if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહર્ષિના આશ્રમમાં નિત્યનિરંતર મુલાકાતીઓની ભીડ રહેતી પરંતુ અમુક દિવસો દરમિયાન તો જાણે કે મોટો માનવમેળો ભરાતો. એ દિવસોમાં દૂરદૂરથી દર્શનાર્થીઓ ઊભરાવા માંડતા. આશ્રમના સંચાલકો કે વ્યવસ્થાપકોને એમની ખાસ વ્યવસ્થા કરવી પડતી. એ દિવસો વિશેષ ઉત્સવ દિવસો કહેવાતા.

એવા ઉત્સવ દિવસોમાં સૌથી પ્રથમ મહત્વનો દિવસ મહર્ષિની જન્મજયંતીનો હતો, બીજો કૃતિકાનો ને ત્રીજો મહર્ષિની માતા અલઘમ્માના દેહત્યાગનો દિવસ ગણાતો. મહર્ષિની જન્મજયંતી તથા માતા અલઘમ્માના દેહત્યાગના દિવસે હજાર જેટલા આમંત્રિતોને ભોજન કરાવવામાં આવતું અને આમંત્રણ વગરના ગરીબ ભોજનાર્થીઓની સંખ્યા તો કેટલાય સોની થઈ જતી. અલઘમ્માના દેહવિલયનો દિવસ માતૃભૂતેશ્વર મંદિરના મહોત્સવ તરીકે મનાતો ને તે દિવસે મંદિરમાં ખાસ પૂજા કરવામાં આવતી.

ઉત્સવના એ દિવસો વખતે મહર્ષિના વ્યક્તિત્વનું દર્શન જરા જુદી રીતે જ થઈ રહેતું. એ દિવસોએ મિષ્ટ પદાર્થો ને સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરાવીને સૌને જમાડવાનો ને કોઈને પણ નિરાશ ના કરવાનો આગ્રહ રખાતો. બધા માણસોને એક સાથે જમાડવાનું શક્ય ના હોવાથી વારાફરતી પંક્તિવાર બેસાડવામાં આવતા. મહર્ષિ એ સૌને જમાડવામાં ઊંડો રસ લેતા ને જમી લીધા પછી છેક છેલ્લા જમવા બેસતા. બીજાને જમાડવામાં એમને અદભુત આનંદ આવતો. એવા પ્રસંગોએ એમની મહાનતાનું દર્શન થતું.  જ્યાં સુધી એક પણ માણસ જમ્યા વગરનો બાકી હોય ત્યાં સુધી એમને કહેવામાં આવતું તો પણ એ ભોજન કરવાની ના પાડતા.

સામાન્ય રીતે પણ એમની ટેવ બીજાને ખવડાવીને ખાવાની હતી. એમની આગળ પ્રસાદ લાવવામાં આવતો તો તેને વહેંચવાની સૂચના મળતી. ખાદ્યપદાર્થ ગમે તેટલો ઉત્તમ, વિરલ કે મૂલ્યવાન હોય તો પણ એ એનો ઉપભોગ કદાપિ એકલા ના કરતા. કોઈવાર કોઈ સુંદર ફળ, મીઠાઈ, મિષ્ટ પદાર્થ કે કૉફીનો પ્યાલો લઈને આવી પહોંચતું ને એમને કહેતું કે આ ખૂબ જ સરસ છે, તમે કૃપા કરીને ગ્રહણ કરો, તો તરત જ શાંતિપૂર્વક ઉત્તર આપતા કે હું શા માટે ગ્રહણ કરું ? એના સિવાય હું સુખી નથી શું ? જો મારે કાંઈ લેવાનું હોય તો તે બધાને મળવું જોઈએ. એવું કહીને એ એમને અર્પણ કરાયેલી વસ્તુ ચાખ્યા વિના જ પાછી વાળતા અથવા ત્યાં જે હાજર હોય તે પ્રાણીઓને અપાવી દેતા.

