અત્યાર સુધી જે કાંઈ કહેવાયું છે એના પરથી ચોક્કસપણે તારવી શકાય કે વર્તમાનકાળના અધિકાંશ યોગીઓ અને અસંખ્ય સંતપુરુષોની પેઠે, રમણ મહર્ષિ પોતે જેને સર્વોત્તમ આધ્યાત્મિક પ્રાપ્તિ અને શાશ્વત અંતરંગ અનુભૂતિ તરીકે ઓળખાવતા એ આત્મસાક્ષાત્કારની સિદ્ધિ માટે યોગક્રિયાઓની અનિવાર્ય આવશ્યક્તા છે એવી ભલામણ નહોતા કરતા. એ ધ્યેયની પ્રાપ્તિ માટે યોગનાં અનેકવિધ આસનો, શ્વાસોશ્વાસની ક્રિયાઓ તથા પ્રાણાયામની પ્રક્રિયાઓને મહત્વની નહોતા માનતા. સાચું કહીએ તો એમના વાર્તાલાપો દરમિયાન એ એમનો ઉલ્લેખ પણ નહોતા કરતા.
એટલે આત્મસાક્ષાત્કારને માટે મહર્ષિએ પ્રદર્શાવેલા સીધા સાધનામાર્ગમાં કોઈ કુત્રિમ આસનોની અને સામાન્ય માનવોને માટે અતિશય કઠિન, કષ્ટસાધ્ય અને સુયોગ્ય ગુરુના પ્રત્યક્ષ મંગલમય માર્ગદર્શન તથા નિરીક્ષણ સિવાય હાનિકારક થઈ પડનારી હઠયોગની જુદીજુદી ક્રિયા-પ્રક્રિયાઓની તેમ જ ધ્યાન અથવા એકાગ્રતાને માટે કરાતી અકુદરતી માનસિક પદ્ધતિઓની આવશ્યકતા નહોતી પડતી. એવા બધા અભ્યાક્રમથી - જો એની મદદથી આત્મજાગૃતિ અથવા આત્મોન્નતિ ના થતી હોય તો - કોઈ જ ઉપયોગી હેતુ નથી સરતો. એ વાતનું સમર્થન શ્રી શંકરાચાર્યે પોતાના વિવેકચૂડામણિ ગ્રંથમાં ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક, અત્યંત અસરકારક રીતે કરેલું છે.
વરસો સુધી ગૂઢ વિદ્યામાં રસ લેનારા મારા મિત્રોએ અને મેં યોગની કેટલીક બાહ્ય ક્રિયાઓનો આધાર લીધેલો પરંતુ અમારા અભ્યાસના પ્રમાણમાં કોઈ વિશેષ પરિણામ નહોતું આવ્યું. એમનામાંની કેટલીક ક્રિયાઓ અમારી તંદુરસ્તીને માટે સારી રહી. જ્ઞાનતંતુઓને શાંત કરવા માટે અને સ્વરને સુમધુર કરવા માટે એમણે આપેલો ફાળો ઉત્તમ સાબિત થયો. પરંતુ યોગની ક્રિયાઓ ચાલુ રાખી ત્યાં સુધી જ એવા વિશેષ લાભો થતા રહ્યા. ક્રિયાઓને કેટલાક અઠવાડિયાં સુધી બંધ રાખવામાં આવતી ત્યારે મહામહેનતે મેળવેલા એ બધા લાભોથી વંચિત રહેવું પડતું. મેં યોગાભ્યાસની સાથેસાથે ઉત્તમ અનુકૂળ મંત્રોના એકધારા જપ પણ કરી જોયા પરંતુ એથી પણ મનની સાચી અને સદાની શાંતિ ના સાંપડી શકી. ફ્રાન્સના ગૂઢ વિદ્યાના પ્રખ્યાત જ્ઞાતા તથા લેખક પોલ સેદીરે આધ્યાત્મિકતાને અપનાવ્યા પછી એમના પુસ્તકમાં લખેલું કે ગુપ્ત વિદ્યાઓના વિજ્ઞાનના અભ્યાસ પાછળ આટલાં બધાં વરસો વિતાવ્યા પછી પણ મને શાશ્વત મૂલ્યોવાળું શું શીખવા મળ્યું ?
