રમણ મહર્ષિએ સંસારનો ત્યાગ કર્યો. પરંતુ જે એમના જીવનકાર્યથી, ઉપદેશથી અને સંદેશથી સુપરિચિત બન્યા અથવા એને સમજ્યા એ અનાથ નથી બન્યા. એ એમનાં અંતરોમાં વિરાજમાન છે અને એમનો પ્રભાવ વખતના વિતવાની સાથે વધતો જશે. એ એમના સદગુરુનો ને સાથીનો શોક નથી કરતા. એમનો પાવન પ્રકાશ સંસારમાં સર્વત્ર રહેતા એમના શિષ્યો તથા ભક્તોમાં પ્રસરેલો છે અને ભવિષ્યમાં પણ પ્રસરેલો રહેશે. એનો કદી નાશ નહિ થાય.
વરસો પહેલાં રમણ મહર્ષિને એમના એક શિષ્યે કહ્યું કે પોતે એમની સ્થૂળ સંનિધિમાં ગમે તે ભોગે પણ રહેવા માગે છે ત્યારે એમણે ઉત્તર આપ્યો :
‘તમારી અંદર રહેનારો આત્મા જ સાચા અર્થમાં ભગવાન છે. તમારે એનો સાક્ષાત્કાર કરવાનો છે.’
એનાથી અધિક ઉચ્ચ અભિગમ બીજો કયો હોઈ શકે ? આપણા મૂળભૂત વાસ્તવિક સ્વરૂપની શોધ કરતાં કરતાં આપણે પ્રિય સદગુરુની શોધ પણ કરી લઈએ છીએ. બીજો કોઈ માર્ગ જ નથી. આત્મા અથવા સ્વરૂપ જ સર્વ કાંઈ છે અને એનાથી અલગ કે પર બીજું કશું જ નથી. એટલા માટે એને જ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.
*
દક્ષિણ ભારતના નીરવ શાંત ખૂણામાં અરુણાચલના સંતપુરુષની સમાધિ પાસે એમના બાકીના શિષ્યો તથા ભક્તો રોજ ભેગા થાય છે. એમના જીવનકાળ દરમિયાન ગવાતાં સ્તોત્રોને એ પણ ગાતા હોય છે. એ વિશુદ્ધ વાતાવરણમાં સર્વત્ર શાંતિ છવાઈ જાય છે. એ શાંતિ પોતાના જીવનકાળ દરમિયાન મહર્ષિના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા માનવોના અંતરમાં પણ ફરી વળે છે. મારા ભારતીય મિત્રોના કહ્યા પ્રમાણે મહર્ષિએ મહાસમાધિ લીધેલી. સાંપ્રત કાળમાં માનવજાતિ કટોકટી ભરેલી અવસ્થામાંથી પસાર થઈ રહી છે ત્યારે પણ મહર્ષિ જેવા મહામાનવના દર્શનમાં આપણને આનંદ આવે છે એ એના આશાસ્પદ સુખદ ભાવિની નિશાની છે.
જુદા જુદા ધર્મો અને સંપ્રદાયો એકબીજાની સાથે લડી રહેલા ત્યારે પરંપરાગત ધર્મોની દીવાલોને ભેદીને સત્ય રજૂ કરવાની આવશ્યક્તા હતી. એ આવશ્યક્તાની પૂર્તિ મહર્ષિ જેવા મહાપુરુષ દ્વારા સારી રીતે થઈ શકી. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના એમના સદુપદેશોને સર્વે માનવો સમજી, સ્વીકારી અને આચરી શકે છે. એમના ઉપદેશોના આધાર પર જુદાં જુદાં શાસ્ત્રોના ઉપદેશોને સહેલાઈથી સમજી શકાય છે અને એમની વચ્ચેનો વિરોધાભાસ દૂર થાય છે.
રમણ મહર્ષિ સઘળા અપરાધો અને દોષોના મૂળ કારણનો નિર્દેશ કરતા કહે છે : ‘માનવો પોતાને શરીર સમજે છે અને એની મિથ્યા માન્યતા કે સમજણને લીધે જ પાપ તથા દુષ્ટતા જન્મે છે. પ્રત્યેક પાપ અથવા અપરાધની પાછળ એ મિથ્યા માન્યતા હોય છે જ.’
એવી જ રીતે -
‘હું શરીર નથી. હું તો શરીરના માળખામાં વચગાળાના વખતને માટે વિરાજેલો આત્મા છું.’ એવા આત્મવિચારનો આધાર લેવાથી બધા જ દુર્વિચારો, દુર્ભાવો, દુષ્કર્મોનો નાશ થાય છે. એમને માટે કોઈ પ્રકારનો અવકાશ નથી રહેતો.
મને જ્યાં સુધી સમજાયું છે ત્યાં સુધી એ રમણ મહર્ષિના ઉપદેશનો સાર હતો, ભારતના દિવ્ય ઋષિવરોની પરંપરામાં પ્રગટેલા એક છેલ્લા મહાન ઋષિના સદુપદેશનો સાર.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)