if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઈંગ્લાંડવાસી સાધુ અરૂણાચલ તિરુવણ્ણામલૈના રમણાશ્રમમાં ઈ.સ. ૧૯૩૫ના નવેમ્બરની પહેલી તારીખે આવી પહોંચ્યા તે પછી ઈ.સ. ૧૯૬૨ના એપ્રિલમાં એમનું શરીર શાંત થયું ત્યાં સુધી પાછા ફર્યા જ નહિ. એ રમણાશ્રમ અને એમના ગુરૂ રમણ મહર્ષિના જીવનના એક અવિભાજ્ય અંગ બની ગયા.

રમણાશ્રમમાં આવતાં પહેલાં પણ રોજ સાંજે કામકાજથી પરવારીને ધ્યાનમાં બેસવાની ટેવ તો એમણે પાડેલી જ. તિરુવણ્ણામલૈ પહોંચ્યા પછી જે ધ્યાનપદ્ધતિનો પરિચય થયો તે ધ્યાનપદ્ધતિ પોતાની પૂર્વપદ્ધતિ કરતાં ખાસ જુદી ન હતી એ સમજતાં એમને સ્વાભાવિક રીતે જ આનંદ થયો. એ મહર્ષિ સાથે પૂર્વજન્મમાં સંકળાયલા હોય એવું એમના અંતરને લાગવા માંડ્યું. પાછળથી એકવાર એમની એ લાગણીનો ઉલ્લેખ કરતાં મહર્ષિએ એનું સમર્થન કરતાં કહેલું પણ ખરું :

 ‘ચાડવિક પહેલાં આપણી સાથે જ હતા. આપણામાંના એક હતા. એમની પશ્ચિમમાં જન્મવાની થોડીક ઈચ્છા હતી અને એ ઈચ્છા હવે પૂરી થઈ છે.’

* * *          * * *          * * *          * * *

એ વહેલી સવારે ટ્રેન દ્વારા તિરુવણ્ણામલૈ આવી પહોંચ્યા. શિયાળાની સવારના શાંત સરસ વાતાવરણથી એ ખૂબ જ પ્રભાવિત થયાં. સ્ટેશન પર એમને લેવા માટે ગણપતિ શાસ્ત્રી આવી પહોંચેલા. આશ્રમમાં એમને સ્ટોરરૂમની બાજુના રૂમમાં ઉતારો આપવામાં આવેલો.

મહર્ષિ લગભગ સાતેક વાગે ફરીને પાછા આવ્યા ને હોલમાં બેઠા એટલે અરૂણાચલ પણ ત્યાં પહોંચી ગયા. એમને મહર્ષિની સામેના બારણાની બાજુમાં એક ખુરશી પર બેસાડવામાં આવ્યા. મહિનાઓ સુધી એ પ્રથાનો લોકોએ વિરોધ ના કર્યો ત્યાં સુધી એમણે એવી રીતે ખુરશી પર બેસવાનું ચાલુ રાખ્યું. વરસોના અભ્યાસ છતાં એ લાંબા વખત લગી જમીન પર નહોતા બેસી શકતા. પાછળથી એમણે ધ્યાનમાં બેસી શકાય તે માટે એક કપડાનો પટ્ટો તૈયાર કરાવ્યો. કમરે તથા ઘૂંટણે એને વીંટાળીને એ ધ્યાનમાં બેસતા. એકવાર એ દશામાં એમને હોલમાં ધ્યાન કરતા જોઈને કેટલાક છોકરાઓએ મહર્ષિને પૂછ્યું કે, આમને શા માટે બાંધવામાં આવ્યા છે ? એ સાંભળીને મહર્ષિ એમની નિર્દોષતાથી આનંદ પામેલા. સાધુ અરૂણાચલે વરસો સુધી એ પટ્ટાનો ઉપયોગ કરેલો.

મહર્ષિના પ્રથમવારનાં દર્શનનો પ્રભાવ એના પર કેવો પડ્યો હશે એને જાણવાની ઈચ્છા સૌને થઈ આવે એ સ્વાભાવિક છે. એ વિશે એ પોતે જણાવે છે તે ખૂબ જ રસપ્રદ છે. એ લખે છે :

 ‘ભગવાનનાં પ્રથમ દર્શન અથવા સાંનિધ્યની મારી પ્રતિક્રિયાને વર્ણવાનું કામ ખરેખર કઠિન છે. એમની ઉપસ્થિતિ અથવા ઉદાત્તતામાંથી પરિણમનારી પ્રખર શાંતિનો અનુભવ મને થવા માંડ્યો. મને લાગ્યું કે હું એમને પ્રથમવાર જ નથી મળતો. એમને કાયમ માટે જાણતો હોઉં એવું થવા માંડ્યું.’

