if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માર્ચની ચૌદમીથી માંડીને અઢારમી સુધીના પાંચ દિવસો દરમિયાન આશ્રમમાં એક મહત્વનો બનાવ બન્યો. એ બનાવ અત્યંત મંગલ હતો. આશ્રમના સર્વાધિકારી સ્વામી નિરંજનાનંદના મનમાં પોતાની માતા અલઘમ્માના સમાધિમંદિરને એક સુંદર સુવિશાળ ઈમારતના રૂપમાં પલટાવવાનો વિચાર હતો. એ વિચાર દિવસે દિવસે બળવાન બનતો ગયો. અલઘમ્મા કોઈ સાધારણ માતા ન હતી. પરંતુ મહર્ષિ જેવા પરમ પ્રતાપી મહાપુરૂષની જનની હતી એટલે એનું સુયોગ્ય સ્મારક કરવાનો વિચાર આવકારદાયક હતો. નિરંજનાનંદે એ વિચારથી પ્રેરાઈને ઈ.સ. ૧૯3૮માં યોજના બનાવી અને એ યોજનાની સિદ્ધિ માટેના પ્રયત્નો આદર્યા. એ પ્રયત્નો શુદ્ધ ભાવનાથી પ્રેરાયલા હોવાથી સફળતાને વરવા માંડ્યા. ૧૯૪૯ના આરંભમાં માતૃભૂતેશ્વર મંદિરના નવનિર્માણનું એમનું સ્વપ્ન સિદ્ધ થયું. મહર્ષિએ પણ એમાં વિશેષ રસ દર્શાવ્યો ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. એનો મહાકુંભાભિષેક એમની હાજરીમાં જ કરવામાં આવ્યો. માર્ચ મહિનાના પાંચ દિવસના મંદિરોદ્ઘાટનના એ મંગલમય મહોત્સવ દરમિયાન આશ્રમમાં અવર્ણનીય આનંદ છવાઈ ગયો. ઈ.સ. ૧૯૪૬માં મહર્ષિ તિરુવણ્ણામલૈમાં પ્રવેશ્યા. તેને પચાસ વરસ પૂરાં થવાથી એના ઉપલક્ષમાં ઊજવાયેલા સુપ્રસિદ્ધ સુવર્ણ જયંતી મહોત્સવ પછી આ એવો અથવા એથીયે ભવ્ય બીજો મહોત્સવ હતો. એ અસાધારણ અવસર પર આશ્રમમાં અદભૂત માનવમેળો ભરાયો હોય એવું દૃશ્ય ઉપસ્થિત થયું. ભારતના વિભિન્ન વિભાગોમાંથી એકઠા થયેલા પંદર હજારથી પણ વધારે લોકોએ એનો લાભ લીધો.

એ ઉત્સવ પછી માતૃભૂતેશ્વર મંદિરમાં નિત્યપૂજાનો પ્રારંભ થયો.

માતૃભૂતેશ્વર મંદિરના એ મંગલમય મહોત્સવમાં મહર્ષિએ પણ પ્રસન્નતાપૂર્વક ભાગ લઈને મુક્તાત્મા માતા અલઘમ્માને ભાવભરી અંજલિ આપી. એથી દર્શનાર્થીઓ આનંદ પામ્યા. એ વખતે એમનો ઘા રુઝાઈ ગયેલો. ફક્ત એમની કોણી આગળની ચામડી જરાક નીચે ઝૂકી પડેલી એટલું જ. એ સિવાય વ્યાધિનું બીજું કોઈ લક્ષણ નહોતું દેખાતું.

આશ્રમવાસીઓને થયું કે એક અસામાન્ય ચિંતામાંથી મુક્તિ મળી.

પરંતુ એમને શી ખબર કે દર્દ કેવળ બહારથી ને તે પણ થોડાક વખત માટે જ દૂર થયું છે અને અંદરખાને હજુ કાયમ રહ્યું છે ? દર્દનો દારુણ વિષમય પ્રભાવ શરીરની અંદરના ભાગમાં પ્રકટીને પ્રસરી ચૂકેલો ને બહાર જે દેખાયલી તે તો એની ઝાંખી જ હતી. એનું મૂળ ઉદભવકારણ તો શરીરની અંદર હતું. માતૃભૂતેશ્વરના મહોત્સવ પછી થોડા જ વખતે ઓપરેશન કરાયેલા ભાગ પર પાછું ગૂમડું થઈ આવ્યું.

