મહર્ષિના રમણાશ્રમ નામના નિવાસ્થાનમાં પહોંચીને હું મંદિરની આગળ બળદગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે મોડું થઈ ગયું હોવા છતાં, આશ્રમની પ્રવર્તમાન પ્રથાને અનુસરીને મને સીધો જ એ સંતપુરુષની પાસે લઈ જવામાં આવ્યો.
એ એક વિશાળ હોલની એક દિવાલ પાસે, દેખીતી રીતે જ ભોજનવિધિની પૂર્ણાહુતિ કરવાની તૈયારીમાં હોય તેમ બેઠેલા. હોલના થાંભલાની વચ્ચે જમીન પર કેટલાય લોકો-બધા જ ભારતીયો-હારબંધ બેઠેલા. મને મહર્ષિની પાસે એમનાથી દસથી બાર ફૂટ જેટલે દૂર લઈ જવામાં આવ્યો. મારા સાથીદારે એમને જે કેટલાક શબ્દો કહ્યા તેમાંથી હું જે દેશમાંથી આવેલો તે દેશના નામ સિવાયના કોઈ પણ શબ્દને મારાથી ના સમજી શકાયો. સંતે પોતાનું માથું ઊંચું કર્યું, મારી તરફ દૃષ્ટિપાત કર્યો, અને મને જરાક પાસે આવવાનું આમંત્રણ આપતા હોય તેમ એમના હાથ દ્વારા સંકેત કર્યો. એમના એ માયાળુ અને ઉદાત્ત અભિનયની અસર મારા પર ઘણી સારી થઈ. એ સરળ પ્રભાવશાળી ગૌરવયુકત અભિનયથી મને તરત જ લાગ્યું કે હું એક મહાન પુરુષની આગળ આવી પહોંચ્યો છું. એમનું વર્તન એટલું બધું સહજ હતું કે નવાગંતુકને કોઈ પ્રકારની નવાઈ ના લાગે કે સંકોચ પણ ના થાય. એમની વિચિત્ર વિચારવૃત્તિનો ને આતુરતાનો અંત આવ્યો. એમના પ્રથમ મેળાપની કલ્પના કરતી વખતે પહેલાં મારા સૂક્ષ્મ મનમાં એમની ટીકાટિપ્પણી કરવાનો જે આશય હતો તે એટલા માટે અધૂરો રહ્યો. એ સંત પુરુષની આકૃતિ એમના મેળાપની એ પ્રથમ પળ દરમિયાન મારા મનમાં અત્યંત રસપ્રદ રીતે, મુલાયમ ફોર્ટોલેટ પર પડતા ચિત્રની પેઠે, કોઈ પણ પ્રકારની ગુણવત્તા વિના અંકિત થઈ. પરંતુ શબ્દો સિવાય કશાને વર્ણવી શકાય નહી એટલા માટે, હું એમની આકૃતિને વર્ણવવાનો પ્રયત્ન કરીશ.
મેં જોયા તે પ્રમાણે, મહર્ષિ કૃશ શરીરના, શ્વેત કેશવાળા, ચિત્તાકર્ષક વૃદ્ધ પુરુષ હતા. એમની ચામડીનો રંગ પુરાણા હાથીદાંતના રંગ જેવો દેખાતો. એમની પ્રવૃત્તિ સીધીસાદી, શાંત તથા સહજ હતી. એમના મુખમંડળ પર લેશ પણ સંકલ્પજન્ય પ્રયત્ન વિના પેદા થયેલી આત્મિક એકાગ્રતાની આભા દેખાતી. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે એ એવી અવસ્થા પર પહોંચેલા કે જ્યારે કોઈ વિક્ષેપોને દૂર કરવા માટે અથવા કોઈ પ્રયોજનની પૂર્તિ માટે ઈચ્છાશક્તિના ઉપયોગની આવશ્યકતા નથી રહેતી. એનું એક માત્ર સીધુંસાદું કારણ એ હોય છે કે મેળવવા જેવું બધું જ મળી ગયું હોય છે.
એ પછીના મહિનાઓ દરમિયાન મેં જેનું દર્શન કર્યુ એ અદૃષ્ટ પ્રકાશનું એ પ્રથમ પ્રકટીકરણ હતું. આજે આ શબ્દોને લખી રહ્યો છું ત્યારે, મહર્ષિ સંબંધી નાનામાં નાની વિગતનું પણ વિસ્મરણ ના થવા બદલ મને નવાઈ લાગે છે. કચકડાની પટ્ટી પરના કોઈક અજ્ઞાત ચિત્રને ફરી વાર ઉપસાવી શકાય છે તેમ, એને મારા મગજમાં જગાડી શકાય છે.
રાતનું સાધારણ ભોજન પીરસવામાં આવ્યું -- કેળાના પાંદડામાં થોડોક ભાત, શાક તથા ફળ. મેં ભોજન પૂરું કર્યું ત્યારે મહર્ષિ વિદાય થયેલા. આશ્રમના આંગણમાં મારે માટે તૈયાર કરવામાં આવેલી એક ખંડની કુટિરમાં પ્રવેશ્યા પછી, આખા દિવસના પ્રવાસને પરિણામે ખૂબ જ થાકી ગયો હોવાથી, હું સત્વર સૂઈ ગયો.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')