 ‘પહેલી વાર હું હોલમાં પ્રવેશ્યો ત્યારે એ કોચ પર બારણા તરફ મુખ રાખીને બેઠેલા એ વખતે સાતેક વાગેલા અને એ પર્વત પરથી ફરીને પાછા ફરેલા. એમણે મારો સુંદર સ્મિત સાથે સત્કાર કર્યો, મેં નાસ્તો કર્યો કે નહિ તેની માહિતી મેળવી, ને મને બેસવાની સૂચના કરી. એ દિવસ કોઈ ઉત્સવનો દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ભેગા થયેલા. ભગવાને એ દિવસે ભોજનનો સમય થયો ત્યાં સુધી બધા જ સમય દરમિયાન મારી સાથે વાતચીત કરી. એમણે મારા જીવન ને મારી વિશે અનેક પ્રશ્નો પૂછ્યા. એ બધું તદ્દન સ્વાભાવિક લાગ્યું. પાછળથી મને જાણવા મળ્યું કે મોટે ભાગે એ કોઈના આગમનને દૃષ્ટિપાત કરીને જ વધાવતા, કોઈવાર કાંઈક બોલીને શાંત રહેતા, અને આવનારના પ્રશ્નો કે સંશયો સાંભળવા, એમનું સમાધાન કરવાની ભાવનાથી, રાહ જોતા. કેટલીક વાર તો કોઈના આગમનની એમને ખબર પણ ના પડતી. જોકે બહારથી એવું દેખાતું કારણ કે એ સદાય સભાન રહેતા.’

એકાદ બે દિવસ આશ્રમમાં રહ્યા પછી સાધુ અરૂણાચલને મહર્ષિની આજ્ઞાથી ‘હું કોણ છું ?’ એ પુસ્તિકા વાંચવા માટે આપવામાં આવી. એમાં એમના ઉપદેશનો અર્ક સમાયેલો. એ પછીનું મહર્ષિએ એમને વાંચવા માટે સૂચવેલું બીજું પુસ્તક શ્રી બી.વી. નરસિંહસ્વામીએ લખેલું એમના વિસ્તૃત જીવનવૃત્તાંતનું પુસ્તક હતું. એ બંનેનું અધ્યયન એમને માટે ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું.  

* * *          * * *          * * *          * * *

મહર્ષિને મળવાનો સર્વોત્તમ સમય બપોરે એક વાગ્યાનો, એ પર્વત પરથી પાછા આવતા ત્યાર પછીનો, હતો એની ખબર સાધુ અરૂણાચલને થોડાક વખત પછી પડી ગઈ. એ વખતે મહર્ષિ લગભગ એમના સેવક સાથે એકલા રહેતા. સેવક એમને છત પરનો હાથમાં પકડેલી દોરીની મદદથી પંખો કરતાં કેટલીકવાર ઊંઘમાં પડી જતો ને જતો રહેતો. એવે વખતે કેટલીકવાર અરૂણાચલ એને જવાની સૂચના પણ આપતા અને એના ગયા પછી મહર્ષિના કોચ પાસે એમના મસ્તક પાસે બેસીને વાતચીત કરતા. એ સમય દરમિયાન મહર્ષિ એમને ઉપદેશ આપતા ને સૂચનાઓ પૂરી પાડતા. એ શાંત સમય એમના જીવનનો સૌથી શ્રેષ્ઠ, મૂલ્યવાન સમય થઈ પડ્યો. મહર્ષિ વર્તમાનપત્ર વાંચી શકે અને સાધુ અરૂણાચલ ધીમેથી બોલે તો તો સમજી શકે એટલું અંગ્રેજી જ્ઞાન ધરાવતા એટલે ભાષાની ખાસ મુશ્કેલી ના પડતી. ઉત્તર જો સંક્ષેપમાં જ આપવાનો હોય કે કોઈક શાસ્ત્રવચનનો નિર્દેશ કરવાનો હોય તો એ કામ એ તરત જ પતાવી દેતા. પરંતુ જો ઉત્તર લાંબો અથવા અઘરો લાગતો તો એ સાંજે કે બપોર પછી કોઈ દુભાષિયો મળે તેની રાહ જોતા.

