if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારો બીજો દિવસ મહર્ષિની સંનિઘિમાં કરાતું ધ્યાન, ભોજનાલયમાં કરાતા ભોજન, અને એવા બીજા આશ્રમના નિશ્ચિત કાર્યક્રમોને જાણવામાં અને અનુકૂળ થવામાં પસાર થયો.

મારી સાથે લઈ જવાયેલા કેટલાક ખાદ્ય પદાર્થોની મારે કીડીઓથી રક્ષા કરવાની આવશ્યકતા હતી. એ ખાંડ તથા બિસ્કિટની પાસે ઝડપથી એકઠી થતી અને પવન પણ ના પ્રવેશે એવી મજબૂત રીતે સીલ કરેલા મધના ડબાઓની આસપાસ ટોળે વળતી. સમીપવર્તી જળાશયમાંથી પીવાનું ને બીજું પાણી મંગાવવાની વ્યવસ્થા પણ મારે કરવાની હતી.

આશ્રમની સરળ જીવનપદ્ધતિથી સાધકના મનની એકાગ્રતામાં અને મનને આત્માની દુનિયામાં ડૂબાવવામાં મદદ મળતી. મહર્ષિના માર્ગદર્શન પ્રમાણે પોતાના સ્વરૂપના સાક્ષાત્કાર માટે સાધના કરનારા અનેક માનવોના વિચારોથી વિશદ બનેલા વાતાવરણમાં મન અંતમુર્ખ બનતું. એ વાતાવરણ આત્મનિરીક્ષણને માટે અનુકૂળ હતું. અરૂણાચલની પવિત્ર પર્વતમાળાનો અદૃષ્ટ છતાં પ્રબળ પ્રભાવ પણ એવા વિશિષ્ટ વાતાવરણના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવતો. પરંતુ તેની વાત તો પાછળથી કરીશ.

સવારે સાત વાગે ઘંટના મોટા શબ્દ દ્વારા અમને અલ્પાહાર માટે આમંત્રવામાં આવતાં. હું ભોજનખંડમાં પહોંચ્યો ત્યારે મહર્ષિ એના પગથિયાં પર ચઢી રહેલા. એમની સાથે એમના કેટલાક ભારતીય અંતેવાસીઓ અને સેવકો હતા. ત્યાં દિવસના પરિપૂર્ણ પ્રકાશમાં મને પહેલી જ વાર જાણવા મળ્યું કે મહર્ષિની શારીરિક દશા સાચેસાચ અસ્વસ્થ છે. એમના ઘૂંટણ તથા સાંધા પ્રખર સંધિવાની અસર નીચે હોવાથી એમને ચાલવામાં તકલીફ પડતી. એમના ડાબા હાથ પર અને કાંડા પર પાટો બાંધેલો. એના પર છ મહિના પહેલાં જે ભયંકર ગુમડું થયેલું તે બે ઓપરેશન કર્યા છતાં પણ વધતું ગયેલું અને ખૂબ જ વિનાશક બનીને એક વરસ પછી મહર્ષિના મૃત્યુમાં પરીણમેલું. એમનું મસ્તક કોઈ કોઈ વાર થોડુંક હાલતું. એથી એમનું સ્વાસ્થ્ય અતિશય કથળેલું હોવાની છાપ પડતી. એક વારની એમની ઊંચી અને શક્તિશાળી શરીરાકૃતિ હવે વાંકી વળેલી ને નિર્બળ બનેલી.

હોલમાં પ્રવેશ્યા પછી મહર્ષિએ પ્રવેશદ્વારની સામેની દીવાલની પાસે બેઠક લીધી. એ એકલા જ બેઠા. એમની સંમુખ બેઠેલા આશ્રમવાસીઓની આગળ કેળાનાં પાંદડા મૂકવામાં આવેલાં. મેં એમનાથી દસેક ફૂટ જેટલે અંતરે એમની જમણી બાજુએ મારી બેઠક લીધી. આશ્રમનિવાસના મારા શેષ સઘળા સમય દરમિયાન મારું આસન એ જ જગ્યાએ રહ્યું.

