સાધનાને રોજિંદા જીવનમાં કેવી રીતે ચરિતાર્થ કરી શકાય અથવા તો રોજના વ્યાવહારિક જીવનને સાધનાપરાયણ બનાવીને સાધનામય કેવી રીતે બનાવી શકાય, તે કળાને જાણી લેવી જોઈએ. એ કળાને જાણી લેવાથી વ્યવહારની નાનીમોટી પ્રવૃત્તિઓ રસમય બનશે, સાધનામય થશે, ને વિકાસમાં મદદ કરશે. એ કળા મોટા ભાગના માનવસમુદાયને માટે ખાસ ઉપયોગી છે. કારણ કે મોટા ભાગના માનવસમુદાયને વનમાં નહિ પણ ઘરમાં રહેવાનું છે. અને બાહ્ય રીતે જોતાં નિવૃત્તિમય નહિ પરંતુ પ્રવૃત્તિમય જીવન જીવવાનું છે. એને વ્યવહાર સાથે જ વધારે કામ પડવાનું છે. એટલે વ્યવહારને સાચવીને, પ્રવૃત્તિનો ત્યાગ કરવાને બદલે પ્રવૃત્તિ કરતાં-કરતાં નિવૃત્તિનો આનંદ લેવાનું, અને પ્રવૃત્તિને જીવનવિકાસના સાધનરૂપ બનાવવાનું શાસ્ત્ર જ એમને માટે શ્રેયસ્કર થઈ શકશે. એ દ્રષ્ટિએ જો સાધનાનો વિચાર કરવામાં આવે તો કાંઈ ખોટું નથી. ઊલટું, અભિનંદનીય અથવા આવકારદાયક છે.
મારી પોતાની વાત જ કરું તો તે વધારે બંધબેસતી, ઉચિત અને ઉપયોગી થઈ પડશે. મારું રોજિદું જીવન અને એ જીવનની નાનીમોટી, સાધારણ કે અસાધારણ ક્રિયાઓ સાધનામય કેવી રીતે થઈ શકી છે તે કહી બતાવું ? ગમે ત્યાં સ્નાન કરતો હોઉં તોપણ ભાવનાના બળથી હું સમસ્ત ભારતવર્ષ તથા તેની બધી નદીઓ સાથે સંબંધ સાધી લઉં છું. મુંબઈમાં વૈતરણી યોજનાના પાણીથી નહાતો હોઉં, મદ્રાસમાં હોઉં કે મસૂરીમાં ઠંડા બરફ જેવા નળના પાણીની નીચે બેઠો હોઉં, મન દ્વારા પ્રાતઃસ્મરણીય ઋષિવરે આપેલા પેલા શ્લોકનું સ્મરણ કરી લઉં છું. એટલે ભારતની બધી જ નદીઓ તેમજ સમસ્ત ભારત સાથે ભાવાત્મક એકતા સ્થપાઈ જાય છે, અને અંતર એક પ્રકારના અવર્ણનીય આનંદથી ઊભરાઈ રહે છે.
આ રહ્યો એ શ્લોક :
गंगे च यमुने चैव गोदावरी सरस्वती ।
नर्मदे सिंधु कावेरी जलेस्मिन्सन्निधिं कुरू ॥
ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ તથા કાવેરી, આ પાણીમાં પ્રત્યક્ષ બનો ! ફક્ત સ્નાન કરતી વખતે જ નહિ, પરંતુ પાન કરતી વખતે પણ આવી ભાવનાનો આધાર લઈને ઉત્તમ સરિતાના સ્નાન તથા પાનનો લાભ લઈ શકાય છે. ભાવનાનું મહત્વ જીવનમાં ઘણું મોટું છે એ તો સૌ કોઈને ખબર છે.
જમતી વખતે પણ એવી જ ભાવના કરી શકાય છે, પરંતુ જરા જુદી રીતે. ભોજનની જે થાળી આપણી આગળ પડી છે તે પરમાત્માના પ્રસાદરૂપ છે. તે ભોજન ખાવાથી ઉત્તમ લોહી બનશે, શક્તિ પેદા થશે, બુદ્ધિ પ્રકટશે, અને એની મદદથી પોતાના ને બીજાના જીવનને ઉજ્જવળ કરવા માટેની પ્રવૃત્તિ થશે, એવા ભાવપૂર્વક ભોજન કરવાથી, કેવળ શરીરસંપત્તિને વધારવા માટે કરાતી બહારથી સાવ સાધારણ દેખાતી જમવાની ક્રિયા મન અને અંતરને પ્રેરણાં પૂરી પાડનારી અસાધારણ સાધના બની જાય છે, અને અનેરો આનંદ આપે છે.
