Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વેદ કરે છે વખાણ જેનાં, શાસ્ત્ર સંત ગુણ ગાય;
તમે તે જ પરમાત્મા પોતે, શંકા નથી જરાય,

સૃષ્ટિની શરૂઆત મહીં જે, હતા વિલસતા એક,
અનેકવિધ આ સૃષ્ટિમાં, જે વિલસે બની અનેક;

રક્ષા કરતા, પોષણ ધરતા, ગુરૂ સખા ને દેવ,
માતપિતા છો તમે જ પોતે, સિદ્ધ કરે છે સેવ.

સિદ્ધિના ભંડાર તમે છો, પ્રકૃતિના સ્વામી,
નમું તમોને એક છતાંયે, અનેક બહુનામી !

અચલ એક આ ચલ સંસારે, નથી તમારી જોડ,
કૃપા તમારી થાય તો જ, એ પડે વાતનો ફોડ.

કરૂં પ્રાર્થના આજ તમારી, ધારી ઉરમાં પ્રેમ,
પ્રેમ તમારે માટે પુષ્કળ, કહી બતાવું કેમ ?

નથી યોગ્યતા તોયે, રાખું સદા કૃપાની આશ;
નિહાળજો તો મારી સામે, સદ્ય લઈ અવકાશ.

યોગ્ય જનોની પાસે જાયે, ઘણા પહોંચી દેવ,
અયોગ્યના તારક બનવાની, કિન્તુ તમારી ટેવ;

કહ્યું તમે કે, મારે માટે પ્રાર્થના કરે જે,
યાદ કરે મુજને પ્રેમ કરે, ધન્ય થાય છે તે.

'તેની રક્ષા કરવા માટે સદા રહું તૈયાર;
દુઃખદર્દના દાવાનલથી, કરવા તેને પાર.’

વળી કહો કે આવે મારે શરણ પ્રેમથી જે;
નિર્ભય તેણે બની જવું, ના વ્યગ્ર થાય જન તે.

તેની ચિંતા કરું સદા હું, એ શબ્દોની યાદ,
આપું છું ને કરી રહ્યો છું, સહાયસારુ સાદ;

નથી દ્રવ્ય વૈભવની ઈચ્છા, ચહું નહીં સંતાન,
રોગ નિવારણની ન મનીષા, કામના નથી આન.

અંદરના વૈભવને ચાહું, કરું પૂર્ણતાઆશ,
કૃપા તમારી વરસાવો તો, એ યાચું હું ખાસ;

હનુમાને તુલસી પર કેવી, કરી કૃપાની ધાર,
કરો કૃપાની ધારા તેવી, હે જગના આધાર.

તમારા સમો નથી અન્ય કો જાણ્યો જોયો મેં,
પ્રભાવ ન્યારો ખરે તમારો, સિદ્ધ મંડળે છે;

સમર્થ સાચા તમે મળ્યા છો તેનો છે આનંદ,
સાંઈનાથ કરું હું પૂજા, આ સ્વરમાં સાનંદ.

ઉદાર છો, તો માફ કરી દો થયા દોષ સઘળાં,
જાણ અજાણે કહ્યાં હોય જો, વચન કોક કપરાં;

પરોપકારી, દર્શન આપો, મુજને પ્રેમ કરી;
'પાગલ’ પ્રાર્થે ત્યારે પ્રેમે, કરું વાત સઘળી

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit