if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આશ્રમજીવનની દિનચર્યા સાથે મારી જાતને બંધબેસતી કરવામાં અને આત્મિક રીતે મહર્ષિની પાસે પહોંચવામાં મને સારો એવો સમય લાગી ગયો. સૌથી પહેલાં તો મારે માનસિક અવિશ્વાસ સામે લડવું પડ્યું. મહર્ષિની આજુબાજુના લોકોના જીવનમાં દોષદર્શન કરવાની મારી આદત હતી. મારી નિમ્ન મનોવૃત્તિ સાથે સંઘર્ષ કરવામાં હું મારા બહુમૂલ્ય સમયને બરબાદ કરી રહેલો. હું મહર્ષિ તરફ મારા વામન જેવા વ્યક્તિત્વની ભૂમિકા પરથી પેદા થયેલા સંકીર્ણ અહંકારથી પ્રેરાઈને જોયા કરતો. મને ખબર હતી કે મારે એવું ના કરવું જોઈએ, અહંકારને છોડીને વિશાળ પથમાં પ્રવેશવું જોઇએ. એના વિના પ્રકાશની પ્રાપ્તિ નહિ થઈ શકે.

અધ્યાત્મના અનુરાગીઓ જે પરીક્ષામાંથી પસાર થાય છે તે પરીક્ષામાંથી હું પસાર થઈ રહેલો. મન ઉત્તમ વિશદ વિષયોનું ચિંતન-મનન કરે અને એમના સંબંધી ચર્ચા આદરે, અને ગુરુની પ્રેરણા પ્રમાણે આધ્યાત્મિક ભાવો તથા વિચારોને અંકિત કરતી રચનાઓ પણ કરે. પરંતુ જ્યારે સાચો, વાસ્તવિક અનુભવ કરવાનો અવસર ઉપસ્થિત થાય છે અને પોતાની માન્યતા મુજબ જીવવાનું હોય છે ત્યારે જીવનમાં ત્રુટિ દેખાય છે અથવા વિસંવાદ પેદા થાય છે.

તો પણ, વખતના વીતવાની સાથે, મહર્ષિનો પાવન પ્રકાશ પોતાનું અદૃષ્ટ કાર્ય કરવા લાગ્યો. સૌથી પ્રથમ મને એમની સાથે વાર્તાલાપ કરવાની ઈચ્છા થઈ પરંતુ મારા શબ્દોના છીછરાપણાને લીધે મારો ઉમંગ ઓસરી ગયો. છેવટે અંતઃપ્રેરણાએ મને યથાર્થ માર્ગનું દર્શન કરાવ્યું.

‘સદગુરુએ શિષ્યને આપવાના સદુપદેશનું સૌથી શક્તિશાળી સાધન મૌન છે. મહત્વનાં ઊંડા આધ્યાત્મિક સત્યોનો સંદેશ શબ્દો દ્વારા નથી આપી શકાતો. એ શબ્દાતીત હોય છે.’ (મહર્ષિના સદુપદેશમાંથી)

મહર્ષિની આસપાસ છવાયેલી શાંતિને સતત રીતે એકાગ્રતાપૂર્વક અનુભવવાનો મેં પ્રયાસ કરવા માંડયો. મહર્ષિ દ્વારા આત્માને અનુપ્રાણિત કરનારાં અખંડ રીતે રેલાતા પરમાણુઓ પ્રત્યે પોતાના દિલના દ્વારને ઉઘાડવા માટે કેટલી બધી એકાગ્રતાની અને વિચારોના વેગ પરના કેટલા બધા નિયંત્રણની આવશ્યકતા છે તે સમજાયું. હું એ પણ સમજી શક્યો કે મારો પહેલાંનો અભ્યાસ આદર્શ ન હતો. પૂરતા પ્રમાણનો પણ ન હતો. મને એ જોઈને પ્રથમ તો સહેજ નિરાશા પણ થઈ કે મારી બધી જ પૂર્વપદ્ધતિઓને ફરી વાર તપાસવાની અને બદલવાની આવશ્યકતા છે. મને સમજાયું કે આ સ્થળમાં રહીને હું કેટલું જ્ઞાન પામી શકીશ ને પચાવી શકીશ એનો આધાર મારા પોતાના અભિગમ પર રહેશે. મહર્ષિની સંનિધિમાં રહેવાનો આવો સુ-અવસર ફરી વાર કદાચ કદાપિ નહિ મળે. એ અવસરનો કેવો ને કેટલો લાભ ઉઠાવવો એ મારા પોતાના જ હાથની વાત છે. બીજા શબ્દોમાં કહું તો મારા અંતરાત્માના દ્વારોને જેટલા પ્રમાણમાં ઉઘાડી શકાશે તેટલા પ્રમાણમાં મારામાં પ્રકાશનો સંચાર થશે એ હું સહેલાઈથી સમજી શક્યો.