એમનો ભોજન સંબંધી એક બીજો નિયમ પણ ખાસ જાણવા જેવો છે. એ નિયમ જમ્યા પછી કશું પણ ના છાંડવાનો હતો. એ નિયમપાલનની ટેવ બચપણથી જ પડી ગઈ હોવાથી એમને માટે સ્વાભાવિક બની ગયેલી. જે કાંઈ પીરસવામાં આવતું તે બધું જ એ આરોગી જતા. એ ઉપરાંત જે પીરસવામાં આવે તે બધું પંક્તિમાં બેઠેલા બધાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ને પોતાને વિશેષ મહત્વ આપ્યા વિના કે પોતાના તરફ પક્ષપાત બતાવ્યા વિના પીરસવામાં આવે એવો એ ખ્યાલ અથવા આગ્રહ રાખતા. એ એમની સાથે જમવા બેઠેલા સાધારણ દેખાતા કે ગરીબ માણસનું પણ ધ્યાન રાખતા. પોતાના આશ્રમ પર અથવા આશ્રમની સાધનસામગ્રી પર કોઈ વિશેષ અધિકાર છે એ પ્રકારના બીજાના ખ્યાલ કે વર્તનને ના પોષવા દેતા. એ જણાવતા કે હું તો આશ્રમનો એક સામાન્ય સદસ્ય જ છું ને બીજા કરતાં મારો અધિકાર જરા પણ વધારે નથી. એ કેટલા બધા નિરભિમાની, નમ્ર, નિર્મમ, અનાસક્ત અને જાગ્રત હતા તેની પ્રતિતી એના પરથી સહેલાઈથી થઈ રહે છે. આજના ને ભવિષ્યના આશ્રમધારીઓ કે મઠાધીશોએ એમના જીવનમાંથી ઘણું ઘણું શીખવાનું છે. એમની સાધના સર્વશ્રેષ્ઠ હતી અને એમના વિચારો મહાન હતા એ તો સાચે જ છે; પરંતુ એમનું વર્તન પણ એટલું જ નિષ્કપટ, નિખાલસ ને મહાન હતું, માટે જ એ મહાન હતા. માણસની મહાનતા બીજી રીતે ગમે તેટલી હોય પણ એનું પ્રતિબિંબ જો એના આચરણમા ના પડતું હોય તો એ મહાનતા સર્વાંગીણ કે સાચી ના કહી શકાય. એ મહાનતા અપૂર્ણ કહેવાય ને બીજાને જીવનોપયોગી પ્રેરણાનું પાન ના કરાવી શકે. આધ્યાત્મિક વિકાસના સરસ સર્વોત્તમ ક્ષેત્રમાં તો એ એક અવગુણ જ લેખાય, ત્રુટિ ગણાય, ને જરા પણ ઉત્સાહજનક, આદર્શ અથવા આશીર્વાદરૂપ ના મનાય. એ ક્ષેત્રમાં મુખ્ય મહત્વ થોડાક પણ આદર્શ આચારનું છે. મહર્ષિના જીવનમાં આચારનું એ અગત્યનું અંગ સુવિકસિત અથવા સંપૂર્ણતા પર પહોંચેલું દેખાતું.

