિદ્યા, આધ્યાત્મિકતા, હિપ્નોટીઝમ, બીજાના વિચારોને જાણી લેવાની વિદ્યા, યોગ સાધના અને એવી બીજી બાબતોમાં રસ હોવાથી એ વિષયોની માહિતી મેળવવા એમણે બનતું અધ્યયન કરેલું અને કેટલાક વિષયોમાં ચંચુપાત કરીને થોડોક સ્વાનુભવ પણ પ્રાપ્ત કરેલો. વખતના વીતવા સાથે ધીમે ધીમે છતાં ચોક્કસતાપૂર્વક એમની આધ્યાત્મિક અભિરુચિ વધવા માંડી. એમને મોટા મોટા યોગીઓ, તપસ્વીઓ અને સમર્થ સંતોનો સમાગમ કરવાની અને એમનાં ચરણોમાં બેસીને એમની પાસેથી કાંઈક મહત્વનું શ્રેયસ્કર મેળવવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા દિનપ્રતિદિન જોર પકડતી થઈ.

એમને થયું કે એવા યોગીઓ કે લોકોત્તર સંતપુરૂષોની પ્રાપ્તિ માટે ભારતનો પ્રવાસ કરવો જોઈએ; કારણ કે ભારત એમના આવિર્ભાવ માટે પ્રખ્યાત છે. એનો મહિમા માનવસંસ્કૃતિ તથા સાધનાની પ્રાતઃસ્મરણીય પુરાતન જનની તરીકે એવો જ અકબંધ છે. ભારતમાં આજની ભૌતિક સુખોપભોગયુક્ત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એવા સમર્થ પુરૂષોનો સમાગમ જરૂર થઈ શકશે. ફક્ત એમને શોધવા કે મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

ભારતને માટે કોણ જાણે કેમ પણ એમને આરંભથી જ ––એમના વિદ્યાભ્યાસના કિશોરકાળથી જ અનેરું આકર્ષણ હતું. એ આકર્ષણ દિવસે દિવસે વધતું ગયું. મોટી ઉંમરે આત્મવિકાસની ઉચ્ચત્તમ આકાંક્ષાથી અનુપ્રાણિત થઈને ભારતના પુણ્યપ્રવાસના ઘાટ ઘડ્યા ને યોજનાઓ બનાવી. એમનો આત્મા જ્યારે એકદમ અકળાઈ ઊઠ્યો કે અધીર બન્યો ત્યારે પત્રકારત્વના લાભપ્રદ પ્રતિષ્ઠાપ્રાપ્ત પ્રિય વ્યવસાયને ગૌણ ગણીને એમણે ભારત માટે પ્રયાણ કર્યુ.

એ વરસ ઈ.સ. ૧૯૩૦નું હતું.

ભારતની પવિત્ર પુણ્યમયી ધરતી પર પગ મૂક્યા પછી એમણે જુદા જુદા પ્રદેશોનો પ્રવાસ કર્યો. એ પ્રવાસ ખૂબ જ શિક્ષાપ્રદ, ઉપકારક અને રોચક સાબિત થયો. એ દરમિયાન એમણે ઘણું ઘણું જોયું, જાણ્યું, સાંભળ્યું અને અનુભવ્યું. એના પરિણામે ભારતને માટેનો એમનો આદરભાવ વધી પડ્યો.

બ્રન્ટને ભારતનાં ભિન્નભિન્ન સ્થળોની મુલાકાત લીધી. એમણે પોતાના એ વિશાળ પ્રવાસ દરમિયાન કેટલાય સંતોનો સમાગમ કર્યો. એમનું મન કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત હતું. શુભ તથા સત્યનું દર્શન ગ્રહણ કરવા એમણે તટસ્થ વૃત્તિથી બધે ફરીને બનતા બધા જ પ્રયત્નો કરી જોયા. પોતાના પ્રવાસ દરમિયાન એમને કેટલાક બગભગતો મળ્યા, કેટલાક આપબડાઈ કરનારા નકલી પથભ્રાંત સાધુઓના સંસર્ગમાં આવવું પડ્યું, કેટલાક સિદ્ધિઓવાળા સંતો સાંપડ્યા, તો કેટલાક સાચા સાધકો ને સંતોનાં દર્શનનો પણ લાભ મળ્યો. સાચા સંતોના સંસર્ગથી એમને ઓછાવત્તા પ્રમાણમાં શાંતિ સાંપડી ને નવું નવું જાણવાનું મળ્યું. ખાસ કરીને માસ્ટર મહાશય, સાહેબજી મહારાજ, બ્રહ્મ, શંકરાચાર્ય ને ચંડીદાસના વ્યક્તિત્વનો પ્રભાવ એમની ઉપર ઘણો પ્રબળ પડ્યો. એમના સંસર્ગે એમને મહામૂલ્યવાન પ્રેરણા પૂરી પાડી. માસ્ટર મહાશય અને સાહેબજી મહારાજનો પ્રભાવ એટલો બધો પરાકાષ્ઠાએ પહોંચ્યો કે એમના શિષ્ય બનવાની આકાંક્ષા પણ એમને થઈ આવી. પરંતુ એ એમના ગુરૂ બનવા નહોતા સરજાયલા. માસ્ટર મહાશયે કલકત્તાના નિવાસસ્થાનમાંની પ્રથમ મુલાકાત દરમિયાન એમના ઉદગારો દ્વારા એ વસ્તુની સ્પષ્ટતા કરી.