પ્રથમ વારના ઓપરેશન વખતે જ મહર્ષિએ એને માટે અનિચ્છા બતાવીને કુદરતને પોતાના નિર્ધારિત ક્રમ પ્રમાણે જે કરવું હોય તે કરવા દેવા કહેલું. પરંતુ આશ્રમવાસીઓની ને દાક્તરોની ઈચ્છા જુદી હોવાથી એ એમની યોજનાનુસાર આગળ વધ્યા. એમને ખબર નહોતી કે એ દર્દ એક કરુણ અંતના આરંભ જેવું હતું. એકાદ મહિનાની અંદર અંદર ફરી પાછો ઓપરેશનનો આધાર લેવો પડ્યો. મદ્રાસના દાક્તરોને એ માટે ખાસ બોલાવવામાં આવ્યા. એમણે એને તપાસ્યું અને સત્તાવીસમી માર્ચે એ ગડને દૂર કર્યું. દાક્તરોએ એની ઝીણવટભરી પરીક્ષા પછી સંમતિથી નિર્ણય કર્યો કે એ સારકોમા હતું.

એ ઓપરેશન પછી એ સ્થળે રેડિયમનો પ્રયોગ કરવામાં આવ્યો તો પણ ગડને ફરી પાછું પેદા થતું ને બળવાન બનતું રોકી ના શકાયું. જુલાઈ મહિનો શરૂ થયો ત્યાં સુધીમાં તો એણે ખૂબ જ ભયંકર રૂપ ધારણ કર્યું. એમાંથી લોહી નીકળવા લાગ્યું અને એ ઝડપથી વધવા લાગ્યું. એ જોઈને આશ્રમવાસીઓની ને દાક્તરોની વિમાસણ વધી ગઈ. એમની ચિંતાનો પાર ના રહ્યો. દાક્તરોએ મહર્ષિ સાથે મસલત કરીને જણાવ્યું કે દર્દને મટાડવાનો બીજો કોઈ માર્ગ નથી દેખાતો : જે હાથે ગડ થયું છે તે હાથને કાપીને અલગ કરીએ એ જ એક માત્ર ઉપાય છે : પરંતુ મહર્ષિએ એમનો પ્રસ્તાવ ના સ્વીકાર્યો. એમણે એનો ભારે દૃઢતાપૂર્વક વિરોધ કર્યો ને કહ્યું કે પરિણામ ગમે તે આવે પરંતુ હાથને અલગ કરવા માટેની અનુમતિ મારાથી નહિ આપી શકાય. એમની બીમારી દરમિયાન એ સૌથી પહેલો અવસર હતો જ્યારે એમણે સક્રિય રીતે સુસ્પષ્ટ શબ્દોમાં પોતાના શરીરને માટેનો અભિપ્રાય કહી બતાવ્યો. એ વખતે જો એ મૌન રાખત તો દાક્તરો એમની ઈચ્છાની ઉપરવટ જઈને એમનું ધારેલું કરી નાખત. મહર્ષિએ એ વખતે પણ વ્યાધિની વધારે પડતી ચિંતા છોડી દઈ ને કુદરતને પોતાનું કામ કરવા દેવાની સલાહ આપી, પરંતુ એમની એ સલાહને કોણ માને ? જે સંજોગોમાં એ સલાહ આપવામાં આવેલી એ સંજોગો એટલા બધા નાજુક અને વ્યથાજનક હતા કે એને માનવાનું મન જ ના થાય. ભાવિક ભક્તો ને દાક્તરો ગમે તે ઉપાયે પણ મહર્ષિને પીડામુક્ત તથા વ્યાધિમુક્ત બનાવવાની ઈચ્છા રાખતા હોવાથી એને માટેની યોજનાઓ ઘડતા રહેતા.

બધાં મળીને ચાર ઓપરેશનો કરવામાં આવ્યાં છતાં વ્યાધિને નિર્મૂળ કરવાના કામમાં સફળતા ના મળી એટલે આશ્રમવાસીઓ અને દાક્તરો મૂંઝાયા. કયો માર્ગ અખત્યાર કરવો એની સમજ એમને ના પડી. પરિસ્થિતિ ઉત્તરોત્તર વધારે ને વધારે વિકટ બનતી ગઈ. એની સાથે સાથે મહર્ષિની નબળાઈ પણ વધતી ગઈ. તો પણ એ એવા જ શાંત ને પ્રસન્ન રહેતા.

