‘સત્યનો સાક્ષાત્કાર કરી ચૂકેલા સંતોના સમાગમથી સ્થૂળ સાંસારિક આસક્તિઓનો અંત આવે છે. એ આસક્તિઓનો અંત આવતાં મનની સૂક્ષ્મ આસક્તિઓ પણ સંપૂર્ણપણે નાશ પામે છે. જેમની સૂક્ષ્મ-માનસિક આસક્તિ એવી રીતે નાશ પામે છે તે અચળ પરમાત્મા સાથે એક બની જાય છે. જીવનમુકત થાય છે. એટલા માટે સંત-સમાગમની પ્રીતિને વધારવી જોઈએ.’
- મહર્ષિના સદુપદેશમાંથી
ભારતવર્ષની મારી વિદાય પછી છ મહિને રમણ મહર્ષિએ પાર્થિવ પૃથ્વીનો પરિત્યાગ કર્યો. એમના અંતિમ ઉદગારો લગભગ આવા હતાઃ
‘એ લોકો કહે છે કે મારું મૃત્યું થવાનું છે. પરંતુ હું તો પહેલાં કરતાં પણ વધારે જીવંત બનીને રહેતો હોઈશ. મારે કયાં જવાનું છે ?’
આશ્રમથી હજારો માઈલ દૂર રહેનારા એમના કેટલાક શિષ્યોને એમના મૃત્યુની એ જ દિવસે માહિતી મળેલી. એમને અત્યંત અનોખી રીતે પહોંચાડવામાં આવેલા એ સમાચારના સમયને એમના મૃત્યુના સમય સાથે સરખાવવાથી કહી શકાતું કે મહર્ષિએ છેલ્લો શ્વાસ લીધો એના કેટલાક કલાકો પહેલાં એ સમાચારને વહેતા કરવામાં આવેલા. ભારત અને ભારતની બહારના પ્રદેશોમાંથી એકાદ અઠવાડિયામાં અથવા એથીય વધારે વખતમાં પહોંચેલા પત્રોએ બતાવ્યું કે મહર્ષિના કોઈ પણ સાચા શિષ્યને શોકની કે હતાશાની લાગણી નહોતી થઈ. એમના આશ્રમમાં કે આશ્રમની બહાર રહેતા શિષ્યોનાં હૃદયમાં શાંતિ અને પ્રકાશના તરલ ભાવંતરગોથી ભરેલું એવું જ વાયુમંડળ પથરાઈ અથવા અનુભવાઈ રહેલું.
પ્રત્યેક સંત કે મહાત્માપુરુષની આધ્યાત્મિક શક્તિનો ખૂબ જ વૈવિધ્યપૂર્ણ, સુસ્પષ્ટ, પ્રત્યક્ષ અનુભવ એમના સમકાલીનોને થતો હોય છે. વખતના વીતવાની સાથે જે અનુભૂતિ હોય છે તે જડ-નિષ્પ્રાણ સિદ્ધાંત બની જાય છે. અને જ્યારે લોકો કોઈક સંતને અવતાર તરીકે ઓળખાવે છે તથા તેના મંદિરો બાંધે છે ત્યારે એમને સાંકડી દીવાલોમાં કેદ કરે છે. સંતનો આત્મા ત્યારે ગૂંગળામણ અનુભવે છે અને પ્રખર પ્રેરક પરિબળ તરીકે કાર્ય કરતો બંધ પડે છે. એમના અનુગામીઓ અથવા અનુયાયીઓ એમના પ્રત્યેક શબ્દને માટે ઝધડે છે. એમના વચનોની પ્રમાણભૂતતાને ખાતર લડે છે. એ મહાપુરુષે એમને ઈશ્વરમય બનવાનો આદેશ આપ્યો હોય છે. એ અગત્યના આદેશને એ ભૂલી જાય છે.
તો પણ બધાં બીજ કાંઈ મરુભૂમિમાં નથી પડતાં. કેટલાંકમાંથી સુંદર પાકની સૃષ્ટિ પણ થતી હોય છે. ભૂલ કરનારી માનવજાતિના શુભ ભાવિની આશાનું કિરણ એમાં જ રહેલું છે. મહર્ષિ જેવા મહાપુરુષોનાં જીવન એ સત્યનાં પુરાવા જેવાં છે. એ અતિશય ગાઢ અંધકારભરેલી રાત્રીને પ્રકાશ પહોંચાડનારા તેજસ્વી તારક જેવાં હોય છે.
એમના પ્રકાશને પામીને જે પોતાના પંથનું અનુકરણ કરે છે એ પાછળથી ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય છે.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')