* * *          * * *          * * *          * * *

પોતાના જન્મદિવસને કોઈ વિશેષ મહત્વનો દિવસ નહોતા ગણતા. તો પણ પ્રેમી ભક્તોની ભાવના કે લાગણીને અનુલક્ષીને એ ઉત્સવ થયા કરતો અને એમનો જન્મદિવસ વિશેષ રીતે મનાતો. એમને મન બધા દિવસો સરખા હોય અને એમના જન્મદિવસનું વિશેષ માહાત્મ્ય ના હોય તે સમજી શકાય તેવું છે. પરંતુ ભક્તોની ભાવના પણ ના સમજી શકાય તેવી તો નથી જ. એમની દૃષ્ટિએ એ દિવસ અત્યાધિક મહત્વ ધરાવતો હતો. એ દિવસ એમને મન કોઈ સામાન્ય દિવસ નહિ પરંતુ પર્વદિવસ હતો. એ દિવસે આ શોકસંતપ્ત, પીડાગ્રસ્ત, અવિદ્યાયુક્ત, પચરંગી, પૃથ્વી પર એમના રૂપમાં એક અસાધારણ જાજ્વલ્યમાન જીવનપ્રદાયક જ્યોતિનો પ્રાદુર્ભાવ થયેલો. એ જ્યોતિ કોઈ સામાન્ય જ્યોતિ નહોતી પણ પરમ જ્યોતિ હતી. એ દિવસે દેવના એક દૈવી દૂતે, પરમાત્માના એક પરમ પવિત્ર પ્રેમાળ પ્રતિનિધિએ, જગતમાં જન્મ લીધેલો. ઈશ્વરના અમૂલખ આશીર્વાદનું આતંકયુક્ત અશાંત અવનીમાં અવતરણ થયેલું. એમનો આવિર્ભાવ કોઈ સાધારણ ઘટના ન હતી. એવી ઘટનાઓ વિશ્વના આધ્યાત્મિક ઈતિહાસમાં વરસો નહિ પણ યુગો પછી કોઈક વાર જ બનતી હોય છે. એ ઘટનાનું સ્મરણ થાય અને એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવામાં આવે એમાં કશું ખોટું નથી. જન્મોત્સવનો આધાર ભાવિક ભક્તો પોતાની ભાવનાને પોષવા અને જીવનઉપયોગી પ્રકાશ અથવા શક્તિસામગ્રી મેળવવા લેતા હોય તો કશુ ખોટું નથી. ફક્ત તે શોખ કે પરંપરા ના બની જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

મહર્ષિના જન્મોત્સવનો આરંભ સૌથી પહેલાં કોણે ને ક્યારે કર્યો ? એ મહાપુરૂષના એકનિષ્ઠ ભક્ત શ્રી ગંભીરમ શેષય્યરજીએ ઈ.સ. ૧૯૧૨માં. મહર્ષિએ એને સ્વાભાવિક રીતે જ અનુમોદન ના આપ્યું.

પરંતુ ભાવિક ભક્તોએ મહર્ષિના વિરોધની પરવા કર્યા વિના એમનો જન્મોત્સવ શરૂ કર્યો. એ રીતે એમના મંગલમય અસાધારણ જન્મદિવસને ઊજવવાની પ્રથા પડી ગઈ. ભક્તો તેમ જ પ્રશંસકોને માટે એ ઉત્સવપ્રસંગ અત્યંત અગત્યનો ને પાવન થઈ પડ્યો.

મહર્ષિ પોતાની પૂજા ને પોતાના અભિષેકથી જરા પણ પ્રસન્ન ના થતા. એટલું જ નહિ, એ એનો નિર્ભીકતાપૂર્વક વિરોધ કરતા. એને લીધે એમના મસ્તક, શરીર કે ચરણ પર દૂધ, પાણી, મધ, દહીં જેવાં મંગલ દ્રવ્યોનો ઉપયોગ ના કરી શકાતો. મૂર્તીઓની આગળ નાળિયેર ફોડવામાં ને બીજી રીતે એમની પૂજા કરવામાં આવે છે તેવી રીતે એમની આગળ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવતાં એ એમની અસંમતિ પ્રકટ કરવામાં લગાર પણ વિલંબ ના કરતા. મહર્ષિના ફોટાને ઘરમાં રાખીને કેટલાક ભક્તો એવી રીતે પૂજાસેવા કરતા ખરા. એ સંબંધી વ્યક્ત કરાયલા મહર્ષિના અભિપ્રાયને એ મહત્વનો ના માનતા. એવા લોકો જ્યારે આશ્રમમાં આવતા ત્યારે એવી જ પૂજા કરવાનો આગ્રહ રાખતા. પરંતુ મહર્ષિના સખત શિસ્તપાલન આગળ ફાવી ના શકતા. આશ્રમના વ્યવસ્થાપકો એમને સમજાવી લેતા.

