if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સાધનામાં—અલબત્ત, આત્મવિકાસની સાધનામાં, નીતિનાં મૂળ તત્વોનું અનુષ્ઠાન, દૈવી સંપત્તિની ખિલવણી, અથવા તો ચારિત્ર્યશુદ્ધિ, બહુ જ મહત્વનો ભાગ ભજવે છે એ વાત જેટલી વધારે વાર યાદ કરવામાં આવે એટલી જ લાભદાયક છે. ચારિત્ર્યશુદ્ધિ અથવા તો દૈવી સંપત્તિની ખિલવણીને સર્વ પ્રકારની સાધનાનો પાયો કહી શકાય. એના પર સાધનાની આગળની સુદ્રઢ ઈમારતનો ઘણો આધાર રહે છે. નીતિમય જીવવું એટલે માનવતાથી સંપન્ન બનવું. વિશુદ્ધિ જીવન એના વિના ફાલીફૂલી નથી શકતું. છતાં માણસો એના પ્રત્યે દુર્લક્ષ સેવતા જોવામાં આવે છે. એમની સાધનાની સફળતામાં એ વસ્તુ ભારે અંતરાયરૂપ બનતી હોય છે. તોપણ કેટલીક વાર જ્ઞાત રીતે અને કેટલીક વાર અજ્ઞાત રીતે માણસો માનવતાના ગુણો કેળવવાની ઉપેક્ષા કરતા હોય છે. માણસ યોગી બને, ભક્ત બને કે તત્વજ્ઞ બને, પરંતુ તે માનવ મટી જાય તો શા કામનું ? જો તે આદર્શ માનવના ગુણધર્મોથી યુક્ત ન હોય અને બનવાની કોશિશ પણ ન કરતો હોય, તો તેવું યોગીપણું, ભક્તપણું કે તત્વજ્ઞપણું તેનું ભાગ્યે જ કલ્યાણ કરી શકે. સાધક કે સિદ્ધ થવું એટલે માનવ મટી જવું નથી, પરંતુ આદર્શ માનવ થવું એ છે, એ ખાસ યાદ રાખવાનું છે. માણસે સાચા માણસ થવાની, પૃથ્વી પર સાચા માણસ તરીકે શ્વાસ લેવાની ને વર્તવાની સૌથી પહેલી, છેલ્લી અને અનિવાર્ય આવશ્યકતા છે એ વાત ભૂલવા જેવી નથી. સાધના એ આદર્શની સ્મૃતિ કરાવે છે. એટલું જ નહિ, પરંતુ એ માટેની તાલીમ આપે છે. આદર્શની વિસ્મૃતિ કરનારની સાધના નિષ્પ્રાણ થશે અને કેવળ અલંકાર કે બોજો બની જશે.

માણસને આજે આદર્શ માનવ થવાની સાધનાની સૌથી વધારે જરૂર છે એ વાતનો  સ્વીકાર શું તમે નથી કરતા ? માણસ તરીકે કેમ જીવવું, રહેવું, વર્તવું, બોલવું ને ચાલવું તેની તાલીમ તેણે ખાસ લેવાની છે. આજે બધે નજર નાખતાં શુ જણાય છે ? નીતિ, સદાચાર, દૈવી સંપત્તિ અથવા તો માનવતાના પાયા હલી ઊઠ્યા છે અને વધારે ને વધારે હલતા જાય છે. સમાજના સઘળા સ્તરોમાં આ વસ્તુ સ્વાભાવિક કે સર્વવ્યાપક બની ગઈ છે. એના જેવું કરુણ બીજું કશું જ નથી. એટલે પોતાની ને બીજાની સુખાકારી માટે માણસે નીતિમાન થવાનું છે. જીવનનાં બધાં ક્ષેત્રોમાં પવિત્રતા તથા પ્રામાણિકતાનો આધાર રાખવાનો છે. સદ્ વિચાર, સમ્યક્ દર્શન અને સદાચારના હલી ઊઠેલા પાયાને મજબૂત કરવાના છે. બીજી સાધનાઓ ભલે થાય પરંતુ એ સાધના ધ્યાન બહાર ન રહી જાય એ ખાસ જોવાનું છે. કેમકે માનવ પાસે બધું હશે પરંતુ માનવતા જ નહિ હોય, ખુદ માનવતાનો જ મૃત્યુઘંટ વાગી જશે, તો તે બધાનો શો અર્થ ? તે બધું તેને શાંતિ નહિ આપી શકે અને તેના જીવનને જીવન પણ નહિ બનાવી શકે.