સર્વ સામાન્ય ભારતીય પદ્ધતિ પ્રમાણે મહર્ષિ પોતાના હાથથી જ ભોજન કરતા. એમનું હલનચલન છેક જ સ્વાભાવિક લાગતું. મેં જોયું કે એમની આજુબાજુના વાતાવરણનો એમને પૂરેપૂરો ખ્યાલ છે. બહારની દુનિયાના પ્રસંગો પ્રત્યેની એમની પ્રતિક્રિયા પણ સહજ અથવા અકૃત્રિમ હોય છે, પરંતુ મને એ સંબંધમાં કોઈ શંકા ના રહી કે એમના સ્થૂળ શરીરથી કરાતી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓનો પ્રભાવ એમના આત્મા પર નથી પડતો. થોડાક વખત પછી મને સમજાયું કે એમના પોતાના જ સદુપદેશ પ્રમાણે એમના જીવનની ભૌતિક ભૂમિકા એમને માટે સ્વપ્ન સમાન હતી. મને એ પણ સમજાયું કે ભૌતિક બાહ્ય જગત વિશેની એ અવસ્થાનો અનુભવ મને પોતાને નહિ થાય ત્યાં સુધી સત્યનો સાક્ષાત્કાર નહિ કરી શકાય.

મનનાં બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે આ સત્યને સૌથી પ્રથમ ને પૂરેપૂરું સમજી લેવું જોઈએ. આપણા સમસ્ત જીવન દરમિયાન મન સતત રીતે સહસ્ત્રો વ્યર્થ વિચારોને પેદા કરે છે. મહર્ષિના એક અંગ્રેજ શિષ્યે સાચું જ કહ્યું છે કે ‘આપણું મન એની પોતાની સમસ્યાઓને પેદા કરીને એમને ઉકેલવાના પ્રયત્નો કરે છે પરંતુ એ અંતિમ ઉકેલ નહિ મેળવી શકે કારણ કે એનો સમાવેશ એના સીમિત પ્રવૃત્તિક્ષેત્રમાં નથી થતો.’

આશ્રમમાં સવારે સાડા અગિયાર વાગે ભોજન આપવામાં આવતું, બપોરે સાડા ત્રણ વાગે ચા આપવામાં આવતી, અને સાંજે સાડા સાત વાગે રાતનું ભોજન થતું. આશ્રમવાસીઓ અને પ્રસંગોપાત આવતા મુલાકાતીઓ માટે એ સમયનું પાલન કરાતું. આશ્રમ તરફથી ચા તથા કૉફી આપવામાં આવતી અને મારી પેઠે કોઈની વિશેષ વિનંતીને લક્ષમાં લઈને દૂધ પણ પૂરું પાડવામાં આવતું. ભોજનની વાનગીઓ સરસ રીતે તૈયાર કરવામાં આવતી પરંતુ શાક તથા દાળમાં અથવા સાંભારમાં અને રસમમાં એવી વસ્તુઓ નાખવામાં આવતી કે એક અંગ્રેજને માટે એ વાનગીઓ અતિશય ગરમ થઈ પડતી. પરંતુ મને થોડાક સમયમાં જ સમજાયું કે ત્યાંની ગરમ આબોહવામાં મસાલાવાળી ગરમ વાનગીઓ સાનુકૂળ રહે છે, એટલે મેં પણ થોડાક અપવાદો સિવાયની ગરમાગરમ કઢી તથા દાળશાક જેવી બીજી સામગ્રી લેવાનું ચાલું રાખ્યું. મારે મંજૂર રાખવું જોઈએ કે અમને પીરસનારા બ્રાહ્યણોએ મારા કેળના પાંદડા પર કેટલીક તીખી વાનગીઓને પડતી મૂકાયેલી જોઈને એવી તીખી વાનગીઓને પીરસવાનું બંધ કર્યું.

મહર્ષિ પ્રત્યેક વાનગીમાંથી થોડું થોડું ગ્રહણ કરતા. ભોજનની સમાપ્તિ સમયે છાસ આપવામાં આવતી ત્યારે એ એને લેવા માટે ભાતની વચ્ચે ખાડો કરતા. એમને માટે છાસ પર્યાપ્ત લાગતી ત્યારે એ છાસ પીરસનારા બ્રાહ્મણને હાથનો સંકેત કરીને અટકાવતા. પોતાના પાંદડા પર એ ભાતના એક દાણાને પણ ના છાંડતા. હિંદુ ધર્મશાસ્ત્રોને અનુસરનારા પ્રત્યેકની એ ફરજ ગણાય છે. એ શાસ્ત્રો ભૌતિક જીવનમાં ડગલે ને પગલે દોરવણી આપે છે. સમસ્ત સૃષ્ટિને મન અને એની પરિચારિકા જેની પંચેન્દ્રિયોની ભ્રાંતિરૂપે જોવા ટેવાયેલા મહર્ષિ જેવા મહાપુરૂષ એવી ખાસ પ્રથાઓને દેખીતી રીતે પાળતા તેનું રહસ્ય શરૂઆતમાં મારા સમજવામાં નહોતું આવતું. પરંતુ પાછળથી જયારે મહર્ષિની ઉપસ્થિતિમાં મારું મન વધારે ને વધારે શાંત થવા માંડ્યું, સત્યને સમજવાની શક્તિથી સંપન્ન બન્યું, અને વિચારની સઘળી ક્ષિતિજો ચોખ્ખી થઈ ગઈ, ત્યારે બીજી અનેક આશંકાઓની પેઠે એ આશંકાનો પણ અંત આવ્યો.