ઉત્સવના મધુમય મંગલ દિવસે આશ્રમમાં અવનવું વાયુમંડળ પેદા થતું. એ દિવસે આશ્રમનું રૂપ જ ફરી જતું. આખોયે આશ્રમ અને એની આજુબાજુની પ્રકૃતિ એ ઉત્સવના આનંદનો અનુભવ કરવા તૈયાર હોય એવી છાપ તટસ્થ દર્શનાર્થીના મન પર પડ્યા વિના ના રહેતી. પ્રકૃતિ એ દિવસે સવારથી જ જાણે કે નવો સ્વર્ગીય સાજ સજતી. લોકો વહેલી સવારથી જ ઊમટવા માંડતાં. પૃથક્ પૃથક્ પ્રદેશની પચરંગી પ્રજા પોતાની અંતરંગ એકતાની પ્રતીતિ કરાવતાં ટોળે વળતી. ચારે તરફ સુધાસભર સ્વર છોડતી શરણાઈઓ વાગી ઊઠતી. એથી સમસ્ત વાતાવરણ ગુંજી ઊઠતું. ભક્તોને માટે એ દિવસ પ્રેરણા, પ્રકાશ તથા નવજીવનનો દિવસ મનાતો. એ દિવસને વિશેષ મહત્વ પ્રદાન કરી તથા નિમિત્ત બનાવીને દેશના નજીક ને દૂરના વિભાગોમાં વસતા ભક્તો તથા દર્શનાર્થીઓ એકઠા થતા ને મહર્ષિની સંનિધિનો લાભ લઈને એમની પાસેથી મહામૂલ્યવાન માર્ગદર્શન મેળવતા.

ઉત્સવના ખર્ચની રકમ થોડા અથવા વધારે પ્રમાણમાં ભાવિક ભક્તો પાસેથી મળી રહેતી. ભક્તો એને માટે ઉત્સાહ તેમ જ શ્રદ્ધાપૂર્વક સહાયતા કરતા. કોઈવાર આકસ્મિક મદદ પણ મળી રહેતી. હજારો ભક્તો અને સ્વયંસેવકો ઉત્સવને સર્વપણે ને સંપૂર્ણ રીતે સફળ કરવા દિનરાત પ્રખર પ્રેમપૂર્વક પરિશ્રમ કરતા રહેતા. એ પરિશ્રમ ખરેખર પ્રશસ્ય અથવા અભિનંદનીય હતો.

મહર્ષિની જન્મજંયતીના આરંભના દિવસોમાં એક પોલિસ ઈન્સ્પેક્ટરે ખૂબ જ આગળ પડતો ભાગ લીધેલો, પરંતુ થોડાક વખત પછી એમની બીજે સ્થળે બદલી થઈ ત્યારે કેટલાય લોકોને નિરાશા થઈ અને એવું લાગ્યું કે હવે કોઈયે જન્મોત્સવ તથા બીજા ઉત્સવો નહિ થઈ શકે. પરંતુ એમની ધારણા ખોટી ઠરી. જન્મોત્સવનો સમય સમીપ આવ્યો એટલે એક આશ્રમવાસીએ મહર્ષિને ફરિયાદ કરી કે ગયે વરસે તો આશ્રમમાં ચોખાની દસ ગુણીઓ વાપરવામાં આવેલી અને આ વરસે તો એવું લાગે છે કે એક પણ ગુણી નહિ વાપરી શકાય.

મહર્ષિ એમના સ્વભાવ પ્રમાણે કશું ના બોલ્યા. મૌન રહ્યા.

એ રાતે એક આશ્ચર્યકારક પ્રસંગ બન્યો.

લગભગ મધરાત વખતે કોઈએ આશ્રમના દરવાજાની બહારના માર્ગ પરથી બૂમ પાડી.

એ સાંભળીને આશ્રમવાસીઓ જાગી ગયા.

એમણે દરવાજો ઉઘાડ્યો તો એમના આશ્ચર્યનો પાર ના રહ્યો,

દરવાજાની બહાર માલ ભરેલાં બે ગાડાં ઊભેલાં.

એ ગાડાં આશ્રમ માટે જ આવેલાં.

