રમણ મહર્ષિના શરીરત્યાગના કરુણ સમાચાર મને અને સંસારના જુદા જુદા દેશોમાં રહેતા એમના ભક્તોને મળ્યા. ઈશ્વરે મને જેમની છત્રછાયામાં બેસવાની તક પૂરી પાડેલી તે મહાપુરુષનાં વખાણ કરવાની અથવા એમને બીજા મહાપુરુષો સાથે સરખાવવાની મારી ઈચ્છા નથી. જે મહાપુરુષ પોતાના પરમ પ્રકાશને પૃથ્વી ઉપર પાથરવા માટે પધારેલા તે મહાપુરુષને મારા જેવા સામાન્ય માનવની બુદ્ધિ કેવી રીતે વર્ણવી શકે ? એમની મહાનતા સારી રીતે અને સંપૂર્ણપણે માપવા માટે માનવે એમના જેવી અસાધારણ અવસ્થા પર પહોંચવું જોઈએ. અહીં તો હું એટલું જ કહેવા માંગુ છું કે એમણે લીધેલી સમાધિના સમાચારને સાંભળીને મારા અંતરમાં કેવી લાગણી થઈ આવી.
રમણ મહર્ષિના આશ્રમને છોડતાં પહેલાં મહર્ષિની તેજસ્વી આંખનો પ્રકાશ મારા સ્મરણપટ પર પથરાઈ રહેલો. અને હવે એમના સમાધિસ્થ થયાના સમાચાર મને સાંભળવા મળ્યા. તેનો અર્થ એવો ન હતો કે હવે એમની પ્રકાશમય આંખનો પ્રકાશ પોતાનું કાર્ય નહીં કરી શકે. એ પ્રકાશ પંચમહાભૂતના સ્થૂળ શરીરમાંથી ફેલાતો હોવા છતાં પાર્થિવ અથવા સ્થૂળ ન હતો. એટલા માટે એમના સ્વર્ગવાસને લીધે હું એમની વાસ્તવિકતાથી વંચિત ના રહી શક્યો.
હું ધ્યાનની તૈયારીમાં બેઠો હોઉં તેમ શાંતિપૂર્વક બેસી રહ્યો. પરંતુ આ વખતે રોજની સામાન્ય પ્રક્રિયામાં ફેર પડયો. ઈશ્વરે કદાચ એમ માન્યું હશે કે મારે આશ્વાસનની આવશ્યકતા છે. એટલા માટે મારી આગળ આશ્રમનું પેલું પ્રખ્યાત ચિત્ર ઉપસ્થિત થયું.
રમણ મહર્ષિના આશ્રમમાં દરરોજ સાંજે હૉલમાં સુંદર સ્તુતિ કરવામાં આવતી. તે સ્તુતિ મહર્ષિને ખૂબ જ પ્રિય લાગતી. એમને સાંભળતી વખતે મહર્ષિના મુખમંડળ પર આનંદ અને અનુગ્રહનો ભાવ ફરી વળતો. જે શ્રોતાઓ ત્યાં હાજર રહેતા એમની ઉપર પણ એ વાતાવરણની અસર થયા વગર રહેતી નહી. આશ્રમના હૉલમાં ગવાતી એ સુંદર સ્તુતિને હું જાણું કે દૂર બેસીને સાંભળી રહ્યો. એને લીધે મારો સઘળો શોક શમી ગયો. રમણ મહર્ષિનું સ્થૂળ અથવા સૂક્ષ્મ દર્શન એવું આનંદકારક અને પ્રેરણાપ્રદાયક હતું.
પાછળથી જુદા જુદા દેશોમાં રહેતા ભક્તોના પત્રો આવવા લાગ્યા. એ પત્રો દ્વારા એમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરેલી. એમણે મને અને એમને પોતાને આશ્વાસન આપવાનો પ્રયાસ કરેલો. અને લખેલું કે રમણ મહર્ષિની સ્થૂળ વિદાય આપણા એમની સાથેના આધ્યાત્મિક સંબંધને તોડી શકે તેમ નથી. અને છતાં પણ એમના પત્રોના છેલ્લા શબ્દો આંસુથી ભીંજાયેલા દેખાતા. એમ કહેવાય છે કે સંસારને ઉત્પન્ન કરનારી શક્તિ પ્રેમની છે.
કદાચ એવું હોઈ શકે, પરંતુ મારી દૃષ્ટિએ તો મહર્ષિના જેવો પ્રખર સ્વાર્થરહિત પ્રેમ, બીજા બધા જ ઉપચારો નકામા જાય ત્યારે આપણા અંતરને પવિત્ર બનાવે છે. સદગુરુ જે સાચી શાંતિ આપે છે તેવી સાચી શાંતિ યોગના અભ્યાસથી અથવા બીજી કોઈ પદ્ધતિથી સાંપડી શકતી નથી.
રમણ મહર્ષિ પોતાના ભક્તો અને શિષ્યોને માટે કેન્દ્ર જેવા હતા. એ એમની પાછળ પોતાનો પવિત્ર પ્રેમ મૂકી ગયા. એવો પવિત્ર પ્રેમ સંસારમાં બીજે ક્યાંય ના મળી શકે. એ પ્રેમ આત્માની શાંતિ અપાવે છે.
રમણ મહર્ષિની મહાસમાધિ પ્રત્યેક વર્ષે ઉજવાતી રહેશે અને એવો ઉત્સવ એક દિવસ મારા જીવનનો અંતિમ ઉત્સવ થઈ રહેશે. પરંતુ જીવનની છેવટની પળે એ એમના અન્ય પ્રેમીજનોની જેમ મારી સાથે જ રહેશે, એવો મને વિશ્વાસ છે.
રમણ મહર્ષિના આશ્રમમાં રહ્યા પછી વર્ષો પછી પણ એમના આશ્રમમાં શરૂ થયેલી વિકાસની પ્રક્રિયા એવી ને એવી જ ચાલુ રહી. દુન્યવી પરિસ્થિતિ અને કર્મનાં બંધનો ક્રમે ક્રમે હળવાં બનતાં ગયાં. અંદરના અનુભવો વધતા ગયા. અંદરના અનુભવો વધતા ગયા. વિચારશક્તિમાં ક્રમેક્રમે પલટો આવવા લાગ્યો. રમણ મહર્ષિએ કહ્યું કે વાઘના પંજામાં પડેલો શિકાર જેમ છૂટી શકતો નથી તેમ ગુરુની કૃપા પામનાર પણ કદી એકલો પડતો નથી. ગુરુ એની રક્ષા સદા કર્યા કરે છે. એનો અર્થ એવો થયો એ એક વાર પ્રગતિના પંથે આગળ વધ્યા પછી એકથી વધારે જન્મો લાગે તો પણ પ્રગતિનો પંથ છૂટી શકતો નથી. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ મારા સંસ્કારો વધારે બળવાન બનતા ગયા. મને ખાતરી છે કે જગતમાં એવા આત્માઓ અનેક છે જે પ્રગતિના પવિત્ર પંથે સફતાપૂર્વક પ્રયાણ કરી શકે. પ્રસ્તુત પુસ્તકની રચના મેં એમને માટે જ કરેલી છે. એવા સંસ્કારી માનવો આ પુસ્તકમાંથી પ્રેરણા મેળવશે અને લાભ ઉઠાવશે તથા પ્રગતિના પવિત્ર પંથે આગળ વધશે એવી આશા છે.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)