આશ્રમના મારા આવાસનાં આરંભનાં અઠવાડિયા દરમિયાન, ભોજન તથા નિદ્રાના સમય સિવાયનો દિવસનો શેષ સઘળો સમય મહર્ષિ ભોજનાલયની સામેના પુસ્તકાલયના મકાનની બાજુના વાંસના છાપરાવાળા નાનકડા હોલમાં પસાર કરતા. એ જાજમ, સુતરાઉ ધૂંસા અને થોડાક તકિયાઓથી ઢંકાયેલા પથ્થરના મોટા કૉચ પર બેસતા અથવા આરામ કરતાં.

બહારના દેખાવ પરથી પ્રત્યેક વસ્તુનો નિર્ણય કરવાની અંગ્રેજી આદતને અનુસરીને મેં એ કૉચને જોયો કે તરત જ મને વિચાર આવ્યો કે મહર્ષિના સંધિવાનું કારણ વરસો સુધી પથ્થરના કૉચ પર બેસવાનું જ હોવું જોઈએ. હું સમજી ના શકયો કે પશ્ચિમના ઠંડા દેશોને માટે જે સાચું હોઈ શકે તે ભારતને માટે અનિવાર્ય રીતે સાચું ના પણ હોઈ શકે. કારણ કે અરુણાચલ પર્વત પરના મારા રાત્રિના પરિભ્રમણ દરમિયાન મને પાછળથી સમજાયું કે જે મોટા શિલાખંડો પર હું બેસતો તે સૂર્યાસ્ત પછીના કેટલાય કલાકો સુધી ગરમ રહેતા એ તો ખરું જ પરંતુ આખી રાત દરમિયાન ઠંડા ના પડતા.

શિષ્યો તથા મુલાકાતીઓ મહર્ષિ તરફ મુખ રાખીને જમીન પર બેસતા. સવારના તથા સાંજના ધ્યાનને માટે થોડાક સાધુઓ અને મહર્ષિના શિષ્યો અરુણાચલની ગુફાઓમાંથી અવારનવાર બહાર આવતા. રોજ સવારે વેદોનો પાઠ કરવામાં આવતો અને રાત્રીભોજન પહેલાં પવિત્ર સ્તોત્રો બોલાતાં. એમાંનાં મોટા ભાગના સ્તોત્રો મહર્ષિએ એમની યુવાવસ્થામાં તૈયાર કરેલાં. આશ્રમના કાયમી નિવાસીઓમાંથી એક બ્રાહ્મણ પંદર દિવસે એક વાર પરમાત્માનું અત્યંત સુંદર સ્તુતિગીત ગાઈ સંભાળાવતા. એના છેલ્લા શબ્દોને હું સમજી નહોતો શકતો તો પણ એ એટલા બધા સૂરીલા અને સુસંવાદી હતા કે મારા કાનમાં ગૂંજ્યા જ કરતા. એ શાંત આશ્રમની અન્ય અનેક વસ્તુઓની પેઠે એ સદાને સારુ મારી સ્મૃતિમાં રહેવા સરજાયેલા. પાછળથી દુન્યવી જીવનની ઉપાધિની વચ્ચે, ‘તમારા સત્યસ્વરૂપનો વિચાર કરો’ એ મહર્ષિના શબ્દો મને યાદ આવતા અને એમના અમલની આવશ્યકતાને હું સમજી શકતો, ત્યારે એ સ્તુતિગીતની પવિત્ર સ્મૃતિ મને પ્રેરણા પાતી અને મારા અંતરાત્મામાં સંવાદિતાની સૃષ્ટિ કરતી.

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.