દરવાજાની અંદર દાખલ થઈને એ ગાડાંવાળાએ ગાડાંની સઘળી સામગ્રી આશ્રમવાસીઓનો અર્પણ કરી.

સામગ્રી ઠાલવીને ગાડાંના માલિકે વિદાય લીધી ને જણાવ્યું કે મહર્ષિના જન્મોત્સવ નિમિત્તે મેં આ બધું આપવાનો સંકલ્પ કરેલો. એ સંકલ્પ સફળ થયેલો જોઈને મને અતિશય આનંદ થઈ રહ્યો છે. મારું એવું સૌભાગ્ય ક્યાંથી કે હું આશ્રમની આટલી રજ જેટલી સેવા કરી શકું ?

એ રીતે જે જુદી જુદી સાધનસામગ્રી પ્રાપ્ત થઈ એ જન્મદિવસના ઉત્સવ માટે પૂરતી હતી.

* * *          * * *          * * *          * * *

ઉત્સવના અસાધારણ અવસર દરમિયાન મહર્ષિમાં બાહ્ય રીતે કશો જ ફેર ના પડતો. એ એવા જ જોઈ શકાતા. અલબત્ત, એ વખતે એમની ગરીબો પ્રત્યેની સહાનુભૂતિ અથવા દીન તથા દુઃખીઓને માટેની અનુકંપા વધારે પ્રમાણમાં પ્રકટ થતી. એથી પ્રેરાઈને એ એમની અધિક સેવા કરાવતા. પરંતુ એ પોતે તો એવા જ વીતરાગ ને સાદા રહેતા. એમનું મન એ દિવસો દરમિયાન પણ તદ્દન સ્વસ્થ તેમ જ શાંત રહેતું. એ ઉત્સવ અને ખાસ કરીને એમના જન્મોત્સવને કોઈ વિશેષ મહત્વ આપતા હોય એવું ના લાગતું.

ઉત્સવ દરમિયાન કે બાકીના બીજા દિવસોમાં આશ્રમમાં કોઈ જાહેર પદ કે પ્રતિષ્ઠાપ્રાપ્ત મોટી મનાતી વ્યક્તિનું આગમન થતું તો એમની પ્રતિક્રિયા કેવી રહેતી ? રોજના સામાન્ય દિવસોમાં સામાન્ય રીતે સઘળા માણસોને જોઈને થાય તેવી જ. એમનામાં કોઈ પણ પ્રકારનો અહંકાર ન હતો, પરંતુ એ સૌની અંદર પરમાત્માના પરમ પ્રકાશનું દર્શન કરતા હોવાથી અખંડ આત્મનિષ્ઠામાં લીન રહેતા. એટલે સૌ પ્રત્યે સમદૃષ્ટિ તેમ જ સમભાવ રાખવાનું એમને માટે સહજ બની ગયું હતું.

એકવાર જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટે મહર્ષિના જન્મદિવસે એમની પાસે આવીને કહ્યું કે તમે જે કહો તે બધું જ મોકલાવવા તૈયાર છું. મને જણાવો કે તમારે કયી વસ્તુની આવશ્યક્તા છે અને હું તમારી શી સેવા કરી શકું ?

મહર્ષિએ એમને જણાવ્યું કે કોઈ જ વસ્તુની આવશ્યક્તા નથી લાગતી. બધું બરાબર ચાલી રહ્યું છે. આશ્રમને જે કાંઈ મળે છે તે આગંતુકોને માટે વાપરી દેવામાં આવે છે.

કેટલી બધી નિઃસ્પૃહતા !