દેશને આજે ચારિત્ર્યશુદ્ધિની સાધનાની અનિવાર્ય આવશ્યકતા છે. જેમ દેશની ભૌતિક સંપત્તિ વધતી જાય તે દેશની રક્ષા તેમ જ સુખાકારી અને સુદ્રઢતા માટે આવશ્યક છે, તેમ પ્રજાનું ચારિત્ર્યબળ વધતું જાય એ પણ એટલું જ, બલકે એથીય વધારે આવશ્યક છે. દેશની સમૃદ્ધિ કે સુખાકારીનો મુખ્ય આધાર એના પર રહે છે. વ્યક્તિગત રીતે પણ જ્ઞાન, ભક્તિ, યોગ કે બીજી સાધનાની પ્રવૃત્તિમાં રસ લેનારે દૈવી સંપત્તિની અભિવૃદ્ધિ કરીને જીવનને સત્ય, પવિત્ર, પ્રેમ ને સેવાપરાયણ કરવાની જરૂર છે. એની તરફ આંખમીંચામણાં થશે તો સાધનાનો સાચો સ્વાદ નહિ મળી શકે. સાધના કોઈ શોખ નથી, દિલ બહેલાવવાની પ્રવૃત્તિ નથી, વખત વિતાવવાનું સાધન પણ નથી : તે તો ભૂખ છે, તરસ છે, લગન છે. મુક્ત અને પૂર્ણ જીવન માટેની અભીપ્સા છે. એ અભીપ્સાને પૂર્ણ કરવા માટેનો પુણ્યમય પ્રયાસ છે. સ્વભાવનું, ટેવોનું અને સમસ્ત વ્યવહારનું શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ કરાવનારી પ્રવૃત્તિ છે. એ સમસ્ત જીવનમાં ભળી જાય છે, તથા જીવનને નવો આકાર, ઓપ ને રસ પ્રદાન કરે છે.

કેટલાક માણસો માને છે તેમ, સાધના કલાક-બે કલાક આસન પર બેસવા જેટલી મર્યાદિત નથી. અનુકૂળ સમયે સત્સંગ કરવામાં પણ એની પરિપૂર્ણતા નથી થતી. આરંભને માટે એ બધાં વિધિવિધાનો બરાબર છે; પરંતુ પાછળથી તો સાધના કલાક-બે કલાક પૂરતી કે અમૂક દેશકાળ પૂરતી મર્યાદિત રહેવાને બદલે સમસ્ત જીવનમાં, જીવનના પ્રત્યેક વ્યવહાર ને પાસામાં મળી જાય છે. સર્વ પ્રકારના દેશકાળ કે સંજોગોમાં થતી રહે છે અને જીવનની સાથે તાણા ને વાણાની પેઠે વણાઈ જઈને જીવનનું એક અવિભાજ્ય અંગ બની જાય છે. જીવનની પ્રત્યેક વૃત્તિ તથા પ્રવૃત્તિમાં એની અસરનું દર્શન થાય છે. માણસો સાધના કરતી વખતે અને સ્વાધ્યાય કે સત્સંગ કરતી વખતે જુદાં દેખાય છે; એ વખતે શાંતિ તથા સાત્વિકતાથી સંપન્ન લાગે છે; પરંતુ સાધના, સ્વાધ્યાય કે સત્સંગમાંથી ઊઠીને વ્યાવહારિક જીવનમાં પડે છે ત્યારે તેમનું સ્વરૂપ બદલાઈ જાય છે, તેમના રૂપરંગમાં ફેર પડે છે અને તે જુદી જ જાતનો અભિનય કરવા માંડે છે. એ અભિનયને યથાર્થ માનીને એના સમર્થનમાં એ દલીલો પણ કરતા હોય છે. એ અભિનય દરમિયાન એ અહંકાર, દંભ, છળકપટ, અનીતિ અને કામક્રોધને પણ વશ થતા હોય છે.

