મંદિરના હૉલમાં મહર્ષિના કૉચની પાસેથી પંક્તિબદ્ધ ઊભેલા અને પસાર થઈ રહેતા દર્શનાર્થીઓની હારમાંથી હું પાછો ફર્યો. મેં એમની પ્રવૃત્તિમાં પૂરેપૂરો ભાગ ન લીધો. સાંજે છ વાગ્યે દર્શનાર્થીઓનો સમય પૂરો થયો ત્યાં સુધી મેં પ્રતીક્ષા કરી. સાંજના છ વાગ્યાથી માંડીને સાડા સાત વાગ્યા સુધી રમણ મહર્ષિ મોટે ભાગે એકલા રહેતા. એટલા માટે એ સમય એમની પાસે પહોંચવા અને એમની અનુજ્ઞા મેળવવા માટે ખૂબ જ અનુકૂળ હતો.
પવનની સાધારણ લહર પણ ચાલતી ન હોવાથી ગરમીનો પાર ન હતો. રસ્તો સૂનો દેખાતો હતો અને આશ્રમના પ્રવેશદ્વાર પાસે કોઈ પણ નહોતું દેખાતું. આશ્રમના આંગણમાં થોડીક મોટરો ઊભેલી દેખાતી એટલું જ.
મંદિરના હૉલમાં સંધ્યાની સુરતા ફરી વળી. એકાદ ક્ષણ માટે હું પ્રવેશદ્વાર પાસે ઊભો રહ્યો. મહર્ષિ એમની રોજની ટેવ પ્રમાણે તકિયા ઉપર આરામ કરતા અવકાશમાં જોતા આડા પડેલા. એક યુવાન સેવક ભાગ્યે જ જોઈ શકાય એવી રીતે ખૂણામાં અંધકારની વચ્ચે બેઠેલો. એના સિવાય હૉલમાં બીજું કોઈ જ ન હતું.
મહર્ષિએ મારા તરફ જોઈને સહજ સ્મિત કર્યું. હું એમની પાસે પહોંચ્યો પરંતુ એમની વિદાય માગવાના મારા વિચારો અને પસંદ કરેલા શબ્દો શાંત થઈ ગયા. મારું મન ખાલી પડી ગયું. એની અંદર કોઈ પણ વિચાર પેદા ન થયો.
હું એમને પ્રણામ કરીને એમની આગળ ઊભો રહ્યો. એમણે મારી દૃષ્ટિમાં પોતાની દૃષ્ટિને સ્થિર કરી. એમના પવિત્ર પ્રકાશમાં મેં ડૂબકી મારી. એ વખતે શબ્દોની આવશ્યક્તા ન દેખાઈ. મેં અનુભવ્યું કે એ મહાન સંતપુરુષ મારા હૃદયને વાંચી શકે છે. મારા મનની વાતને હું એમની સમક્ષ રજૂ કરું એ પહેલાં એ તેને સમજી ગયા છે.
મારા હૃદયમાં થોડીક ગમગીની ફરી વળી. મેં છેલ્લી વખત મારા સદગુરુ તરફ દૃષ્ટિપાત કર્યો. એમના જેવા સદગુરુ મને સંસારમાં ક્યાંય પણ મળવાના ન હતા. એમના તરફથી શક્તિનો સૂક્ષ્મ પ્રવાહ મારા તરફ વહેવા માંડ્યો. એને લીધે મારી ગમગીની જરા ઓછી થઈ. હવે મારો અંતરાત્મા કાંઈક ઉલ્લાસ અનુભવવા માંડ્યો.
મેં એમને મંદ સ્વરે પણ સુસ્પષ્ટ રીતે મારા આશ્રમત્યાગની વાત કહીને એમની રજા માગી. એમણે માથું હલાવ્યું એટલે મેં એમના આશીર્વાદ માગ્યા. એમણે મને આશીર્વાદ આપ્યા.
મેં એમની આગળ મસ્તક નમાવ્યું અને એમણે મારા મસ્તક ઉપર પોતાની કોમળ આંગળીઓ મૂકી. એને લીધે મારા શરીરમાં પવિત્રતા તથા શક્તિનો સૂક્ષ્મ પ્રવાહ ફરી વળ્યો. મેં એમને ફરી વાર પ્રણામ કર્યા અને આનંદપૂર્ણ અંતરે એમની વિદાય લીધી. આશ્રમના થોડાક મિત્રો મારી સાથે પ્રવેશદ્વાર સુધી આવ્યા. મારી અંદરના અવાજે મને કહ્યું કે ગુરુનો વિયોગ કદી પણ થતો નથી. એ વસ્તુ પુરવાર થઈ ચૂકી.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)