દાક્તરો પાસે અવારનવાર ઓપરેશન વિના બીજો કોઈ ઉપાય તો હતો નહિ, એટલે નવેમ્બર મહિનામાં નીકળી આવેલા ગડનું ડિસેમ્બરની ઓગણીસમી તારીખે ફરીવાર ઓપરેશન કરવામાં આવ્યું. એ ઓપરેશન દાક્તરોના મંતવ્ય મુજબનું અંતિમ ઓપરેશન હતું. પરંતુ ‘તેરે મન કુછ ઔર હૈ ઈશ્વર કે મન ઔર’ એ સુપ્રસિદ્ધ લોકોક્તિ પ્રમાણે ઈશ્વરીય શક્તિનું વિધાન કાંઈક જુદું જ હોવાથી એનું પરિણામ પણ ધાર્યા પ્રમાણે ના આવી શક્યું. દર્દ મૂળમાંથી મટવાને બદલે જીવતું જ રહ્યું.

છેવટે હોમિયોપોથીનો આશ્રય લેવામાં આવ્યો. થોડાક દિવસ સુધી એના નિષ્ણાત દાક્તરનો ઉપચાર કરવામા આવ્યો. એમણે મહર્ષિને અમુક ચોક્કસ પ્રકારના ખોરાક પર રાખ્યા. પરંતુ મહર્ષિને એ પદ્ધતિ અનુકૂળ ના આવી અને એને લીધે જુદી જુદી મુશ્કેલીઓ પેદા થઈ. એમના ડાબા હાથની બગલમાં એક બીજું ગડ ઉત્પન્ન થયું ને ઝડપથી વધવા લાગ્યું. એ જોઈને એને મટાડવા માટે બે આયુર્વેદિક કુશળ દાક્તરોને બોલાવવામાં આવ્યા પણ એ પણ વિશેષ રાહત ના આપી શક્યા. ડાબા હાથનો દુખાવો પરાકાષ્ઠા પર પહોંચવા લાગ્યો. કલકત્તાથી આવેલા એક બીજા સદ્ ગૃહસ્થનો ઉપચાર પણ ધારેલું પરિણામ પેદા કરવાને બદલે પ્રતિકૂળ થઈ પડ્યો. એથી એનો પરિત્યાગ કરવામાં આવ્યો.

એ બધા વખત દરમિયાન મહર્ષિની શારીરિક નબળાઈ વધતી ગઈ. ગડમાંથી નિરંતર લોહી નીકળ્યા કરતું. વ્યાધિની વિષાક્ત અસર વધતી ગઈ અને સમસ્ત શરીરમાં ફરી વળી.

* * *          * * *          * * *          * * *

છેલ્લી વારનું ઓપરેશન એમને માટે ખૂબ જ ભયંકર પ્રતિક્રિયા કરનારું થઈ પડેલું. એ વખતે એમનો અંતકાળ એકદમ નજદીક આવી ગયેલો અને એમને લોહી આપવું પડેલું. એ ઓપરેશનની આગલી રાતે સાધુ અરૂણાચલે એમની પાસે જઈને પ્રર્થના કરેલી. એનો ઉલ્લેખ એમના જ શબ્દોમાં કરી લઈએ. એ લખે છે : ‘મેં ભગવાન પાસે પહોંચીને પગે પડીને એ ઓપરેશન ના કરાવવાની પ્રાર્થના કરી. એથી કશો અર્થ નહોતો સરે તેમ. દરેક વખતે ગડ વધતું જ ગયેલું ને બગલ લગી પહોચેલું. મેં કહ્યું કે હવે વધારે પડતું કષ્ટ ભોગવવાનું બરાબર નથી. પરંતુ એમણે મારી પ્રાર્થનાને ના સ્વીકારી. એમણે જણાવ્યું કે દાક્તરોએ આટલું બધું કષ્ટ ઉઠાવ્યા પછી હવે એમને નિરાશ કરવાનું ભારે શરમજનક થઈ પડશે. સર્વશક્તિશાળી હોંશિયાર દાક્તરો નિરાશ થાય ને નિષ્ફળ બને તે પછી જ બીજા ઉપચારોની અનુજ્ઞા આપી શકાય. એ વખતે  સ્વાભાવિક રીતે જ ઘણું મોડું થઈ જશે. ’

મહર્ષિ બધા ઉત્સાહી ઉપચારકોને તક આપવા માગતા’તા ને કોઈને પણ નિરર્થક નિરાશ કરવા નહોતા ઈચ્છતા.