એવી રીતે માણસના વ્યાવહારિક જીવન અને સાધનામય જીવન (જો એને સાધનામય જીવન કહી શકાતું હોય તો) વચ્ચે ઊંડી ખાઈ દેખાય છે. એના વિચાર અને આચારમાં અથવા વાણી અને વર્તનમાં એકવાક્યતા નથી દેખાતી. એક બાજુ એના પૂજાપાઠ ચાલે છે, જપતપ થયા કરે છે, દેવદર્શન, કથાશ્રવણ, પ્રવચન ને સંકીર્તન ચાલે છે; આસન, પ્રાણાયામ તથા ધ્યાન જેવો યોગાભ્યાસ થતો હોય છે; ગીતા, રામાયણ, ભાગવત જેવાં પુસ્તકોનું પારાયણ થાય છે અને સંતસમાગમ તથા તીર્થાટનની પરંપરા ચાલે છે, તો બીજી બાજુ એની સાથેસાથે અનૃત, અન્યાય અને અનીતિનો આધાર પણ લેવાતો હોય છે; દુર્ગુણો, વ્યસનો ને દુર્વ્યવહારો પણ પોતાનું કામ કરતા હોય છે. જે સાધના કે સ્વાધ્યાય કરવામાં આવે છે તેનાથી જીવનમાં ક્રાંતિ નથી થતી, સ્વભાવની શુદ્ધિ નથી સધાતી. સાધના તેમ જ વ્યવહાર વચ્ચે આકાશપાતાળનું અંતર રહે છે - ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેટલું છેટું રહે છે. બંનેના માર્ગ જુદા પડે છે, જુદી દિશામાં આગળ વધે છે, અને કદી ભેગા નથી થતા.

વ્યવહાર અને સાધના અથવા તો આચાર અને વિચાર વચ્ચેનો આ સંબંધવિચ્છેદ ભારે કરુણ છે, ક્લેશકારક છે, અશાંતિદાયક છે, અને સાધકને માટે મોટામાં મોટી સમસ્યારૂપ છે. એ સમસ્યાનો ઉકેલ કરવો જ જોઈએ. સાધકનો વિચાર અને આચાર અથવા તો આદર્શ ને વ્યવહાર એકરૂપ થઈ જવો જોઈએ. આત્મિક જીવન અને વ્યાવહારિક જીવનનો સમન્વય સધાવો જોઈએ. તેમની વચ્ચેનો ભેદ દૂર થવો જોઈએ. એ ભેદનું કારણ મનની નબળાઈ, જીવનની શુદ્ધિના આગ્રહનો અભાવ કે બીજું ગમે તે હોય, તેને તપાસીને દૂર કરવું જોઈએ. સાધકને માટે એ અત્યંત અનિવાર્ય છે.

અને સાધકને માટે જ શું કામ ? આચાર અને વિચાર અથવા તો આદર્શ અને વ્યવહારની વચ્ચેના ભેદભાવની આ સમસ્યા માનવમાત્રની સમસ્યા છે. આજના સંસારની એ એક મહત્વની મૂંઝવણ છે, નબળાઈ છે કે ખૂટતી કડી છે. એ નબળાઈને લીધે માનવનું જીવન બે પૃથક્-પૃથક્ પ્રવાહોમાંથી વહી રહ્યું છે. એને લીધે એના જીવનમાં શાંતિ નથી, સ્થિરતા નથી, દીપ્તિ નથી, સંતૃપ્તિ નથી અને એની દશા હાથીના જેવી થઈ ગઈ છે. હાથીના બે દાંતની જેમ એના પણ દેખાડવાના ને ચાવવાના દાંત જુદા છે : કહેવાની વાત એક છે અને કરવાની જુદી છે. આ કરુણ પરિસ્થિતિનો અંત આણ્યે જ છૂટકો છે. સાધના એમાં સહાયભૂત બનશે, ઉપયોગી સાબિત થશે.