સાધુ અરૂણાચલનો મહર્ષિપ્રેમ ધીરે ધીરે વધતો ગયો. એ પ્રબળ પ્રેમે પૂજ્યભાવ અને અચળ શ્રદ્ધાભક્તિનું રૂપ ધારણ કર્યું. મહર્ષિના મંગલ માર્ગદર્શન મુજબ એમના સ્વર્ગીય સાંનિધ્યમાં એ શાંતિ મેળવવા માંડ્યા. રમણાશ્રમનું વાતાવરણ એમને ઘરથી પણ વધારે પ્રિય તેમ જ સુખપ્રદાયક લાગવા માંડ્યું. મહર્ષિના વ્યક્તિત્વનું વર્ણન કરતાં એમણે પરમ પ્રેમ, ભક્તિ તથા પૂજ્યભાવથી પ્રેરાઈને લખ્યું છે :

 ‘ભગવાન ખૂબ જ સુંદર હતા. એ પ્રકાશ અથવા ઓજસથી અલંકૃત લાગતા. એમના હાથ જેવા નાજુક હાથ મેં બીજા કોઈના પણ નથી જોયા. એ હાથની મદદથી એ એમના ભાવોની અભિવ્યક્તિ કરતા કે વાતચીત કરી શકતા. એમની મુખાકૃતિ પરના ભાવો સ્થિર હતા અને એમની ચમત્કૃતિભરી ઓજસ્વી આંખ તો સુપ્રસિદ્ધ છે જ. એમનું કપાળ ઊપસેલું ને મોટું હતું. એવું સરસ કપાળ મેં બીજા કોઈનું નથી જોયું. મોટું કપાળ ભારતની જનતાની દૃષ્ટિએ બુદ્ધિમાનીનું સૂચક ગણાય છે તે એમના સંબંધમાં સ્વાભાવિક રીતે જ સાચું હતું. એમનું મધ્યમ કદનું શરીર સપ્રમાણ દેખાતું, પરંતુ એમનું વ્યક્તિત્વ એટલું બધું પ્રભાવશાળી લાગતું કે એ ઊંચા દેખાતા. એ ભારે વિનોદપ્રિય હતા અને વાત કરતી વખતે અવારનવાર સ્મિત કરતા. એમની અભિનયશક્તિ ઘણી ઉચ્ચ કક્ષાની હતી. એ કોઈ પણ વિષયને રસપૂર્ણ અથવા હૃદયંગમ રીતે રજુ કરી શકતા. વિષય જ્યારે કરૂણ હોય ત્યારે એ લાગણીવશ બની જતા અને આગળ ના વધી શકતા. લોકો એમના ગૃહજીવન કે કૌટુંબિક જીવનની કથાઓ સાથે એમની આગળ આવી પહોંચતા ત્યારે સુખીને જોઈને એ હર્ષની લાગણી દર્શાવતા ને કેટલીકવાર દુઃખીને દેખીને અશ્રુ વહાવતા. એવી રીતે બીજાનાં સંવેદનમાં સહભાગી બનતા. એ કદી ઉશ્કેરાઈને બોલતા નહિ, અને પ્રસંગોપાત્ત ક્રોધે ભરાયલા દેખાતા તો પણ એમની સ્વસ્થતા તથા શાંતિ એવી જ અકબંધ રહેતી. એમની સાથે તરત જ વાતચીત શરૂ કરાતાં એ તદ્દન સ્થિરચિત્તે શાંતિપૂર્વક ઉત્તર આપતા. કારણ દૂર થયા પછી પણ બીજા માણસો પર પોતાના ક્રોધની અસર ઓછાવત્તા પ્રમાણમાં રહી જાય છે. અંદરખાનેથી આપણને સૌને સ્વસ્થ થતાં ને આપણા અસલ સ્વરૂપમાં આવતાં વાર લાગે છે, પરંતુ એમની ઉપર કોઈ પ્રતિક્રિયા નહોતી પડતી.’

* * *          * * *          * * *          * * *

સાધુ અરૂણાચલે એકવાર મહર્ષિ પાસે પોંડિચેરી જવાની અનુમતિ માગી.

મહર્ષિએ પૂછ્યું : ‘શા માટે જવું છે ?’

અરૂણાચલે જણાવ્યું કે મારા એક દાંતમાં તકલીફ હોવાથી દાંતના દાક્તરને બતાવવા જવું છે.

મહર્ષિ મૌન રહ્યા એટલે અરૂણાચલે એમનો વિચાર માંડી વાળ્યો.

થોડાક દિવસો પછી એમણે કહ્યું : ‘મને લાગ્યું કે તમે પોંડિચેરી જવાના છો પણ તમે તો હજુ અહીં છો !’

 ‘પરંતુ તમારી રજા મને નથી મળી.’ અરૂણાચલે ખુલાસો કર્યો.