* * *          * * *          * * *          * * *

એકાદ વરસની એ લાંબી વ્યાધિગ્રસ્ત દશા દરમિયાન મહર્ષિનું મન પહેલાંની પેઠે જ સ્વસ્થ ને શાંત રહ્યું. શરીરની એટએટલી નિર્બળતા ને વેદનાની વચ્ચે પણ એમનું અસાધારણ આત્મબળ એવું જ અકબંધ અથવા અડગ રહ્યું. શરીર આત્માનું આવરણ અથવા વસ્ત્ર છે એ વાત જુદા જુદા ધર્મગ્રંથોમાં વાંચવામાં આવે છે ખરી. વિદ્વાનો ને વિચારકો એને કહી બતાવતા પણ હોય છે. પરંતુ એનો સ્વાનુભવ સૌ કોઈને માટે––મોટામોટા સાધકો અને સંતોને સારુ પણ શક્ય નથી હોતો. શરીરનાં સુખદુઃખો એમના મન પર અસર પહોંચાડતાં હોય છે. પરંતુ મહર્ષિને માટે એવું ન હતું. શરીરથી અલગ આત્માનો સ્વાનુભવ એમને માટે સ્વાભાવિક હતો અથવા એમના વિરાટ વ્યક્તિત્વના અભિન્ન અંગરૂપ બની ગયેલો. એટલે શરીરનાં સુખદુઃખ એમને કશી અસર ના કરતાં અને એમની આત્મનિષ્ઠામાંથી ના ચળાવી શકતાં. એટલી પ્રખર વેદનામાં બીજો કોઈ સામાન્ય માનવ હોત તો ડગી જાત, પરંતુ એમના સંબંધમાં એવી કલ્પના કરવી એ પણ અસ્થાને હતું. એ તો મહામાનવ હતા. જીવનના અંતિમ દિવસોના દુઃખને એ સ્મિતપૂર્વક શાંતિ સાથે સહન કરતા રહ્યા.

ડિસેમ્બર ૧૯૪૯માં ભક્તો ભારે મૂંઝવણમાં મુકાયા અને એમના એ ભયંકર વ્યાધિને મટાડવા માટે કયો ઉપચાર કરવો એનો નિર્ણય ના કરી શક્યા ત્યારે કોઈએ એમની પાસે પહોંચીને એ વિશે પૂછ્યું ત્યારે એમણે તરત જ સસ્મિત જણાવ્યું :

’મેં તમને કદી પણ કોઈ ઉપચાર માટે કહ્યું છે ખરું ? તમે જે કાંઈ કરો છો તે તમારી ઈચ્છાથી જ કરી રહ્યા છો, એટલે આગળ પર શું કરવું તે પણ તમારે પોતે જ નક્કી કરી લેવાનુ છે. જો મને પૂછવામાં આવ્યું હોત તો મેં શરૂઆતમાં કહેલું તે જ કહેત કે કોઈ ઉપચારની આવશ્યકતા નથી લાગતી. જે સ્વાભાવિક રીતે થઈ રહ્યું છે તે થવા દો. ’

વ્યાધિ અને અવારનવાર કરાયલાં ઓપરેશનોના એ સમગ્ર સમય દરમિયાન એ મહાપુરૂષ એવાં જ શાંત, સ્થિરચિત્ત અને પ્રસન્ન રહ્યા. દાક્તરો સાથેની વાતચીત વખતે એમના સ્વભાવ પ્રમાણે એ પ્રસંગોપાત્ત વિનોદ પણ કરી લેતા. એમનું અંગ ઉત્તરોત્તર નબળું પડતું જતું હોવા છતાં મન જરા પણ નબળું નહોતું પડ્યું એ દેખીને દાક્તરો આશ્ચર્યચકિત બની જતા. એમના અવારનવારના વિનોદયુક્ત મધુર ઉદગારોથી દાક્તરો અને ભક્તો પણ હસ્યા વિના ના રહી શકતા.