રમણ મહર્ષિએ એવું અને એથી પણ અધિક કહેલું. એમણે જણાવેલું કે આત્મવિચારનો આધાર લીધા વિના બીજા કોઈક સાધનની મદદથી મેળવેલો મનનો સંયમ સનાતન નથી હોતો કારણ કે મન પાછું પોતાની સ્વાભાવિક પ્રવૃતિઓને કરવા માંડે છે. મહર્ષિ કહેતા કે જે નૈસર્ગિક નથી હોતું તે સનાતન પણ નથી હોઈ શકતું, અને જે સનાતન નથી હોતું તેને માટે પ્રયત્ન કરવાનું યોગ્ય નથી ગણાતું. બુદ્ધિમાન માનવ મહર્ષિના એ અભિપ્રાય સાથે સંમત થશે. અયોગ્ય સાધનાપદ્ધતિનો આધાર લેવાથી આત્મસાક્ષાત્કારની આશા અથવા શક્યતા નથી રહેતી એ કોણ નથી સમજતું ? બીજી ક્રિયાઓનો આધાર લેવાથી કેવળ આત્મવિચારનો આધાર લઈને આગળ વધવાનું શક્ય નથી બનતું. જીવન એટલું બધું ટૂંકું છે કે એને આડવાતોમાં પડીને વેડફી નાખીએ તે પોસાય નહિ. એ ઉપરાંત પૂર્વના કે પશ્ચિમના સાધકોમાંથી ગૂઢ વિદ્યાઓના અભ્યાસ પાછળ પડનારા મોટા ભાગના સાધકોએ પોતાના નિત્ય જીવનને જુદી જ રીતે અને મુશ્કેલ લાગે તેવા પ્રવાહમાં પલટાવવું પડે છે. અનેક પ્રકારનાં કષ્ટસાધ્ય અઘરાં આસનો, પ્રાણાયામો, મંત્રો, સ્તોત્રો, પ્રાર્થનાઓ અને ધ્યાનોનો લાભ લઈને આગળ વધવાનું કાર્ય વ્યાવહારિક જીવનમાં રચ્યાપચ્યા રહેનારા સાંસારિક માનવને માટે શક્ય નથી લાગતું. એ કાર્ય એની શક્તિની અને એનાં સાધનોની સીમાની બહારનું છે. ઘણા જ થોડા સાધકો પાસે એટલું ધન પણ હોય છે કે જેથી એ કોઈ પણ પ્રકારની આર્થિક ચિંતા વિના સંસારની બાહ્ય પ્રવૃતિને છોડીને એકાંતનો અથવા નિવૃત્ત જીવનનો આનંદ લઈ શકે. કોઈ પણ પ્રવૃત્તિપરાયણ પુરુષ કે સ્ત્રી એવું એકાંતિક જીવન જીવવા માંડે તો બીજાને માટે બોજારૂપ બન્યા સિવાય ના રહી શકે. પશ્ચિમના મોટા ભાગના દેશોમાં ભિખારી તરીકે જીવવાનો કોઈ વિચાર પણ નથી કરતું. એવું જીવન કાનૂનવિરોધી છે અને અનુચિત માનવામાં આવે છે.
મહર્ષિએ બતાવેલો એ સીધો સાધનામાર્ગ, એમાં પ્રવેશવા માગનારા સૌ કોઈને માટે અનુકૂળ છે. સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, અમીર અથવા ગરીબ, સાક્ષર કે નિરક્ષર, જે પણ એને માટે યોગ્ય હોય તે એ માર્ગે જઈ શકે છે. એ સાધનામાર્ગ પર ગુપ્ત રીતે આગળ વધી શકાય છે જેથી દુનિયાને ખબર પણ ના પડે કે કોઈ સાધક એટલી બધી ઉત્કટતાથી સાધના કરે છે. એ સાધનામાર્ગે આગળ વધવાથી માનવના પ્રારબ્ધ કર્મોને લીધે આવતા અંતરાયો આપોઆપ અને મોટા પ્રમાણમાં દૂર થાય છે.
પોતાના અનુયાયીઓને માટે લખાયેલાં પુસ્તકોના ઉપદેશોને કેટલીક વાર એમના લેખકોએ જ જીવનમાં ઉતારવાની કોશિશ કરી નથી હોતી. એવાં અસંખ્ય પુસ્તકોને વાંચવાથી શું લાભ થઈ શકવાનો છે ? એકમાત્ર પરમાત્માને જાણવાથી જ બધું સ્પષ્ટ રીતે જણાઈ જાય છે. એ પરમાત્માને જાણ્યા સિવાય અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાવું પડે છે અને જીવનના પરમ સત્યનો અથવા સંસારની અપરિવર્તનશીલ ચેતનાનો અનુભવ નથી થઈ શકતો. એટલા માટે મોટા ભાગના સાધકો બીજાના ઉછીના લીધેલા ભાવો તથા વિચારોથી મનને ભરી દે છે અને કશું નક્કર અથવા નોંધપાત્ર નથી મેળવી શકતા. બીજાને કેવળ ભોજન કરતા જોવાથી આપણી ક્ષુધાનું શમન થતું નથી. આપણી ભૂખને ભાંગવા માટે આપણે પોતે જ ખાવું જોઈએ.