સૂતી વખતે પણ પરમાત્માના અંકમાં આરામ કરતા હો એવા ભાનપૂર્વક સૂઈને, સૂવાની ક્રિયાને શાંતિમય સાધનાનું સ્વરૂપ આપી શકાય છે.
લખવાની ક્રિયા સાવ સાધારણ ક્રિયા કહી શકાય. તેમાં પરિશ્રમ પણ ઘણો પડે છે. છતાં તેનો સંબંધ સાધના સાથે જોડી દેવાથી મને તેનો શ્રમ, થાક કે કંટાળો નથી લાગતો. હાથમાં કલમ ને કાગળ લઈને બેસું છું ત્યારે મારી આંખ આગળ હજારો માણસો આવે છે. તેમને મારા લખાણમાંથી પ્રેરણા અને પ્રકાશ મળે છે તે હું જાણું છું. તેનું સ્મરણ થતાં મારી અંદર ઉત્સાહ પ્રકટે છે, અને થાય છે કે લોકહિતના એક મહાન યજ્ઞમાં હું સામેલ થઈ રહ્યો છું, જે યજ્ઞની કિંમત મહારુદ્ર કે શતચંડી કરતાં જરા પણ ઓછી નથી. તેની સાથે હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમે લખો. શક્તિ બધી તમારી જ છે, અને હું તો માત્ર વાહન છું. એટલે પરમાત્માની કૃપાથી કલમ ચાલવા માંડે છે. ભાવના એવી રીતે જીવનમાં જાદુ ભરે છે, અવનવો રસ રેડે છે, તેમ જ શક્તિસંચાર કરે છે. ઈશ્વર સાથેના અનુસંધાનમાં મદદ કરે છે. અને એને લીધે લેખનની નાની-સરખી ક્રિયા પરમાત્માના પરમસાગરમાં સમાઈ જનારી મહાન સાધનાસરિતા બને છે. બીજાને માટે આવું થાય છે કે નહિ તેની મને ખબર નથી પરંતુ મારે માટે તો આવું હંમેશા બને છે.
આ તો મેં માત્ર બે-ત્રણ ઉદાહરણ જ આપ્યાં છે, પરંતુ એનો આધાર લઈને તમે પણ જીવનને સાધનામય કરી શકો છો. ક્રિયા ગમે તેટલી નાની હોય પરંતુ ભાવના તેને મહાન બનાવે છે. ભાવનાની જ કિંમત છે. એ ભાવનાની કળામાં કુશળ થઈ જાઓ તો સાધના તમારા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે સંમિશ્રિત થઈ જશે ને તમને શાંતિ આપશે.
મળત્યાગ કરવાની ક્રિયા બહારથી જોતાં કેટલી બધી સાધારણ છે ? પરંતુ ભાવનાનો સંપર્ક સાધીને તમે તેને અસાધારણ બનાવી શકો છો. મળત્યાગ કરતી વખતે તમે વિચાર કરી શકો છો કે શરીર કેટલું બધું ગંદુ છે ? ઉપરથી જોતાં તે સારું લાગે છે, બાકી ગંદકી તો એની અંદર ક્ષણેક્ષણે ઉત્પન્ન થયા કરે છે. એની અંદર જે પરમાત્માનો પરમ પ્રકાશ છે તેને લીધે જ એનું મહત્વ છે. અસ્તિત્વ છે અને એની કિંમત છે. બાકી કોઈ એના તરફ દ્રષ્ટિપાત પણ ન કરે. આવા શરીરમાં મમતા રાખવી અથવા આસક્તિ કરવી નકામી છે. એની સંભાળ રાખીને તથા એને સ્વસ્થ અને સુદ્રઢ બનાવીને, એની મારફત બીજાને ઉપયોગી થવું તેમ જ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ જ બરાબર છે. એ જ એનો સદુપયોગ છે. માટે એનો અંત આવી જાય તે પહેલાં તેને માટે પ્રયાસ કરવો જોઈએ. આવા મલિન, ક્ષણભંગુર અને રોગના ઘર જેવા શરીરમાં મોહિત થઈને, ભાન ભૂલીને, કુકર્મ ન કરવાં જોઈએ. એવી રીતે વિચાર કરો અને એ વિચાર પ્રમાણે વર્તો, તો મળત્યાગની સાધારણ ક્રિયા તમારે માટે સાધના બની જશે, અને મળત્યાગનું સ્થાન કે સંડાસ યુનિવર્સિટી થશે. તમારી આંખ જો ઉઘાડી હોય તો જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં, ડગલે ને પગલે તમારે માટે મહામૂલ્યવાન ને પ્રેરક પદાર્થપાઠ પડેલા છે. તમારે તેનો લાભ લેતાં શીખવાનું છે એટલું જ.