સાતમી ઓગસ્ટના ત્રીજા મોટા ઓપરેશન પછી દાક્તરોએ એમને થોડાક દિવસો સુધી પૂર્વ વિશ્રામ કરવાની ને બહાર ના નીકળવાની સલાહ આપેલી. તો પણ એ સલાહને ગૌણ ગણીને આશ્રમના દવાખાનાની બહાર રાહ જોતા ભક્તોની લાગણીનો વિચાર કરીને એમને દર્શન આપવાની એમણે તૈયારી બતાવી. એમનું આત્મબળ એવું અદભૂત હતું. બીજે દિવસે બપોરે દાક્તરોના વિદાય થયા પછી એ એમના હોલમાં આવ્યા ને બોલ્યા કે ઉપચાર માટે આવતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો કરવા માટે હું વધારે વખત દવાખાનામાં નહિ રહી શકું. બીજાને માટેની એમની લાગણીની ઉત્કટતાનો ચિતાર આ પ્રસંગ પરથી સહેલાઈથી મળી જાય છે.

ચોથા ઓપરેશન પછી પણ એમના મુખમંડળ પરનું સુમધુર સ્મિત નહોતું મટ્યું.

* * *          * * *          * * *          * * *

એમની એ એકાદ વરસ જેટલી ભયંકર વ્યાધિગ્રસ્ત દશાએ એમના ભક્તો તથા પ્રશંસકોને ચિંતામાં નાખી દીધા. એમનામાંના કેટલાકને થયું પણ ખરું કે એ હવે વધારે વખત સુધી નહિ બચી શકે. એમના જ્યોતિર્મય જીવનનો અંતકાળ નજીક આવી પહોંચ્યો હોય એવું એમને લાગવા માંડ્યું. એ અનુમાન ખરેખર દુઃખદ હતું પરંતુ એના સિવાયનું બીજું અનુમાન થઈ શકે એવી પરિસ્થિતિ જ ન હતી. એમણે એ મહાપુરૂષને એમની વ્યથા ને ચિંતા કહી બતાવી તો એમણે શાંતિસભર સ્વરે જણાવ્યું કે ‘શરીર છૂટવાથી કોઈ જાતનો ફેર નહિ પડે : કારણ કે મારાથી બીજે કયાં જઈ શકાય તેમ છે ? હું હમેશાં અહીં જ રહીશ.’

પરંતુ એમનું સ્થૂલ, સશરીર, સાંનિધ્ય ઈચ્છતા ભક્તોને આત્માની અમરતાની એ આકર્ષક અનુભવવાણીથી સંતોષ થઈ શકે ખરો કે ? એ તો એવું ઈચ્છતા કે એ એમને છોડીને જાય જ નહિ, સ્થૂલ શરીરને સાચવી રાખે, પોતાની વિશેષ શક્તિના પ્રયોગથી વ્યાધિને શાંત કરે, ને વધારેમાં વધારે વખત સુધી એમના પ્રશાંતિદાયક પ્રેરક પથપ્રદર્શક તરીકે એમની પાસે જ રહે. મહર્ષિની અંદર એવી શક્તિ હતી કે જેથી એ એમના જીવનકાળને વધારી શકે. એમની ઈચ્છા વિરુદ્ધ કાળ એમની પાસે ફરકી શકે તેમ ન હતો, પરંતુ જીવન ને મૃત્યુના ઉપલક અજ્ઞાનમૂલક ભેદોથી એ પર હતા. એ દ્વંદ્વાતીત દશાની પ્રાપ્તિ કરી ચૂકેલા અને અનંત જીવનમાં અથવા અવિનાશ આત્મસત્તામાં પ્રતિષ્ઠિત હતા. એટલે બાહ્ય જીવન ને દેહધારણના મીઠા મોહમાંથી મુક્તિ મેળવી ચૂકેલા એવા પૂર્ણ અથવા કૃતકામ મહાપુરૂષની પાસેથી શરીરની સુરક્ષાની ને દીર્ઘાયુ જીવનની આકાંક્ષા રાખવી એ બરાબર નહોતું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.