મારા બધા આત્મકેન્દ્રિત અભિપ્રાયોને છોડી દેવાનું, મારી બધી જ નિશ્ચિત સ્પષ્ટ માન્યતાઓમાંથી મુક્તિ મેળવવાનું, પૂર્વગ્રહો તથા ગમા-અણગમાઓને તિલાંજલિ આપવાનું, સહેજ પણ સહેલું ન હતું. મારી મોટા ભાગની મક્કમ માન્યતાઓ સત્યનો સાક્ષાત્કાર કરી ચૂકેલા એક મહામાનવ સમક્ષ અચળ નહિ રહી શકે એવું મને લાગવા માંડ્યું. ભૂતકાળના કેટલાક સંતપુરુષોની સાથે સરખામણી કરવાના મારા સ્વભાવને લીધે મારામાં અનેક વાર આંતરિક ઘર્ષણ પેદા થયેલું. મને પ્રશ્ન થતો કે, માનવજાતિને મુક્તિનો મંગલ માર્ગ બતાવનારા ખુદ, ઈશુ અને અન્ય મહાપુરુષોનો માર્ગ કેવો છે ? જેમની દિવ્યતામાં આપણને કશો સંદેહ નથી એમનું અનુસરણ આપણે ના કરવું જોઈએ ? એમના પવિત્ર પદચિન્હો પ્રમાણે આપણે ના ચાલવું જોઈએ ? મારા મનમાં એવા અનેક તર્ક-વિતર્કો તથા સંશયો પેદા થતા. એ બધાનું પુનરાવર્તન કરવાનું મને યોગ્ય નથી લાગતું. આશ્રમમાં સધળું છેક જ સરળતાથી અને સહજ રીતે થતું તેમ, મારી શંકાઓનું સમાધાન પણ સ્વાભાવિક રીતે જ થઈ ગયું. મને જણાવવામાં આવ્યું કે એક વાર એક યુરોપિયન રોમન કેથોલિક દંપતિએ મહર્ષિ સામે બેસીને, ત્યાંના વાતાવરણની અવર્ણનીય પવિત્રતા તથા ઉત્તમતાથી પ્રભાવિત થઈને, પોતાની પૂર્વપરિચિત પરંપરાગત પ્રાર્થનાઓમાં એમની ઉર્મિની અભિવ્યકિત કરવા માંડી ત્યારે મહર્ષિએ કહ્યું :

‘એ બીજા ગુરુને માને છે. એમની પ્રાર્થના કરે છે. પરંતુ એથી કશો ફેર નથી પડતો. આખરે તો એ એક જ છે.’

આશ્રમમાં આવ્યા પહેલાં મેં મહર્ષિ વિશે ઘણુંઘણું વાંચેલું. મને ખબર હતી કે એમની પાસે પહોંચનારા પ્રત્યેકના અંતરાત્માના મર્મને એ જોઈ શકે છે. એ વિશે એ કશું બોલતા કે બતાવતા નથી તો પણ. એટલે એ પ્રસંગથી મને કશું આશ્ચર્ય ના થયું. પરંતુ મહર્ષિની એ અલૌકિક શક્તિને મારે અંગત રીતે પણ અનુભવવાની હતી. મારે એની આવશ્યકતા હતી, કારણ કે સદગુરુમાં સંપૂર્ણ વિશ્વાસ વગર, એમનો આત્મા પરમાત્મા સાથે અને પોતાના શિષ્ય સાથે એકતાને અનુભવે છે એવી માન્યતા સિવાય, આત્મજ્ઞાનની અનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર અશક્ય હોય છે.