એકવાર એક શ્રીમંત માણસે પોતાના પરિચારક દ્વારા કહેવડાવ્યું કે જો મારી ભેટના સ્વીકારની સંમતિ આપતા હો તો મારી ઈચ્છા આશ્રમને બે સુંદર ગાયો આપવાની છે. એમની સાથે એક મોટી રકમ પણ દાનમાં આપવા ઈચ્છું છું. એના વ્યાજમાંથી ગાયોનું પોષણ થઈ શકશે અને એમના રખેવાળને પણ રાખી શકાશે. એ પ્રસ્તાવ બીજા સામાન્ય માનવને માટે અતિશય આકર્ષક હતો. પરંતુ મહર્ષિને જરા પણ આકર્ષિત ના કરી શક્યો. એમણે તરત જ જણાવ્યું કે આશ્રમને ગાયોની આવશ્યકતા નથી : ચિત્તાઓ આશ્રમમાં અવારનવાર આવી જતા હોવાથી એમનાથી એમને સંરક્ષવાનું જેટલું ધારવામાં આવે છે તેટલું સહેલું નથી હોતું.

અપરિગ્રહ તથા ત્યાગવૃત્તિ એમનામાં કેટલી બધી પરાકાષ્ઠાએ પહોંચી હતી એનું એવા પ્રસંગો દ્વારા દર્શન થાય છે અને અંતરમાં એમને માટે અસાધારણ આદરભાવ પ્રકટે છે. અરૂણાચલના મંદિરમાં પ્રવેશ્યા પહેલાં પહેરેલા કૌપીનને એમણે છેવટ સુધી ધારણ કરી રાખ્યું ને સાદું જીવન સ્થાપન કર્યું. એ નિર્મળ આડંબરરહિત જીવન બીજાને માટે પ્રેરણાસ્પદ હતું.

* * *          * * *          * * *          * * *

સંગીત પ્રત્યેની એમની પ્રતિક્રિયા પણ જાણવા જેવી છે. એક વાર એમના એક શ્રદ્ધાળુ ભક્તે પોતાની પ્રિય ગાયિકા સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો. મહર્ષિ એના સંગીતસ્વરને સાંભળે એવી એમની ઈચ્છા હતી. મહર્ષિને ગીત તથા સંગીતમાં રસ હોવા છતાં એ એમાં એટલા બધા નિષ્ણાત ન હતા. એમની આસક્તિ પણ એમાં કુદરતી રીતે જ ન હતી છતાં પણ એ શ્રદ્ધાળુ ભક્તની ભાવનાનો એમણે અનાદર ના કર્યો.

છેવટે સંગીત શરૂ થયું. ગાયિકાનો સૂરીલો કંઠ પોતાનું કામ કરવા લાગ્યો. વાતાવરણ મધુમય બની રહ્યું.

ગાયિકા ભાવથી ભરાઈને જુદા જુદા અભિનયો કરવા લાગી. દર્શકો અને શ્રોતાઓ ડોલવા લાગ્યા.

પરંતુ એવા સંગીતસ્વરથી છવાયેલા રસમય વાતાવરણમાં એ મહાપુરૂષની દશા કેવી હતી ? તદ્દન નિર્વિકાર ને શાંત. એ એમના કોચ પર આત્મમગ્ન બનીને રોજની જેમ શાંતિપૂર્વક બેસી રહ્યા.

એમણે બીજા દર્શકો કે શ્રોતાઓની જેમ અભિનંદનના આશ્ચર્યકારક ઉદગાર ના કાઢ્યા, આંગળીથી તાલ ના આપ્યો, માથું હલાવીને અંતરના આનંદની અભિવ્યક્તિ ના કરી, તાળી ના પાડી, કે પોતાનું પ્રિય ગીત ફરી વાર ગાવાની સૂચના પણ ના આપી. આરંભથી અંત સુધી એ પથ્થરમાંથી કંડારેલી પ્રતિમાની પેઠે સ્થિર રહ્યા.

કાર્યક્રમ પૂરો થયો એટલે એમણે એ શ્રદ્ધાળુ ભક્ત તથા ગાયિકા તરફ જોઈને સુમધુર સ્મિત કર્યું.

એમને માટે એટલો પુરસ્કાર પૂરતો હતો. એથી એમનું અંતર સ્વાભાવિક રીતે જ પ્રસન્ન થયું.

સ્મિત દ્વારા મહર્ષિએ જાણે કે એમને અભિનંદન આપ્યાં.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.