if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા લખેલા આ પુસ્તકની હસ્તપ્રત વાંચીને કેટલાક મિત્રોએ મને પૂછયું કે, સમાધિ કોને કહેવાય ? એને કેવી રીતે મેળવી શકાય ? એ કોના જેવી હોય છે ? સમાધિ કેટલો વખત ચાલુ રહે છે ? જ્યારે આપણે સમાધિમાં હોઈએ છીએ ત્યારે આપણી શારીરિક તથા માનસિક ચેતનાનું શું થાય છે ? અને સમાધિની પ્રાપ્તિ માટે શું કરવું પડે છે ?

હું એટલું કહી શકું કે એને માટેનો સૌથી સલામત રસ્તો જેમને માટે સમાધિની અવસ્થા સહજ બની હોય એમના ઉપદેશોને સાંભળવાની છે. એવા અનુભવી સંતપુરુષો બધા ધર્મોમાં મળી જાય છે અને ભારતમાં પણ જોવા મળે છે. સમાધિની અવસ્થાને જેમણે સંપૂર્ણપણે અનુભવી હોય તે જ એના વિશે અધિકારપૂર્વક બોલી શકે.

સમાધિ બે પ્રકારની હોય છે. પ્રથમ પ્રકારની સમાધિ સાધકના લાંબા વખતના પ્રયત્નથી સિદ્ધ થાય છે. એ સમાધિ ખૂબ જ થોડા સમયને માટે ટકે છે. એમાંથી જાગ્યા પછી સાધકનું જીવન પહેલાંના જેવું જ રહેતું હોય છે. એની અંદર કોઈ ખાસ પરિવર્તન નથી આવતું. બીજી જાતની સમાધિ પૂર્ણ પુરુષોને અને કોઈક જ વાર અનુભવવા મળે છે. શ્રી રમણ મહર્ષિ એ સમાધિને સહજ સમાધિનું નામ આપે છે. એનું વર્ણન કરવાનું કામ કઠિન છે. એ સમાધિ સહજ રીતે અને અખંડપણે ચાલ્યા કરે છે. રમણ મહર્ષિને એની પ્રાપ્તિ એમના જીવનના ઉત્તરાર્ધમાં થઈ હતી. એ સમાધિના અનુભવ પછી યોગી બોલે, જાગે અથવા ઊંઘે, કોઈ કામ કરે કે ના કરે તો પણ એની ચેતના જીવનના સામાન્ય સ્તર સુધી નીચે ઉતરતી નથી.

પ્રથમ પ્રકારની સમાધિને કામચલાઉ સમાધિનું નામ આપી શકાય. એ સમાધિ દરમિયાન બહારના બધા જ વિષયોમાંથી મન પાછું વળી જાય છે. એ સમાધિને અનુભવવા માટે કેટલાક સાધકો એક જ પ્રકારના અનુકૂળ વાતાવરણની ઇચ્છા રાખે છે. એમને એક જ પ્રકારના અનુકૂળ વાતાવરણમાં બેસવાનું પસંદ પડે છે. કેટલાક સાધકો એને માટે પ્રાર્થના કરે છે તો બીજા કેટલાક સાધકો ગુરુના અનુગ્રહની અપેક્ષા રાખે છે.

સમાધિ અવસ્થાનાં ત્રણ સોપાનો છે. પ્રથમ સોપાનમાં આપણે અનુભવીએ છીએ કે સમાધિ અવસ્થા આવી રહી છે. એ વખતે આપણે પહેલાંની પેઠે વાતચીત કરી શકીએ છીએ. સમાધિના બીજા સોપાન દરમિયાન બહારનું કાંઈ પણ ભાન રહેતું નથી. એ વખતે આપણને આપણા, સાચા સ્વરૂપનું ભાન થાય છે. આપણે શાંતિ, સ્વતંત્રતા, આનંદ અને જ્ઞાનનો અનુભવ કરી શકીએ છીએ.

સમાધિના ત્રીજા સોપાન દરમિયાન આપણે સમાધિમાંથી જાગૃતિમાં આવીએ છીએ. તે વખતે સમાધિનું સ્મરણ ચાલુ રહે છે. સમાધિ અવસ્થામાં આપણને રસ પડતો હોવા છતાં પણ આપણે એમાં સદાને માટે રહી શકતા નથી. એનું કારણ આપણો અધુરો વિકાસ હોય છે. સમાધિના અનુભવ પછી આપણી અંદર ઘણો મહત્વનો ફેરફાર થઈ જાય છે.