બ્રન્ટનની ભારતના આધ્યાત્મિક આત્મપ્રકાશની ખોજ અબાધિત રીતે ચાલુ જ રહી. સંપૂર્ણ સફળતા સિવાય એ અધવચ્ચે અટકે તેમ ન હતી.

આખરે ભાગ્ય એમને એક ધન્ય દિવસે તિરુવણ્ણામલૈના રમણાશ્રમમાં રમણ મહર્ષિ પાસે લઈ આવ્યું.

મહર્ષિ પોતાની સ્વાભાવિક પદ્ધતિ પ્રમાણે શાંતિથી બેઠેલા.

બ્રન્ટનને એમનાં દર્શનનો દેવદુલર્ભ લાભ મળ્યો.

મહર્ષિના અસાધારણ અનુગ્રહથી બ્રન્ટન એમની સંનિધિમાં વિશાળ હોલમાં બેસીને એક ધન્ય પળે ચિત્તના લયની કે તંદ્રાની પ્રાપ્તિ કરી શક્યા. એ તંદ્રાવસ્થામાં એમને મહર્ષિનો અદભુત અનુભવ થયો. એ અનુભવની અસર એમના પર ઘણી ભારે થઈ. એમને મહર્ષિને માટે પૂજ્યભાવ થયો. એમના સ્વર્ગીય સાંનિધ્યમાં એ અધિકાધિક સુખશાંતિ અનુભવવા માંડ્યા.

* * *          * * *          * * *          * * *

મહર્ષિના સમાગમને પરિણામે બ્રન્ટનને સંપૂર્ણ શાંતિ સાંપડી કે એમની સઘળી સમસ્યાઓનું સુખદ સમાધાન થઈ ગયું એવું ના કહી શકાય; છતાં પણ એથી એમને અમૂલખ લાભ તો થયો જ. એમના મોટા ભાગના જટિલ પ્રશ્નોના ઉત્તરો એમને મળી ગયા. એથી એમને સુખ સાંપડ્યું. એમણે અનુભવ્યું કે મહર્ષિ અતિશય સરળ તથા સ્પષ્ટ છે ને કોઈના પર પ્રભાવ પાડીને કોઈને પોતાના ભક્ત, શિષ્ય કે અનુયાયી બનાવવાની આકાંક્ષા ભૂલેચૂકે પણ નથી રાખતા. એમનાં મંતવ્યો અને અભિપ્રાયોનો હઠાગ્રહ પણ એમનામાં નથી દેખાતો. એ એમનાથી પ્રભાવિત થઈને થોડાક દિવસોના નિશ્ચિંતતાપૂર્વકના નિવાસ પછી ચાલી નીકળ્યા.

એમનું મન જુદા જુદા સંતોનો સમાગમ કરવા તેમ જ સિદ્ધિઓના અનુભવો મેળવવા આતુર હતું.

એમનું મન ક્યાંય સંપૂર્ણપણે માન્યું નહિ ત્યારે આખરે એમણે રમણાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું.

એમના સાંનિધ્યમાં એમની શંકાઓ શમી ગઈ. એમને પ્રકાશ જડ્યો ને શાંતિ મળી.

મહર્ષિની સુયોગ્યતા અને સર્વોત્તમતાને એ વધારે સારી રીતે સમજી શક્યા, અને એમને લાગ્યું કે ભારતના વર્તમાનકાળના સંતપુરૂષોમાં મહર્ષિ સર્વશ્રેષ્ઠ છે : પ્રાચીન કાળના પ્રાતઃસ્મરણીય મહાત્માઓ કે પ્રતાપી પુરૂષોની પ્રકાશવાન પરંપરામાં એ એક સર્વોત્કૃષ્ટ પ્રતિનિધિ છે.

એમણે એમને ગુરૂ માન્યા ને કબૂલ્યું કે વાણીના માધ્યમ વિના અમે હવે એકમેકને વધારે સારી રીતે સમજીએ છીએ, કારણ કે આ ગૂઢતમ મૌનાવસ્થામાં અમારાં મન સર્વોત્તમ સંવાદિતા સાધે છે ને મને એમની સંક્રમણશક્તિના સુપરિણામરૂપે શાંત શબ્દરહિત સંદેશ સાંપડે છે. મહર્ષિના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણની ઝાંખી મને થઈ ગઈ હોવાથી એમના આંતરજીવન સાથે મારું આંતરિક જીવન મળવા અને એક થવા લાગ્યું છે.

* * *          * * *          * * *          * * *

બ્રન્ટન ઈ.સ. ૧૯૩૬માં એકવાર પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં પણ મહાયોગી શ્રી અરવિંદના દર્શન માટે દર્શનના દિવસ પર જ પહોંચેલા. એવો ઉલ્લેખ મળી રહે છે.

મહર્ષિનો એમના પર પડેલો પ્રભાવ અસાધારણ હતો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.