અનેક સિદ્ધાંતો સાથેના અસંખ્ય પુસ્તકો, એકમેકની સાથે વિરોધ, સ્પર્ધા અથવા ચડસાચડસીમાં ઉતરનારા જાતજાતના ધર્મો, પંથો કે સંપ્રદાયો ગમે તેટલી ચતુરતાપૂર્વક રજૂ કરાયા હોય તો પણ એક અગત્યની હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે એમાનામાં એકતા નથી. એના પરથી પુરવાર થાય છે કે એમની અંદર સંપૂર્ણ અથવા અલ્પ પ્રમાણના સત્યનો પણ અભાવ છે.
મહર્ષિનો સીધો સાધનામાર્ગ આપણને આપણા અંતિમ અને એકમાત્ર ધ્યેયનો સાચો અને સ્પષ્ટ ખ્યાલ આપે છે. સદગુણોની પ્રાપ્તિની પ્રક્રિયા એ માર્ગમાં પલટાતી દેખાય છે. એ માર્ગમાં આગળ વધતી વખતે આપણે સદગુણોને શોધવા પડતા નથી. આપણે જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ સદગુણો આપણી અંદર આપોઆપ આવતા જાય છે. ક્રાઈસ્ટે સૌથી પ્રથમ જેની પ્રાપ્તિ કરવાનો આદેશ આપ્યો છે તે સ્વર્ગના સામ્રાજ્ય વિશે કાઢેલા ઉદગારોનું સ્મરણ થયા સિવાય નથી રહેતું. એ ઉદગારો આ રહ્યા : ‘સૌથી પ્રથમ ઈશ્વરના સામ્રાજ્યને અને એમના સદાચારને શોધો અને એ પછીથી બીજી બધી જ વસ્તુઓ આપોઆપ આવી મળશે.’ સદગુણોની પ્રાપ્તિ માટે આપણી જાતને ફરજ પાડવી એ પ્રલોભનોથી દૂર ભાગવા જેટલું જ નિરર્થક છે. આપણે સૌ સમજીએ છીએ કે સાચો વિજય કેવળ લડવાથી નથી મળતો પરંતુ હિંમત તથા શૌર્યપૂર્વકના યુદ્ધથી જ સાંપડી શકે છે. અને આપણે કોની સામે જંગ ખેલીએ છીએ તે પણ આપણે જાણી લેવું જોઈએ, નહિ તો હારવાનો સંભવ રહે છે. મહર્ષિએ પ્રદર્શાવેલો સીધો સાધનામાર્ગ એની ઉપર પગલાં ભરીએ છીએ ત્યારથી જ આપણે ક્યાં જવાનું છે અને શા માટે જવાનું છે એની માહિતી પૂરી પાડે છે. આ અનિત્ય જગતનો આપણો ત્યાગ આપણી આજુબાજુના લોકોથી લગભગ અજ્ઞાત હોય છે. ત્યારે કેવળ કાલ્પનિક કે સ્વપ્નસમાન બની રહેવાને બદલે સ્વાભાવિક તથા બુદ્ધિસંગત બને છે. એવે વખતે જે વસ્તુઓની વચ્ચે વસીએ છીએ તે વસ્તુઓના વાસ્તવિક મૂલ્યને આપણે અનુભવના આધાર પર સમજી શકીએ છીએ.
એ બધી વસ્તુઓનો વિચાર કરતાં મને લાગે છે કે યોગ તથા બીજી ગૂઢ વિદ્યાઓના મોટા ભાગના લોકપ્રિય સમકાલીન લેખકોએ પોતે જેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે તે સાધનાપંથ પર સ્વામિત્વ નથી મેળવ્યું. એમના અનુયાયીઓને શરીર તથા જીવન પર સર્વ પ્રકારનો સંયમ સ્થાપવાની બાંયધરી આપવા છતાં પણ એમણે પોતે એવો સંયમ નથી સ્થાપ્યો. એ યોગ વિશે કાંઈ જાણતા હોવાનો ને માનવની અંદરની સુષુપ્ત શક્તિઓથી સુપરિચિત હોવાનો દાવો કરે છે પરંતુ એમના પરિચયમાં આવ્યા પછી સમજાય છે કે એમના સંયમના તથા પૂર્ણતાના દાવા કપોલકલ્પિત અથવા પોકળ છે. એ આત્મસંયમ અને શારીરિક સંપૂર્ણતાથી કોસો દૂર દેખાય છે તો બીજી ઉત્તમ વસ્તુઓની તો વાત જ શી કરવી ? પુસ્તકો લખવાં એ એક વાત છે અને સત્યનો સાક્ષાત્કાર કરવો એ બીજી જ વાત છે. ડૉકટરે પહેલાં પોતાની જ જાતની દવા કરવાની હોય છે.
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')