સમાધિના અનુભવ પછી આપણું મન પવિત્ર અને પ્રબળ આંદોલનોવાળું બની જાય છે. એ આંદોલનો આપણી આજુબાજુના વાતાવરણને અસર પહોંચાડે છે. એનો પ્રભાવ આપણા સમાગમમાં આવનારા માનવો પર પણ થાય છે. સમાધિમાંથી જાગનારા પુરુષની સાથે બીજા માણસો સારી રીતે વ્યવહાર કરવા માંડે છે. એમને સમાધિ પામેલા પુરુષની યોગ્યતાની ખબર નથી હોતી તો પણ એની સાથેનો એમનો વ્યવહાર બદલાઈ જાય છે.

જે મહાપુરુષને સમાધિની અવસ્થાનો અનુભવ અખંડ રીતે થતો હોય એમના સમાગમમાં રહેવાથી મહાન મદદ મળે છે. એવી આધ્યાત્મિક મહાન વિભૂતિની પાસે રહેવાથી સાધકની સૂતેલી શક્તિઓ જાગી ઊઠે છે. રમણ મહર્ષિના સમાગમમાં આવેલા અસંખ્ય સાધકોનો એવો અનુભવ છે. એમની સાથેની વાતચીત પણ સાધકોને માટે ખૂબ જ કલ્યાણકારક થતી.

કેટલાક સંતોને ઊંડી લાગણી કે ભાવને પરિણામે સમાધિ થતી દેખાય છે. ભારતના મહાન પ્રખ્યાત સંત શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એક વાર એક સિંહને જોઈને સમાધિમાં ડૂબી ગયેલા. એમણે પાછળથી કહેલું કે સિંહમાં એમને ઈશ્વરનું દર્શન થયેલું. એક જ ક્ષણનું એવું દર્શન એમને સમાધિ દશામાં લઈ જવા માટે પૂરતું થઈ પડતું.

એવી રીતે કોઈ પણ પદાર્થના દર્શનથી, મંત્રોના જપથી, સંગીતથી અને ભજનોથી મન શાંત થઈ શકે છે, સમાધિ સંપૂર્ણ શાંતિની અવસ્થા છે. એ અવસ્થામાં ધન્યતાનો અનુભવ થાય છે.

મનના પ્રદેશને છોડીને એનાથી જે ઉપર ઊઠવા માટે તૈયાર રહે છે એને એનો અનુભવ સહેલાઈથી થઈ શકે છે. એને મેળવવાનો જે મનોરથ કરે છે અને એ મનોરથને પૂરો કરવાનો પ્રખર પ્રયત્ન આદરે છે એને એની પ્રાપ્તિ થઈ શકે છે. સમાધિમાં રહેનારા યોગીનું કદી મરણ થતું નથી. એવા યોગીઓ ઈચ્છા પ્રમાણે વરસો સુધી જીવી શકે છે. કેટલાક યોગીઓ સમાધિમાંથી જાગી ના શક્યા હોય અને એમનાં શરીરો શાંત બની ગયાં હોય એવાં ઉદાહરણો પણ જોઈ શકાય છે.

સમાધિનો સાધનામાર્ગ સૌ કોઈને માટે ઉઘાડો છે. એ માર્ગે આગળ વધવા માટે સૌ કોઈ સ્વતંત્ર છે. તે માર્ગે આગળ વધવું કે ના વધવું તે સૌની ઈચ્છા પર અવલંબે છે. એ માર્ગે આગળ વધનારા મહાપુરુષો તમારું સ્વાગત કરવા માટે સદાયે તૈયાર રહે છે. કેટલાક માણસો માને છે કે સદગુરુનું સ્થૂળ શરીર છૂટ્યા પછી એમની પ્રેરણા નથી મળતી પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે. સદગુરુનું કાર્ય સ્થૂળ શરીરે અથવા સૂક્ષ્મ શરીરે સદા ચાલુ રહે છે. ફક્ત તેમાં સાધકનો વિશ્વાસ હોવો જોઈએ.

  - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.