જેમના જીવનમાં આદર્શ અને વ્યવહાર અથવા તો વિચાર અને વર્તનના ગજગ્રાહનો અંત આવ્યો છે, તે આત્માઓ સાચેસાચ ભાગ્યશાળી અને મહાન છે. તેમના જીવન કૃતાર્થ તથા શરીરધારણ સફળ છે. જીવનનો સાચો સ્વાદ અને આનંદ તેમને મળી ચૂક્યો છે. સ્વસ્થતા તથા શાંતિ સદાને માટે પ્રેરણાસ્પદ સાબિત થાય છે. તેમના મનમાં છે તે જ તેમની વાણીમાં અને તેનો જ અનુવાદ તેમના વર્તનમાં જોવા મળે છે. તેમની બુદ્ધિ તથા વ્યવહાર વચ્ચે કોઈ સંઘર્ષ નથી હોતો. કેટલું બધું ધન્ય જીવન ! જીવનની એવી ધન્યતા કે કૃતાર્થતા સૌ કોઈ મેળવી શકે છે. પોતાને માટેના એવા ઉત્તમોત્તમ ભાગ્યનું નિર્માણ સૌ કોઈ કરી શકે છે. કેમકે સાધનાનો માર્ગ અને એ માર્ગે મુસાફરી કરીને જીવનનો મંગલમય વિકાસ કરવાનો અવસર પ્રત્યેકને માટે ખુલ્લો છે. પ્રત્યેકની પ્રતીક્ષા કરતો ઊભો છે : પ્રત્યેક તે માટે કૃતસંકલ્પ થઈને તેનો લાભ લે એટલું જ. એક માણસ મહાનતાના મેરુશિખર પર આરૂઢ થઈ શકે છે તેવી રીતે, તેવા નિશ્ચયબળ અને પુરૂષાર્થનો આધાર લઈને, બીજો કોઈ પણ માણસ થઈ શકે છે.

આટલી ચર્ચાવિચારણા પછી, સાધનાત્મક જીવન અને વ્યાવહારિક જીવન બંને સીધી અને લાંબી લીટીના જેમ કદી ન મળે તેવી વસ્તુઓ નથી, તેની પ્રતીતિ તો થઈ જ ચૂકી હશે. તેમનો સમન્વય કરવાની ઈચ્છા ન થતી હોય કે તેવો સમન્વય ન જ કરી શકતા હો, તો તે તમારી નિર્બળતા છે. બાકી તેમનો સમન્વય નથી થઈ શકતો એમ નથી માનવાનું. તમારી શક્તિ અનંત છે, અસીમ છે, અમાપ છે અને અખૂટ છે. તમે તેનો સાક્ષાત્કાર નથી કર્યો એટલું જ. તે શક્તિનો પરિચય કરો એટલી જ વાર છે. તમારી અંદર જે અગાધ સામર્થ્યનો ભંડાર છે તેને તમે ખુલ્લો કરો તો એની મદદથી એવાં અવનવાં અસાધારણ કાર્યો કરી શકશો જે તમને તો વિસ્મિત કરશે જ, પરંતુ બીજાને પણ વિસ્મયમાં નાખી દેશે. તમારી અંદર આત્મબળનો પ્રખર પ્રવાહ છે. એ પ્રવાહને પ્રકટ કરીને યોગ્ય દિશામાં વાળો તો જેવો ધારશો તેવો વિકાસ કરી શકશો. તમારે માટે કશું પણ અશક્ય નહિ રહે. આજ સુધી કેટલાય લોખંડી શ્રદ્ધાસંપન્ન, મજબૂત મનોબળવાળા માણસોએ આત્મવિકાસની અનેકવિધ સિદ્ધિ કરીને શાંતિ મેળવી છે, તો તમે પણ કેમ નહિ મેળવો ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.