મહર્ષિ કશું બોલ્યા નહિ.

બન્યું પણ એવું કે દર્દ મટી ગયું. અરૂણાચલનું ફૂલેલું અવાળું ઠીક થયું, ત્યાંનો સડો આપોઆપ દૂર થયો ને દાક્તર પાસે જવાની આવશ્યક્તા ના રહી.

પરંતુ થોડાક મહિના વીતી ગયા પછી એમના બીજા દાંતે તકલીફ પેદા થઈ.

એમણે એની વિગત જણાવીને મહર્ષિ પાસે પોંડિચેરી જવાની મંજૂરી માગી તો મહર્ષિએ તત્કાળ જણાવ્યું : ‘ભલે જઈ આવો.’

એમની આજ્ઞાનુસાર એમણે પ્રસ્થાન કર્યું અને એમની સફર સફળ નીવડી.

સાધુ અરૂણાચલના નોકરના પિતા મલબારમાં માંદા હોવાથી એ નોકર એમને મળવાની ઈચ્છા રાખતો’તો.

અરૂણાચલ એના વિના આશ્રમમાં સારી રીતે રહી શકે તેમ ના હોવાથી એમણે એને જણાવ્યું કે મહર્ષિની મંજૂરી મળે તો પોતે પણ એના વ્યાધિગ્રસ્ત પિતાને જોવા એની સાથે આવી શક્શે.

અરૂણાચલના આવાસની પાછળના ભાગમાં એક દરવાજો હતો. એ દરવાજો મોટે ભાગે બંધ રહેતો અને આશ્રમના બગીચા તરફ પડતો. મહર્ષિ બપોરે એ બાજુથી ફરીને પાછા આવતા ત્યારે કોઈ કોઈ વાર અરૂણાચલ એમને એ રસ્તે પોતાને ત્યાં લાવવામાં સફળ થતા.

એક દિવસ એ ફરીને પાછા આવતા’તા ત્યારે અરૂણાચલના નોકરે એમને મળીને બધી હકીકત કહી સંભળાવી અને અરૂણાચલ તથા પોતાને માટે ઘેર જવાની અનુમતિ માગી.

મહર્ષિની અનુમતિ મળી ગઈ. પરંતુ નોકરે જણાવ્યું કે તમે પોતે જ્યાં સુધી અંદર આવીને અરૂણાચલને અનુજ્ઞા નહિ આપો ત્યાં સુધી માનશે નહિ. એટલે એ દરવાજામાં થઈને અરૂણાચલના ઓરડામાં આવ્યા ને બોલ્યા :

 ‘રામન એના પિતા પાસે જવા માગે છે.’

 ‘હા’ અરૂણાચલે ઉત્તર આપ્યો.

મહર્ષિ થોડીવાર પછી બહાર નીકળ્યા. પરંતુ દરવાજા તરફ જતાં પહેલાં પાછળ ફરીને બોલ્યા :

 ‘હા. તમે પણ વારકાલા જરૂર જાવ. ત્યાં વધારે ઠંડક હશે.’

એ આજ્ઞા અરૂણાચલને ઉદ્દેશીને કરવામાં આવેલી.

અરૂણાચલ એથી સંતોષ પામ્યા.

એમની મહર્ષિને માટેની શ્રદ્ધાભક્તિ એવી અસાધારણ હતી. મહર્ષિનાં ચરણોમાં એમણે સર્વસમર્પણ કર્યું હોવાથી એમની અનુજ્ઞા વિના એ એક ડગલું પણ ના ભરતા. એમનું જીવન મહર્ષિમય બની ગયેલું એવું કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી થતી. એમનું મન અને અંતર મહર્ષિની આસપાસ જ રમ્યા કરતું. મહર્ષિ જ એમના સર્વસ્વ હતા.

એ સ્નેહ અને સમર્પણભાવને લીધે જ એમનો વિકાસ શક્ય બન્યો ને એમને સહેલાઈથી શાંતિ મળી. મહર્ષિના અલૌકિક અનુગ્રહથી એમની કાયાપલટ થઈ ગઈ અને એમની ભારતયાત્રા સફળ બની.