જીવનમાં જ્યાં છો ત્યાં રહીને, અને જે પ્રવૃત્તિ કરો છો તે કરતાં રહીને તમે એવી રીતે આત્મવિકાસની સાધના કરી શકો છો. સાધના કાંઈ એક બે કલાકની ને ઘર કે વન પૂરતી મર્યાદિત નથી હોતી. તે તો સમસ્ત જીવનમાં ફરી વળે છે અને સમસ્ત જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. તેને પરિણામે જીવનની પ્રત્યેક પળ પ્રગતિના પ્રતિધ્વનિરૂપ અથવા તો સંપૂર્ણતાના સોપાન સમી થઈ રહે છે. યાદ રાખો કે પ્રવૃત્તિ ખરાબ નથી; પરંતુ ભાવનારહિત થઈને આંધળી પ્રવૃત્તિ કરવામાં આવે તે ખરાબ છે. માટે સદ્ ભાવનાને તમારી પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રાણ બનાવી દો તો પ્રવૃત્તિ જ સાધના બની જશે.
બનાર્ડ શૉએ એક ઠેકાણે કહ્યું છે કે આજના યુગની એક સારામાં સારી વસ્તુ એ છે કે માણસ ધનની મહત્તા સમજ્યો છે. ધન એક અત્યંત અનિવાર્ય વસ્તુ છે. એની પ્રતીતિ સૌને છે. ધન એક અત્યંત અનિવાર્ય વસ્તુ છે, એની પ્રતીતિ સૌને થઈ ચૂકી છે. બરાબર છે. શૉના શબ્દો સાથે આપણે સંમત થઈશું; પરંતુ માત્ર ધનની મહત્તા અને અનિવાર્યતા સમજવાથી જ શું થશે ? એવી સમજથી અને એવી સમજ પ્રમાણે ચાલીને ધનસંગ્રહની અભિવૃદ્ધિ કરવાથી જ કાંઈ સર્વોત્તમ માનવસંસ્કૃતિનું નિર્માણ નહિ થઈ શકે. ધનની પ્રાપ્તિ માટેનો પુરૂષાર્થ આવકારદાયક છે, પરંતુ એ પુરૂષાર્થ નીતિ, ન્યાય, સમાજહિત કે માનવતાને તિલાંજલિ આપીને આંધળિયા કરીને કરવામાં આવે અને સંગ્રહિત કરેલા ધનનો સદુપયોગ કરવાની કળા શીખવામાં ન આવે, તો ધન માટેની એવી લિપ્સા, હોડ અને પ્રવૃત્તિ પ્રસશ્ય નહિ જ થઈ પડવાની.

માણસ કેવળ ધનની પ્રાપ્તિ માટેનું મશીન નથી, એણે મશીન થવાનું પણ નથી. એ સૌથી પહેલાં ને છેવટે માણસ છે ને એણે માણસ બનવાનું તેમ જ માણસ રહેવાનું છે, એ વાત ન ભુલાવી જોઈએ. એ વાતના વિસ્મરણથી માનવનું ગૌરવ નહિ રહેવાનું. દુર્ભાગ્યે એ વાત આજે વિસરાતી જાય છે. માણસ ધનની મહત્તા સમજ્યો છે, પરંતુ ધન પ્રાપ્તિનાં પ્રામાણિક સાધનો તથા ધનના સદુપયોગની મહત્તા નથી સમજ્યો. આજના યુગની આ મોટામાં મોટી ત્રુટિ છે. ધનને ઘણું વધારે મહત્વ આપી દેવામાં આવ્યું છે, તેને સર્વોપરી પદ પ્રાપ્ત થયું છે, ને તેના સંચય માટેની સ્પર્ધા ને લાલસામાં માનવજીવનનું મહામૂલું મહત્વનું ધ્યેય ભૂલી જવાયું છે. સાધના કે પ્રવૃત્તિ કેવળ ધનસંચય પૂરતી જ સીમિત રહી છે કે સાર્થક માનતી થઈ છે. એ વૃત્તિ કે પ્રવૃત્તિને આદર્શ અથવા તો અભિનંદનીય કેવી રીતે કહી શકાય ? માનવના જીવનનું ધ્યેય ધનસંગ્રહ કરતાં કરોડોગણું વધારે કીમતી છે. એ જીવનમાં ધન આવશ્યક છે. પરંતુ ધનને જે રાજાપાઠ આપવામાં આવે છે તે બરાબર નથી. ધન કદી મુખ્ય અભિનેતા ન થઈ શકે કે પ્રમુખપદની ખુરશી પર બેસી ન શકે, એ યાદ રાખવાનું છે.