એમની સંનિધિમાં સપ્તાહ પર સપ્તાહ વીતતું ગયું તેમ તેમ વ્યક્તિત્વની અલગતાનું આવરણ ભેદાવા તથા દૂર થવા લાગ્યું. એમની સાથેના સમય દરમિયાન મને સદાય એવું અનુભવવા મળ્યું. આશ્રમના મુખ્ય કાર્યકર્તાઓ (એમના ભાઈ અને આશ્રમની બાહ્ય પ્રવૃત્તિઓનું સંચાલન કરનારા સદસ્યો) ના નિર્ણયને અનુસરીને મહર્ષિ જયારે નવનિર્મિત મંદિરના હોલમાં રહેવા આવ્યા ત્યારે તે દિવસે મારા પોતાના જીવનમાં મહત્વનું પરિવર્તન આવ્યું. એ મંદિરનું નિર્માણ ઈ. સ. 1922માં જ્યાં એમની માતાનો અગ્નિસંસ્કાર કરવામાં આવેલો ત્યાં જ શુદ્ધ ભારતીય ઢબે થયેલું. પ્રથમ તો એવી અફવાઓ વહેતી થયેલી કે મહર્ષિ પોતાના પૂર્વસ્થાનમાં સંપૂર્ણ સુખી હોવાથી, એને ત્યાગવા નહોતા માગતા. પરંતુ આશ્રમના સર્વાધિકારીએ અને એમના સદસ્યોએ એમને પ્રણિપાત કરીને એમની સાથે સંમત થવાની પ્રાર્થના કરી ત્યારે, એમણે જણાવ્યું કે, કોઈ ક્યાં રહે છે એનું મહત્વ ઓછું છે, અને એમના અનુનય-વિનયનો સ્વીકાર કર્યો. આરસમાંથી તૈયાર કરેલો ભરતકામવાળા ભારતીય દુશાલાઓથી ઢંકાયેલો મોટો કૉચ મંદિરના એમના અંતિમ નિવાસસ્થાન જેવા હોલમાં એમની પ્રતીક્ષા કરતો’તો. મહર્ષિના કૉચની પાસે પુસ્તકોનું ખાનું, નાનું સરખું ટેબલ અને ઘડિયાળ હતું. એમની આગળ ધૂપદાની રહેતી. એમાં દિવસભર અગરબત્તીઓ સળગતી રહેતી તથા સમસ્ત હોલમાં સુવાસ ફેલાવતી.

મધ્યાહ્ન સમયે મહર્ષિને માનપૂર્વક મંદિરના નવા હોલમાં લઈ જવામાં આવ્યા. સવારના ધ્યાન પછી હું બહાર નીકળેલો હોવાથી એ વખતે હાજર નહોતો રહ્યો. મધ્યાહ્ન પછી પાછો ફર્યો ત્યારે એ નૂતન સ્થાનમાં મેં એવી જગ્યાને પસંદ કરી જયાં બેસીને હું એમની આંખને અખંડ રીતે અવલોકી શકું.

હોલને બે ભાગમાં વહેંચવામાં આવેલો. પુરુષો જમણી બાજુએ બેસતા અને સ્ત્રીઓ ડાબી તરફ બેસતી. મહર્ષિના કૉચની આગળ એક હઠાવી શકાય એવો અંતરાય ઊભો કરવામાં આવેલો. ભક્તો તથા મુલાકાતીઓ ત્યાં સુધી આગળ વધી શકતા.

મહર્ષિ રોજની જેમ કેટલાંક ઉશીકાંઓને અઢેલીને, માથાને થોડુંક નમાવીને, પલાંઠી વાળીને અથવા અર્ધપદ્માસનમાં ધ્યાનમાં બેઠા. પહેલાંની પ્રવૃત્તિઓને લીધે એમની કમજોર કાયા થાકી ગયેલી એવું જોઈ શકાયું. એમની ઉપસ્થિતિમાં જો કોઈને કશું દુઃખ થઈ શકે એવું કહીએ તો કહી શકાય કે એમની શારીરિક અશક્તિને જોઈને મને શરૂઆતમાં દુઃખ થયું. પરંતુ પાછળથી હું એવા દર્શનથી ટેવાઈ ગયો. બહારની સ્થૂળ વસ્તુઓ તરફ હું ઓછું ધ્યાન આપવા માંડ્યો અને એટલા માટે એમની અસરોમાંથી પણ એટલે અંશે મુક્ત રહી શક્યો.

સાંજે સાડાપાંચ વાગે પ્રારંભાયેલો વેદપાઠ પીસ્તાલીસ મિનિટ સુધી ચાલુ રહ્યો. એ પછી જગતના જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા પત્રોને મહર્ષિએ વાંચવા માંડયા. વર્તમાનપત્રો પર ઝડપથી દૃષ્ટિ ફેરવી, અને એ પછી શ્વેત દાઢીવાળા કમર પર વીંટેલી લુંગીવાળા, પીઠ પર શ્વેત વસ્ત્રોથી સુશોભિત, આશ્રમના સુશિક્ષિત ભારતીય સેક્રેટરી આગલા દિવસના પત્રોના પ્રત્યુત્તરોને તૈયાર કરીને એમની મંજૂરી માટે લઇ આવ્યા. મહર્ષિએ એમને સંભાળપૂર્વક વાંચીને એમનાં જુદાં જુદાં સરનામાંવાળાં કવરોમાં મૂકી દીધા. વચ્ચે વચ્ચે એમણે કેટલીક વિરલ સુચનાઓ આપી, અને સેક્રેટરીએ એમની સુચનાઓને અનુસરીને સંશોધન કરવા જેવા પત્રોને લઈને ચાલવા માંડયું.

દિવસની સઘળી પ્રવૃત્તિઓ છેવટે પરિસમાપ્તિ પર પહોંચી અને સર્વત્ર નીરવતા ને શાંતિ ફરી વળી.

 - © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.