મહર્ષિની મહાસમાધિના એ સાક્ષી થયા. એ મહાસમાધિ પછી પણ વરસો સુધી આશ્રમના વાતાવરણમાં વસીને મહર્ષિની અસાધારણ સંનિધિનો અનુભવ કરતાં અને જીવનને વધારે ને વધારે જ્યોતિર્મય કરવાની સાધનાનો આશ્રય લેતાં એ બીજા અનેકને પ્રકાશ ને પથપ્રદર્શન પહોંચાડી રહ્યા. મહર્ષિના સમાધિમંદિરમાં નિયમિત રીતે સવારના આઠથી દસ અને સાંજના પાંચથી સાત દરમિયાન ચાર કલાક લગી બેઠેલા દેખાતા. જે મુલાકાતીઓ એમને ઓળખતા તે એમના અમૂલખ અનુભવનો લાભ લેતા.

ઈ.સ. ૧૯૫૯ના ડિસેમ્બરની ૧૭મીએ ઊજવાયલા (હિંદુ તિથિ પ્રમાણે) મહર્ષિના ૮૦મા જન્મદિવસના ઉપલક્ષમાં લખેલા એક લેખમાં એમના મહર્ષિ પ્રત્યેના પ્રેમને પ્રકટ કરતાં એમણે જે લખ્યું છે તે એમના અંતરની ઉદાત્તતા તેમ જ નિષ્ઠાનું પરિચાયક હોવાથી ખાસ યાદ કરવા જેવું છે :

 ‘આપણા પરમપ્રિય ગુરૂના નિરંતર અસ્તિત્વમાં જે શંકાશીલ છે એવા માણસોને બે શબ્દો  કહેવાનો આ અવસર જતો કરવાનું મન મને નથી થતું. આપણે એમના સંબંધમાં એ ચાલ્યા ગયા હોય એવી રીતે વાત કરીએ છીએ તો પણ એ સાચેસાચ અહીં છે, જીવતા છે, અને દેખાતા ના હોય તો પણ એમણે આપેલા વચન પ્રમાણે છે જ.’

‘શ્રી રમણે એમના સ્થૂલ શરીરને છોડી દીધું છે તો પણ એમની શક્તિનો નાશ નથી થયો. ઈલેક્ટ્રિક બલ્બ દ્વારા ઓરડામાં ફેલાતા પ્રકાશ પેઠે એ સર્વત્ર રહેલા છે. ઓરડાનો કોઈ ભાગ અંધારાથી ઘેરાયેલો નથી રહેતો, તો પણ ઓરડાના બીજા ભાગો કરતાં બલ્બની પાસે વધારે પ્રકાશ જોવા મળે છે. આપણા ગુરૂનો પ્રકાશ પણ એમના શરીરને જે સ્થળે સમાધિ આપવામાં આવેલી તે સ્થળે દેખાતો હોય તો એમાં આશ્ચર્ય જેવું શું છે ?’

 ‘મારા કથનની વાસ્તવિક્તાને મારા અંગત અનુભવના આધાર પર પુરવાર કરવાની શક્તિ હોવા છતાં એવું કરી બતાવવાની આવશ્યક્તા નથી લાગતી. શાસ્ત્રોમાં વચનોમાં વિશ્વાસ રાખવાથી મને સંતોષ મળે છે. એ વિશ્વાસ મારે માટે પૂરતો છે. અને જો તમને ઉચિત લાગતું હોય તો તમે પોતે આશ્રમની મુલાકાત લીધા પછી તમારા પોતાના અનુભવના આધાર પર નક્કી કરી શકો છો.’

 ‘સ્વાનુભવના આધાર પર ચોક્કસપણે કહી શકાય તેમ છે કે શ્રી રમણ આજે પણ આપણી વચ્ચે છે અને એમની સંનિધિનો અનુભવ સ્વાભાવિક રીતે જ અને અત્યંત સહેલાઈથી આટલા બધા વખત લગી એ જ્યાં રહ્યા અને એમના શરીરને જ્યાં સમાધિ કરાવવામાં આવી ત્યાં થઈ શકે છે. દુનિયાના લગભગ બધા જ મોટા ધર્મોમાં કોઈ પણ પ્રકારના અપવાદ વગર એ પ્રથા નથી દેખાતી ? ઉચ્ચ કક્ષાના આદરણીય સંતો, ફકીરો કે ઓલિયાઓની કબરોને મુસલમાનો પણ પૂજે છે, અને બુદ્ધ ધર્માવલંબીઓ પણ એમના સંતોના અવશેષ અથવા સ્મૃતિચિન્હની ભક્તિભાવે પ્રેરાઈને કેટલીય કષ્ટપ્રદ યાત્રાઓ કરતા હોય છે. કોઈ પણ ચોક્કસ પ્રયોજનમાં વિશ્વાસ રાખ્યા વિના માણસો એવાં બધાં કષ્ટો કાંઈ નકામા જ નથી ઉઠાવતા.’

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.