જીવનને ઉજ્જવળ કરવાની ઈચ્છાવાળાં માણસોએ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો તમે દાક્તર હો તો દરદીને ઈશ્વરના પ્રતિનિધિરૂપ માનો, માનવના રૂપમાં રહેલા દેવતા સમજો, અને એની સાથે સ્નેહ, સદ્ ભાવ, સૌજન્ય ને મીઠાશથી ભરેલો વ્યવહાર કરો. દરદીનું કેટલુંક દુઃખ તમારા માનવતાપૂર્ણ વ્યવહારથી જ ઓછું થઈ જશે, ને બીજું કેટલુંક દવાથી. ગરીબ અને અસહાયની મફત શુશ્રૂષા કરવામાં આનંદ માનો. ધનની તરફ જ દ્રષ્ટિ રાખીને દાક્તર તરીકેનું કામ ન કરતા. વધારે ધ્યાન ધન કમાવા તરફ નહિ, પરંતુ દરદને દૂર કરવા તરફ આપજો. તો દાક્તર તરીકેનું કામ કરતાં-કરતાં પણ, જીવનના વિકાસના ક્ષેત્રમાં આગળ વધી શકશો. દાક્તરનો વ્યવસાય તમારે માટે સાધનાની પ્રવૃત્તિ જેવો બની રહેશે અને દવાખાનું કે હોસ્પિટલ સાધનામંદિર જેવી મંગલ થશે.
વકીલોએ પણ એ જ વાત યાદ રાખવાની છે. વકીલોનું ધ્યેય લોકોની પાસેથી મોટી ફી લેવાનું જ ન હોય; સત્યના આગ્રહ, સંસ્થાપન તેમ જ જીવનની ઉન્નતિ માટેનું પણ હોય. જે ઉન્નતિ દૈવી સંપત્તિનો ઘાત કરીને કે માનવતાને મારી નાખીને, માનવ મટી જઈને કરવામાં આવે છે, તે સાચી ઉન્નતિ નથી, અને કોઈનું કલ્યાણ નથી કરી શકતી. ઉન્નતિ એટલે કેવળ મોટર, બંગલા, નોકરચાકર ને પ્રતિષ્ઠા નથી, પરંતુ આત્માની શાંતિ છે, મનની સ્થિરતા કે શુદ્ધિ છે, ઈન્દ્રિયોનો સંયમ ને વિજય છે, સદ્ ગુણોની પ્રતિષ્ઠા છે, સેવા છે તથા પરમાત્માના સાક્ષાત્કાર માટેનો પુરૂષાર્થ છે.
લેખક, પ્રકાશક ને શિક્ષક પણ પોતપોતાના પ્રવૃત્તિક્ષેત્રને સાધનામય બનાવી શકે છે. લેખક, પ્રકાશક ને શિક્ષક પોતાની જવાબદારી સમજે, અને પ્રજાના ઘડતરની જે વિશાળ તક પોતાને પ્રાપ્ત થઈ છે તેનો વિચાર કરીને સરસ રીતે વિનિયોગ કરે. તેવી જ રીતે વેપારીનું પણ સમજી લેવાનું છે. વેપારી ફક્ત ધન એકઠું કરવા માટે જ નથી બેઠો, તે લોકોનો સેવક છે માટે પ્રામાણિકતા સાચવવી જોઈએ, નફાખોરી છોડવી જોઈએ; ભેળસેળમાંથી મુક્તિ મેળવવી જોઈએ, અને ગ્રાહકો સાથે ઉત્તમ પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ. સેવકો, અમલદારો, પ્રધાનો અને નેતાઓએ પણ એ જ બોધપાઠ લેવાનો છે. સૌનો આગ્રહ તેમ જ પ્રયત્ન જીવનને ઉદાત્ત, પ્રામાણિક કે સ્વચ્છ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. એમ થાય તો સાધના આપણે માટે નદી કે પર્વતના પ્રદેશમાં ને વૃદ્ધાવસ્થામાં કરવાની વસ્તુ ન રહે. જીવન સાથે તે એકરૂપ થઈ જાય. ઘરમાં, સમાજમાં, દુકાનમાં, ઑફિસમાં કે બીજે બધે જ કરવાની વસ્તુ બની જાય. એને પરિણામે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ વધારે ને વધારે પ્રાણવાન બને અને આપણા જીવનમાં જે ઊંડો અસંતોષ અને અનર્થનો અસુર ફરી વળ્યો છે તે દૂર થાય. કલ્પના કરો કે જીવન ને જગત કેટલું બધું જીવવા જેવું બની જાય !
- શ્રી યોગેશ્વરજી